ગુજરાત રાજ્યનું પાટણ શહેર એક સમૃદ્ધ સુવર્ણ ઇતિહાસ ધરાવે છે અને તે પોતાની ઐતિહાસિક ધરોહરથી ઓળખાતું શહેર છે. પાટણ રાણીની વાવ, પટોળા, સહસ્ત્રલિંગ તળાવ, અને જૂની પોળો માટે તો પ્રખ્યાત છે જ અને તે વિશે મોટાભાગે આપણે બધાં જ જાણીએ છીએ. પરંતુ આ બધાની સાથે પાટણ પોતાને ત્યાં જ શોધાયેલ એક મીઠાઈ માટે વિશ્વવિખ્યાત છે એ તમને ખબર છે?
હા, પાટણ આજે પણ વર્ષો પહેલા મીઠાઈના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ ‘દેવડા’ માટે પ્રખ્યાત છે. પાટણના દેવડા સમગ્ર ગુજરાત કે ભારત જ નહિ પરંતુ વિશ્વમાં ક્યાંય ન જોવા મળે તેવી લાક્ષણિકતાઓ અને સ્વાદ ધરાવે છે અને એટલે જ તો NRI લોકો આજે પણ વિદેશમાં હોવા છતાં પાટણના દેવડા છેક ત્યાં મંગાવીને પણ આરોગે છે.

આ પણ વાંચો: પૌત્રના આકસ્મિક એક્સિડન્ટ બાદ 77 વર્ષિય ગુજ્જુ દાદીએ શરૂ કર્યો નાસ્તાનો વ્યવસાય
ધ બેટર ઇન્ડિયા એ પાટણના દેવડામાં એવી તો શું ખાસિયત છે અને તેનું અસ્તિત્વ ક્યારે અને કેમ ઉદભવ્યું તે વિશે જાણવા માટે પાટણમાં જ હિંગળા ચાચર ચોકમાં આવેલી અને પોતાના દેવડા માટે વિશ્વવિખ્યાત એવી ભગવતી સ્વીટ માર્ટના સંજયભાઈ સાથે વાત કરી હતી.
ભગવતી સ્વીટ માર્ટ અત્યારે દેવડામાં મોનોપોલી ધરાવે છે અને તેના દેવડા ખાવા માટે લોકો દૂર દૂરથી પાટણ સુધી ખેંચાઈ આવે છે. આજે પણ જે લોકો પાટણની મુલાકાત લે છે તેઓ રાણીની વાવ, પટોળા હાઉસ પછી ચોક્કસથી ભગવતી સ્વીટ માર્ટની અચૂક મુલાકાત લઈને દેવડાનો સ્વાદ માણે જ છે. ઉલ્લેખનીય છે કે તેમને ત્યાં અત્યારે દેવડાઓ બીજી મીઠાઈની સાપેક્ષે એકદમ સસ્તા ભાવે જ મળે છે. અત્યારે ત્યાં દેવડા પ્રતિ કિલો એ 380 /- ના ભાવથી વેચવામાં આવી રહ્યા છે.
ધ બેટર ઇન્ડિયા સાથે થયેલી વાતચીતમાં સંજયભાઈના જણાવ્યા પ્રમાણે તેમની આ દુકાન તેમના દાદા શેઠ શ્રી સ્વર્ગીય શંકરલાલ પટેલ દ્વારા ઈ.સ. 1952 માં સ્થાપવામાં આવી હતી અને ત્યારબાદ તેમના પિતા પરસોત્તમભાઈ પટેલ દ્વારા સાંભળવામાં આવી અને આજે સંજય ભાઈ તથા તેમના મોટાભાઈ મુકેશભાઈ પોતાના આ વારસાગત ધંધાને આગળ ધપાવી રહ્યા છે. આમ આજે ત્રીજી પેઢી આ દુકાનને તેમજ તેમના આગવા દેવડાની રેસિપીને સાંભળી રહી છે. આગળ તેમના જણાવ્યા મુજબ સ્થાપનાથી લઈને અત્યાર સુધી તેમને દેવડા બનાવવાની પદ્ધતિમાં ઘણું સંશોધન કરેલું છે અને તેના કારણે જ આજે સમગ્ર પાટણમાં તેમની દુકાન દેવડા માટે પ્રખ્યાત છે.

આ પણ વાંચો: અમદાવાદી મા-દીકરીની જોડી લોકોને જાતે બનાવીને ખવડાવે છે પસંદ અનુસાર હેલ્ધી મિઠાઈઓ
જયારે હું તેમની આ દુકાને ગયો ત્યારે ત્યાં એટલી ભીડ હતી કે સંજયભાઈ પાસે મારા પ્રશ્નોના જવાબ આપવા માટે પણ સમય નહોતો પરંતુ આખરે મને તેમની સાથે વાત કરવાનો લાભ મળ્યો અને તેમને પણ શાંતિથી મારા દરેક પ્રશ્નોના જવાબ આપી મારી જિજ્ઞાસાને સંતોષી.
સંજયભાઈ સાથે થયેલી વાતચીતના કેટલાક મહત્વપૂર્ણ અંશો નીચે મુજબ છે.
શું છે પાટણના દેવડાનો ઇતિહાસ?
આ પ્રશ્નનો જવાબ આપતા સંજયભાઈ જણાવે છે કે, પાટણના દેવડા પાછળનો ઇતિહાસ પણ ખુબ જ રસપ્રદ છે. અહીં પહેલા દૂધમાંથી બનતી મીઠાઈઓ લાંબા સમય સુધી ટકતી નહોતી તેના કારણે લાંબાગાળાની મુસાફરીમાં લોકો મીઠાઈઓ જે દૂધમાંથી બનાવવામાં આવેલી હોતી તે પોતાની સાથે લઈ જઈ શકતા નહોંતા, તો વધુ લોકોને મીઠાઈઓની ભરપાઈ માટે દૂધ પણ વધારે પ્રમાણમાં મળતું નહોતું જેના કારણે તે ખુબ મોંઘી પણ હતી અને સામાન્ય માણસને તેની ખરીદી પરવડે તેમ પણ નહોતી તેથી જ એક એવી મીઠાઈ બનાવવાની જરૂરિયાત ઉભી થઇ જે આ બધી સમસ્યાનું સમાધાન બને.
આજ કારણે અમુક સમયગાળા બાદ પાટણના મીઠાઈના કારીગરોને વિચાર આવ્યો કે મેદોં, ઘી અને ખાંડની ચાસણીમાંથી એવી કોઈક મીઠાઈ બનાવીએ જે લાંબા સમય સુધી ટકે તો ખરી જ પણ લોકો પણ તેને પોતાની લાંબા અંતરની મુસાફરીમાં સાથે રાખીને મીઠાઇનો આસ્વાદ માણી શકે સાથે સાથે તે સસ્તી પણ બને જેથી સામાન્યથી સામાન્ય માણસ પણ તેને ખરીદી શકે. આમ આ રીતે એક એવી મીઠાઈનો ઉદ્ભવ થયો જેનું નામકરણ પાટણના ‘દેવડા’ તરીકે અપાયું.
અમુક લોકોના મંતવ્ય પ્રમાણે પાટણમાં દેવડા બનવાની શરૂઆત આજથી 150 થી 200 વર્ષ પહેલા થઇ હતી. તો અમુક લોકો ચોક્કસ આંકડો આપીને કહે છે કે દેવડા બનાવવાની શરૂઆત આજથી લગભગ 160 વર્ષ પહેલા થઇ હતી.

આ પણ વાંચો: રિટાયર્ડ પિતાને સમય પસાર કરવા ભાવનગરમાં શરૂ કર્યું ડેરી ફાર્મ, સાત્વિક ઘી-મિઠાઈઓ લોકો મંગાવે છે દૂર-દૂરથી
કચ્છના સાટાંથી દેવડા કંઈ રીતે અલગ પડે છે ?
વાચકોને જાણીને નવાઈ લાગશે કે દેવડા જેવી જ એક મીઠાઈ કચ્છમાં પણ બને છે અને કચ્છી લોકો તેને સાટાં કહે છે. દેખાવમાં આબેહૂબ દેવડા જેવી લાગતી આ મીઠાઈ બાબતે જયારે સંજયભાઈને પૂછવામાં આવ્યું કે પાટણના દેવડા અને કચ્છના સાટાંમાં શું તફાવત છે ત્યારે તેમણે જણાવ્યું કે, જુઓ પાટણના દેવડા કચ્છના સાટાંની સરખામણીમાં એકદમ પોચા અને હાથમાં લો એવા જ ભુક્કો થઇ જાય તેવા હોય છે જયારે સાટાં દેવડાના પ્રમાણમાં થોડા કઠણ હોય છે. આમ આ લાક્ષણિકતા પાટણના દેવડાને કચ્છના સાટાંથી અલગ તારવે છે.
કેવી રીતે બનાવવામાં આવે છે દેવડા
આ પ્રશ્ન પૂછતાં જ સંજયભાઈએ હસીને કહ્યું કે માફ કરશો અમારી રેસિપી હું તમને ના જણાવી શકું. અને તેમની આ વાતનું માન રાખતા ધ બેટર ઇન્ડિયાએ ભગવતી સ્વીટ માર્ટ કંઈ રીતે આ અનોખા દેવડા બનાવે છે તે જાણવાની ઉત્કંઠાને દબાવી એક બેઝિક રેસિપી જે દરેક લોકો પોતાના ઘરે આ પ્રકારની મીઠાઈ બનવવા માંગે છે તે જણાવવા કહ્યું તો તેમણે નીચે પ્રમાણે જણાવ્યું કે કંઈ રીતે તમે ઘરે જ આ દેવડાની મીઠાઈ બનાવી શકો છો.
(1) પહેલા તો મેંદાના લોટને ઘીમાં મેળવીને તેના બ્લોક બનાવીને તેને ઘીમાં તળી નાખવામાં આવે છે.
અને પછી તેને એક દિવસ ઠંડા કરવા માટે મૂકી રાખવામાં આવે છે.
(2) પછી ખાંડને મોટી કઢાઈમાં નાંખી ઉકાળીને ચાસણી બનાવવામાં આવે છે અને તે ચાસણીને બે આંગળીઓ વડે દબાવીને તેની ચીકાસ જોવામાં આવે છે.
(3) બાદમાં એક મોટા વાસણમાં ઘી નાખવામાં આવે છે. ઘીને વાસણમાં ફેલાવી દેવામાં આવે છે અને ત્યારબાદ મેંદાના લોટમાંથી તળીને તૈયાર કરવામાં આવેલા દેવડાના બ્લોકને ચાસણીમાં ડુબાડીને તેને ઘીના વાસણમાં મૂકી રાખવામાં આવે છે.
(4) તેના પર સુકો મેવો એટલે કે કેસર, પીસ્તા નાંખવામાં આવે છે અને તે ઠંડા થયા બાદ ખાવા લાયક બને છે જેનો સ્વાદ એકદમ અદભુત હોય છે.

જો તમે પણ હવે પાટણ જાઓ તો પાટણના દેવડા ખાવાનું ક્યારેય ના ભૂલતા. આખરે ભગવાને સ્વાદગ્રંથિ આપી જ છે એ માટે કે તમે વિવિધ વિસ્તારનું કંઈક હટકે અવનવું આરોગી જિંદગીની મજા માણી શકો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: Naturals Ice Cream: પિતા ફળ વેચતા, પુત્ર બની ગયો કરોડોનો માલિક અને કહેવાયો ‘Ice Cream King’
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.