Search Icon
Nav Arrow
Save Forest
Save Forest

શહેરમા રહેતા હતા બિમાર, ગામડે જઈ પથરાળ જમીન ઉપર વાવ્યા 1400 વૃક્ષો અને થઈ ગયા સ્વસ્થ

આ રિટાયર્ડ બેંક મેનેજરે 7 વર્ષમાં પથ્થરવાળી જમીનને કરી દીધી હરિયાળી, લગાવ્યા 1400 વૃક્ષો

ઘણીવાર એવું જોવામાં આવે છે કે નિવૃત્તિ પછી લોકો આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે. તેમની પહેલી પસંદગી શહેર જ હોય છે. કારણ કે, નિવૃત્તિ પછી, લોકો સુવિધાઓની શોધ કરે છે, જેથી ઉંમરના આ તબક્કે હોસ્પિટલ વગેરેની કોઈ સમસ્યા ન આવે. પરંતુ, જે વ્યક્તિની વાર્તા અમે તમને આજે જણાવવા જઈ રહ્યા છીએ તેમણે દિલ્હી-મુંબઇનું જીવન છોડી દીધું છે અને ઉત્તરાખંડની ટેકરીઓમાં તેમના જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરી છે. તેમના જીવનનું એક જ લક્ષ્ય છે – ‘જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી પ્રકૃતિ સાથે જોડાયેલા રહીશું.’

અમે વાત કરી રહ્યા છીએ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા સેમલતા ગામના રહેવાસી 67 વર્ષીય સોબતસિંહ બાગડીની, જે છેલ્લા આઠ વર્ષથી તેમના ગામમાં રહે છે અને તે પણ એકલા. તેમનો આખો પરિવાર મુંબઈમાં રહે છે અને તેમના બાળકો સારા પદો પર કામ કરે છે. પરંતુ આ બધા છતાં પણ તેમણે ગામની પસંદગી કરી. તેમના નિર્ણય વિશે સોબતસિંહે બેટર ઈન્ડિયાને કહ્યું કે થોડા સમય પછી તેની તબિયત લથડતા તેઓ શહેરની જીંદગીથી કંટાળી ગયા હતા. આ પછી જ તેમણે નિર્ણય કર્યો કે તેઓ પોતાનું જીવન પર્વતોમાં વિતાવશે.

Sobat Singh

ગામમાં પાછા ફર્યા બાદ શરૂ કર્યુ વૃક્ષારોપણ

સોબત સિંહ કહે છે, “મારું સ્કૂલનું શિક્ષણ ગામમાં થયુ અને ત્યારબાદ મેં બી.કોમ, એમ.કોમ. કર્યુ. મને દિલ્હીમાં પંજાબ નેશનલ બેંકમાં નોકરી મળી ગઈ અને 2007માં મે નિવૃત્તિ લીધી. જ્યારે હું નિવૃત્ત થયો ત્યારે હું સિનિયર મેનેજરની પોસ્ટ પર હતો, પરંતુ મારી તબિયત ખરાબ રહેતી હતી. મને એક વખત હાર્ટ એટેક આવ્યો હતો અને એક વાર બ્રેઇન સ્ટ્રોક થયો હતો. તેથી, મેં વિચાર્યું કે મારે નિવૃત્તિ લેવી જોઈએ.” નિવૃત્તિ પછી, સોબતસિંહે થોડા વર્ષો દિલ્હીમાં રહ્યા અને પછી થોડો સમય મુંબઇમાં રહ્યા.

પરંતુ, તેમને શહેરનું જીવન ગમતું ન હતું, તેથી તેમણે ગામમાં પાછા આવીને સ્થાયી થવાનું વિચાર્યું. તેઓ કહે છે, “જ્યારે હું ગામ પાછો ફર્યો ત્યારે ઘણા લોકોને આ નિર્ણય યોગ્ય લાગ્યો ન હતો. કારણ કે, દરેક જણ વિચારે છે કે શા માટે શહેરની સુવિધાઓ છોડીને ગામમાં આવવું જોઈએ. પરંતુ હું ગામ અને શહેરની આબોહવા વચ્ચેનો તફાવત સારી રીતે જાણું છું, તેથી હું જાણતો હતો કે મારો નિર્ણય યોગ્ય છે.”

તેઓ વધુમાં કહે છે કે જ્યારે તેઓ ગામ પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે ગામમાં ઘણી જગ્યાઓ ખાલી પડી હતી. સપાટ જમીનના અભાવે લોકોને ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, સોબતસિંહે વિચાર્યું કે ખાલી ઉજ્જડ જમીન કરતાં કેટલાક વૃક્ષો અને છોડ લગાવવાનું વધુ સારું છે. વર્ષ 2014માં, તેમણે એક જગ્યાએ વૃક્ષારોપણ શરૂ કર્યું, પરંતુ તે સરળ કાર્ય નહોતું. તે જગ્યા જ્યાં તેઓ કામ કરતા હતા, તે એક પર્વત હતો, તે પણ ખડકાળ-ઉજ્જડ પર્વત. પરંતુ સોબતસિંહે પરિસ્થિતિ બદલવાનો નિર્ણય કરી લીધો હતો.

સૌ પ્રથમ, તેમણે આ પર્વત પર સીડીની આકારમાં નાના પટ્ટાઓ બનાવ્યાં. આ પછી વન વિભાગ દ્વારા 200 કેરીના રોપા રોપવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી કેટલાક બગડ્યા હતા. તેથી સોબતસિંહ ખાસ રોપાઓ લેવા દહેરાદૂન ગયા હતા. તેઓ કહે છે, “શરૂઆતમાં, મેં 300 રોપાઓ રોપ્યા. પછી ધીરે ધીરે વધુ વૃક્ષો વાવ્યા. આજે 1050 કેરીના ઝાડ અને 150 જેટલા કાગજી લીંબુના ઝાડ છે. છેલ્લા છ-સાત વર્ષોમાં, તેઓનો વિકાસ સારો થયો છે અને એક સમયે વેરાન દેખાતા પર્વત પર આજે દૂરથી લીલોતરી દેખાય છે.”

Save Forests

કામ સરળ ન હતું

સોબતસિંહ કહે છે કે પર્વત પર ઝાડ રોપવાનું એટલું સરળ નહોતું, કેમ કે તેને ખાતર, પાણી અને સંભાળ માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા. પાણીની જોગવાઈ માટે, તેઓએ પરંપરાગત ગડેરે (જળસ્ત્રોત) નો આશરો લીધો. તેમણે કહ્યું કે તેઓ મોટા પાઈપો લાવ્યા અને તેની મદદથી તે ગદેરેમાંથી ઝાડ સુધી પાણી લઈ જતા હતા. જંગલી પ્રાણીઓ છોડને બગાડે નહીં તે માટે તેઓએ તમામ છોડની આસપાસ વાડ પણ લગાવી. શરૂઆતનાં ત્રણ-ચાર વર્ષ, તેમણે એકલા સખત મહેનત કરી. તેમનો આખો દિવસ છોડ માટે ખાતર બનાવવા, નીંદણ અને પાણી આપવાની કામગીરીમાં વીતી જતો હતો.

તેમણે વધુમાં કહ્યું, “જો કોઈ જરૂર હોય તો, ઘણી વખત મજૂરો પણ કામે લગાડવામાં આવતા હતા, કારણ કે લોકો મદદ માટે આવતા ન હતા. ઘણીવાર લોકો મારી મજાક ઉડાવતા હતા. બધાએ વિચાર્યું કે તે એક પાગલ છે, જેણે પોતાનું આરામભર્યુ જીવન છોડી દીધું છે અને દિવસ દરમિયાન ઝાડ અને છોડ રોપતો રહે છે. પરંતુ મારે આ સ્થાનને લીલુંછમ બનાવવું હતું અને સૌથી અગત્યની વાત એ હતી કે અહીં આવીને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓછી થઈ હતી. એવું નથી કે આ રોગ સંપૂર્ણ રીતે દૂર થઈ ગયો છે, પરંતુ શહેરોની તુલનામાં, હું અહીં ગામમાં વધુ તંદુરસ્ત રહું છું. હવે મારે ક્યાંય પણ બહાર જવાનું મન કરતુ નથી.”

Tree Plantation

પર્વતને લીલોછમ કરવાની સાથે સાથે, તેમણે ગામમાં બીજી જગ્યાએ વૃક્ષો વાવ્યા છે. બીજી જગ્યાએ, તેમણે 200 જેટલા લીંબુ અને 70 જેકફ્રૂટનાં રોપાઓ રોપ્યાં છે. તેમના પ્રયત્નો જોઈને જિલ્લાના બાગાયત વિભાગે તેમને મદદ કરી. તેઓ કહે છે, “બાગાયત વિભાગની મદદથી હું આ બગીચા માટે ટપક સિંચાઈ સિસ્ટમ સ્થાપિત કરી શક્યો. હવે પાણીની સમસ્યા સમાપ્ત થઈ ગઈ છે. બાગાયત વિભાગ તરફથી, મને મારા કાર્ય માટે એક એવોર્ડ પણ મળ્યો છે. જો કે, મેં આ કાર્ય કોઈ એવોર્ડ અથવા પ્રશંસા માટે કર્યું નથી. મેં આ કામ મારા માટે કર્યું છે, જેથી મને સારી અને શુદ્ધ હવા મળી શકે.”

છેલ્લા બે-ત્રણ વર્ષથી, તેમને આ ઝાડમાંથી ફળ મળવાનું શરૂ થયું છે. સોબતસિંહે જણાવ્યું છે કે તેમણે દશેરી, ચોસા, લંગડા સહિત અનેક પ્રકારના કેરીના વૃક્ષો વાવ્યા છે. છેલ્લા બે વર્ષથી તે લોકોમાં કેરીનું વિતરણ કરી રહ્યા છે અને આ વર્ષે પણ સારા ઉત્પાદનની આશા છે. તેઓ કહે છે કે આ કામ તેમણે કોઈ આવક માટે કર્યું નથી, તેમનો ઉદ્દેશ ઉજ્જડ જમીનને આબાદ બનાવવાનો હતો. હવે તેમનો આ બગીચો લોકો માટે એક મોડેલ જેવો છે, જેને અપનાવવામાં આવે તો લોકો પર્વત પર સારી આવક મેળવી શકે છે.

ખરેખર, સોબતસિંહ બાગડી આપણા બધા માટે પ્રેરણાસ્ત્રોત છે, જેમણે ઉંમરનાં આ તબક્કે ગામને પસંદ કર્યું છે અને પ્રકૃતિની સેવા કરી રહ્યા છે. બેટર ઈન્ડિયા સોબતસિંહના જુસ્સાને સલામ કરે છે.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ભુજના આ દંપતિના ઘરે નથી પડતી ક્યારેય પાણીની તૂટ કે નથી ભરવું પડતું લાઈટ બિલ, ફળ-શાકભાજી પણ ઘરે વાવેલ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon