ભારત દેશમાં અનેક કાળથી ગાયની પૂજા કરવામાં આવે છે. ગાય પૂજનીય હોવાની સાથે સાથે ગુણકારી પણ છે. વર્ષોથી દૂધ, ઘી સહિતની જીવન જરૂરી વસ્તુ પણ ગાયમાંથી જ મળે છે. એટલું જ નહીં ગૌમૂત્ર પણ અનેક રોગમાં અક્સીર હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. જોકે, જેમ જેમ સમય બદલાયો તેમ તેમ ગૌ આધારિત વસ્તુઓનું ચલણ ઓછું થઈ રહ્યું છે. એવામાં રાજકોટમાં રહેતાં રાહુલ શેઠ સંપૂર્ણ ગાય આધારિત વિવિધ પ્રોડક્ટ બનાવીને વેચી રહ્યા છે અને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. એટલું જ નહીં આ કામ થકી 10થી વધુ મહિલાઓને રોજગારી પણ આપી રહ્યા છે. આ ગૌઆધારિત પ્રોડક્ટ વેચીને તેઓ વર્ષે 1 લાખ સુધીનો નફો રળી રહ્યા છે.
સુરભી સંપદા નામની સંપૂર્ણ ગૌઆધારિત પ્રોડક્ટ બનાવીને વેચાણ કરતા રાહુલભાઈ શેઠ સાથે અન્ય લોકો અમરભાઈ, સુનિલભાઈ અને મિલભાઈ પણ જોડાયેલાં છે. 32 વર્ષીય રાહુલભાઈએ ધ બેટર ઇન્ડિયા સાથે ગાય આધારિત પ્રોડક્ટ વિશે અને તેની મેકિંગ પ્રોસેસ અંગે જીણવટપૂર્વક વાત કરી હતી. જે અમે અહીં તેમના શબ્દશઃ રજૂ કરી રહ્યા છીએ.

કેવી રીતે સુરભી સંપદા ફર્મની શરૂઆત કરી?
રાહુલભાઈએ જણાવ્યું કે, ‘મેં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ કર્યું છે. મારે ઇલેક્ટ્રોનિક્સનો પર્સનલ બિઝનેસ છે, પણ સુરભી સંપદા શરૂ કરવાનું કારણ એવું હતું કે, આપણે ત્યાં નેચર અને ગાય આધારિત ઈકોનોમી પહેલાં હતી. જોકે, ટ્રેક્ટરને બધું આવ્યા પછી તે ઓછી થઈ ગઈ છે અથવા તો તેનો ઘણાં અંશે નાશ પામ્યો છે. તેને પાછી રિવાઇવ કરવા માટે અમે સુરભી સંપદા નામની ગૌઆધારિત પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું હતું.’
‘અત્યારે લોકો ગાય દૂધ દેતી બંધ થાય એટલે છોડી દે છે. એવું ના થાય તે માટે એક સેલ્ફ સસ્ટેનેબલ ગૌશાળા બનાવી. જેમાં અમે ગયા વર્ષે ગાયના ગોબરમાંથી દીવા, ગૌમાય ગણેશા, ઘૂપબત્તી, અગરબત્તી, ટેબલ પીસ અને ગૌમૂત્રમાંથી અમે લિક્વિડ ખાતર અને પેસ્ટ્રીસાઇઝ બનાવવાનું શરૂ કર્યું હતું.’

ગોબરના દીવા બનાવવાનું ક્યારે શરૂ કર્યું હતું?
રાહુલભાઈએ જણાવ્યું કે, ‘ગોબરના દીવા બનાવવાનું ગયા વર્ષે શરૂ કર્યું હતું. અમારા પહેલાં પણ અમુક લોકો બનાવતાં હતાં. જે ઓછું જાણીતું હતું. એટલે ગયાં વર્ષે રાષ્ટ્રીય કામધેનુ આયોગ તેણે આખો ઇનિસિએટિવ લીધું હતું. જેમાં પહેલાં ગૌમાય ગણેશાનું કેમ્પેઇન ચલાવ્યું. આ પછી અમે ગોબરના દીવા અને વિવિધ ગોબર અને ગૌમૂત્ર આધારિત વસ્તુ બનાવવાનું શરૂ કર્યું હતું.
ગોબરના દીવા બનાવવાની મેકિંગ પ્રેસેસ શું છે.?
આ અંગે વાત કરતાં જણાવ્યું કે, ‘ઘણાં લોકોના મનમાં એવી ધારણા રહેલી છે કે, ગોબરના દીવા તો સળગી જાય, પણ અમારા જે ગોબરના દીવા છે તેમાં પ્રીમિક્સ મટીરીયલ હોય છે. જેના કારણે ગોબર સળગે નહીં અને તેનું બાઇન્ડિંગ પણ રહે છે. આ ઉપરાંત તેમાં તેલ કે ઘી પુરેલું હોય તો તે પોતે શોષે નહીં અને પોતે સળગી ના જાય. આ બંને ગુણધર્મ દીવામાં આવે તે માટેનું પ્રિમિક્સ મટિરિયલ એડ કરવામાં આવે છે. જે એક કિલોએ 50થી 100 ગ્રામ એડ કરવાનું હોય છે. આ સિવાય તેમાં માત્ર પાણી જ મેળવવાનું હોય છે. એટલે સૂકાયેલું ગોબર હોય તેને પાઉડર કરીને તેને હેન્ડ મોલ્ડમાં કરવામાં આવે છે.’

‘ગોબરના દીવા હેન્ડ મોલ્ડમાં બનાવવામાં આવે છે. જે ગામડામાં રહેતી બહેનો પોતાના નવરાશના બનાવે છે અને કમાય છે. અમે તેમને રો મટિરિયલ આપીએ છીએ. આ પછી તે પોતાની રીતે પાણી તેમાં મેળવી હેન્ડ ડાઇથી ગોબરના દીવા બનાવી દે છે. આ પછી તે દિવાને તડકે સૂકવવાના હોય છે. આમાં સારી વાત એ છે કે, માટીના દીવા હોય તો તેને ભઠ્ઠીમાં પકવવા પડે છે. જેને લીધે તે માટી એવી રહેતી નથી જે જમીન સાથે મિક્સ થઈ જાય. જ્યારે ગોબરના દીવામાં બિલકુલ પહેલાં જેવું જ રહે છે. જે માટીમાં મિક્સ થઈ જશે તો, પણ ખાતરનું જ કામ કરશે. ગોબરના દીવા પકવવાની કોઈ જરૂર પડતી નથી. આમ ગોબરના દીવા પ્યોર ઇકોફ્રેન્ડલી છે.’
‘ગોબરનો એક દિવો બનાવવાનો ખર્ચ 1.25 રૂપિયા જેટલો થાય છે. જે માર્કેટમાં 3થી 4 રૂપિયામાં વેચાય છે. જોકે, અમે સળગે એવાં પણ દીવા બનાવીએ છીએ. જેને લોકો ધૂપ કરવામાં વાપરે છે.’
ધૂપબત્તી કેવી રીતે બનાવો છો?
રાહુલભાઈએ જણાવ્યું કે, ‘ધૂપબત્તી અને અગરબત્તી બનાવવા માટે લાકડાનું ભૂંસુ અને ચુરો યૂઝ થાય છે. આ ઉપરાંત તેમાં અગર અને સુગંધ માટેની વસ્તુઓનું મિશ્રણ વાપરવામાં આવે છે. જો કોઈ ધૂપબત્તી અને અગરબત્તી ગાયના ગોબરમાંથી બનાવે તો તે ખૂબ જ સસ્તી બને છે. એટલું જ નહીં સરસ સુગંધીદાર પણ બને છે. આ ઉપરાંત વાતાવરણ પણ શુદ્ધ કરે છે. આ ધૂપબત્તી અને અગરબત્તી અમે 100 ગ્રામના પેકેટમાં 70 રૂપિયાથી 80 રૂપિયામાં રિટેઇલમાં આપીએ છીએ.’

ગૂગળની ધૂપબત્તી કેવી રીતે બનાવો છો?
આ અંગે વાત કરતાં કહ્યું કે, ‘ગૂગળની ધૂપબત્તી છે તે, કોન શેપ અને સ્ટીક શેપમાં બનાવીએ છીએ. ગૂગળની ધૂપબત્તીમાં ગૂગળ, રાડનો પાઉડર નાખવામાં જે બર્નિંગ ઇફેક્ટ આપે છે. ઉદાહરણ તરીકે તમે ગોબર સળગાવો તો તે કોલસાની જેમ સળગી જશે નહીં. જોકે, સહેજ રાડનો પાઉડર હોય તો, એનાથી તે ધીમે ધીમે સળગશે. અમે ગૂગળ ધૂપબત્તીમાં એક કિલોગ્રામમાં ગૂગળમાં માત્ર 25થી 30 ગ્રામ જ રાડનો પાઉડર મિક્ષ કરીએ છીએ. આ ઉપરાંત સુગંધ માટે ચંદનનો પાઉડર, જટામાસી પાઉડર બહારથી લઈએ છીએ. આ ઉપરાંત સાંઈ ફ્લોરાનો પાઉડર બહારથી લાવીએ છીએ. ગૂગળની ધૂપબત્તી 100 ગ્રામના પેકેટમાં અમે 80 રૂપિયામાં વેચીએ છીએ.’
મૂર્તિ ઉપરાંત શું શું બનાવો છો?
તેમણે જણાવ્યું કે, ‘અમે ગૌમાય ગણેશા ઉપરાંત દરેક દેવી-દેવતાની મૂર્તિ બનાવીએ છીએ. આ મૂર્તિ બનાવવા માટે પહેલાં મોલ્ડ બનાવવો પડે છે. જે બાદ આ મૂર્તિ બનાવવામાં આવે છે. અમે ટેબલ પીસ પણ બનાવીએ છીએ. જેમાં નવકાર મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, મહાલક્ષ્મી મંત્ર કરેલો છે. આ સિવાય ઓમ, શ્રી, શુભ, લાભ અને સ્વસ્તિકના ઘરના દરવાજા પર લગાડવાના બિલ્લા બનાવીએ છીએ. આ દરેક વસ્તુની મેકિંગ પ્રોસેસ એક સરખી જ છે. આ દરેક વસ્તુ ડાઇમાં બનાવવામાં આવે છે અને દરેક વસ્તુ એક બે દિવસમાં તૈયાર થઈ જાય છે.’
આ વસ્તુઓનું કેવી રીતે કરો છો?
ગૌઆધારિત વસ્તુના વેચાણ અંગે જણાવ્યું કે, ‘અમે આ દરેક વસ્તુનું ઓનલાઇન પ્લેટફોર્મ પરથી અને રિટેઇલમાં પણ વેચાણ કરીએ છીએ. આમાં અમને સિઝનમાં વધુ કમાણી થાય છે. એક વર્ષમાં બધો ખર્ચ કાડ્યા બાદ 60 હજાર થી 1 લાખ કરતાં વધુ રૂપિયાની કમાણી થાય છે.’

ગૌમૂત્રમાંથી લિક્વિડ ખાતર કેવી રીતે બનાવો છો?
આ અંગે વાત કરતાં રાહુલભાઈએ જણાવ્યું કે, ‘અમે સ્સામાન્ય રીતે પ્રવાહી ખાતર પણ વેચીએ છીએ, જે જીવામૃત તરીકે ઓળખાય છે. અત્યાર સુધી સોલિડ ખાતરનો લોકોમાં ક્રેઝ હતો. કોઈ ખેડૂત છાણનો કચરો મૂકી રાખે અને સડી ગયા પછી તેનો ઉપયોગ કરે છે. પણ તેને ખાતર બનાવવાની એક્યુઅલ પ્રોસેસ કરેલી ના હોય. જેને લીધે રિઝલ્ટ ના મળે. એક્યુઅલ પ્રોસેસમાં 100 ટકા સડી જાય પછી તેનો બિલકુલ પાઉડર થઈ જવો જોઈએ. જેને જમીન સિધુ શોષી શકે તે મુજબ થઈ જવું જોઈએ. જો આ પ્રોસેસ ના થાય તો અમુક દાણા આખા હોય. જેને લીધે ખેતરમાં નાંખ્યું હોય તો નિંદામણ ઉગી નીકળે છે.’
‘આ ગૌમૂત્ર આધારિત પ્રવાહી ખાતર 100 ટકા કમ્પોઝ્ડ થયેલું હોય છે. આ ખાતર લિક્વિડ હોય એટલે તેને છાંટી શકાય અને ટપક સિંચાઈ દ્વારા પણ આપી શકાય છે. આ ખાતર નાંખવાની અલગથી મહેનત કરવી પડતી નથી. જેનું રિઝલ્ટ એવું હોય છે કે, પથરાળ જમીનમાં પણ મબલક ઉત્પાદન મળી રહે છે. આ ખાતરની કિંમત રિટેઇલમાં 1 લીટર 70 રૂપિયામાં આપીએ છીએ. ખેડૂતોને 200 લીટરનું ડ્રમ જોઈતું હોય અથવા 50-50 લીટરનું કેન જોઈતાં હોય. તો તેમના માટે ભાવ થોડો સસ્તો હોય છે.’
‘આ ખાતરની સારી વાત એ છે કે, જો તે ખેતરમાં વધુ પડી જાય તો છોડ કે, વૃક્ષને નુકસાન થતું નથી. આ ઉપરાંત બેક્ટેરિયા કલ્ચરવાળું હોવાને લીધે તે પેસ્ટ્રીસાઇડ તરીકે પણ કામ કરે છે. દાખલા તરીકે, છોડમાં કોઈ જીવાત હોય તો આ ખાતરના બેક્ટેરિયા તેને ખાઈ જશે. આ બેક્ટેરિયા પ્લાન્ટ માટે ફાયદાકારક હોવાના કારણે છોડને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. આ ખાતરનો ઉપયોગ સ્પ્રેમાં કરી શકાય છે.’
‘આ ખાતર બનાવવા માટે અમે ગોબર, ગૌમૂત્ર અને ખાટી છાસનો ઉપયોગ કરીએ છીએ. આ ત્રણે મુખ્ય સામગ્રી છે. તેની એક ખાસ પ્રોસેસ કરવામાં આવે છે. જેને લીધે તે એકદમ પરફેક્ટ અને કુદરતી હોય છે‘
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે તેને ખરીદવા ઈચ્છતા હોવ તો તેમની વેબસાઈટ પર સંપર્ક કરી શકો છો, અથવા 99096 04466 પર ફોન પણ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ખેતીની પરાલીમાં વાવ્યા ઑર્ગેનિક મશરૂમ અને તેના વેસ્ટમાંથી બનાવ્યાં ઈકો ફ્રેન્ડલી વાસણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.