“આપણે મનુષ્યો કુદરત પાસેથી ઓક્સિજન લઈએ છીએ અને બદલામાં કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરીએ છીએ. આપણે પહેલાથી જ આપણા બાકીના જીવન માટે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છીએ, તેથી ઓછામાં ઓછી આપણી જીવનશૈલીને શક્ય હોય તેટલી પર્યાવરણને અનુકૂળ બનાવવાની આપણી જવાબદારી છે,” આવું કહેવાનું છે બેંગલુરુમાં રહેતા ચોક્કલિંગમનું.
શહેરોમાં રહીને પર્યાવરણને અનુકૂળ અને પ્રકૃતિની નજીક રહેવું મુશ્કેલ હોય છે. કારણ કે શહેરમાં તમે સુવિધાઓથી ઘેરાયેલા રહો છો. જ્યારે પર્યાવરણને અનુકૂળ રહેવાની વાત આવે છે, ત્યારે તેનો અર્થ એ છે કે તમારે તમારી જીવનશૈલીમાં ઘણા ફેરફારો કરવા પડશે. બહુ ઓછા લોકો આ ફેરફારો અપનાવી શકે છે. ચોક્કલિંગમ પણ તેમાંથી એક છે.
પોતાની જીવનશૈલી પ્રત્યે હંમેશા સભાન રહેતા ચોક્કલિંગમ અને તેમનો પરિવાર લગભગ 14 વર્ષથી તેમની જીવનશૈલીને પ્રકૃતિ સાથે અનુકૂળ કરવા માટે પ્રયત્નશીલ છે. તેઓ ઈકો ફ્રેન્ડલી મકાનમાં રહે છે અને વીજળી માટે સૌર ઉર્જા તો વર્ષમાં લગભગ છ મહિના વરસાદના પાણીનો ઉપયોગ કરે છે.

ચોક્કલિંગમે કહ્યું, “લગભગ 14 વર્ષ પહેલા અમને અમારું પોતાનું ઘર બનાવવાની તક મળી અને અમે નક્કી કર્યું કે અમે પરંપરાગત અને પ્રકૃતિને અનુકૂળ ઘર બનાવીશું. જેમાં મહત્તમ પર્યાવરણને અનુકૂળ કાચા માલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને દિવાલો, છત અને ફ્લોર બનાવવાની ટેક્નિકો પણ ટકાઉ હોવી જોઈએ જેથી અમે શક્ય તેટલી પ્રકૃતિની દિશામાં કામ કરીએ. આશરે 3500 ચોરસ ફૂટના વિસ્તારમાં બનેલું અમારું આ ઘર પર્યાવરણને અનુકૂળ છે. તો, આપણી જીવનશૈલી પણ સસ્ટેનેબલ છે જેથી પર્યાવરણ પર શક્ય તેટલી ઓછી અસર થાય.”
માટીમાંથી બનાવ્યુ ઘર
તેમનું ઘર આર્કિટેક્ટ શેરીન બાલાચંદ્રનના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યું હતું. જ્યારે તમે આ ઘરમાં પ્રવેશશો, ત્યારે મુખ્ય દરવાજો પથ્થરોનો બનેલો દેખાશે. ચોક્કલિંગમ કહે છે કે આ દરવાજો ‘ડ્રાય મેસનરી તકનીક’ સાથે બનાવવામાં આવ્યો છે. આમાં, કુદરતી પથ્થરો કોઈપણ મોર્ટાર વિના લગાવવામાં આવે છે. આ એક પરંપરાગત તકનીક છે અને હવે ભાગ્યે જ જોવા મળે છે. આ દરવાજાની બંને બાજુએ એક બગીચો છે, જેના દ્વારા તમે ઘરની અંદર જાઓ છો.
તેમના ઘરમાં કોઈ પણ પ્રકારની ઈલેક્ટ્રિક બેલ નથી. તેના બદલે, તેઓએ સામાન્ય ઘંટને એવી રીતે લગાવ્યો છે કે જો તમે બહારની ઘંટડી વગાડો છો, તો અંદરની ઘંટડીઓ પણ વાગે છે અને અંદર ખબર પડે છે કે કોઈ આવ્યું છે. તેમના ઘરની મધ્યમાં એક આંગણું છે અને તેની આસપાસ રૂમ, રસોડું, બાથરૂમ વગેરે બનાવવામાં આવ્યા છે.

ઘરના નિર્માણમાં તેમની પોતાની જમીનમાંથી મોટાભાગની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. “પાયો બનાવતી વખતે જે પણ માટી બહાર આવી તેમાંથી અમે કંપ્રેસ્ટ અર્થ બ્લોક્સ બનાવ્યા, એટલે કે માટીના બ્લોક્સ અને ઘરની તમામ દિવાલો તેમાંથી બનાવવામાં આવી છે. ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ, પૂજા રૂમ, રસોડું અને બે બાથરૂમ છે, જેમાં અટેચ બાથરૂમ છે. તો, પહેલા માળે બે બેડરૂમ છે અને બહાર બાલ્કની પણ છે,” તેમણે કહ્યું.
રસોડામાં, તેમણે પરંપરાગત ચિમની લગાવી છે, જે વીજળી વગર કામ કરે છે. તેમણે ઘરની દિવાલો પર કોઈપણ પ્રકારનું પ્લાસ્ટર કે પેઇન્ટ કર્યું નથી. ઘરના ફ્લોર માટે માટીની ટાઇલ, આથનગુડી ટાઇલ અને ઓક્સાઇડ ફ્લોરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ તમામ કાચો માલ ઇકો ફ્રેન્ડલી છે. તેઓએ છત બનાવવાના ઘણા પ્રયોગો કર્યા છે. ઉદાહરણ તરીકે, કેટલીક જગ્યાએ ફિલર સ્લેબ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ફિલર માટે માટીના કટોરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તો, પૂજા ઘરનાં ગુંબજ અને અન્ય રૂમોની છત સામાન્ય ઈંટોમાંથી બનેલી છે અને તેની ઉપર મેંગલોર ટાઇલ્સ નાખવામાં આવી છે. તેમણે પોતાના ઘરમાં જૂની બારીઓ અને દરવાજાનો ઉપયોગ કર્યો છે. અન્ય લાકડાનાં કામ માટે પણ જૂના અને રિસાયકલ કરેલા લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
“અમે વધારેમાં વધારે રીસાઈકલ્ડ મટીરિયલનો ઉપયોગ કર્યો છે. જેથી કાર્બન ફુટપ્રિંટ ઓછી રહે. અમે પહેલા માળે રૂમની બહાર બાલ્કનીમાં જવા માટે જૂની મારુતિ કારના દરવાજાનો ઉપયોગ કર્યો છે.” તેમણે કહ્યુ.

ઘર સૌર ઉર્જા પર ચાલે છે
તેમણે કહ્યું કે ઘરના નિર્માણ સમયે વીજળી માટે ગ્રીડ પર નિર્ભર ન રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલા માટે તેમણે તે જ સમયે તેમના ઘરની છત પર સોલર સિસ્ટમ સેટઅપ કરાવી લીધુ. અત્યારથી 13-14 વર્ષ પહેલાં સૌર ઉર્જાનો ટ્રેન્ડ બહુ નહોતો. તેથી સેટઅપ ખર્ચ વધારે હતો. છતાં ચોકકલિંગમે ઓફ-ગ્રીડ રહેવાનું નક્કી કર્યું કારણ કે ક્યાંક તેમને ખબર હતી કે ભવિષ્યમાં સ્વચ્છ ઉર્જાની માંગ રહેશે.
2.2 kWનાં સોલર સિસ્ટમથી તેમના ઘરમાંલાઇટ, પંખો, ફ્રિજ, વોશિંગ મશીન, વોટર પંપ જેવી વસ્તુઓ ચાલે છે. તેઓએ ઘરની છતમાં સ્કાયલાઇટ લગાવી છે જેથી દિવસ દરમિયાન ઘરમાં ટ્યુબ લાઇટ કે બલ્બ લગાવવાની જરૂર ન પડે. તેઓએ પહેલાં માળની છતમાં એક આઉટલેટ પણ બનાવ્યું છે જે વેન્ટિલેશનમાં મદદરૂપ છે.
“અમે તેને ઉનાળામાં ખોલીએ છીએ અને શિયાળામાં બંધ કરીએ છીએ. હવામાન ગમે તે હોય, અમારા ઘરનું તાપમાન સંતુલિત રહે છે. જેના કારણે અમને ACકે કુલરની જરૂર નથી. અમારું કામ સામાન્ય પંખાઓ સાથે થઈ જાય છે,”તેમણે કહ્યું.

ઘરમાં છે અમારો કુવો અને વરસાદનું પાણી પણ બચાવીએ છીએ
ચોક્કલિંગમના ઘરની છત એવી રીતે બનાવવામાં આવી છે કે વરસાદ દરમિયાન છત પર પડેલું તમામ પાણી આંગણામાં પ્રવેશે છે. વરંડામાં આવતું વરસાદી પાણી પાઇપની મદદથી ભૂગર્ભમાં બનેલી 20 હજાર લિટરની ટાંકીમાં જાય છે. ટાંકી ભરાઈ ગયા પછી, વરસાદનું બાકીનું પાણી તેમના ઘરના બગીચામાં બનેલા કૂવામાં જાય છે. આ સાથે તેઓ ભૂગર્ભજળનું સ્તર વધારવામાં પણ મદદ કરી રહ્યા છે. “અમે આ વરસાદના પાણીનો ઉપયોગ લગભગ છ મહિના માટે વિવિધ ઘરેલુ કામો માટે કરી શકીએ છીએ. અમે ટાંકીમાંથી પાણી લેવા માટે પંપ લગાવ્યો છે. જ્યારે આ પાણી ખલાસ થાય ત્યારે જ અમે મ્યુનિસિપલ પાણીનો ઉપયોગ કરીએ છીએ.”
વરસાદી પાણી બચાવવા ઉપરાંત, તે એ પણ સુનિશ્ચિત કરી રહ્યા છે કે તેમના ઘરની બહાર નીકળતું ગંદુ પાણી જેમ કે રસોડું કે બાથરૂમનું પાણી બગાડમાં ન જાય. આ માટે તેમણે બાથરૂમ અને રસોડાના આઉટલેટ પાઇપ સાથે એક અલગ પાઇપ જોડી છે. જેની મદદથી આ પાણી તેમના બગીચામાં આવે છે. જેના કારણે, તેઓએ બાગકામ માટે અલગથી તાજા પાણીનો ઉપયોગ કરવો પડતો નથી.
ચોક્કલિંગમ કહે છે કે રસોડું અને બાથરૂમના પાણીનો ફરીથી ઉપયોગ કરવો એ એક સારું પગલું છે, પરંતુ આ માટે કેટલીક બાબતો હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.
જો કોઈ બાગકામ માટે ગ્રેવોટરનો ઉપયોગ કરી રહ્યું છે, તો ખાતરી કરો કે તેમાં કોઈ રસાયણો ન હોય. એટલા માટે ચોક્કલિંગમ અને તેનો પરિવાર સ્નાન, વાળ, કપડાં અથવા વાસણો ધોવા માટે ઓર્ગેનિક સાબુ-શેમ્પૂનો ઉપયોગ કરે છે. આ પાણીને દૂષિત કરતું નથી. તો, શૌચાલયના પાણીને બાયો-ડાયજેસ્ટરથી સારવાર કર્યા પછી, તે તેને ઘરની બહાર મોકલે છે જેથી તે કોઈપણ નદી-નાળાને દૂષિત ન કરે.

ફળો અને શાકભાજી જાતે ઉગાડે છે
તે પોતાના ઘરમાં વિવિધ પ્રકારના મોસમી શાકભાજી ઉગાડે છે અને ઘણા પ્રકારના ફળોના વૃક્ષો પણ રોપ્યા છે. તેમણે કહ્યું કે તેમના ઘરની લગભગ 75% શાકભાજીની જરૂરિયાત તેમના પોતાના બગીચામાંથી પૂરી થાય છે. આ સિવાય તેમની પાસે એક નાનું ખેતર પણ છે જેમાં તે ઘર માટે અનાજ ઉગાડે છે.
ચોક્કલિંગમ, જે પોતાને અને તેના પરિવારને પહેલા કરતા વધુ સ્વસ્થ ગણાવે છે, તેઓ કહે છે કે તેઓ ઓછામાં ઓછા કાર્બન ફુટપ્રિંટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલા માટે તેમણે માત્ર ઘર જ ઇકો ફ્રેન્ડલી બનાવ્યું નથી પરંતુ તે પોતે પણ ઇકો ફ્રેન્ડલી રીતે જીવે છે. ઘર બનાવવાની કિંમત વિશે તેમણે કહ્યું, “અમારા માટે બાંધકામની કિંમત 1050 રૂપિયા પ્રતિ ફૂટ હતી. તે સામાન્ય કોંક્રિટ હાઉસ બનાવવા જેટલું જ આવ્યું છે પરંતુ તે તેના કરતાં ઘણું સારું છે અને અમે તેમાં લાંબા સમય સુધી આરામદાયક જીવન જીવી શકીએ છીએ.”

જો તમે તેના ઘર વિશે વધુ જાણવા માંગતા હોવ તો તમે chocku.muthiah@gmail.com પર ઇમેઇલ કરી શકો છો.
મૂળ લેખ: નિશા ડાગર
સંપાદન: નિશા જનસારી
તસવીર સૌજન્ય: ચોક્કલિંગમ
આ પણ વાંચો: રિટાયર્ડમેન્ટમેન્ટ બાદ શરૂ થયો અનોખો સેવા યજ્ઞ, મહેસાણાનું આ દંપતિ ભિક્ષુકોને ભણાવી કરે છે પગભર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.