જો તમે સુરત ગયા હોવ અને ડુમસ રોડ પર નીલમબેનના પરાઠા ન ખાધા હોય તો જરા અધુરું ગણાય. નીલમબેન તેમના ત્યાં આવનાર દરેક ગ્રાહકને હસતા મોંઢે ગરમા-ગરમ પરાઠા પીરસે, જેનાથી તેમની ભૂખ પણ વધી જાય. એટલું જ નહીં તેઓ અહીં 90 પ્રકારના પ્રરાઠા બનાવે છે, જેમાંનાં ઘણાં નામ તો કદાચ તમે પહેલાં સાંભળ્યાં પણ હોય.
2008 થી શરૂ થયેલ તેમના આ સંઘર્ષથી સફળતાની કહાનીમાં ઘણા ચઢાવ-ઉતાર છે. એક દુ:ખદ ઘટના બાદ આઘાતમાં સરી પડ્યા બાદ દીકરીના ભવિષ્ય માટે ખોલેલ આ પરાઠાની લારીથી આજે નીલમબેન પોતે તો આત્મનિર્ભર બન્યાં જ છે, સાથે-સાથે અન્ય 4 લોકોને પણ રોજી આપે છે.
મૂળ સૌરાષ્ટ્રના પણ વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા નીલમબેન પટેલે પોતાના સાથે બનેલ એક ખુબ જ દુઃખદ ઘટનાબાદ ભાંગી ન પડી પોતાની એકની એક દીકરીના આગળના ભવિષ્ય માટે કંઈક નક્કર કરવા માટે વર્ષ 2008 માં પરોઠાની લારી શરુ કરેલી જે આજે પણ કાર્યરત છે. આ વ્યવસાય દ્વારા ન તો તેઓ ફક્ત પોતાના પરિવારની જવાબદારી સંતોષી રહ્યા છે પરંતુ સાથે સાથે 4 વ્યક્તિઓને રોજગારી પણ આપી રહ્યા છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા નીલમબેન જણાવે છે કે, લવ મેરેજ કર્યા પછી તેમણે આજીવિકા માટે ઘણા બધા કામ કરેલા જેમાં વિડીયો શૂટિંગ, ખેતી વગેરે પર હાથ અજમાવ્યો પરંતુ તે વ્યવસ્થિત સેટ ન થતા 2008 માં પીપલોદ બિગ બાઝાર, સુરત ડુમ્મસ રોડ પાસે પટેલ પરાઠા નામ આપી લારી શરુ કરી.

પરાઠાની લારી જ કેમ
પરાઠાની લારી શરુ કરવા પાછળનું કારણ જણાવતા નીલમબેન કહે છે કે તેમના પિતા હોટલમાં શેફ હતા અને તેમના જોડે રહીને જ નીલમબેનને પણ વિવિધ જાતના પરાઠા જેમકે આલુ પરાઠા, ઓનિયન પરાઠા, ગોબી પરાઠા વગેરે બનાવતા આવડતું હતું. આજીવિકા માટે બીજા બધા જ રસ્તા અપનાવી ચુક્યા બાદ તેમણે વિચાર્યું કે તેમનામાં આ જે પરાઠા બનાવવાની આવડત છે તેને જ એક વ્યવસાય તરીકે અમલમાં મૂકીએ તો અને આમ તેઓએ પરાઠાની લારી શરુ કરવાનું નક્કી કર્યું.
દીકરીએ ગલ્લામાં ભેગા કરેલા રૂપિયાનું રોકાણ કર્યું
નીલમ બેન જણાવે છે કે,”અમે શરૂઆતમાં 35000 નું રોકાણ કર્યું. આર્થિક રીતે સધ્ધર નહોતા તેથી 15000 અમારા ભેગા કરેલા હતા અને તેમાં બીજા દીકરી દ્વારા સાત વર્ષથી ગલ્લામાં ભેગા કરાયેલા 12 થી 15 હજાર ઉમેરીને અને બીજા થોડા આઘા પાછા કરી આ ધંધામાં રોક્યા.”

શરૂઆતના છ મહિના દરમિયાન બધું જ કામ નીલમબેન, તેમની દીકરી અને તેમના પતિ જાતે જ કરતા હતા. પરંતુ છ જ મહિનામાં ધંધો સેટ થયો અને અવાક મળવા લાગી ત્યારે તેમણે 2 માણસોને મહિને ત્રણ હજારના પગારે કામ પર રાખ્યા.
અત્યારે તો તેમના પતિએ નાસ્તા પાણીનો વ્યવસાય શરુ કરેલો છે પરંતુ આજે પણ તેમની દીકરી કોલેજથી આવ્યા પછી નીલમબેનને ભરપૂર મદદ કરે છે.

લોકોનો અવિશ્વાસ અને શરૂઆતમાં પડેલી મુશ્કેલીઓ
તેઓ જણાવે છે કે, તેમના આ લારી શરુ કરવાના શરૂઆતના નિર્ણય સામે ઘણા લોકોને વિશ્વાસ નહોતો અને તેઓ આ બાબતની મજાક પણ ઉડાવતા હતા અને કહેતા કે વધુમાં વધુ ફક્ત 2 મહિના જ ચાલશે. ઘણા તો વણમાગી સલાહ પણ આપી જતા કે ઘરે પરોઠા બનાવવા અલગ વસ્તુ છે અને તેના દ્વારા ધંધો સ્થાપીને કમાવવું પણ ખુબ અલગ. તે સિવાય લારીની શરૂઆત બાદ બે ત્રણ મહિના સુધી મુશ્કેલીઓ પણ ખુબ આવી જેમ કે કોર્પોરેશન વાળા લારી મુકવા ન દે, બીજા લારી વાળાઓ કમ્પ્લેન કરી નાખે તેમના વિરુદ્ધ વગેરે. પરંતુ આગળ જતા તેમની સફળતાએ આ બધા જ લોકોની બોલતી બંધ કરી દીધી. આમ,જે તે લોકો તેમના દ્વારા શરુ કરવામાં આવેલા આ સાહસ પર વિશ્વાસ નહોતા કરતા કે મજાક ઉડાવતા હતા, તેઓ જ આજે તેમનાં વખાણ પણ કરે છે અને પરાઠા ખાવા પણ આવે છે અહીં.
સફળતાની શરૂઆત
તેઓ આગળ કહે છે કે 2008 માં શરૂઆતથી જ અમારે ત્યાં 90 પ્રકારના પરોઠા પીરસવામાં આવતા હતા પરંતુ આગળ જતા ધીમે ધીમે જે વેરાયટી ચાલતી નહોતી કે લોકોને પસંદ નહોતી પડતી તેને અમે બંધ કરી દીધી અને 6 જ મહિનામાં તેમનો આ ધંધો સારો ચાલવા લાગ્યો અને ગ્રાહકો તરફથી સારામાં સારો પ્રતિસાદ મળવા લાગ્યો. કારણકે તેઓ એકદમ હાઈજેનીક રીતે પરોઠા બનાવતા અને ગ્રાહકોને પણ ઘર જેવી આત્મીયતા સાથે પીરસીને જમાડતા.

યુવાનોમાં તો તેઓ ખાસ લોકપ્રિય થયા અને સાથે સાથે તે દરેક લોકોની અલગ અલગ જરૂરિયાત પ્રમાણે જમવાનું બનાવી આપવા લાગ્યા જેમ કે કોઈ હોસ્પિટલથી આવે તો તેમની તબિયતને અનુકૂળ આવે તે રીતે જમવાનું બનાવીને આપતા.
અત્યારે તો તેમણે 4 છોકરાઓને નોકરી પર રાખ્યા છે, જેમથી 8 થી 10 હજારનો પગાર ચૂકવે છે. પહેલા તેઓ 25 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના વિવિધ વેરાયટીના પરોઠા વેંચતા હતા અને અત્યારે 80 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીના વિવિધ વેરાયટી પ્રમાણે મળે છે.

તેમના પરાઠા પાછળ સુરતીઓ છે ઘેલા
સુરતમાં એક યુનિક સ્ટાઇલ છે નાસ્તા માટેની કે અહીંયા લોકો ફૂટપાથ પર બેસીને જમે છે એટલે કે એકદમ રોડ ટચ લારીની પાસે જ ફૂટપાથ પર ચટાઈ પાથરેલી હોય છે અને લોકો ત્યાં પલાંઠીવાળીને બેસીને જમે છે. ઓડી, મર્સીડીઝ લઈને પણ આજે લોકો તેમના પરોઠા જમવા માટે આવે છે. અને નીલમબેન કહે છે કે તમે અમારી લારીમાં વિવિધ વેરાયટીના દરેક પરાઠા ચાખો પરંતુ દરેકનો સ્વાદ અલગ જ આવશે. ઘણા લોકો જે શહેર છોડીને બીજે રહેવા ગયા છે તેઓ પણ ફક્ત પરાઠા જમવા માટે ઘણીવાર લારી પર આવતા હોય છે.
આજે તો તેઓ પરાઠા સિવાય પાવભાજી, પુલાવ, પંજાબી ભોજન વગેરે બનાવે છે. આજે પણ આ બધું જ તેઓ પોતાની મેળે જ બનાવે છે અને તેમની મદદ તેમની દીકરી કરે છે તથા લારી પર નોકરીએ રાખેલ માણસો પીરસવાનું અને સાફ સફાઈનું કાર્ય કરે છે. આમ આ વ્યવસાય દ્વારા બીજા લોકોને રોજગારી આપવાની સાથે અત્યારે નીલમબેન મહિને બધો જ ખર્ચો કાઢતા 35 થી 50 હજાર જેટલું કમાઈ લે છે.
નીલમબેનની જિંદગીનું એક અનોખું પાંસુ
તેમની પાસે આઠ પર્શિયન બિલાડીઓ છે. બિલાડી પાળવાની શરૂઆત તેમણે આજથી પાંચ વર્ષ પહેલા કરેલી. તેમનું માનવું છે કે અમે ખુબ જ સંઘર્ષ અને તકલીફ વેઠીને આગળ આવ્યા છીએ અને હવે અમે કમાઈએ છીએ તો સુપાત્ર લોકો હોય તો ઠીક છે બાકી મનુષ્ય કરતા વધારે અબોલ જીવોની સેવા કરવી સારી અને આ આશય સાથે જ તેમણે બિલાડી પાળવાની શરૂઆત કરેલી. તે સિવાય તેમની લારી પર દરરોજ શેરીના ત્રણ શ્વાન આવીને ભોજન કરી જાય છે અને તે પણ એક પણ દિવસ ચુક્યા વગર અને જો નીલમબેન બીઝી હોય તો તેઓ શાંતિથી પાછા જતા રહે છે અને ફરી એકાદ કલાક પછી આવીને ઉભા રહી ભોજન મેળવે છે.

કોરોના કાળ દરમિયાન વ્યવસાય ઠપ થઇ ગયેલો પરંતુ ઘણા વર્ષોથી તેમનો આ ધંધો ચાલતો હતો એટલે બચતમાંથી ઘર ચાલતું રહ્યું પરંતુ વધારે કઈ તકલીફ ના પડી તથા સમયની ગંભીરતાને પારખી નીલમબેને જે છોકરાઓ તેમની લારી પર કામ કરતા હતા તો તેમણે આ સમય દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તેમનો પણ અડધો પગાર તો ચાલુ જ રાખેલો.
છેલ્લે તેઓ ધ બેટર ઇન્ડિયાને એટલું જણાવે છે કે, તેઓ માને છે કે દરેક સ્ત્રી એ ખરેખર આત્મનિર્ભર થવું જરૂરી છે. આજના આ જમાનામાં ટકી રહેવા માટે સ્ત્રીએ ફક્ત પુરુષ જ કમાય તે વિચારસરણીમાંથી બહાર આવી અને ઘરમાં ફક્ત પુરુષની અવાક પર નિર્ભર રહેવા કરતા પોતાના અને પરિવાર માટે પણ કોઈક સાહસ દ્વારા આજીવિકા ઉભી કરી આત્મનિર્ભર બનવું જોઈએ.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કળાથી બદલ્યો કચરાનો ચહેરો, કચ્છની મજુર મહિલાએ ઉભી કરી પોતાની બ્રાંડ, બીજાને પણ આપી રોજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.