સામાન્ય રીતે લોકો ઘઉંના પ્રોસેસિંગ દરમિયાન નીકળતા ભૂંસાને ફેંકી દેતા હોય છે અથવા પશુઓને ખવડાવી દેતા હોય છે. પરંતુ શું તમને ખબર છેકે આ ભૂંસુ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. ભૂંસાના લોટમાં ફાયબર અને પોટેશિયમની માત્રા વધારે હોય છે જે વજન ઘટાડવામાં અને બ્લડપ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદરૂપ થાય છે. એટલા માટે જ હંમેશા લોકોને સલાહ આપવામાં આવે છેકે ભૂંસાને ફેંકવાના સ્થાને તેને લોટમાં મિક્ષ કરીને તેની રોટલી બનાવવામાં આવે. પણ જો રોટલી બનાવવાની સાથે સાથે ભૂંસાના સિંગલ યૂઝ વાસણ બનાવાય તો?
હા તે વાત સાચી છે, કેરળના એર્નાકુલમના રહેવાસી વિનયકુમાર બાલકૃષ્ણને સીએસઆઇઆર-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેક્નોલોજી (NIIST) ના વૈજ્ઞાનિકો સાથે મળીને ઘઉંના ભૂંસામાંથી બાયોડિગ્રેડેબલ સિંગલ યૂઝ ક્રોકરી બનાવવાની ટેક્નિક વિકસાવી છે. આ ભૂંસામાંથી એવી પ્લેટ્સ બનાવી રહ્યાં છેકે જેને ઉપયોગમાં લીધા બાદ ખાઇ પણ શકાય. જો કોઇ આ પ્લેટને ખાવા ઇચ્છતું ન હોય તો તેનો પશુના ચારા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. જો તમારી આસપાસ પશુ પણ ના હોય તો તમે તેને કોઇ માટીવાળી જગ્યા કે જંગલમાં ફેંકી પણ શકો છો. થોડાક જ દિવસમાં તે ડિસ્પોઝ થઇ જશે.
પોતાની આ ઇકો-ફ્રેન્ડલી અને એડિબલ સિંગલ યૂઝ ક્રોકરીને વિનયકુમાર ‘તૂશાન’ બ્રાન્ડ નામથી બજારમાં મૂકી રહ્યા છે. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તેમણે પોતાની આખી સફર વિશેની વાત કરી.

કેવી રીતે શરૂ થઇ સફર
વિનયકુમારે ઘણાં વર્ષો સુધી બેંકિંગ સેક્ટર અને ઇન્શ્યોરન્સ કંપનીમાં કામ કર્યું છે. વર્ષ 2013 સુધી તેઓ મોરેશિયસમાં એક ઇન્શ્યોરન્સ કંપનીમાં સીઇઓ તરીકેની જવાબદારી સંભાળતા હતા. ત્યારબાદ તેઓ મોરેશિયસની નોકરી છોડીને પોતાના દેશ પરત આવી ગયા. તે જણાવે છેકે, જો વાત બાયોડિગ્રેડેબલ પ્લેટની આવે તો કેળાના પાંદડાથી સારુ શું હોય ? સદીઓથી આપણે અને ખાસ કરીને કેરળમાં કેળાના પાંદડાનો ઉપયોગ જમવામાં પ્લેટ તરીકે કરવામાં આવે છે. તે આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. એટલા માટે મને લાગ્યું કે આ કન્સેપ્ટ પર આગળ વધતાં આપણે નવું શું કરી શકીએ. અમારા બ્રાન્ડનું નામ પણ તેનાથી પરથી જ આવ્યું છે. મલયાલમમાં કેળાના આખા પાંદડાને ‘તૂશનિલા’ કહે છે અને તેના પરથી જ અમે ‘તૂશાન’ શબ્દ પસંદ કર્યો છે.
તેમણે પહેલા એવી કંપનીની શોધખોળ આદરી કે જે પહેલેથી જ ઇકો ફ્રેન્ડલી અને બાયોડિગ્રેડેબલ ક્રોકરી બનાવવાનું કામ કરતી હોય. વિનયકુમાર કહે છે કે આ દરમિયાન તેમને પોલેન્ડની એક કંપની વિશે જાણકારી મળી કે જે ઘઉંના ભૂંસામાંથી ક્રોકરી બનાવી રહી છે. વિનયકુમારે તે કંપનીને ભારતમાં પણ પોતાનો એક પ્લાન્ટ સ્થાપવા માટે કહ્યું પરંતુ તે કંપનીએ ઇનકાર કરી દીધો. ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે હવે તે પોતે જ આ કામ કરશે. તે વધુમાં જણાવે છેકે, મેં સૌથી પહેલા આપણા દેશમાં રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને જાણવા મળ્યું કે CSIR-NIISTએ નારિયેળના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી ક્રોકરી બનાવી છે. જેથી મેં તેમની સમક્ષ ઘઉંના ભૂંસામાંથી ક્રોકરી બનાવવાની પ્રપોઝલ મૂકી હતી.
લગભગ એક-દોઢ વર્ષના રિસર્ચ અને ડેવલપમેન્ટ બાદ તેમને આ પ્રયત્નમાં સફળતા મળી. ઘઉંના ભૂંસામાંથી પ્લેટ બનાવવાની મશીન પણ તેમણે જાતે જ વિકસાવી છે. તે કહે છેકે આ મશીન ‘મેડ ઇન ઇન્ડિયા’ છે કારણકે મશીનના દરેક પાર્ટસ દેશની જુદી જુદી કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. વિનયકુમારે આ ટેક્નિક માટે CSIR-NIIST જોડે એમઓયુ પણ કર્યા છે. લેબમાં પ્રોટોટાઇપ તૈયાર કર્યા બાદ તેના તમામ પ્રકારના ટેસ્ટ પણ કરાયા છે અને હવે તેમની પ્રોડક્ટ બજારમાં પહોંચવા માટે તૈયાર છે.

એડિબલ ક્રોકરી કેમ ખાસ છે…
છેલ્લા ઘણાં વર્ષોથી સરકાર સિંગલ યૂઝ પ્લાસ્ટિક ક્રોકરીની સમસ્યા ઉકેલવા માટે પ્રયાસ કરી રહી છે, કારણકે તેનાથી કચરો અને પ્રદૂષણ બંને વધે છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણી પાસે કુદરતને અનુકૂળ કોઇ વિકલ્પ હોય. વિનયકુમાર પોતાની બ્રાન્ડ દ્વારા આ વિકલ્પ આપવાની કોશિશ કરી રહ્યા છે. વિનયકુમાર જણાવે છેકે હાલમાં તો પ્લેટ બનાવી રહ્યા છે અને તેના પછી પેકેજિંગ કન્ટેનર, કટલરી, વાડકી વગેરેના ઉત્પાદન પર કામ કરીશું. ઘઉંના ભૂંસામાંથી તૈયાર થયેલી આ પ્લેટ્સને માઇક્રોવેવમાં પણ ઉપયોગમાં લઇ શકાશે.
પ્લેટના ઉપયોગ વિશે જાણો
- આ પ્લેટને ઉપયોગ કર્યા બાદ ખાઇ પણ શકાય છે.
- પશુઓ માટે ચારા સ્વરૂપે પણ ઉપયોગ કરી શકાય છે.
- જમીનમાં દાટી દીધા બાદ થોડાક જ દિવસોમાં આસાનીથી તે ડિસ્પોઝ થઇ જાય છે.
- જો પ્લેટને જંગલમાં ફેંકવામાં આવે તો તે વૃક્ષો માટે ખાતરનું કામ કરે છે.
વિનયકુમારે અંગમાળીમાં પોતાનો પ્લાન્ટ સેટ કર્યો છે. આ પ્લાન્ટ સંપૂર્ણપણે ઓટોમેટીક અને રોબોટીક છે. જેથી સ્વચ્છતાનું પૂરુ ધ્યાન રાખી શકાય છે. તે જણાવે છેકે, આ પ્લાન્ટ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે. કારણકે તેમાં ઉપયોગમાં લેવાયેલા તમામ પાર્ટસ અને ચીજવસ્તુ મેડ ઇન ઇન્ડિયા છે. તેમના આ સ્ટાર્ટઅપને કેરળ કૃષિ યુનિવર્સિટીમાંથી ઇન્ક્યૂબેશન મળ્યું છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટને ITI કાનપુર તરફથી પણ ઇન્ક્યૂબેશન મળ્યું છે. આ પ્રોજેક્ટ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના ‘ગ્રીન ઇનોવેશન ફંડ’માં પણ વિજેતા રહી ચૂક્યો છે.
વિનયકુમાર જણાવે છેકે કોરોનાના વધતા કેસ અને દેશમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે તેમની પ્રોડક્ટનું વેચાણકાર્ય હજી શરૂ થઇ શક્યું નથી. પરંતુ જેવી સ્થિતિ સુધરશે તેમનું કામ શરૂ થઇ જશે કેમકે તેમનો પ્લાન્ટ તૈયાર છે. આ પ્રોજેક્ટમાં તેમને રાજ્ય સરકારનો પણ સહયોગ મળી રહ્યો છે.
વિનયકુમારની આ શોધ માત્ર પર્યાવરણની દ્રષ્ટિએ જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્રને પણ આગળ વધારવામાં મદદરૂપ સાબિત થશે. હાલમાં મિલોમાંથી તેઓ ઘઉંનું ભૂંસુ લઇ રહ્યા છે. આવનારા સમયમાં સીધા ખેડૂતો સાથે જોડાઇને ભૂંસુ લેવાનું આયોજન છે. જો તમે વિનયકુમારના બનાવેલા પ્રોડક્ટ્સ જોવા માગતા હોવ અને તેમનો સંપર્ક કરવા માગતા હોવ તો અહીં ક્લિક કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: પ્રકૃતિની ગોદમાં બનેલ આ ઘરની અંદર પણ હરિયાળી, પાણી, વિજળી અને અનાજ શાકભાજી માટે પણ આત્મનિર્ભર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.