Search Icon
Nav Arrow
Ranjanben Bhatt
Ranjanben Bhatt

ગાંધીનગરનાં 78 વર્ષનાં દાદીએ 1 લાખ કરતાં પણ વધારે ઈકો-ફ્રેન્ડલી ઢીંગલીઓ બનાવી કર્યો વર્લ્ડ રેકોર્ડ

હરીનભાઈએ તેમની માતા સાથે 1990માં હૉમમેડ ડૉલ બનાવવાનું શરૂ કર્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રમુખ સ્વામી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ સુધી પહોંચી ઇકોફ્રેન્ડલી ડૉલ. આજે 20 કરતાં વધુ મહિલાઓને આપે છે રોજગારી. દર મહિને બનાવે છે 500+ ઢીંગલીઓ અને 18 કરતાં વધુ દેશોમાં કરે છે એક્સપોર્ટ

ડૉલનું નામ સાંભળતાં જ દરેક લોકોને સૌથી પહેલાં બાર્બી ડૉલ જ યાદ આવે, પણ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના રંજન બેન ભટ્ટે બનાવેલી હોમમેડ ડૉલ આજે આખા વિશ્વમાં જાણિતી થઈ છે. રંજનબેન અને તેમના દીકરા હરીનભાઈ દ્વારા શરૂ કરવામાં આવેલાં કલાશ્રી ફાઉન્ડેશન દ્રારા અત્યારે એક મહિને 500થી વધુ ઇકોફ્રેન્ડલી અને સંપૂર્ણ હોમમેડ ડૉલ બનાવવામાં આવી રહી છે. એટલું જ નહીં કલાશ્રી ફાઉન્ડેશન દ્રારા 20થી વધુ મહિલાઓને રોજગારી પણ આપવામાં આવે છે. ત્યારે અમે તમને સંપૂર્ણ ભારતીય, હોમમેડ અને ઇકોફ્રેન્ડલી ડૉલની સફળતાની કહાની સંભળાવીએ.

કલાશ્રી ફાઉન્ડેશના હરીને ભટ્ટે ધ બેટર ઈન્ડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જે અમે અહીં શબ્દશ: રજૂ કરીએ છીએ. ”મારા મધર રંજનબેન ભટ્ટ અત્યારે 78 વર્ષના છે. અમે 1960માં સુરેન્દ્રનગરમાં આવેલાં વઢવાણમાં રહેતાં હતાં. જ્યાં અરુણાબેન દેસાઈએ બહેનો સ્વનિર્ભર થઈ શકે તે માટે તેમણે વર્ષ 1960માં વિકાસ વિદ્યાલય નામની એક સંસ્થા શરૂ કરી હતી. આ સંસ્થામાં તેઓ પ્રોફેસનલ કોર્સિસ કરાવતાં હતાં. જેમાં મારા મધરે વિકાસ વિદ્યાલયમાંથી એક પછી એક ટેલરિંગ કટિંગ, ડૉલ મેકિંગ અને હેન્ડ એમ્બ્રોડરી સહિતના ત્રણ કોર્સ કર્યાં હતાં. આ પછી મારા ફાધર ઇરિગેશનમાં ડિપાર્ટમેન્ટમાં એન્જિનિયર હતાં એટલે તેમનું સૌરાષ્ટ્રમાં અલગ-અલગ સ્થળ પર પ્રોજેક્ટ માટે પોસ્ટિંગ થતું હતું. જેથી અમારે 1960થી 1995 સુધી ધોરાજી, રાજકોટ અને ઉપલેટા સહિતના ટાઉનમાં રહેવાનું થયું હતું. આ દરમિયાન મારા મધર પોતાનો સમય પસાર કરવા પોતે શીખેલી સ્કીલ આસપાસની મહિલાઓને પણ શીખવાડતાં હતાં.”

Harinbhai Bhatt

”આ પછી અમે વર્ષ 1979માં ગાંધીનગર શિફ્ટ થઈ ગયાં હતાં. ત્યારબાદ મારા મધરે વર્ષ 1979થી 1990 સુધી ખુદ સિવણ ક્લાસ શરૂ કર્યા હતાં. જેમાં તેમણે 8000થી વધુ છોકરીઓને ટ્રેઇન કરી હતી. આ મારા મધરનો એક વન મેન શૉ તરીકેનો અચિવમેન્ટ છે.”

ડૉલનું પ્રોક્ડશન શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો?
હરીનભાઈએ ડૉલ મેકિંગની શરૂઆત અંગે જણાવ્યું કે, ”વર્ષ 1990માં મારા ભાઈ યોગેશભાઈને ડ્રામા લઈને અમેરિકા જવાનું થયું હતું. ત્યારે એમને એવું થયું કે, મારા માતા રંજનબેનની ડૉલ મેકિંગ હોબી છે. એટલે તેમણે કહ્યું કે, અમેરિકામાં અમે ડ્રામા લઈને જઈ રહ્યા છીએ તો તમે એવી ડૉલ બનાવો જે આપણે બતાવી શકીએ. આ પછી અમે ચારથી પાંચ મહિનામાં 15થી 20 ડૉલ બનાવી હતી. જેને ન્યૂજર્સીમાં એક ટાઉનહોલની બહાર ડિસપ્લેમાં મૂકવામાં આવી હતી. આ પછી એવો રિપોર્ટ આવ્યો કે, ત્યાં વસેલાં ગુજરાતી લોકોને આ ડૉલ ખૂબ જ ગમી છે. આ દરમિયાને મને એક વિચાર આવ્યો કે, આ વસ્તુમાં આગળ વધી શકાય છે. ”

Indian Traditional Doll

” મેં BSC કર્યું છે. હંમેશા મને એવું થતું હતું કે, કંઈક એવું કામ કરવું જે બધાથી અલગ હોય. આ પછી મેં મારા મમ્મી સાથે ડૉલ મેકિંગનું કામ શરૂ કર્યું. આ દરમિયાન મેં ડૉલ મેકિંગ શું છે?, ભારતમાં ક્યાં-ક્યાં ડૉલ મેકિંગ થાય છે? અને આ કામ પ્રોફેશનલી કેવી રીતે થઈ શકે? તેના પર અમે વર્ષ 1990થી રિડ એન્ડ રિસર્ચ કર્યું. જેમાં એવું જાણવા મળ્યું કે, ડૉલ મેકિંગ યુરોપિયન આર્ટ છે. ઇન્ડિયાનું આ ટ્રેડિશન આર્ટ નથી. જે આખા ભારતમાં કોઈ કરી રહ્યું નથી. અમે એકમાત્ર રિસર્ચ સેન્ટર અને તેનું પ્રોડક્શન કરીએ છીએ. આપણી ગવર્મેન્ટને પણ આ વિશે ખ્યાલ નથી. તે લોકો આ કલાને કોઈ ઇમ્પોર્ટન્સ પણ આપતાં નહોતા. જોકે, અમારે સહાયની જરૂર નહીં પણ, રેકેમેન્ડેશન જોઈતું હતું. એટલે મેં ઇન્વોલ થઈને દિશા બદલી.”

”આ પછી અમે આ આર્ટને એક ચેલેન્જ તરીકે લીધી. જેને અમે અલગ રીતે રેકેગ્નાઈઝેશન આપ્યું. મારો અને મારા માતાનો વિચાર એવો હતો કે, એવી વસ્તુ કે પ્રોજેક્ટ પર કામ કરીએ જે યુનિક હોય. આમ અને આ આર્ટના સબજેક્ટને ગ્લોબલી માન્યતા અપાવવી છે. વર્ષ 1995માં અમે લોકોને એટ્રેક આપવાનું શરૂ કર્યું.”

Indian Traditional Doll

”અમારી ડૉલ વિદેશ સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે.”
હરીનેભાઈ વધુમા વાત કરતાં જણાવ્યું કે, ”ડૉલનું નામ સાંભળીને લોકોના મનમાં સૌથી પહેલાં બાર્બી ડૉલ જ આવે છે. દરેક લોકો જાણે છે કે, બાર્બી ડૉલ વિદેશી છે અને તે સંપૂર્ણ રીતે મશીન મેઇડ છે. આ ઉપરાંત બાર્બી ડૉલ વિદેશી કલ્ચરને પ્રોજેક્ટ કરે છે. બાર્બી ડૉલથી અલગ અમારો કોન્સેપ્ટ છે. અમારી ડૉલ અહીં ભારતમાં જ બનેલી છે અને અમારી ઇકોફ્રેન્ડલી ડૉલને વિદેશ સુધી પહોંચાડવાનો અમારો ઉદ્દેશ છે.”

કેટલા પ્રકારથી ડૉલ મેકિંગ કરો છો?
હરીનભાઈે ડૉલ મેકિંગ અંગે વાત કરતાં જણાવ્યું કે, ” અમે 18થી વધારે ડૉલ મેકિંગ પેટર્ન્સ ડેવલપ કરી છે. અમે ભારતીય ટ્રેડિશનલને રજૂ કરતી અને ઇન્ડિયન રેપ્લિકા જેમ કે, રાધા-કૃષ્ણના પ્રસંગો દર્શાવતી ડૉલ અમે બનાવીએ છીએ. આ ડૉલ અમે 18 પ્રકારની રીતથી બનાવી શકીએ છીએ. 18 રીતમાં અમારી પાસે 300થી વધારે મોડલ છે અને 7થી વઘુ સાઈઝની ભારતના કલ્ચરને રજૂ કરતી અલગ અલગ રાજ્યોના ખેડૂતો, ભારતીય નૃત્યકલા પર આધારિત ડૉલ સામેલ છે. આમ દરેક ડૉલ પાછળ અમારો એક કોન્સેપ્ટ છે. અત્યારે અમારી પાસે વર્લ્ડવાઇડ 4500થી વધારે કસ્ટમર છે અને 18થી વધુ દેશમાં અમારા ક્લાયન્ટ છે.

Eco Friendly Doll

”અમારે ત્યાં એવું નથી કે, અમે બનાવીએ અને ગ્રાહકો ખરીદીને લઈ જાય. પણ અમે કસ્ટમરને જાણીએ છીએ કે, તે પંજાબનો છે, તે યુએસનો છે કે તે ચાઇનિઝ છે. એને પોતાના માટે જોઈએ છે કે, બીજાને આપવી છે કે, આ પછી અમે તેમને સજેસ્ટ કરીએ છીએ કે, અમે તમને આવી ડૉલ આપીશું. ”

દર મહિને કેટલી ડૉલ બનાવો છો?
હરીનભાઈએ આ અંગે વાત કરતા કહ્યું કે, ” અમે દર મહિને 500થી વધુ ડૉલ બનાવી રહ્યા છીએ. અમારી પાસે 20થી વધુ લેડિઝનો સ્ટાફ છે જેમને અમે ટ્રેઇન કર્યા છે. ડૉલ મેંકિંગ આર્ટ સિંગલ આર્ટ નથી. ડૉલ મેકિંગએ 14 પાર્ટમાં થાય છે. જેમાં પેઇન્ટિંગ, સ્કલ્પચર, દરજીકામ, બ્યુટિક, જ્વેલરીકામ, કોસ્ચ્યૂમ ડિઝાઈનર સહિતની આર્ટ દ્વારા ડૉલ બનાવવામાં આવે છે. આમ આ મલ્ટીલેવલ આર્ટથી એક ડૉલ બનાવતાં 18 કલાક થાય છે. અમે ઓછામાં ઓછા મશીનનો ઉપયોગ કરીએ છીએ. માત્ર સ્ટિચિંગ માટે મશીન છે.”

World Record

કલાશ્રી ફાઉન્ડેશન દ્રારા કેટલી મહિલાઓને રોજગારી આપો છો?
આ અંગે વાત કરતાં હરીનભાઈએ જણાવ્યું કે, ”અમે અનસ્કિલ્ડ લેડિઝને ઇનવાઇટ કરીએ છીએ. તેમને આ ડૉલ મેકિંગ શીખવાડીએ છીએ, પછી તેમને અમારી સાથે જોડીએ છીએ. અમારા 2000 સ્ક્વેર ફૂટ એરિયામાં 20થી વધુ એક્સપર્ટ લેડિઝ કામ કરે છે. હું અને મારા મધર દરરોજના 8 કલાક ડૉલ મેકિંગમાં આપીએ છીએ. દરેક બહેનો 8થી 10 કલાક કામ કરે છે. અત્યારે અમારા ક્લાયન્ટ ઇસ્કોન ટચ સ્ટોન ફાઉન્ડેશન બેંગ્લોર છે. આ ઉપરાંત ચેન્નઈ અને બેંગ્લોર એરપોર્ટ પર ડિસપ્લે છે.”

અંતમાં હરીનભાઈએ જણાવ્યું કેસ ” અમારી ડૉલ પૂજ્ય પ્રમુખ સ્વામી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ સહિતના લોકો પાસે પહોંચેલી છે. અમારી પાસે ગિનિસ બુક ઓફ રેકોર્ડ અને યુનાઇટેડ નેશનનો રેકોર્ડ છે. આ ઉપરાંત અમે એક લાખથી વધુ ડૉલ બનાવી છે. જેનો અમને વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે. અમે ટૂંક સમયમાં ગાંધીનગરમાં ડૉલ મ્યુઝિયમ બનાવવાના છીએ. અમારા મ્યૂઝિયમમાં ગુજરાતને ફોક્સ કરી ગુજરાતી લોકો દ્વારા બનાવેલી ડૉલ હશે. અમારા મ્યૂઝિયમમાં ગુજરાત અને ભારતની સંસ્કૃતિને રજૂ કરતી ડૉલ મૂકવામાં આવશે. જેમાં ફોરન ટૂરિસ્ટ અને વીઆઈપીને લાવવામાં આવશે. આ મ્યૂઝિયમ પાછળ અમારો અર્નિંગ કે બિઝનેસનો વિચાર નથી.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: આજ સુધી શાળાનું પગથિયું નથી ચડ્યા પરંતુ બનાવી દીધાં માટીનાં નોનસ્ટિક વાસણો આ ગુજરાતીએ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon