છેલ્લાં બે વર્ષથી લગ્નની મોસમમાં કોરોના કાળ બનીને બેઠો હતો ત્યારે આ વર્ષે દિવાળી બાદ લગ્નની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. દરેક લોકો લગ્નમાં કંઈક અનોખું કરવા માટે પ્રયાસો કરતા રહે છે. બજારમાં પણ લગ્નમાં કંઈક નવું કરવા માટે ઘણી નવી નવી થીમો અને વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. ત્યારે ઉપલેટાનાં આ વેપારીને પણ પોતાની વ્હાલસોયી દિકરીનાં લગ્નમાં કંઈક અનોખુ કરવાની ઈચ્છા થઈ હતી. અને ગૌ સેવા કરતા સુનિલભાઈએ વહાલી દીકરી ધ્રુવીનાં લગ્નમાં ગાયનાં છાણમાંથી બનતા કાગળની કંકોત્રી બનાવડાવી હતી. ત્યારે આ અનોખી કંકોત્રી સોશિયલ મીડિયા પણ ચર્ચાનો વિષય બની હતી.
ગૌ સેવા સાથે છે જોડાયેલાં
ઉપલેટામાં રહેતા અને સોના-ચાંદીનો ધંધો કરતા સુનિલભાઈ ધોળકિયાએ દિકરીનાં લગ્નમાં ગાયનાં છાણમાંથી બનતા કાગળની કંકોત્રી છપાવી છે. પર્યાવરણ પ્રેમી અને છેલ્લાં 20 વર્ષોથી ગૌ સેવા સાથે સુનિલભાઈ જોડાયેલાં છે. સુનિલભાઈનાં પરિવારમાં પત્ની સાધના બહેન, બે પુત્રીઓ રાજવી અને ધ્રુવી અને એક પુત્ર કલ્પ છે. સુનિલભાઈએ દિકરીનાં લગ્નમાં કંઈક અલગ કરવાનું વિચાર્યુ હતુ. સુનિલભાઈ છેલ્લાં 18 વર્ષથી ગાય આધારિત ખેતી પણ કરે છે.
કેવી રીતે આવ્યો વિચાર
ભારત વિકાસ પરિષદ સંસ્થા, ધન્વંતરી પરિવાર, ગાયત્રી પરિવાર અને આર્ટ ઓફ લિવિંગ જેવી અલગ અલગ પર્યાવરણલક્ષી સંસ્થા સાથે 20 વર્ષથી જોડાયેલાં છે. સુનિલભાઈનાં ઘરે પણ 50 વર્ષથી ગાય પાલન થાય છે. ધન્વંતરી પરિવાર ટ્રસ્ટનાં મૂળભૂત સિદ્ધાંતો આરોગ્ય સ્વાવલંબન અને સજીવ ખેતી અને ગૌ સેવા છે. તેની કાર્યપદ્ધતિ સાથે જોડાયેલા સુનિલભાઈ કહે છે, ‘મે ધન્વંતરી પરિવાર સાથે જોડાયેલાં ડૉ.કિશોરભાઈ બલદાણિયા પાસે આ પ્રકારનાં કાગળનાં વીઝીટીંગ કાર્ડ જોયા હતા. ત્યારે તેમની પાસેથી જાણવા મળ્યુ હતુ આ એક એવાં કાગળ છે જેનો ઉપાયોગ બાદ તેને જમીનમાં દાટી દેવામાં આવે તો તેમાંથી છોડ ઉગે છે. કાગળો ત્યારે જ આવા અનોખા કાગળની કંકોત્રી ધ્રવીનાં લગ્ન માટે છપાવવાનો નિર્ણય કર્યો હતો.

જયપુરથી મંગાવ્યા છે કંકોત્રીનાં કાગળો
સુનિલભાઈને તેમના સાથી મિત્ર ડૉ.કિશોરભાઈ બલદાણિયાએ જણાવ્યુ કે, આ કાગળો જયપુરમાં રહેતા ભીમરાજ શર્મા અને તેમની દીકરી જાગૃતિ શર્મા દ્વારા તૈયાર થાય છે. જેઓ ગાયનું છાણ, કપાસનો કચરો અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને આવા કાગળો તૈયાર કરે છે. આ પિતા-પુત્રીની જોડી આ પ્રકારનાં કાગળમાંથી 70 જેટલી પ્રોડક્ટસ તૈયાર કરે છે. જેમાં માસ્ક, કવર, ફોલ્ડર, બેગ જેવી પ્રોડક્ટસ તૈયાર કરાય છે. એટલે તેમનો સંપર્ક સાધીને તેમની પાસેથી થોડા કાગળનાં સેમ્પલ મગાવ્યા હતા. જેમાંથી એક કાગળ પસંદ કરીને તે જ કાગળની કંકોત્રી છપાવવાનો નિર્ણય કર્યો હતો.
શા માટે આ કાગળની કંકોત્રી?
સુનિલભાઈ આગળ કહે છેકે, કોઈ પણ લગ્નનાં કંકોત્રી ખાસ હોય છે. એકવાર લગ્ન પુરા થઈ જાય પછી તે પસ્તીમાં જાય છે અથવા તો કચરાની પેટીમાં જ જાય છે. ત્યારે મારા ઘરનાં લગ્નની કંકોત્રી લોકોનાં ઘરમાં એક સંભારણું રહે તે વિચાર સાથે આ પ્રકારની કંકોત્રી છપાવવાનો નિર્ણય કર્યો હતો. એવું નથીકે, દીકરી ધ્રુવીનાં લગ્નમાં જ આવી કંકોત્રી બનાવડાવી છે, આ વિચાર સાથે પાંચ વર્ષ પહેલાં જ્યારે મોટી પુત્રી રાજવીનાં લગ્ન થયા હતા ત્યારે પણ અલગ વિચાર સાથે અનોખી કંકોત્રી છપાવડાવી હતી. તો ધ્રુવીનાં લગ્નની આ કંકોત્રીથી ગાયનો મહિમા વધશે અને સાથે સાથે આ કંકોત્રીમાં જે કાગળનો ઉપયોગ થયો છે તે પર્યાવરણ માટે સારો છે કારણકે, તેમાં જે વનસ્પતિના બીજ હશે જેને ફેંકી દીધા બાદ તે કાગળ જે પણ જમીનમાં પડ્યો હશે ત્યાં તેમાંથી છોડ ઉગશે. તો જ્યારે પણ લોકો છોડ જોશે તો તેમને યાદ કરશે. ઘરનાં સભ્યોએ પણ તેમના આ ઉમદા વિચારમાં તેમનો સાથ આપ્યો હતો.
રાજવીનાં લગ્નની અનોખી કંકોત્રી
પાંચ વર્ષ પહેલાં મોટી પુત્રી રાજવીનાં લગ્નમાં પણ અલગ કંકોત્રી છપાવી હતી. તેના લગ્નમાં કંકોત્રીમાં એક-એક ઔષધિનાં ફોટા અને તેના ઉપયોગ અને તેનાં મહત્વની માહિતી આપી હતી જે એક કેલેન્ડર પણ બની જાય. કંકોત્રી ફેંકવાની જગ્યાએ કાયમી લોકોનાં ઘરમાં સ્થાઈ રાખવી હોય તો કેવી રીતે રહી શકે તે ઉમદા વિચાર સાથે દીકરી રાજવીનાં લગ્નમાં આવી કંકોત્રી બનાવડાવી હતી. જેમાં અલગ- અલગ ઔષધિઓનાં નામ તેનો ઉપયોગ અને તેનાં ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યુ હતુ. સુનિલભાઈનાં ઘરે તે પહેલાં અમદાવાદથી એક એવી કંકોત્રી આવી હતી જેને જોયા બાદ એનું સંભારણું રહી જાય એવી હતી ત્યારે તેમને દિકરીનાં લગ્ન માટે કંઈક આવુ કરવાનો વિચાર આવ્યો હતો.
કંકોત્રીમાં કેટલો સમય અને ખર્ચ કર્યો
550 કંકોત્રી બનાવવામાં આશરે 15000 રૂપિયા જેટલો ખર્ચો થયો છે. એક અઠવાડિયામાં આ કંકોત્રી માટે કાગળ બનીને તૈયાર થઈ ગયા હતા જેને ઉપલેટા કુરિયર કરવામાં આવ્યા હતા. અહીં ઉપલેટામાં તેમણે કંકોત્રીને છપાવડાવી હતી.

લગ્નનો મંડપનો કર્યો અનોખો શણગાર
સુનિલભાઈ આગળ જણાવે છેકે, ડેકોરેશન માટે દિકરીની બહુજ ઈચ્છા હતી, તેને પણ લગ્નનો મંડપ બીજા લોકોનાં લગ્નોની જેમ ખાસ શણગાર કરાવવો હતો તેના માટે સાચા અને આર્ટિફિશિયલ ફૂલોની સજાવટ કરાવવાનું નક્કી કર્યુ હતુ પરંતુ છેલ્લાં સમયે ફૂલોનાં ડેકોરેશન વિભાગના જે હેડ હતા તે બિમાર પડી ગયા અને તેમને ડેન્ગ્યૂ થઈ ગયો તો અંતે મને વિચાર આવ્યો જ્યારે પર્યાવરણનું ધ્યાન રાખીને અનોખી કંકોત્રી છપાવી છે તો મંડપ પણ પર્યાવરણને અનુકૂળ હોવો જોઈએ. ત્યારે મે દીકરી અને ઘરનાં અન્ય સભ્યો સાથે વાત કરી, જેમ તુલસી વિવાહમાં મંડપને શેરડીનાં સાંઠાથી શણગારવામાં આવે છે તે રીતે દિકરીનાં લગ્નનો મંડપ પણ શેરડીનાં સાંઠાથી શણગારવાનો વિચાર ઘરનાં લોકો સમક્ષ રાખ્યો હતો. તો તેમણે તરત જ મારા વિચાર સાથે સહમતિ દર્શાવી હતી. તો મંડપનાં શણગાર માટે એક ટ્રેક્ટર ભરીને શેરડી મંગાવવામાં આવી હતી. અને શેરડીથી લગ્નનો મંડપ શણગારવામાં આવ્યો હતો. જે લગ્ન બાદ ગૌશાળામાં આપતા ગાયો માટે ચારાનાં ઉપયોગમાં પણ આવી શકે છે. જ્યારે આર્ટિફિશિયલ ફૂલો પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. લગ્ન પુરા થયા બાદ તે જ શેરડીને ફરીથી ટ્રેકટરમાં ભરીને ઉપલેટામાં જ આવેલી ગૌશાળામાં ગાયોનાં ચારા માટે મોકલી દેવામાં આવી હતી.
કેવો રહ્યો લોકોનો અભિપ્રાય
સુનિલભાઈ બંને દિકરીઓનાં લગ્નમાં અનોખી કંકોત્રી છપાવી અને ધ્રુવીનાં લગ્નનો મંડપ શેરડીનાં સાંઠાથી સજાવવાનો પ્રયોગ સફળ રહ્યા બાદ હવે દિકરા કલ્પનાં લગ્ન જ્યારે પણ થશે ત્યારે પણ કંઈક અનોખું કરવા માગે છે. સુનિલભાઈએ દિકરીનાં અનોખા અંદાજમાં લગ્ન કર્યા બાદ હવે લોકો તેમને ફોન કરીને પુછી રહ્યા છે કે તેમણે કેવી રીતે આ કર્યુ અને તેમને પણ પોતાના બાળકોનાં લગ્નમાં આ પ્રકારનું કંઈ કરવા માગે છે. તો લોકો સોશિયલ મીડિયા ઉપર પણ તેમના આ અનોખા અંદાજની ચર્ચા કરી રહ્યા છે.

સમાજને સંદેશ
અંતે સુનિલભાઈ સમાજને એક જ સંદેશ આપવા માંગે છેકે, જ્યારે પણ કોઈ નવતર પ્રયોગ કરતા હોઈએ ત્યારે હાર-જીતનો વિચાર કર્યા વગર કાર્ય કરવું જોઈએ અને નવા વિચારોને અપનાવવાથી ભાગવું જોઈએ નહીં. કોરોના બાદ લોકો ઓક્સિજનની કમીને કારણે જે રીતે હેરાન થયા છે તે બાદ પર્યાવરણ તરફ મોટાભાગનાં લોકો વળ્યા છે. ગાયમાં એટલી બધી ઊર્જા છે તો લોકો ગાયનું મહત્વ સમજે. ગાયને આપણી સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે. ત્યારે લોકો ગાયનું મહત્વ સમજે અને પર્યાવરણની રક્ષા અને આરોગ્ય સ્વાવલંબન માટે ગાય આધારિત ખેતી તરફ વળે. સુનિલભાઈનો આ નવતર પ્રયોગ સરાહનીય છે. અને જો તમે પણ કંઈ આવું કરવા માગતા હોય તો તમે તેમનો 9428890986 પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ભાવનગરના પરિવારે પુત્ર-પુત્રીના લગ્નમાં બનાવી એવી કંકોત્રી કે, ચકલી પણ માંડી શકશે સંસાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.