73 વર્ષીય આશા સિંહ સાથે વાત કરતા, તમને ચોક્કસ તમારી માતા કે દાદીની યાદ આવશે. મિલનસાર અને જીંદાદિલ આશા બહેનને લોકો સાથે વાત કરવાનું અને નવી વસ્તુઓ શીખવાનું ખૂબ જ પસંદ છે. લગભગ 64 વર્ષની આસપાસ, તેણે તેના જીવનની બીજી ઇનિંગ્સની શાનદાર શરૂઆત કરી હતી. છેલ્લા સાત વર્ષથી તે વારાણસીમાં Granny’s Inn નામનો હોમસ્ટે બિઝનેસ ચલાવતા હતા. જે તેમને કોવિડના કારણે હાલમાં બંધ કરવો પડ્યો છે. પરંતુ આ ઉંમરે પણ, તે સ્થિતિ સામાન્ય થવાની અને ફરી મહેમાનોનું Granny’s Inn માં સ્વાગત કરવા માટે રાહ જોઈ રહી છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા, તે કહે છે, “વૃદ્ધાવસ્થામાં તમારા બાળકો તમારી સંભાળ રાખે છે, પરંતુ આત્મનિર્ભર રહેવાની પોતાની એક અલગ મજા છે.”
ગંગા ઘાટ પર સ્થિત આ હોમસ્ટે, ભારત અને વિદેશમાંથી વારાણસીની મુલાકાતે આવતા મહેમાનોથી હંમેશા ભરેલું રહેતું. આશા હજુ પણ એ ચહલ-પહલને યાદ કરે છે. જો કે, તે ખાલી બેસી રહે તેવા લોકોમાંથી નથી, તેથી તે હાલમાં પટણાથી લગભગ ત્રણ કલાકની દૂર પર આવેલ તેના ગામની મહિલાઓ સાથે કંઈક નવું કરવાની તૈયારી કરી રહી છે.

આશા સિંહ કેવી રીતે બની ગમતી દાદી?
બિહારના એક ગામમાં જન્મેલી આશા હંમેશા ગૃહિણી રહી છે. તેમના પતિ ઝારખંડના ધનબાદમાં કામ કરતા હોવાથી તે પણ તેના પતિ સાથે ત્યાં રહેવા લાગી. આશા સિંહ તેના સાસરીયાઓ સાથે રજાઓ દરમિયાન પટણા આવતી-જતી. તેમનું જીવન તેમના પરિવાર અને બંને બાળકોના ઉછેરમાં પસાર થયું. ત્યારે 47 વર્ષની ઉંમરે અકસ્માતને કારણે તેણે પતિ ગુમાવ્યો. તે કહે છે, “તે ખૂબ જ મુશ્કેલ સમય હતો. જ્યારે તમે કોઈના પર નિર્ભર છો અને આવી સ્થિતિમાં તમે તેમનો સાથ ગુમાવો છો, તો જીવન મુશ્કેલ બની જાય છે.”
આ દુર્ઘટના પછી, તેણી પટનામાં તેના પૂર્વજોના ઘરે શિફ્ટ થઈ ગઈ હતી અને સમયાંતરે તેના પુત્ર અને પુત્રીના ઘરે આવતી-જતી હતી. તેમની પુત્રી શિલ્પી ગુડગાંવમાં Homestay Business ચલાવે છે. આશા સિંહને શિલ્પીના હોમસ્ટેમાં નવા લોકોને મળવાની અને તેમની સાથે વાત કરવાની મજા આવતી. આ દરમિયાન તેને યાદ આવ્યું કે તેની બહેન અરુણાનું ઘર વારાણસીમાં ઘણાં વર્ષોથી બંધ છે. જો તેને પણ હોમસ્ટેમાં બદલી નાખીએ તો? તેણે પોતાનો વિચાર તેની પુત્રી અને બહેન સાથે શેર કર્યો.
શિલ્પી કહે છે, “અમારામાંથી કોઈ પણ અગાઉ વારાણસીમાં નહોતું રહેતું, તેથી અમે શરૂઆતમાં ખૂબ જ અચકાતા હતા. પરંતુ માતાનો જુસ્સો જોઈને અમે તેને સાથ આપવાનું નક્કી કર્યું. અમે તે જૂના જર્જરિત મકાનનું સમારકામ કર્યું અને તેને એક સુંદર ઘરની જેમ શણગાર્યું.”

જોકે ઘર આશાની બહેનનું હોવાથી તે તેનું ભાડું તેમને ચૂકવતી. તેની બહેન પણ સમયાંતરે Granny’s In માં રહેવા અને આશાને મદદ કરવા માટે આવતી હતી.
આમ આશાનો વિચાર અને તેની બહેનના સહયોગથી ડિસેમ્બર 2013 માં Granny’s Inn ની શરૂઆત થઈ.
આશા કહે છે, “જે કોઈપણ અમારા છ રૂમવાળા ગેસ્ટ હાઉસમાં આવતા તે તમામ મને ગ્રેની કહેતા હતા અને મને પણ તે ગમતું. હું દરેક મહેમાનનું સ્વાગત ઘરમાં આવનાર મહેમાનની જેમ જ કરતી, ન કે ગ્રાહક કે પ્રવાસીની જેમ”.
Granny’s Inn ની સફળતા
શિલ્પી કહે છે, “માતાને લોકો સાથે ભળી જવા માટે વધારે સમય નથી લાગતો. તે જ્યારે ગૃહિણી હતી, ત્યારે પણ તે આજુબાજુના લોકો સાથે કંઈક નવું કરવાની, કોઈની સમસ્યાનું સમાધાન કરવા અને અન્ય સામાજિક કાર્યોમાં રસ લેતી હતી. માતાના આ સ્વભાવને કારણે, Granny’s Inn ટૂંકા ગાળામાં વારાણસીમાં પ્રખ્યાત થઈ.”

અભિનેત્રી દિયા મિર્ઝાથી માંડીને 50 થી વધુ દેશોના ઘણા લોકો Granny’s Inn માં રોકાઈ ચુક્યાં છે. આશા દરેકની સાથે માતાની જેમ જ વર્તન કરતી હતી. તેઓ એક મહેમાનને યાદ કરતા તે કહે છે, “ફેબ્રુઆરી 2020 માં, કોરોના પહેલાં, અમેરિકાનો એક છોકરો તબલા શીખવા માટે વારાણસી આવ્યો અને લગભગ છ મહિના સુધી મારી સાથે રહ્યો. તેણે મને ઘણી વસ્તુઓ શીખવી અને તે મારી સાથે ઘણી વાતો કરતો.”
આ homestay business એક નાની ટીમ દ્વારા ચલાવવામાં આવતો હતો. દરેક વ્યક્તિ એકબીજાના કામમાં મદદ કરતા. આશા કહે છે કે ઘણીવાર રસોઈયા માંદા હોય તો હું જાતે રસોઈ બનાવતી. તો શિલ્પી અને તેનો પતિ ઑનલાઈન ગેસ્ટ હેન્ડલિંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ અંગેનું કામ સંભાળતા હતા.
કોવિડ બ્રેકનો યોગ્ય ઉપયોગ
શિલ્પી કહે છે, “ગયા વર્ષે માર્ચ મહિનામાં અમારે Granny’s Inn બંધ કરવી પડી હતી, જે માતાની ઉંમરને ધ્યાનમાં રાખીને ખૂબ જરૂરી હતું. જોકે, તે વારાણસી છોડવા માંગતી નહોતી કારણ કે આ જગ્યાએ તેને એક નવી ઓળખ આપી છે.”

આશાએ પોતાનું મોટાભાગનું બાળપણ ગામમાં વિતાવ્યું છે અને હોમસ્ટે ચલાવતી વખતે તેને જાયું કે લોકો ઓર્ગેનિક અને સ્વસ્થ ખાવા માટે કેટલા સભાન છે. આવી સ્થિતિમાં, જો ગામની મહિલાઓને ખેતીની સાથે-સાથે કેટલાક જૈવિક ઉત્પાદનો બનાવવાની તાલીમ અને યોગ્ય પ્લેટફોર્મ મળે, તો તેઓ સીધા ગ્રાહકોને તેમના ઉત્પાદનો પહોંચાડી શકે છે.
આશા કહે છે, “મારા ભાઈના દીકરા અને શિલ્પી સાથે મળીને, અમે એક ઓનલાઈન કોમ્યુનિટી બનાવવા પર કામ કરી રહ્યા છીએ, જ્યાં મહિલાઓ ગામડાઓમાં અથાણાં અને ચણાના સત્તુ જેવી કેટલીક પ્રોડક્ટ બનાવે અને અમે તેમને ઓનલાઈન શહેરોમાં પહોચાડી શકીએ.”
લોકો વચ્ચે ગ્રેની બનીને રહેતી આશા સાથે, અમે પણ Granny’s Inn ફરી ખુલવાની આતુરતાથી રાહ જોઈશું.
અમે આશા રાખીએ છીએ કે તમને આશાની કહાની સાંભળીને જરૂર પ્રેરણા મળી હશે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:100 વર્ષના દાદીની કમાલ, સાડી પર પેઈન્ટિંગ કરી આજે પણ છે ‘આત્મનિર્ભર’
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.