મધ્યપ્રદેશના છિંદવાડામાં રહેતા અંકિત નાગવંશી થોડા વર્ષો પહેલા પોતાના ઘરથી દૂર મુંબઈમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. અંકિત પાસે 9 થી 5ની નોકરી તો હતી જ, ઉપરાંત, તેને ઓફિસ જવા માટે દરરોજ 13 કિલોમીટરની મુસાફરી કરવી પડતી, જેમાં ઘણા કલાકો થઈ જતા. અહીં તેની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયા હતી. પરંતુ, અંકિત આ દરરોજની દોડા-દોડીવાળી જીંદગીથી કંટાળી ગયો હતો. તેથી, તે વર્ષ 2019માં, તે નોકરી છોડીને છીંદવાડા પાછો ફર્યો હતો. તેના આ એક સાચા નિર્ણયને લીધે, આજે, ફક્ત બે વર્ષ પછી, અંકિતનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. 30 વર્ષીય અંકિતને હવે એક પ્રકારની રૂટિનમાં કલાકો સુધી કામ કરવું પડતું નથી. હવે તે પોતાનો ‘ચાનો બિઝનેસ’ (Tea Business) ચલાવે છે.
અંકિત આ બિઝનેસથી દર મહિને આશરે 60 હજાર રૂપિયા કમાય છે. વળી, તેણે વધુ બે લોકોને રોજગારી પણ આપી છે. તેમનું કહેવું છે કે આ પરિવર્તન સંજોગોને લીધે આવ્યું નથી, પરંતુ તેણે તે પોતે જ પસંદ કર્યું છે. તે તેના નવા વ્યવસાય ‘એન્જીનિયર ચાયવાલા’થી ખૂબ સંતુષ્ટ છે અને તેનો તેને ખૂબ ગર્વ પણ છે.
પોતાના પેશન તરફ વધતા
નોકરી છોડ્યા પછી, અંકિત તેની પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરવા માંગતા હતા. પરંતુ, તેને ચલાવવા માટે તેમની પાસે ન તો સાધન હતા અને ન તો અનુભવ. તેમણે નાના સ્તરે શરૂ કરવાનું વિચાર્યું અને ચાના વ્યવસાયની (Tea Business) શરૂઆત કરી.

અંકિતે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “ભારતમાં લગભગ દરેક વ્યક્તિ ચા પીવે છે અને ઘણા લોકો દિવસમાં ઘણીવાર ચા પીતા હોય છે. મને લાગ્યું કે તે એક આકર્ષક તક છે અને સાથે જ, તેમાં ઓછા રોકાણની જરૂર છે. જો હું ચાના બિઝનેસમાં સફળ રહ્યો, તો હું ફૂડ ક્ષેત્રે આગળ વધી શકુ છું.”
થોડા વર્ષો પહેલા અંકિત તેના માતાપિતાને ગુમાવી ચૂક્યો હતો. તેણે નોકરી છોડી દેવા અને ચાનો બિઝનેસ (Tea Business) શરૂ કરવા અંગે તેની બહેન અને પરિવારના અન્ય સભ્યો સાથે વાત કરી. પરંતુ, અંકિતનો નિર્ણય તેમને બહુ પસંદ ન આવ્યો.
તેમની બહેન રોશની કહે છે, “અમને ખબર હતી કે તે કોઈ ધંધો શરૂ કરવા માંગે છે. તે સંભવિત વિકલ્પો પર સતત સંશોધન પણ કરી રહ્યો હતો. જો કે, ચા વેચવાનો તેમનો વિચાર અમને ગમ્યો ન હતો. ઉપરાંત, તે તેમના માટે પણ મુશ્કેલ નિર્ણય હતો. પરંતુ, અમે તેમના નિર્ણયને ટેકો આપવાનું નક્કી કર્યુ.”
અંકિત તેના પરિવારની વિચારસરણી સાથે સંમત છે. તે કહે છે, “કોણ તેમના સબંધીને ચાયવાલા બનાવવા માંગશે?” ચાના વ્યવસાયને (Tea Business) સમ્માનજનક કામ માનવામાં આવતું નથી. પરંતુ, મેં તેમને ખાતરી આપી કે આ ફક્ત એક શરૂઆત છે અને એક દિવસ મારી પાસે એક રેસ્ટોરન્ટ હશે.”

ભારતનાં અલગ અલગ ભાગોમાં કર્યુ રિસર્ચ
શહેરના અન્ય ચા વિક્રેતાઓ સાથે સ્પર્ધા કરવા માટે, અંકિતે તેની ચા કંઈક અલગ રીતે બનાવવાનો નિર્ણય કર્યો.
અંકિત કહે છે, “મેં જુદી જુદી ચા અને તેમને પીવાની પ્રક્રિયા વિશે જાણવા માટે જયપુર, પુણે, અમૃતસર અને દિલ્હી સહિત આખા ભારતમાં પ્રવાસ કર્યો. ચા બનાવવી રૉકેટ સાયન્સ નથી, પરંતુ તમારો બિઝનેસ મોડેલ મજબૂત હોવો જોઈએ જેથી વિવિધ પ્રકારની ચા વેચી શકાય અને તેનો સ્વાદ એવો હોય કે ગ્રાહકો તમારી સાથે જોડાયેલા રહે અને દર વખતે તમારી જ ચા પીવાનું પસંદ કરે. મને સમજાયું કે આદુ, તુલસી, ફુદીનો અને અન્ય ઔષધિઓમાંથી બનેલી દેશી ચા ગ્રાહકોમાં લોકપ્રિય હતી. મેં કેટલીક ગુપ્ત સામગ્રી(ખડા મસાલા અને ઔષધિઓ) સાથે મસાલા બનાવવાનું નક્કી કર્યું. આ મિશ્રણ તૈયાર કર્યા પછી, મેં 14 ઓગસ્ટ 2020ના રોજ મારો ચાનો વ્યવસાય શરૂ કર્યો.”
તેમણે કહ્યું કે, ચામાં ચોક્કસ માત્રા આ સામગ્રીઓને ઉમેરવામાં આવે છે. એક સટીક અને ચોક્કસ સમય માટે, આ સામગ્રીને ચામાં ઉમેરીને ઉકાળવામાં આવે છે, જે ચાના ઉત્તમ સ્વાદને બહાર લાવવામાં મદદ કરે છે.
અંકિત કહે છે કે તેણે ધંધો ફેબ્રુઆરી 2020માં જ શરૂ કરવાની આશા રાખી હતી. જો કે, કોરોના રોગચાળાને કારણે વ્યવસાય શરૂ કરવામાં વિલંબ થયો. તે કહે છે, “લોકડાઉન હળવું થયા પછી મેં રસ્તાની બાજુમાં એક ગાડી ભાડે લીધી. મેં મસાલા ચા, ઈમ્યુનિટી ચા અને દક્ષિણ ભારતીય ફિલ્ટર કોફીની સાથે શરૂઆત કરી.”
અંકિત કહે છે કે તેમને જગ્યા બદલવી પડી કારણ કે, સ્પર્ધકોએ તેની હાજરી સારી રીતે લીધી ન હતી. આખરે તેણે એક એવી જગ્યા પસંદ કરી કે જ્યાં અન્ય કોઈ વ્યવસાય કરનારા તેને જગ્યા છોડવાનું કહી ન શકતા ન હતા.

અંકિતની પાસે દરરોજ 400 જેટલા ગ્રાહકો આવે છે, જેનાંથી તેને બે હજાર રૂપિયાનો નફો થાય છે. એક કપ ચાની કિંમત 8 રૂપિયા અને કોફીની કિંમત 15 રૂપિયા છે. તે કહે છે, “મેં હાલમાં જ મેનૂમાં પોહાને શામેલ કર્યા છે. મારી યોજના જલ્દીથી લારી પર વ્યવસાય કરવાને બદલે કાયમી સ્ટોર બનાવવાની છે. જો કે, હું હજી પણ ગ્રાહકોની પસંદ-નાપસંદને ધ્યાનમાં લેતા અને તેનું વિશ્લેષણ કરી રહ્યો છું.”
એન્જિનિયર ચાયવાલાના એક ગ્રાહક હરીશકુમાર વિશ્વકર્મા કહે છે, “ચાનો સ્ટોલ જ્યારથી ખુલ્યો છે, ત્યારથી મેં અહીં તમામ પ્રકારની ચા પીધી છે. પરંતુ, હું ઈમ્યુનિટી ચાનો ખૂબ શોખીન છું. તે તાજગીથી ભરપુર હોય છે અને મારા મિત્રો પણ તેને ખૂબ પસંદ કરે છે. રેસ્ટોરન્ટના બોર્ડ પર લખેલું નામ ‘એન્જીનિયર ચાયવાલા’ પણ ઘણા નવા ગ્રાહકોને આકર્ષિત કરે છે.”
અંકિતની બહેન રોશનીનું કહેવું છે કે એમબીએ પૂર્ણ કર્યા પછી, તે આ વ્યવસાયનો વિસ્તાર કરવામાં તેના ભાઈને મદદ કરશે. તે કહે છે, “અમે તેને દરેક રીતે ટેકો આપીએ છીએ અને તેની ગેરહાજરીમાં ધંધાની સંભાળ પણ લઈએ છીએ.”
ફૂડ બિઝનેસમાં આગળ વધવા માટે સતત મહેનત કરી રહેલ અંકિત અંતમાં કહે છે, “આગામી દિવસોમાં હું મારા મેનુમાં વધુ નાસ્તા ઉમેરીશ. હું માનું છું કે હું સાચી દિશામાં આગળ વધી રહ્યો છું. ઉપરાંત, હું આશા રાખું છું કે હું જલ્દીથી મારું લક્ષ્ય હાંસલ કરી લઈશ.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: માત્ર અડધા વિઘા જમીનમાં ગુલાબ ઉગાડી ગુલકંદનો વ્યવસાય કરે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.