સ્ટ્રોબેરી ખાવામાં સ્વાદિષ્ટ હોવા સાથે પોષક ગુણધર્મોથી ભરપુર હોય છે. નિયમિત રૂપથી તેનું સેવન કરવાથી ઈમ્યુનિટી લેવલ વધવાની સાથે રોગો સામે પણ રક્ષણ મળે છે. તે વિટામિન અને ફાઇબરથી ભરેલી હોય છે. એવું માનવામાં આવે છે કે, સ્ટ્રોબેરીની ખેતી ફક્ત ઠંડા વિસ્તારોમાં થાય છે પરંતુ તે એક માન્યતા છે. આજે અમે તમને કર્ણાટકના એવા ખેડૂત સાથે પરિચય કરાવીશું, જે સ્ટ્રોબેરીની શાનદાર ખેતી કરી રહ્યા છે.
કર્ણાટકના ધારવાડ જિલ્લાના 44 વર્ષીય શશીધર ચિકપ્પા ગોરાવર લાંબા સમયથી સ્ટ્રોબેરીની ખેતી કરે છે. તે તેની એક એકર જમીન પર 25 હજાર સ્ટ્રોબેરી પ્લાન્ટ પરથી પાક લઈ રહ્યા છે.
શશિધરે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “હું 30 ટન સ્ટ્રોબેરી ઉગાડું છું. તમને જણાવવામાં ખુશી થાય છે કે મને કેરળ, ગોવા અને હૈદરાબાદ જેવા સ્થળોએથી લણણી પહેલાં ઓર્ડર મળવા લાગે છે.”
શશીધર જણાવે છે”પહેલાં હું મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતો હતો. આ વિસ્તાર સ્ટ્રોબેરીના ઉત્પાદન માટે પણ પ્રખ્યાત છે. મેં ત્યાં સ્ટ્રોબેરી ઉગાડવાની તાલીમ એક વર્ષ લીધી અને ઓર્ગેનિક સ્ટ્રોબેરી કેવી રીતે ઉગાડવી તે શીખ્યુ. એક એજન્ટની મદદથી, મેં કેલિફોર્નિયાથી 250 સ્ટ્રોબેરીનાં છોડ મંગાવ્યા અને સપ્ટેમ્બર 2019માં ખેતી શરૂ કરી.”
પરિવારના સભ્યો અને અન્ય કામદારોની મદદથી શશીધરે ખેતી શરૂ કરી. એક મહિના પછી સ્ટ્રોબેરી લણણી માટે તૈયાર થઈ ગઈ. “હું અને મારો પરિવાર લણણી અંગે ખૂબ ખુશ હતા. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે સ્ટ્રોબેરી અહીં ન થઈ શકે, પરંતુ મેં તેમને ખોટાં સાબિત કર્યાં. સ્ટ્રોબેરીની ઘણી જાતો છે, જેમાંથી કેટલીક ધરવાડ જેવા ગરમ સ્થળોએ પણ ઉગી શકે છે.” શશીધરે કહ્યું.

એકવાર લણણી પૂર્ણ થઈ ગયા પછી, શશીધર, તેની પત્ની, બંને બાળકો અને અન્ય કામદારોએ સ્ટ્રોબેરીની પેકિંગ કરી અને ઓર્ડર પ્રમાણે તેમને જુદા જુદા સ્થળોએ મોકલી દીધી. “મારો નાનો દીકરો સ્ટ્રોબેરી પેક કરવામાં મને મદદ કરે છે અને મોટો દીકરો મને તેનું માર્કેટિંગ કરવામાં મદદ કરે છે. મારી પત્ની તમામ બાબતોમાં મને ટેકો આપી રહી છે, પછી ભલે તે છોડને પાણી આપે કે પેકિંગ કરે.” તેમણે આગળ કહ્યુ.
ખેતીથી થતા નફા અંગે તેઓ કહે છે, “નફો બજારનાં દરો પર આધારીત છે. આ વખતે મેં 6-8 લાખ રૂપિયાની કમાણી કરી છે. જો બજારમાં જ દર દર ઓછો હોય, તો પછી તેમને આટલી કમાણી થશે નહીં.”
“શશીધરે રાસબેરિઝ પણ ઉગાડી છે. તે આવતા વર્ષ સુધીમાં તેની લણણી કરવાની આશા પણ રાખી રહ્યા છે. તે પોતાના ખેતરોમાં શેતૂર અને આંબળા ઉગાડવાની પણ યોજના ધરાવે છે.
શશીધર સ્ટ્રોબેરીના ફળની સાથે સાથે છોડ પણ વેચે છે. દરેક પ્લાન્ટની કિંમત 10 રૂપિયા હોય છે, પરંતુ તેની સાથે જોડાયેલી માહિતી અને સલાહ કોઈ ફી વગર આપે છે.
તેમનું માનવું છે કે છોડની સંભાળ રાખવી સરળ નથી. સ્ટ્રોબેરીની ખેતીમાં ઘણી વધારે મહેનત છે. તે જણાવે છે.,”હું દિવસમાં એકવાર છોડને પાણી આપું છું. દરેક છોડની સ્વચ્છતાની પણ કાળજી લેવી પડે છે, નહીં તો તે પાકની લણણી પર અસર કરશે. સુકા પાંદડા પણ દૂર કરવા જોઈએ.”
“જો છોડને કોઈ પોષણ અથવા કોઈપણ જૈવિક પેસ્ટિસાઇડની જરૂર હોય, તો તે પાણી સાથે મિક્સ કરીને આપવામાં આવે છે. શશીધર મુજબ કોઈ પણ વ્યક્તિ સ્ટ્રોબેરી ઉગાડી શકે છે. તમે તમારા ઘરમાં છત પર પણ સ્ટ્રોબેરી બેથી ચાર લોકો માટે ઉગાડી શકો છો.
સ્ટ્રોબેરી ઉગાડવા માટેની મહત્વપૂર્ણ બાબતો:
Ø સૌથી પહેલી વાત, જમીન ઘણી સારી હોવી જોઈએ જેથી છોડને સારું પોષણ મળે.
Ø છોડને દરરોજ પાણી આપો.
Ø તમે ઘરના ભીના કચરામાંથી ખાતર બનાવી શકો છો.
Ø જ્યાં પણ છોડ રોપવામાં આવે છે, તે જગ્યા સ્વચ્છ હોવી જોઈએ અને હંમેશા સૂકા પાંદડા કાઢી નાંખવા જોઈએ.
Ø લગભગ દોઢ મહિનામાં, તમારી સ્ટ્રોબેરી તૈયાર થઈ જાય છે.
આગળ, શશીધર કહે છે કે, ફક્ત 30×40 ચોરસ ફૂટ જગ્યામાં 500 સ્ટ્રોબેરીનાં છોડ રોપી શકાય છે. છોડમાં ભેજ રાખવા માટે તમે ટપક સિંચાઈનો ઉપયોગ પણ કરી શકો છો. જો બધું બરાબર રહ્યુ તો, શશિધર સ્ટ્રોબેરીની ખેતી માટે તાલીમ સંસ્થા ખોલવાની યોજના ધરાવે છે.
“એકવાર કોરોનાવાયરસનો પ્રકોપ ખત્મ થઈ જાય, તે બાદ, હું અધિકારીઓ સાથે વાત કરીશ અને તાલીમ સંસ્થા માટે કામ આગળ વધારીશ. આપણામાંના ઘણાને સ્ટ્રોબેરીની ખેતી વિશે ખબર નથી હોતી. અન્ય લોકોને જો ખેતી વિશે જણાવી શકું તો મને આનંદ થશે. જેથી તેમની આવક વધે, ”શશીધરે અંતે કહ્યું.
જો તમે પણ સ્ટ્રોબેરીની ખેતી કરવા માંગતા હો અથવા માહિતી મેળવવા માંગતા હો, તો તમે શશીધરને 86988 89944 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: MBA થયેલી ગૃહિણીએ સંભાળી પિતાની ખેતી, પ્રાકૃતિક ઉપજથી ઘરે જ તૈયાર કરે છે વિવિધ વસ્તુ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.