બાળકોનો રમકડાં પ્રત્યેનો પ્રેમ તો જગજાહેર છે. આપણે બધા રમકડાંઓથી રમીને જ મોટા થયા છીએ. પરંતુ આજના આધુનિક યુગમાં અનેક એવા માતાપિતા હોય છે જેઓ પોતાની ગરીબીને કારણે તેમના સંતાનોને રમકડાં ખરીદીને આપી શકતા નથી. રમકડાં ન હોવાથી નિરાશ થતાં બાળકોના ચહેરા પર ખુશી લાવવાનું કામ કરી રહી છે અમદાવાદની હિરીન.
હિરીને શરૂ કરી એક અનોખી પહેલ
હિરીન દવે એક વેબ ડેવલપર છે, જેણે “ગીવ ટૉય ગીવ જૉય”ની એક અનોખી પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત હિરીન લોકોના ઘરોમાંથી જૂના અને તેમના બાળકોને કામના ન હોય તેવા રમકડાં એકઠા કરે છે. જે બાદમાં તેને એવા બાળકોને આપે છે જેમને તેની ખરેખર જરૂરિયાત છે. એટલે કે તેણી તેને સ્લમ વિસ્તારો અને ફૂટપાથ પર રહેતા બાળકોને આપે છે.

હિરીન કરે છે કે, “મારી સાત વર્ષની દીકરીએ તેના અમુક રમકડાં સાથે રમવાનું બંધ કરી દીધું હતું. જે બાદમાં આ આ રમકડાં અમે અમારા ઘરે કબાટમાં મૂકી દીધા હતા. એક દિવસ મેં જોયું કે બાજુના વિસ્તારમાં કેટલા ગરીબ બાળકો સાયકલના ટાયરથી રમી રહ્યા છે. આ સમયે જ મારા દિમાગમાં એક ચમકારો થયો કે, આપણે જે રમકડાંનો ઉપયોગ નથી કરતા અને જે સારી હાલતમાં છે તે આ બાળકોને કેમ ન આપી શકીએ?”
બીજા જ અઠવાડિયે વિકેન્ડમાં હિરીન તેની નાની દીકરીને લઈને બાજુમાં આવેલી બાંધકામના સ્થળેૃ પર પહોંચી ગઈ હતી અને અહીં કામ કરતા મજૂરોનાં બાળકોને તેની દીકરીના જૂના રમકડાં આપી દીધા હતા. આ દરમિયાન શ્રમિકોના બાળકોના મોઢા પર ખુશી જોઈને હિરીને આ કામ આગળ ધપાવવાનું નક્કી કર્યું. આ માટે તેણીએ તેના સંબંધી અને મિત્રોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું.

લોકોના ઘરે જઈને જાતે રમકડાં ભેગાં કરે છે હિરીન
રમકડાં એકઠા કરવા અંગે હિરીન કહે છે કે, “હું વ્યક્તિગત રીતે જઈને જ લોકોના ઘરેથી રમકડાં એકઠાં કરું છું. પહેલા હું રમકડાં આપવા માંગતા લોકોને મારા ઘરનું અને મારા મિત્રોના ઘરનું સરનામું આપી દેતી હતી. પરંતુ અનેક એવા પરિવાર હતા જેમના માટે મારા કે મારા મિત્રોના ઘરે આવીને રમકડાં આપી જવું શક્ય ન હતું. આથી દર શનિવારે હું લોકોનાં ઘરે જાઉં છું અને તેમના બાળકોને કામના ન હોય એવા રમકડાં એકઠા કરું છું. જૂના રમકડાં એકઠા કર્યાં બાદ હું તેમને એવા બાળકોને આપું છું જેઓના માતાપિતા તેમના માટે રમકડાં ખરીદી શકતા નથી. ઘણી વખત અમુક દાતાઓ પણ રમકડાં દાન કરવાનું કહે છે. આવા કેસમાં હું રમકડાં આપવા જતી વખતે તેમને સાથે જ લઈ જાઉં છું.”

ફેસબુક પેજ મારફતે લોકોને જણાવે છે ઉમદા હેતુ વિશે
અત્યાર સુધી હિરીન અમદાવાદમાં આશરે 300 પરિવાર પાસેથી 2,000 જેટલા રકમડાં એકઠા કરી ચુકી છે. એટલું જ નહીં ગરીબ પરિવારના બાળકોને રમકડાં દાનમાં આપ્યા બાદ હિરીન આ અંગેની ફેસબુક પોસ્ટ પણ કરે છે. જેનાથી રમકડાં દાનમાં આપનાર લોકોને પણ એ વાતની ખાતરી થાય છે કે તેઓએ જે ઉમદા હેતુ સાથે રમકડાં આપ્યા હતા તે પાર પડ્યો છે.
લોકો પાસેથી રમકડાં એકઠા કરતી વખતે હિરીન એ વાતનો પણ આગ્રહ રાખે છે કે ગરીબ પરિવારના બાળકોને એવા રમકડાં મળે જેનાથી તેમનાં દિમાગને કસરત થાય. આથી જ તેણી લોકોને પણ એવી અપીલ કરે છે તેઓ પઝલ્સ, બોર્ડ ગેમ્સ, ચેસ વગેરે પ્રકારના રમકડાં કે વસ્તુ દાનમાં આપે. આના પાછળનું કારણ એવું છે કે હિરીન આ રમકડાં સાથે ગરીબ બાળકને વધારે હિંમત આપી શકે. તેમને સ્કૂલે જવા માટે સમજાવી શકે. આ પ્રકારના રમકડાં કે ગેમથી તેમના દિમાગને પણ વધારે કસરત મળશે.

પઝલ્સ મદદ કરે છે બાળકોના માનસિક વિકાસમાં
આ વિશે હિરીન કહે છે કે,”હું પઝલ્સ ગેમ એકઠી કરું છું અને તેમને આપુ છું. એટલું જ નહીં હું તેમને કહું છું કે તમે બધા સાથે મળીને રમજો. જ્યારે તેઓ આ ગેમ કે પઝલ ઉકેલી નથી શકતા ત્યારે હું તેમની મદદ કરું છું. આ જ સમયે હું તેમને એવું પણ સમજાવું છું કે જો તમે સ્કૂલમાં જશો તો આ કોયડાનો જવાબ શોધી શકશો. ફક્ત આ જ નહીં, આનાથી અઘરા કોયડા પણ ઉકેલી શકશો. એટલું જ નહીં હું તેમને ઓપરેશન ગેમ રમવાનું કહું છું અને ત્યાર બાદ તેમને સમજાવું છું કે જો તમે ભણીગણીને આગળ આવશો તો ડૉક્ટરો બનશો અને બીજાની જિંદગી પણ બચાવી શકશો.”

રમકડાં આપવાની સાથે તેમના શિક્ષણનું કાર્ય પણ કરે છે હિરીન
રમકડાં વેચવા ઉપરાંત હિરીને અમુક એવી બિન સરકારી સંસ્થાઓ (NGOs) સાથે મળીને પણ કામ કરી રહી છે, જે ગરીબ બાળકોનાં અભ્યાસના કામ સાથે જોડાયેલી હોય. આ માટે હિરીન શહેરની આસપાસ ચાલી રહેલા બાંધકામના સ્થળો પર જાય છે અને ત્યાંના લોકોને આવી એનજીઓ વિશે માહિતી આપે છે. હિરીન આ લોકોની માહિતી એનજીઓને પણ આપે છે. પોતાના પરિશ્રમ થકી હિરીને અનેક બાળકોને આવી સંસ્થાઓ જેવી કે શ્વાસ, સાથ ફાઉન્ડેશન, લડ્ડુ ફાઉન્ડેશ અને સંસ્કાર યૂથ ક્લબ સાથે જોડ્યા છે.

મોંઘાં રમકડાંએ 15 ભાડાથી પણ આપે છે હિરીન
હિરીને ગરીબ બાળકોને રમકડાં આપવાની પોતાની સેવા ચાલુ જ રાખવા માંગે છે. સાથે સાથે હિરીને એવા પરિવારો કે જેઓ નવાં કે મોંઘા રમકડાં નથી ખરીદી શકતા તેમના માટે રમકડાં ભાડે મળી શકે તેવી એક વ્યવસ્થા પણ શરૂ કરવા માંગે છે. ‘ટૉય ટાઇગર’માંથી લોકો ઓછામાં ઓછી કિંમત પર કોઈ પણ રમકડું 15 દિવસ સુધી ભાડા પર મેળવી શકશે.
“ગીવ ટૉય ગીવ જૉય” વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.
મૂળ લેખ: અદિતિ પટવર્ધન
આ પણ વાંચો: ગરીબનાં બાળકો તહેવારોથી વંચિત ન રહી જાય એ માટે ખાસ કિટ પહોચાડે છે આ અમદાવાદી