તમે ક્યારેય એ વાતની ગણતરી કરી છે કે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો કેટલો ઉપયોગ થાય છે? જો હા, તો તમે ક્યારેય તમારા જીવનમાંથી આ પ્લાસ્ટિકને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં, તો આજે થોડો સમય કાઢી અને તેના વિશે વિચારો. તમે સમજી જશો કે અમારા ઘરનો દરેક ખૂણો પ્લાસ્ટિકથી ભરેલો છે. વિચાર્યા વગર પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની ચુકવણી પર્યાવરણને કરવી પડે છે.
આપણા ટૂથબ્રશથી લઈને મોટાથી મોટા આયોજનોમાં ઉપયોગમાં થતી સિંગલ યૂઝ ક્રોકરી સુધી બધુ જ પ્લાસ્ટિક છે. તે સાચું છેકે, આપણે એક જ દિવસમાં જીવનમાંથી પ્લાસ્ટિકને બહાર કરી શકતા નથી. પરંતુ તેને કારણે આપણે આપણી તરફથી પ્રયાસો પણ ન કરીએ તો તે મોટી સમસ્યા છે. ઓછામાં ઓછા જે લોકો પ્લાસ્ટિકની જગ્યાએ ઈકો-ફ્રેન્ડલી વિકલ્પનો ઉપયોગ કરવામાં સક્ષમ છે, તેમણે આ પહેલ જરૂર કરવી જોઈએ. જેમ કે, વિશાખાપટ્ટનમની આ મહિલા કરી રહી છે.

આજે, બેટર ઇન્ડિયા તમને એસ.વી.વિજય લક્ષ્મીની સાથે મુલાકાત કરાવી રહ્યું છે, જેમણે ‘હાઉસ ઓફ ફોલિયમ’ની શરૂઆત કરી છે.
‘હાઉસ ઓફ ફોલિયમ’ દ્વારા, તે ઇકો ફ્રેન્ડલી ક્રોકરી અને કટલરી ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે. તેમનો હેતુ ફૂડ ઉદ્યોગ માટે પ્લાસ્ટિકનો વિકલ્પ પૂરો પાડવાનો છે. જો કે, તેનું કાર્ય ખૂબ મોટા પાયે નથી પરંતુ તેના પ્રયત્નો ચાલુ છે અને તે કહે છે કે જે લોકો પ્રયાસ કરે છે તે હારતા નથી.
એક દાયકાથી વધુ સમય માટે સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરનાર વિજય લક્ષ્મીએ લગભગ બે વર્ષ પહેલાં જ પોતાના સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. પરંતુ તેમણે આ વિષય પર ઘણા વર્ષો પહેલા કામ શરૂ કર્યું હતું.
વિજય લક્ષ્મીએ બેટર ઈન્ડિયાને કહ્યું, ‘જ્યારે હું કોર્પોરેટરો સાથે કામ કરતી હતી ત્યારે એક વસ્તુ જેને હું સતત જોતી હતી તે પ્લાસ્ટિક અને તેનાથી થતાં પ્રદૂષણની હતી. તેનો ઉપયોગ ફક્ત ભારતમાં જ નહીં, પણ આપણા કરતા વધુ વિકસિત દેશોમાં થઈ રહ્યો છે. તે સાચું છે કે તે દેશોમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ આપણા દેશ કરતા અનેકગણું સારું છે. પરંતુ તેમ છતાં,પ્લાસ્ટિકથી આપણા પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યુ છે, તેમે આપણ અવગણી શકતા નથી.”

તેથી તેણે આ વિષય વિશે પોતાના અંગત સ્તરે વિચારવાનું શરૂ કર્યું. વિજય લક્ષ્મીએ નક્કી કર્યું કે તે પર્યાવરણ માટે કામ કરશે, પછી ભલે તે ગમે તેટલું નાના સ્તર પર કેમ ન હોય.
“કોઈ ફરક પડતો નથી કે તમે પરિવર્તન લાવવા માટે કોઈ મોટી એનજીઓ અથવા કંપની ખોલીને બેસો.તમારા સતત પ્રયત્નો જ મહત્વ રાખે છે,મારી પાસે જે સાધનો હતા, મે તેમાં જ કામ કરવાનો નિર્ણય કર્યો,”તેમણે ઉમેર્યું.
વર્ષ 2014-15થી તેમણે આ વિષય પર સંશોધન કરવાનું શરૂ કર્યું. તેમણે જુદા જુદા ક્ષેત્રો જોયા અને તેઓ સમજી ગયા કે તે સિંગલ યુઝ ક્રૉકરી પર તેઓ કંઈક કરી શકે છે. તે સાચું છે કે ક્રોકરી માટેના ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો કરતાં પ્લાસ્ટિક ખૂબ સસ્તું છે. પરંતુ જો આપણે પ્રયત્ન કરીએ, તો આજે આપણી પાસે ઘણા વિકલ્પો છે જેમાંથી આપણે આ ક્ષેત્રમાંથી પ્લાસ્ટિકને સંપૂર્ણપણે દૂર કરી શકીએ છીએ. તેમના સંશોધન દરમિયાન વિજય લક્ષ્મીને વાંસ, એરેકા પામ, શેરડીનો પલ્પ વગેરે જેવા ઘણા વિકલ્પો મળ્યાં.
“મને મારા સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે જેને આપણે પરાળી કહીએ છીએ, તેમાંથી પણ ઈકો-ફ્રેન્ડલી ક્રોકરી બનાવી શકીએ છીએ. મને શેરડીનો કચરો એક સારો વિકલ્પ લાગ્યો છે કારણ કે અહીં શેરડીનું ઉત્પાદન પણ ખૂબ વધારે છે. ઉત્તર ભારત ઉપરાંત આંધ્રપ્રદેશમાં ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં શેરડીનો પાક થાય છે. આ રીતે અમારી પાસે કાચા માલની પણ અછત રહેશે નહીં,”તેમણે ઉમેર્યું.

2018ના અંતમાં, વિજય લક્ષ્મીએ નોકરી છોડી દીધા પછી, તેના સ્ટાર્ટઅપ ‘હાઉસ ઓફ ફોલિયમ’ નો પાયો નાખ્યો. તે કહે છે કે તેની પાસે પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે પૂરતા સ્રોત ન હતા. તેથી તેણે એક અલગ રસ્તો પસંદ કર્યો જેથી તે તેના અભિયાન પર કામ કરી શકે. તેમણે કેટલાક સ્થાનિક ઉત્પાદકો સાથે વાત કરી જેઓ વિવિધ કાચા માલના ઓર્ડર પર ક્રોકરી બનાવે છે. તેમણે એ લોકોની સાથે ટાઈ-અપ કર્યુ અને આજે તે સેંકડો ગ્રાહકોને ઇકો ફ્રેન્ડલી ક્રોકરી આપી રહ્યા છે.

તેઓ જણાવે છે કે, ભલે તેમની પહોંચ હજી ઓછી છે, તેણીને ખુશી છે કે તે અમુક હદ સુધી પરિવર્તન લાવવામાં સફળ થઈ રહી છે. તેણે શરૂઆતમાં તેના વર્તુળના કેટલાક લોકો સાથે વાત કરી અને તેમને પોતાના કોન્સેપ્ટ વિશે કહ્યું. એકથી બે લોકો સુધીના ઓર્ડરની સંખ્યા આજે મોટા પ્રમાણમાં વધી ગઈ છે. તેઓએ 150-200 લોકોની ઇવેન્ટ્સમાં આ ઇકો-ફ્રેન્ડલી ક્રોકરી પણ પ્રદાન કરી છે અને તે પણ ગ્રાહકોની માંગ પ્રમાણે.
“અમે કસ્ટમાઇઝ્ડ ક્રોકરી બનાવીએ છીએ. જે ઓર્ડર અમને મળે છે, તેને અમે ગ્રાહકોની જરૂરિયાત સમજીએ છીએ. ઉદાહરણ તરીકે, જો કોઈને પ્લેટનું ચોક્કસ કદ જોઈએ છે, તો કોઈને પેકિંગ બોક્સની જરૂર છે. તે હિસાબથી હું સ્થાનિક ઉત્પાદકને ઓર્ડર આપું છું અને ક્રોકરી બનીને આવે છું જેને અમે ડિલીવર કરીએ છીએ.”તેમણે કહ્યું.
હાઉસ ઓફ ફોલિયમ હાલમાં પ્લેટો, બાઉલ, કટલરી, પેકિંગ બોક્સ વગેરે ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
પ્રક્રિયા વિશે વાત કરતાં, તે જણાવે છે, “આ સ્થાનિક ઉત્પાદકો ખેડૂતો પાસેથી શેરડીનો વેસ્ટ ખરીદે છે અને પછી તેને થોડા સમય માટે પલાળીને રાખે છે. તે પછી તેને મશીનરીમાં પ્રોસેસ કરીને ક્રોકરી બનાવવામાં આવે છે. તે સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે જે કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યાના 90 દિવસની અંદર ઓગળી જાય છે. જો કોઈ પ્રાણી તેને ખાય છે, તો પણ તેમના સ્વાસ્થ્યને અસર થશે નહીં કારણ કે તે નુકસાનકારક નથી. તો પણ, અમે ખેતરોમાંથી નીકળેલી પરાળીને પ્રાણીઓ માટે ઘાસચારો બનાવીએ છીએ.”
વિજય લક્ષ્મીના મતે આ ઇકો ફ્રેન્ડલી ક્રોકરી પર્યાવરણને અનુકૂળ તેમજ માઇક્રોવેવ ફ્રેન્ડલી છે. તમે તેને માઇક્રોવેવમાં રાખી શકો છો અને જરૂર પડે તો તેને ફ્રિજમાં રાખી શકો છો. તેની કોઈ હાનિકારક અસર નહીં થાય. “જો આનું એક પાસું ઈકો-ફ્રેન્ડલી છે તો બીજી બાજુ એ છે કે, ખેડુતોને આ ઉદ્યોગમાંથી વધારાની આવક મળી શકે છે અને તે પણ પરાળીનાં સમાધાન સાથે. જો સરકાર અથવા કોઈ પણ ખાનગી કંપની શેરડીના કચરામાંથી ઈકો-ફ્રેન્ડલી એવા ઉત્પાદનો બનાવે છે, તો ઓછામાં ઓછું શેરડીના ખેડુતોને તો પરાળીને નહીં બાળવી પડે. તેના બદલે, આ કંપનીઓને આ કચરો વેચીને ખેડુતો વધારાની આવક મેળવી શકશે. એટલા માટે જ હું આ ક્ષેત્રમાં સતત પ્રયત્નો કરી રહી છું.’
લોકડાઉનને કારણે તેમના ઉત્પાદનોને અસર થઈ હતી, પરંતુ હવે એ વાત પણ સાચી છે કે લોકોમાં જાગૃતિ વધી છે. ધીરે ધીરે, તેમના ઉત્પાદનોની માંગ વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને વિજય લક્ષ્મીનો હવે પછીનો પ્રયાસ પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાનો છે. કારણ કે જો તે પોતે ઉત્પાદક હશે, તો તે ઉત્પાદનોની કિંમત ઘટાડવામાં સમર્થ હશે. પરંતુ આ માટે, તેને વધુ ગ્રાહકોની જરૂર છે જેથી તે ભંડોળનું કામ કરી શકે.
“લોકડાઉન પછી, મારી આસપાસના ઘણા ઘરના શેફ ઇકો-ફ્રેડ્ડલી ક્રોકરીની માંગ કરી રહ્યા છે. ઉપરાંત, અમે આને અન્ય હોટલો અને રેસ્ટોરન્ટ્સને પણ પિચ કરી રહ્યા છીએ, જેથી ફૂડ ઈન્ડસ્ટ્રીમાંથી પ્લાસ્ટિક દૂર કરી શકાય. જો બધુ બરાબર થશે અને કોઈક રીતે મને સરકાર તરફથી અથવા અન્ય કોઈ જગ્યાએથી નાણાં મળે, તો ટૂંક સમયમાં જ હું મારો મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ સ્થાપિત કરી શકીશ. આ ક્ષણે, પ્રયાસ ફક્ત વધુ અને વધુ લોકોની વિચારસરણીને બદલવા અને તેમની જીવનશૈલીને ટકાઉ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે,”તેમણે અંતમાં કહ્યું.
જો તમે અમારી આ વાર્તાથી પ્રેરિત છો અને વિજય લક્ષ્મીનો સંપર્ક કરવા માંગો છો, તો તમે તેમને 088848 59995 પર વોટ્સએપ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: માત્ર 8 પાસ ખેડૂતે કેળાના ફાઈબર વેસ્ટમાંથી બનાવી બેગ, ચટ્ટાઈ અને ટોપલીઓ, કમાણી પહોંચી કરોડોમાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.