જો તમે કંઇક કરવા માટે દ્રઢ સંકલ્પ કરો છો, તો પછી તમારી ઉંમર તમને ક્યાંય નડતી નથી . માન્યા હર્ષ પર્યાવરણ વિશે ખૂબ જ સભાન અને ચિંતિત છે. તે ભારતની ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં સકારાત્મક પરિવર્તન લાવવા તરફ કામ કરી રહી છે.
પર્યાવરણને હરિયાળું રાખવા માટે, તે ઘણી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલી છે. યુએન વોટરે તેના આ પ્રયાસો માટે તેની ખૂબ પ્રશંસા કરી છે. સૌથી રસપ્રદ અને મહત્વની વાત તો એ છે કે આ બધું કરનાર માન્યા હર્ષ માત્ર 10 વર્ષની જ છે.
નાની ઉંમરમાં મોટી કમાલ
માન્યા બેંગ્લોરની વિબગ્યોર હાઇ બીટીએમ સ્કૂલમાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની છે. તેની દાદીના ઘરની આસપાસની હરિયાળી વચ્ચે ઉછરેલી માન્યાને હંમેશા પ્રકૃતિ પ્રત્યે ખુબ જ પ્રેમ રહ્યો છે. તે પોતાનો સમય કુદરતને બચાવવા માટેના પ્રચારમાં વિતાવે છે. જ્યારે માન્યાએ શહેરમાં કચરાની વધતી સમસ્યા જોઈ ત્યારે તેણે તેના માટે કંઈક નક્કર કરવાનું વિચાર્યું.
ત્યારથી તેણે બાળકો માટે વોકાથોનનું આયોજન કરવાનું શરૂ કર્યું. પર્યાવરણીય સંરક્ષણ અંગે લોકોને જાગૃત કરવા માટે બ્લોગ બનાવ્યો. આ ઉપરાંત, તેમણે પ્રકૃતિ વિષય પર પાંચ પુસ્તકો પણ લખ્યા છે.
તાજેતરમાં, માન્યા કચરાં અને પ્રદૂષણની સતત વધતી જતી સમસ્યાને હલ કરવાના અભિયાનનો એક ભાગ રહી હતી. તેમણે માર્કોનહલ્લી ડેમ અને વરકા બીચ પર ક્લિન-અપ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. તેને વર્ષ 2020માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી હતી. માન્યાએ લોકોને જાગૃત કરવા માટે એનિમેટેડ શોર્ટ ફિલ્મો પણ બનાવી છે. તેને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું કારણ કે આટલી નાની ઉંમરે આજ સુધી કોઈએ આવું કંઈ કર્યું જ ન હતું.

વૃક્ષો બચાવવાની અનોખી રીત
જ્યાં બાળકો ઉનાળાના વેકેશન દરમિયાન મસ્તી કરે છે. ત્યાં, માન્યાએ કોઈ પણ જાતના ખર્ચ વગર વૃક્ષો બચાવવાનો એક અનોખો રસ્તો શોધી કાઢ્યો. દસ ડુંગળીની છાલમાંથી તે બે થી ત્રણ A4 સાઈઝના કાગળો બનાવે છે.
આ પણ વાંચો: મા-દીકરીની જોડીએ ઝાડ કાપ્યા વગર બનાવી 1200+ પેપર પ્રોડક્ટ્સ, દરેકમાંથી ઊગે છે એક નવો છોડ
માન્યા કહે છે, “મેં વિચાર્યું કે ઘરના રસોડામાંથી કચરા સાથે શું કરી શકાય? આખરે મેં આ કચરામાંથી કાગળ બનાવવાની રીત શોધી કાઢી, અને પછી કચરામાંથી કાગળ બનાવવાનું નક્કી કર્યું.”
છાલમાંથી કાગળ કેવી રીતે બને છે?
આ બાળ પર્યાવરણવિદ્દે ધ બેટર ઇન્ડિયાને કહ્યું કે તે શાકભાજીની છાલમાંથી કાગળ કેવી રીતે બનાવે છે:
· સૌ પ્રથમ, શાકભાજીની છાલ કચરાપેટીમાં ફેંકવાને બદલે એક જ જગ્યાએ એકત્રિત કરો. વિવિધ રંગના કાગળ માટે છાલ અલગ-અલગ રાખવાની હોય છે. ઉદાહરણ તરીકે, ડુંગળીની છાલમાંથી જાંબલી કાગળ બનાવી શકાય છે, જ્યારે મકાઈની છાલમાંથી પીળા રંગના કાગળ બનાવી શકાય છે.
· આ પછી, આ છાલને કૂકરમાં પાણી અને એક ચમચી બેકિંગ સોડા સાથે 3 કલાક માટે પકાવી લો. બેકિંગ સોડા પલ્પને તોડવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: કપડાં સૂકવવા માટેની આ ક્લિપને અપનાવો અને હજારો ટન પ્લાસ્ટિકથી ધરતીને બચાવો
· 3 કલાક પછી, મિશ્રણને મિક્સરમાં નાખીને પીસી લો. તેમાં થોડું પાણી પણ ઉમેરો.
· હવે આ પલ્પને સપાટ જગ્યાએ ફેલાવો. મિશ્રણમાં પાણી હોય તો તેને સૂકવવા માટે પાતળા સુતરાઉ કાપડ અથવા ચાળણી પર ફેલાવવામાં આવે તો તે વધુ સારું છે.
· તેને આખી રાત આ રીતે સુકાવા દો. સવારે રંગીન કાગળ તૈયાર થઈ જશે. તમે ઇચ્છો તેમ તેનો ઉપયોગ કરી શકો છો.
· અમારી સાથે પેપર બનાવવાનો પોતાનો અનુભવ શેર કરતા માન્યા કહે છે, “પહેલાં પ્રયાસમાં ખૂબ જ ખરાબ પેપર બન્યુ હતું. પરંતુ જ્યાં સુધી તેણીએ કાગળના વિવિધ રંગો અને આકારનું પેપર તૈયાર ન કર્યું ત્યાં સુધી તે ધીરજ અને દ્રઢતા સાથે બનાવતી રહી.” તેણે સલાહ આપતા કહયું, “તહેવારની ઋતુઓમાં ઉપયોગમાં લેવાતા તાજા ફૂલો અને પાનમાંથી પણ સોફ્ટ પેપર બનાવી શકાય છે.”
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: ડાંગનો આ યુવાન વાંસમાંથી બનાવે છે 100+ ડિઝાઇનનાં ઘરેણાં, આપે છે 15 લોકોને રોજગારી પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.