Search Icon
Nav Arrow
Kagzi Bottle
Kagzi Bottle

પર્યાવરણ પ્રેમી મહિલાની કમાલ, નકામાં કાગળમાંથી બનાવી પ્લાસ્ટિક કરતાં પણ સસ્તી ‘કાગઝી બોટલ’

મહિલા આંત્રપ્રિન્યોર સમીક્ષા ગનેરીવાલે એક સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું છે. તે 100% કમ્પોસ્ટેબલ કાગળમાંથી બોટલ્સ બનાવી રહી છે. આજે જ પ્લાસ્ટિકને ના કહો અને ઇકો-ફ્રેન્ડલી બોટલનો ઉપયોગ શરૂ કરો…

તમે જ્યારે કોઇ સપનું જુઓ છો અને તેને પૂરુ કરવાનો દ્રઢ નિર્ધાર કરી લો છો ત્યારે તેમાં લાગતો સમય અને તમારી મહેનત બંને શ્રેષ્ઠ પરિણામ અપાવે છે. આવું જ એક સપનું સમીક્ષા ગનેરીવાલે દેખ્યું હતું. પ્લાસ્ટિકથી થનારા પ્રદૂષણના નુકસાનને ઓછું કરવા અને એક કાયમી વિકલ્પ શોધવા માટે સમીક્ષાએ નોઇડામાં એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેમની કંપનીનો દાવો છેકે, કાગઝી બોટલ્સ દેશનું પહેલું એવું સ્ટાર્ટઅપ છે કે જે કમ્પોસ્ટેબલ કાગળની બોટલ્સ બનાવે છે.

વર્ષ 2018-19ના રિપોર્ટ અનુસાર, ભારતમાં વાર્ષિક 33 લાખ મેટ્રીક ટન પ્લાસ્ટિક કચરો નીકળે છે. ‘કાગઝી બોટલ્સ’ની ફાઉન્ડર સમીક્ષા ગનેરીવાલને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવાનો વિચાર પહેલીવાર ત્યારે આવ્યો જ્યારે તે કોલેજના એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા 38 વર્ષીય સમીક્ષા જણાવે છેકે, મેં મારા કોલેજના દિવસોમાં પ્લાસ્ટિકની થેલીઓના વિકલ્પ શોધવાના પ્રોજેક્ટ પર કામ કર્યું હતું, પરંતુ તે સમયે અન્ય કોઇ વિકલ્પ હતો જ નહીં.

સમીક્ષા ગનેરીવાલે જણાવે છે કે, હું હંમેશા આ બાબતમાં વિચારતી રહી, કારણકે હું મારી જીવનશૈલીમાં બદલાવ લાવવા માગતી હતી. પરંતુ કોઇ વિકલ્પ શોધી ન શકતા તે જ વખતે મેં આ દિશામાં કંઇક નવું કરવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે પ્લાસ્ટિક પેકેજિંગનો વિકલ્પ શોધવાનું તેમનું આ સપનું ઘણા લાંબા સમય બાદ 2018માં સાકાર થયું.

Samiksha

વર્ષ 2006માં વિજ્ઞના જ્યોતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (Vignana Jyothi Institute of Management)માંથી એમબીએ કર્યા પછી હૈદરાબાદ અને નોઇડાની ઘણી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કર્યું છે. વર્ષ 2016માં સમીક્ષાએ પોતાની પેકેજિંગ સાથે સંકળાયેલી કંપનીની સ્થાપના કરી અને તે જ દરમિયાન તેમણે પ્લાસ્ટિકની બોટલ્સના વિકલ્પની શોધ શરૂ કરી. વર્ષ 2018માં જ્યારે તે પોતાના ક્લાયન્ટ માટે એક ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા ત્યારે તેમને એક એવી કંપની શરૂ કરવાનો નિર્ણય કર્યો જેમાં પૂરેપૂરી 100 ટકા કમ્પોસ્ટેબલ કાગળની બોટલ્સ બનાવવા પર ફોકસ કરી શકાય.

એક સસ્ટેનેબલ ભવિષ્ય તરફ
પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવાની દ્રઢ ઇચ્છાશક્તિ તો હતી જ પરંતુ તે ક્ષેત્રમાં સમીક્ષાએ કોઇ પ્રકારની ટ્રેનીંગ લીધેલી ન હતી. તેથી તેમણે આ ઇકો ફ્રેન્ડ઼લી પ્રોડક્ટ બનાવવા માટે ઘણા ડિઝાઇનર અને વૈજ્ઞાનિકોની સલાહ લીધી. કારકિર્દીના આ બે વર્ષ દરમિયાન તેમને ઘણાં પડકારોનો સામનો કર્યો હતો. આ પ્રકારના પ્રોડક્ટ્સ કેવી રીતે બનાવાય તે અંગે તેમની પાસે કોઇ પણ જાણકારી ન હતી.

સમીક્ષાએ જણાવ્યું કે, જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મશીનો શોધવામાં પણ ઘણી તકલીફ પડી હતી. માત્ર બજારમાં જઇને મશીન ખરીદવું શક્ય ન હતું કેમકે ભારતમાં આ પ્રકારનું કોઇ મશીન ન હતું. અમારે મશીનોને જાતે જ તૈયાર કરવાના હતા. આ સાથે જ પ્રોડક્ટને ધ્યાનમાં રાખીને મશીન બનાવવા માટે મદદ કરી શકે તેવા યોગ્ય લોકોને પણ શોધવાના હતા.

Say no to plastic

100% કમ્પોસ્ટેબલ બોટલ
સમીક્ષા માટે બીજો પડકાર એ હતો કે, તેમની પ્રોડક્ટને જોઇને ગ્રાહકો કેવી ધારણાં બાંધશે. જ્યારે પ્રોડક્ટનું પહેલું સેમ્પલ તૈયાર થયું ત્યારે તેમણે પોતાના મિત્રો અને પરિવારજનો સમક્ષ તેને રજૂ કર્યું અને તેના ફીડબેક લીધા હતા. બોટલ્સના આકાર અને રંગ બધાને અજુગતા લાગ્યા હતા. કારણકે તે બોટલનો રંગ કથ્થઇ હતો અને સામાન્ય રીતે લોકો ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની બોટલ વાપરવા ટેવાયેલા હતા. પરંતુ સૌ કોઇને આ પ્રોડક્ટ પસંદ આવી હતી અને તેમની ટીમના કામથી પણ તેઓ સંતુષ્ટ હતા.

સરકારે વર્ષ 2019માં પ્લાસ્ટિકની થેલી, ચમચી અને કપ જેવા સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો હતો. જેનાથી સમીક્ષાને અહેસાસ થયો કે હવે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવો અત્યંત જરૂરી બની ગયો છે. ‘કાગઝી બોટલ્સ’ની સ્થાપનાના બે વર્ષ કરતા પણ વધુ સમય પછી ડિસેમ્બર 2020માં બોટલનો એક પ્રોટોટાઇપ લોન્ચ કરવામાં આવ્યો હતો. જે કોઇ પણ પ્રકારના પ્લાસ્ટિક વિના બનાવાયેલો હતો અને 100% કમ્પોસ્ટેબલ હતો.

મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ
સમીક્ષા ઇચ્છતી હતી કે, કંપનીનું નામ એવું રાખવામાં આવે કે જેથી કોઇ પણ સામાન્ય વ્યક્તિને કંપનીના નામથી પરથી ખ્યાલ આવી શકે કે આ કંપની મેડ ઇન ઇન્ડિયા છે. જેથી કંપનીનું નામ ‘કાગઝી બોટલ્સ’ રાખવામાં આવ્યું.

છેલ્લા કેટલાક વર્ષોમાં કોકાકોલા અને લોરિયલ જેવી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ પણ લોકોની પ્લાસ્ટિક તરફ બદલાતી વિચારધારાને લઇ કાગળની બોટલ્સ બનાવવા પર કામ કરી રહી છે. જોકે આ બોટલ્સની અંદર પ્લાસ્ટિકનું પાતળું લેયર તો હોય જ છે જે બહારના વાતાવરણથી પ્રોડક્ટને બચાવી શકે. આ બોટલ્સ પૂર્ણરૂપે પ્લાસ્ટિક ફ્રી હોતી નથી. એટલે જ ‘કાગઝી બોટલ્સ’ની બોટલ્સ એક અનોખી પ્રોડક્ટ છે.

આ બોટલ્સ કાગળના કચરાનો ઉપયોગ કરીને બનાવાય છે. જેને હાલમાં બદ્દી (હિમાચલ પ્રદેશ)ની એક કંપની પાસેથી ઓર્ડર આપી મંગાવાય છે. ત્યારબાદ આ કાગળને પાણી અને કેમિકલની સાથે મિશ્રિત કરવામાં આવે છે, જેથી તેની લુબદી તૈયાર કરી શકાય. જેને બોટલના એક જેવા આકારના બે બીબામાં ઢાળીને તેના પર સોલ્યુશનનું સ્પ્રે કરવામાં આવે છે. સોલ્યુશનમાં કેળાના પાંદડાનો વોટર રેજિસ્ટેંટ ગુણ હોય છે. અંતમાં બીબાના બંને ભાગને ગ્લૂથી જોડી દેવામાં આવે છે.

Eco friendly

કાગઝી બોટલ્સ દ્વારા બનાવવામાં આવેલી કાગળની બોટલ્સ
સમીક્ષાએ જણાવ્યું કે, આવું પ્રથમવાર બનશે કે જ્યારે કોઇ ભારતીય કંપની આ પ્રકારની બોટલ તૈયાર કરવામાં સફળ થઇ હોય. અમને અમારા આ કામ પર ગૌરવ છે. અમે તેને એક ભારતીય પ્રોડક્ટ તરીકે રજૂ કરવા ઇચ્છતા હતા અને ભારતીયોને પોતાના મૂળથી જોડવા માગતા હતા. 12 લાખ રૂપિયાના ઇનવેસ્ટમેન્ટ સાથે શરૂ કરવામાં આવેલી કંપની હાલ શેમ્પૂ, કન્ડિશનર અને લોશન માટે બોટલ્સ બનાવી રહી છે. આ બોટલ્સ પ્લાસ્ટિકની સરખામણીમાં ઘણી સસ્તી છે. જેની કિંમત 19 રૂપિયાથી લઇ 22 રૂપિયા સુધીની છે. દરેક બોટલને બનાવવામાં બે દિવસ લાગે છે. જેના હવે વધારે ઓર્ડર મળી રહ્યાં છે. જેથી કંપની હવે દર મહિને બે લાખ બોટલ્સ બનાવી રહી છે.

સમીક્ષાનું માનવું છેકે, આ કમ્પોસ્ટેબલ બોટલ્સનો ભવિષ્યમાં પ્લાસ્ટિકના સ્થાને પેકેજિંગ મટિરિયલ તરીકે ઉપયોગ કરી શકાશે. તે કહે છેકે, એક વ્યક્તિ દર મહિને એવરેજ સાત પ્લાસ્ટિકની બોટલ્સ જેટલા પ્લાસ્ટિકનો ઉપયોગ માત્ર ટોયલેટરીઝ ( ડિયો, સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ વગેરે..) માં કરે છે. કાગઝી બોટલ્સ ન માત્ર ટોયલેટરીઝ પરંતુ બેવરેજ, લિક્વિડ અને પાવડરના પેકેજિંગ માટે પણ એક સારો વિકલ્પ બની શકે છે.

આ કંપની ફૂડ અને બેવરેજીસ માટે પણ બોટલ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. દેશના ચાર શહેરમાં મેન્યુફેક્ચરીંગ યુનિટ શરૂ કરવાની પણ યોજના છે. સમીક્ષા પોતાના રોજિંદા જીવનમાં પણ પ્લાસ્ટિકના સ્થાને વાંસના પ્રોડક્ટસ વાપરવાનો પૂરતો પ્રયાસ કરે છે. સમીક્ષા બે નાના બાળકોની માતા છે અને તે ધ્યાન રાખે છેકે તેના બાળકો પણ આ ટકાઉ પ્રોડક્ટ્સનું મહત્વ સમજે.

મૂળ લેખ: ઉર્ષિતા પંડિત

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: શાકની ખરીદીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અમદાવાદી લેડીનો ટ્રેન્ડી ઓપ્શન, રોજગારી મળી એડ્સ પીડિત મહિલાઓને

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon