દર વર્ષે રક્ષાબંધન માટે આપણે ભાઈ માટે સુંદર-સુંદર રાખડી ખરીદતા હોઈએ છીએ. જો એકવાર આ રાખડીનો દોરો થોડા દિવસમાં તૂટે એટલે તે કચરામાં જ જતી હોય છે. અને જો આ રાખડી પ્લાસ્ટિક કે અન્ય એવા કોઈ મટિરિયલમાંથી બની હોય કે, જે ઓગળી ન શકે તો તે વર્ષો સુધી લેન્ડફિલમાં પડી રહે છે.
22 ઑગષ્ટે રક્ષાબંધન છે અને હવે વધારે દિવસો બાકી નથી, તો પછી આ વખતે ઈકો-ફ્રેન્ડલી રાખડી ખરીદવાનો વિકલ્પ કેવો રહેશે? અહીં અમે તમને જ્યૂટ, ટેરાકોટ્ટાથી લઈને હાથથી ગૂંથેલી પાંચ પ્રકારની રાખડી ક્યાંથી ખરીદી શકાય તેવી પાંચ જગ્યાઓ વિશે જણાવશું આજે અહીં.
સાચી દ્વારા ટેરાકોટ્ટા
કોરોનાના સંક્રમણકાળ દરમિયાન જ સાચી ત્રિપાઠીએ આ બ્રાન્ડ લૉન્ચ કરી છે. કચ્છના ભાતિગળ પોટરી કારીગરોને મદદ કરવા માટે અમદાવાદના નેશનલ ઈન્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાંથી માસ્ટર્સ કરેલ સાચીએ સુંદર શરૂઆત કરી છે.
ગયા વર્ષે જ્યારે તે કેટલાક કલાકારોને મદદ કરવા માટે મળી ત્યારે તેને ખબર પડી કે, આ લોકોને આર્થિક મદદની જરૂર નથી, તેઓ ઇચ્છે છે કે, તેમનાં ઉત્પાદનોને લોકો ખરીદે. તેમનાં ઉત્પાદનોને કાયમી માર્કેટ મળી રહે, તેમજ તેમનાં ઉત્પાદનોને લોકો જોઈ શકે એ માટે સાચીએ ઓનલાઈન પ્લેટફોર્મની શરૂઆત કરી.

આજે પાંચ અલગ-અલગ કલાકારોના સમૂહને તેના આ પ્લેટફોર્મથી ફાયદો મળી રહ્યો છે અને તે હજી વધુ કલાકારો સુધી પહોંચવા ઈચ્છે છે.
તેની વેબસાઈટ પર ટેરાકોટ્ટા બેઝ્ડ પ્લેટ્સ, બગ અને રાખડી સહિત બીજી ઘણી પ્રોડક્ટ્સ છે.
આ રાખડીઓ હાથેથી બનાવેલ છે અને તેને બેક કરવામાં નથી આવતી. રાખડીના ફુમતા પર નાનકડી કોતરણી પણ કરવામાં આવે છે. એકલી રાખડી સિવાય ગિફ્ટ બૉક્સ સાથે રાખડી પણ મળે છે. જેમાં રાખડીની સાથે ચોકલેટ અને ટેરાકોટ્ટા મગ પણ મળે છે.
આ રાખડીઓની કિંમત 800 થી 1000 રૂપિયાની વચ્ચે છે. આ અંગે વધુ જાણવા તમે તેમની વેબસાઈટ કે ફેસબુક પેજ જોઈ શકો છો.
એથનિક લા રૈના (Ethnic La Reina)
કોલકાતાની રહેવાસી, સૌમિતા ચંદા (35), જાતે જ ઈયર રીંગ, નેકલેસ જેવી જ્વેલરી બનાવે છે. રક્ષાબંધન માટે તે શણના દોરા, લાકડું, ચોખા અને દાળની મદદથી સસ્ટેનેબલ રાખડી બનાવે છે.

જેમાં દોરાને ગોળાકારે અલગ-અલગ ડિઝાઇનમાં વણવામાં આવે છે. કેટલીક રાખડીમાં ફૂલની ડિઝાઇન બનાવવામાં આવે છે. તો કેટલીક રાખડીમાં લાકડામાંથી બનાવેલ પક્ષીની ડિઝાઇન હોય છે.
સૌમિતા હજી વધુને વધુ અવનવી ડિઝાઇન બનાવી રહી છે અને તે કસ્ટમાઈઝ્ડ ઓર્ડ પણ લે છે. જોકે આ માટે ડિલિવરીના આઠ દિવસ પહેલાં ઓર્ડર આપવાનો રહે છે.
જો તમે તેમનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ તો, તેમના ફેસબુક પેજની વિઝીટ કરી શકો છો.
સીડ રાખડી (બીજ રાખડી)
21 ફૂલ્સ એ એવું પ્લેટફોર્મ છે, જ્યાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો અને કલાકારો દ્વારા બનાવેલ પ્રોડક્ટ્સ વેચવામાં આવે છે.

તેમની બનાવેલ રાખડીને ઓર્ગેનિક સુતરાઉ દોરાથી વણીને બનાવવામાં આવે છે અને સાથે અલગ-અલગ પ્રકારનાં દેશી શાકભાજીનાં બીજ લગાવવામાં આવે છે. રક્ષાબંધન બાદ આ રાખડીને ફેંકવાની જગ્યાએ તેને તમે તમારા ગાર્ડનમાં વાવી શકો છો અને તેને ઉગવાની ખુશીને માણી શકો છો.
તેનું પેકિંગ પણ 100% બાયોગ્રેડિબલ નકામા કૉટનમાંથી જ કરવામાં આવે છે.
તેમની રાખડી 350 થી 400 રૂપિયાની વચ્ચે મળી રહે છે અને તેને પ્રિ ઓર્ડર કરવાની રહે છે.
ચિત્ર સાથે ટેરાકોટ્ટા રાખડી
કસ્ટમાઇઝ્ડ ગિફ્ટિંગ વિકલ્પ માટે જાણીતું ઓયે હેપ્પીએ (Oye Happy) આ વખતે રાખડીની નવી રેન્જ બહાર પાડી છે, જેમાં સાદી રાખડીથી લઈને ગોલ્ડ પ્લેટેડ ડિઝાઇનર રાખડીનો સમાવેશ થાય છે. તેમની લેટેસ્ટ ડિઝાઇન કસ્ટમાઈઝ્ડ ટેરાકોટ્ટા રાખડીઓ છે, જેમાં તમે વચ્ચે તમારા ગમતીલાની તસવીર રખાવી શકો છો.
તમારે આ માટે બસ તમારા ગમતીલાની તસવીર શેર કરી ઓર્ડર આપવાનો રહે છે. જેને છાપીને રાખડીના વચ્ચેના ફૂમતામાં કાચના કવર સાથે બેસાડવામાં આવે છે. આ રાખડીને વધારે સ્પેશિયલ બનાવવા ઓયે હેપ્પી તમને લોહચુંબક પણ આપે છે, જેથી રક્ષાબંધન બાદ તેને રાખડીની પાછળ લગાવી તમે તેને ફ્રિજ કે અન્ય કોઈ જગ્યાએ લગાવી શકો છો.
આ રાખડીની કિંમત 340 રૂપિયા છે, પરંતુ જો તમે રેટમાં ખરીદો તો તેમાં ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. વધુ જાણવા માટે તેમની વેબસાઇટ ની વિઝિટ કરો.
સમૂલમ (Samoolam) દ્વારા ક્રોચેટ (ગુંથણવાલી) રાખડીઓ
આ રાખડીઓ બિહારના ગયામાં ગ્રામીણ મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે. તેને અલગ-અલગ રંગના દોરાઓથી ગૂંથવામાં આવે છે અને પક્ષી, પ્રાણીઓ અને ફૂલ જેવા સુંદર આકાર બનાવવામાં આવે છે. મોડર્ન લૂક આપવા માટે તેઓ ઈમોજીની ડિઝાઇન પણ બનાવે છે.

ગુંથીને બનાવેલ પાઉચમાં રાખડીનો સેટ, સાથે કંકુ-ચોખા અને ચોકલેટ પણ હોય છે.
વર્ષ 2012 માં ઉષા પ્રજાપતિએ સમૂલમ લૉન્ચ કરી હતી. ઉષા મૂળ ગયાની વતની છે અને તેણે અમદાવાદની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાં સ્નાતક કર્યું છે. અહીં વેચવામાં આવતી પ્રોડક્ટ્સ અલગ-અલગ 100 મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે અને તેમને પણ આના દ્વારા રોજી મળે છે.
તેમની રાખડીઓની કિંમત 880 થી 1200 ની વચ્ચે છે. ઓર્ડર કરવા માટે તમે તેમની વેબસાઇટ પર જઈ શકો છો.
આ પણ વાંચો: ભાઈ માટે અહીંથી મળશે ‘સીડ રાખડી’, રક્ષાબંધ બાદ ફેંકવી નહીં પડે, ખીલી ઉઠશે સુંદર છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.