વર્ષ 1950માં, મુંબઈથી લગભગ 140 કિમી દૂર દહાણુ શહેરના ખેડૂત પીડી બાફના બજારમાં ઉપલબ્ધ બેસ્ટ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને ફળોની ખેતી કરતા હતા. જેના કારણે તેમનું ઉત્પાદન પણ સારું થતું હતું અને આવક પણ વધી રહી હતી. પરંતુ, તેમના જીવનમાં એક મોટો બદલાવ આવ્યો જ્યારે વધુ રસાયણોના ઉપયોગને કારણે તેમનો પાક બગડવા લાગ્યો.
1970 સુધીમાં, તેમના ઘણા વૃક્ષો ખરાબ થઈ ગયા હતા. આ સમસ્યાઓને લઈને તેમણે એગ્રીકલ્ચર એક્સપર્ટનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ ઉકેલ મળ્યો ન હતો. પછી તેણે બધું કુદરત પર છોડી દીધું. આ તે સમય હતો જ્યારે તેમને પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાયા.
જો કે, તેમને તેમના ખેતરોને પુનર્જીવિત કરવામાં લગભગ સાતથી આઠ વર્ષ લાગ્યાં. તે સમયથી આજદિન સુધી તેમના ખેતરોમાં ક્યારેય રસાયણોનો ઉપયોગ થયો નથી.
ઓર્ગેનિક ખેતીથી પ્રભાવિત, પી.ડી. બાફનાએ 1987માં તેમના ખેતરમાં એક તાલીમ કેન્દ્રની સ્થાપના કરી, જ્યાં લોકો ઓર્ગેનિક ખેતીની મફત તાલીમ લઈ શકે છે.
બાદમાં તેમના બંને પુત્રોએ પણ પીડી બાફનાની જૈવિક ખેતી અપનાવી. આ ઓર્ગેનિક ખેતીનો જ જાદુ હતો કે તેમણે માત્ર સારું ઉત્પાદન જ નહીં મેળવ્યું પરંતુ દેશભરમાં ઘણી ખ્યાતિ પણ મેળવી. તેમને સજીવ ખેતી માટે વર્ષ 1980માં ‘કૃષિ રત્ન’થી નવાજવામાં આવ્યા હતા.
પરંતુ જ્યાં એક કામમાં ખ્યાતિ અને આર્થિક સમૃદ્ધિ હતી, તો બીજી તરફ તેમણે નાની ઉંમરમાં જ પોતાના બંને પુત્રો ગુમાવ્યા. જે બાદ ફરી એકવાર ખેતીની તમામ જવાબદારી તેમના માથે આવી ગઈ.
તેમના દાદા પી.ડી. બાફના વિશે વાત કરતાં તેમના પૌત્ર અજય બાફના કહે છે, “મારા પિતાનું અવસાન થયું ત્યારે હું 9 વર્ષનો હતો. મારો ઉછેર મારા દાદાએ કર્યો હતો. હું નાનપણથી ખેતીકામ કરીને પર્યાવરણને અનુકૂળ જીવન જીવી રહ્યો છું. અમારી આર્થિક સ્થિતિ પણ ઘણી સારી હતી, અમારી પાસે શહેરમાં 150 એકર ખેતીની જમીન હતી. મને પણ બી.કોમના અભ્યાસ બાદ, કેમ્બ્રિઝમાં ફાઈનાન્સમાં માસ્ટર્સ કરવા માટે મોકલવામાં આવ્યો હતો.”

જો કે, જ્યારે અજય વિદેશમાં ભણવા ગયો ત્યારે તેના દાદાની તબિયત ખરાબ થઈ ગઈ અને છ મહિનામાં તેને પાછો બોલાવવામાં આવ્યો. જે બાદ તેણે દાદા સાથે ખેતી કરવાનું શરૂ કર્યું.
વિદેશથી પાછા ફર્યા પછી, અજયે તેના પરિવારની ઓર્ગેનિક ખેતી અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને વધુને વધુ લોકો સુધી લઈ જવા માટે ‘આત્માન’ નામનું ફાર્મસ્ટે બનાવવાનું આયોજન શરૂ કર્યું.
આત્મન શું છે?
અજયના દાદા પીડી બાફનાનું 1998માં 77 વર્ષની વયે અવસાન થયું હતું. ત્યારથી તેમના બે પૌત્રો અજય અને આનંદ ખેતીનું કામ સંભાળી રહ્યા છે.

અજય કહે છે, “મારા દાદાએ મારી માતા (રાજકુમારી માણિકચંદ્ર બાફના)ને લગભગ 38 એકર જમીન આપી હતી. જેમાં હું ચીકુ અને અન્ય ફળો ઉગાડી રહ્યો છું. પરંતુ 2017માં મને મારા દાદા માટે કંઈક ખાસ કરવાનો વિચાર આવ્યો. હું એક એવી જગ્યા બનાવવા માંગતો હતો જ્યાં લોકો ઇકો-ફ્રેન્ડલી જીવનનો આનંદ માણી શકે. લગભગ 52 મહિનાની મહેનત પછી, અમે 2.5 એકર જમીનમાં ત્રણ કોટેજ બનાવ્યાં.”
પી.ડી. બાફનાનો 100મો જન્મદિવસ આ વર્ષે 29મી જુલાઈએ હતો. આ દિવસને ખાસ બનાવવા માટે, અજયે લોકોને ‘આત્મન’ ફાર્મસ્ટે વિશે જણાવ્યું અને ઑક્ટોબર 2021થી ‘આત્માન’ની શરૂઆત કરી. આ ફાર્મસ્ટેમાં ત્રણ કોટેજ છે, જેમાં માત્ર એક ટકા સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ વીજળીના વાયરની જગ્યાએ અને વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવેલી ટાંકીઓ બનાવવામાં થયો છે.
અજયે ફ્લોર અને દિવાલ માટે લોકલ સ્ટોનનો ઉપયોગ કર્યો છે.
અજય કહે છે, “જો કે, આ કામ એટલું સરળ નહોતું. જ્યારે અમે આર્કિટેક્ટની ડિઝાઈન પ્રમાણે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે દિવાલ વારંવાર તૂટી રહી હતી. ત્યારબાદ અમે રાજસ્થાનથી કારીગરોને કામ કરવા માટે બોલાવ્યા. મુંબઈના આર્કિટેક્ટ અને કારીગરોએ ઘણા પ્રયોગો કર્યા અને અંતે અમને એક સરસ ટેકનિક મળી. સિમેન્ટને બદલે, અમે પથ્થરોને એકસાથે જોડવા માટે ચૂનો, મેથી, ગોળ, ચોખાના દાણા, હળદર વગેરે જેવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કર્યો.”

ત્રણેય કોટેજ પાછળ ગ્રે વોટર ફિલ્ટર કરવાની વ્યવસ્થા છે. જ્યાં બાથરૂમમાં વપરાતું પાણી ફિલ્ટર કરીને ખેતરોમાં વાપરવામાં આવે છે. આ ઉપરાંત ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે 35 લાખ લિટરની ટાંકી પણ બનાવવામાં આવી છે. જેના કારણે કોટેજની જરૂરિયાતો આરામથી પૂરી થાય છે.
આ રીતે, અજયે ત્રણ કોટેજ બનાવવા માટે લગભગ 10 કરોડનો ખર્ચ કર્યો, જેના માટે તેણે લોન પણ લીધી છે. અજય કહે છે, “જો મેં તેને કોંક્રિટ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવ્યા હોત તો ખર્ચ ઘણો ઓછો થતો. પરંતુ આ પ્રોજેક્ટ મારા હૃદયની ખૂબ નજીક છે તેથી મેં કોઈપણ રીતે સમાધાન કર્યું નથી.”

પ્લાસ્ટિક અને કેમિકલની નો એન્ટ્રી
કોટેજ બનાવવાથી લઈને તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું અહીં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અજય નહાવા માટે સાબુ, હેન્ડવોશ, શેમ્પૂ જેવી વસ્તુઓ સંપૂર્ણપણે ઓર્ગેનિક રીતે બનાવે છે જેથી ખેતરમાં જતું પાણી કેમિકલ ફ્રી રહે.
અજય કહે છે, “અમે કોઈ પણ મહેમાનને બહારથી લાવેલી વસ્તુ વાપરવા દેતા નથી. અહીં કોઈ પાણીની બોટલ પણ અંદર લાવી શકતું નથી.”
બીજી તરફ ખાણીપીણીની વાત કરીએ તો ખેતરમાં બે કિચન ગાર્ડન છે. જ્યાં શાકભાજી ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે.
તેમણે ખેતરોમાં એક માંચડો પણ બનાવ્યો છે, જે આ ફાર્મસ્ટેની સુંદરતામાં વધારો કરે છે, તેણે આ માંચડો બનાવવા માટે ઝાડની એક પણ ડાળી કાપી નથી.
વર્ષ 1987માં પી.ડી. બાફનાએ જૈવિક ખેતી શીખવવા માટે નેચરલ ફાર્મિંગ ઇન્સ્ટિટ્યૂટની પણ શરૂઆત કરી. બે વર્ષ પહેલા સંસ્થામાં બાળકો માટે હોસ્ટેલ પણ બનાવવામાં આવી છે, જ્યાં તેમના રહેવા અને જમવાની મફત વ્યવસ્થા છે.
અંતે અજય કહે છે, “જાપાનમાં ઓર્ગેનિક ફાર્મિંગ માટે પ્રખ્યાત Masanobu Fukuoka અમારા ફાર્મમાં બે વાર આવ્યા છે. તે મારા દાદાની જીવનશૈલીના ચાહક હતા. હું ઈચ્છું છું કે લોકો ફરીથી પ્રકૃતિ સાથે સુમેળમાં રહેતા શીખે. આ ફાર્મસ્ટે બનાવવા પાછળનો મારો એજ ઉદ્દેશ્ય છે.”
‘આત્મન’ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: વાંસ, માટી અને છાણમાંથી બનેલ ‘ફાર્મર હાઉસ’, જ્યાં વેકેશન માટે આવે છે લોકો, શીખે છે જૈવિક ખેતી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.