ઉત્તર પ્રદેશના લખનૌમાં રહેતા 29 વર્ષીય મિલિંદ રાજને ઘણા લોકો ‘ડ્રોન મેન ઓફ ઈન્ડિયા‘ના નામથી પણ ઓળખે છે. તેમને આ નામ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામે આપ્યુ હતુ. વર્ષ 2014માં, ડૉ. કલામે તેમનું બનાવેલું ડ્રોન જોયું અને તેઓ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા. તે જ સમયે, તેમણે આ નામ મિલિંદને આપ્યું. કારણ કે, ડૉ.કલામ મિલિંદની મહેનત અને તેની શાનદાર યુક્તિઓથી ખૂબ પ્રભાવિત થયા હતા.
આ નામને સાબિત કરવા માટે મિલિંદ છેલ્લા ઘણા સમયથી સતત વિવિધ પ્રકારના ડ્રોન અને રોબોટ્સ બનાવી રહી છે. તેમના ડ્રોન અને રોબોટ્સની ઉદ્યોગમાં પણ માંગ છે અને સાથે જ સમયે સમયે તેમના ડ્રોન પણ માનવતાનું ઉદાહરણ કાયમ કરતાં દેખાઈ રહ્યા છે. હા, મિલિંદનું માનવું છે કે જો વિજ્ઞાન અને તકનીકનો ઉપયોગ યોગ્ય સ્થાને અને યોગ્ય રીતે કરવામાં આવે તો તે આપણા બધા માટે એક વરદાન સાબિત થઈ શકે છે. જે મિલિંદ પણ ઘણી વખત સાબિત કરી ચુક્યા છે. એકવાર, તેમણે તેમના ડ્રોનની મદદથી ગટરમાં ફસાયેલા કૂતરાને બહાર કાઢ્યુ હતુ. તો, કોરોના રોગચાળા દરમિયાન, તેણે ઘણાં ‘સેનિટાઇઝેશન ડ્રોન’ બનાવ્યાં. થોડા સમય પહેલાં, તેમણે એક રોબોટ બનાવ્યો છે જે તેમની દિવ્યાંગ કૂતરીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.
બેટર ઈન્ડિયા સાથે વાત કરતી વખતે મિલિંદે તેમની આખી યાત્રા વિશે વિસ્તૃત માહિતી આપી.

બાળપણમાં થર્મોકોલમાંથી વિમાન બનાવતા હતા:
મિલિંદ કહે છે કે તે નાનપણથી જ ટેકનોલોજીને પસંદ કરે છે. બાળપણમાં જે રમકડાં તેમની પાસે આવ્યા હતા, તેઓએ બધાને ખોલીને અને તેમના ભાગોને અલગ કરીને, તેમની પાસેથી કંઈક નવું બનાવવાનો પ્રયાસ કરતા હતા. તે કહે છે કે તે છઠ્ઠા કે સાતમા ધોરણમાં હતા, જ્યારે તેમણે થર્મોકોલમાંથી જહાજ બનાવી અને ઉડાવ્યુ હતુ. તેમના પરિવારમાં આવી ચીજો બનાવવાની આશા કોઈને નહોતી. પરંતુ મિલિંદની જુદી વિચારસરણીથી બધાને આશ્ચર્ય થયું. તેમના સ્કૂલ-કોલેજના દિવસોમાં, મિલિંદ અભ્યાસની સાથે, તે વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે જોડાયેલી પુસ્તકો, જર્નલ અને સામયિકો વગેરે વાંચતા હતા.
તે જણાવે છે, “મેં મેનેજમેન્ટ વિજ્ઞાાન અને કાનૂની અધ્યયનનો અભ્યાસ કર્યો અને સાથે મળીને, મારા ડ્રોન અને રોબોટ્સ પર કામ કરતો રહ્યો. મારી ડિગ્રી 2015માં પૂર્ણ થઈ હતી, પરંતુ, તેના એક વર્ષ પહેલા હું કલામ સરને મળ્યો હતો. તેઓએ મારા ડ્રોન જોયા અને લોન્ચ કર્યા. તે જ સમયે, તેમણે મને ‘ડ્રોન મેન ઓફ ઈન્ડિયા’ નામ આપ્યું. ફક્ત આ નામ જ નહીં, પણ મારા જીવનનો હેતુ પણ મને કલામ સર પાસેથી મળ્યો છે. તેમણે મને કહ્યું કે જો તમારી વિચારણા આવતા 10-20 વર્ષો માટે છે, તો પછી શિક્ષણ પર કામ કરો. તમે જે જાણો છો તે બાળકોને શીખવો જેથી તેઓ ભવિષ્યમાં સકારાત્મક પરિવર્તન લાવશે.”
તેથી અભ્યાસ કર્યા પછી, મિલિંદે નોકરી લીધી નહીં પરંતુ તેણે પોતાની કંપની અને રોબોટિક્સ ક્લબ – ‘રોબોઝ વર્લ્ડ‘ શરૂ કરી. તેઓ કહે છે, “મારી શોધ માટે મને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી પાંચ લાખ રૂપિયાનો એવોર્ડ મળ્યો. તે જ પુરસ્કારની રકમમાંથી મે મારી કંપની શરૂ કરી. આજે મારી કંપની દ્વારા, હું વિવિધ પ્રકારનાં ડ્રોન અને રોબોટ્સ બનાવી રહ્યો છું. જે ભારતની સાથે સાથે વિદેશી કંપનીઓ સુધી પહોંચી રહ્યા છે.” મિલિંદની ટીમમાં હાલમાં આઠ લોકો છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેમાંના ઘણા એવા પણ છે જેમણે કોઈ ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો નથી.

તેમણે હસીને કહ્યું, “કેટલાક લોકો ભણીને એન્જિનિયર બને છે, પરંતુ કેટલાક લોકો એન્જિનિયર તરીકે જન્મે છે. હું અને મારા સાથીઓ સંભવત બીજા પ્રકારનાં લોકોમાંથી છીએ.” છેલ્લા પાંચ વર્ષથી તેમની સાથે કામ કરતાં પરવેઝ કાદિરે કોઈ સ્કૂલનું શિક્ષણ લીધું નથી. મિલિંદ સાથે કામ કરતા પહેલા તે થોડી ખેતી કરતા હતા. પરંતુ આજે તે કંપનીમાં કારીગર તરીકે કામ કરી રહ્યા છે. તે બધા ઉત્પાદનોની ડિઝાઇનિંગ કરે છે. પરવેઝ કહે છે, ‘આ જગ્યાએ કામ કરીને મારા જીવનને નવી દિશા મળી છે. તે કોઈ સપનાથી ઓછું નથી અને મને આનંદ છે કે દરરોજ હું બીજાના જીવનમાં સુધારો કરવા માટે કંઈક કરી શકું છું. “
ડ્રોનથી કરી રહ્યા છે મદદ:
કંપનીઓ માટે ડ્રોન અને રોબોટ બનાવવાની સાથે સાથે મિલિંદ તેની આજુબાજુની સમસ્યાઓ હલ કરવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરે છે. 2018માં, તેમણે 20 ફૂટ ઉંડી ગટરમાં ફસાયેલા નાના કૂતરાનું જીવન બચાવ્યુ હતુ. તેઓ કહે છે કે જ્યારે તેમને ખબર પડી કે એક કૂતરો ગટરમાં પડી ગયુ છે, ત્યારે તેમણે પહેલા વિચાર્યું કે તે અબોલ પ્રાણીને કેવી રીતે બહાર કાઢી શકાય. તેને ગટરમાંથી બહાર કાઢવું મુશ્કેલ હતું. પરંતુ, જો તેને કાઢવામાં ન આવે, તો તેનો જીવ પણ જઈ શકે તેમ હતો. આવી સ્થિતિમાં મિલિંદે પણ એવું જ કર્યું, જેમાં તે નિષ્ણાત છે.

તેમણે ટેકનોલોજીની મદદ લીધી અને તેમના એક ડ્રોનમાં ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ નો ઉપયોગ કરીને માત્ર છ-સાત કલાકમાં ‘રોબોટિક આર્મ’ બનાવ્યો. આમાં તેમણે ‘હાર્ટબીટ સેન્સર’ પણ લગાવ્યુ હતું. આ પછી, તે પોતાની તકનીકને લઈને ગટરની પાસે પહોંચ્યા અને ડ્રોન અને રોબોટિક આર્મની મદદથી ફસાયેલા કૂતરાને બહાર કાઢ્યુ. તેઓ જણાવે છે, “હાર્ટબીટ સેન્સર હોવાને કારણે મને જાણ થઈકે, જ્યારે રોબોટિક આર્મે કુતરાને ઉઠાવ્યુ તો તેની પકડ વધારે મજબૂત ન હતી. કારણ કે, જો તેવું હોત, તો કૂતરો ગુંગળાઈને મરી શકતો હતો.. મિલિંદની તકનીકથી, કૂતરો થોડીવારમાં બહાર આવ્યો અને તેનો જીવ બચી ગયો.”
ત્યારબાદ, 2020માં, જ્યારે લોકડાઉન દરમિયાન કોરોના વાયરસના ચેપના ફેલાતો રોકવા માટે જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, ત્યારે મિલિંદે એક ડ્રોન ડિઝાઇન કર્યું હતું, જે હવામાં આઠ કિલોમીટર સુધી જઈ શકે છે. તે કહે છે, “તમે આ ડ્રોન એક જગ્યાએ બેસીને કમ્પ્યુટરથી ચલાવી શકો છો અને તે થોડા કલાકોમાં ખૂબ મોટા વિસ્તારને સેનેટાઈઝ કરી શકે છે. અમે તેની સહાયથી અમારા વિસ્તારમાં ઘણાં સ્થળો અને હજારો વાહનોનોને સેનેટાઈઝ કર્યા હતા.”
તેઓએ આ ડ્રોનનું નામ ‘સેનિટાઇઝર ડ્રોન’ રાખ્યું છે. તેઓ વધુમાં જણાવે છે કે ડ્રોનથી સેનિટાઈઝેશનની પ્રક્રિયા દરમિયાન, તેમણે એક ઈજાગ્રસ્ત કૂતરીને પણ બચાવી હતી. તેમણે આ કૂતરીનું નામ ‘જોજો’ રાખ્યું. તેમણે કહ્યું, “જ્યારે અમે સેનિટાઈઝેશન કરી રહ્યા હતા ત્યારે મેં ડ્રોનના કેમેરામાં સફેદ રંગની વસ્તુ દેખાઈ હતી. જ્યારે હું તે જગ્યાએ ગયો, ત્યારે મેં જોયું કે કૂતરી લગભગ અધમરી હાલતમાં હતી. તે સમયે શેરીમાં કોઈ બહાર નીકળતું ન હતું, તેથી કોઈએ તેની નોંધ લીધી ન હતી. તેથી, હું તેને મારી સાથે લઈ આવ્યો.”

મિલિંદ જોજોને તેની લેબના એક રૂમમાં રાખતો હતો. પરંતુ, બે-ત્રણ દિવસની અંદર, તે સમજી ગયો કે જોજો તેનાથી ખૂબ જ ડરી રહી છે અને તે તેના શબ્દો પણ સમજવામાં અસમર્થ છે. તેથી, તે જોજોને પશુ ચિકિત્સક પાસે લઈ ગયો. ત્યાં ડોકટરોએ તેમને કહ્યું કે, કદાચ જોજોને ખૂબ મારવામાં આવી હશે, જેના કારણે તેની જોવાની અને સુંઘવાની શક્તિ ખૂબ ઓછી થઈ ગઈ છે અને તેના મગજને પણ અસર થઈ છે. સાથે જ, જોજોના મનમાં માણસો પ્રત્યે ઘણો ડર બેસી ગયો છે
તેમણે આગળ કહ્યું, “મેં તેની સાથે મિત્રતા કરવામાં અને તેને સારી રીતે ખવડાવવા ખૂબ પ્રયાસ કર્યા હતા” પરંતુ જોજો ખૂબ ડરી ગયેલી હતી અને તેને તેની નજીક માણસોની હાજરીની અનુભૂતિ થતાં જ તે વિચિત્ર હરકતો કરવાનું શરૂ કરી દેતી. તેથી, મેં તેની એક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી. મેં રૂમમાં એક કેમેરો પણ મૂક્યો જેથી તેનું મોનિટર થઈ શકે. પરંતુ, તે સમયે તેણી ખાવાનું ખાતી ન હતી અને ચૂપચાપ સૂઈ રહેતી હતી. ત્યારે મને લાગ્યું કે મારે કંઈક કરવું પડશે.”
મિલિંદે એકવાર ફરીથી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રોબોટ બનાવ્યો. આ રોબોટ જોજોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, તેને ખવડાવે છે અને સતત જોજો પર નજર રાખે છે. મિલિંદ જણાવે છે, “જોજોને પણ લાંબા સમયથી રોબોટ્સની આદત પડી. જ્યારે તેને ખબર પડી કે રોબોટથી તેને કોઈ ભય નથી. તો હવે તે રોબોટની સાથે સહજ છે. જ્યારે રોબોટ તેને ખોરાક આપે છે, ત્યારે તે ખાય છે અને જો તેને ક્યારેય કોઈ ખતરો લાગે છે, તો તે રોબોટની પાછળ છુપાય છે. હવે ડૉક્ટર કહે છે કે નિયમિત ખાવા પીવાથી જોજોની સ્થિતિ સુધરી રહી છે.”

બાળકો માટે શરૂ કરી રોબોટિક્સ ક્લબ:
તેમની કંપનીની સાથે તેઓ બાળકો માટે ‘રોબોટિક્સ ક્લબ’ પણ ચલાવી રહ્યા છે. અહીં તે સ્કૂલનાં બાળકોને ‘રોબોટિક્સ’ શીખવે છે. મિલિંદ કહે છે કે તેમની પાસે બાળકોની બે બેચ છે. એક બેચમાં સમૃદ્ધ પરિવારોના બાળકો આવે છે, જે ફી આપી શકે છે. તો, બીજી બેચમાં અમે એવા બાળકોને ભણાવીએ છીએ જેઓ જરૂરિયાતમંદ પરિવારોમાંથી છે અને ફી ચૂકવી શકતા નથી. તેમણે જણાવ્યું, ‘આપણે ત્યાં ગરીબ અને શ્રીમંત વચ્ચેનો તફાવત ફક્ત શિક્ષણ દ્વારા જ ઘટાડી શકાય છે. તેથી, અમે એક બેચની ફીમાંથી જે પણ કમાઇએ છીએ, અમે તેને બીજા બેચના બાળકોના શિક્ષણમાં રોકાણ કરીએ છીએ જેથી દરેક સ્તરના બાળકોની પ્રતિભા વધારી શકાય.”
મિલિંદ રાજ દરરોજની સમસ્યાઓ હલ કરવા માટે ઘણાં વિવિધ ડ્રોન પર પણ કામ કરી રહ્યા છે. તેમને 2017માં ‘યંગ એચિવર’ એવોર્ડ પણ મળ્યો છે. મિલિંદ કહે છે કે તે તેમના ઘણા રોબોટ્સ અને ડ્રોનની ટ્રાયલ કરી રહ્યા છે, જે શિક્ષણ અને દવાના ક્ષેત્રમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. અલબત્ત, મિલિંદ રાજનું કાર્ય અને પ્રતિભા વખાણવા યોગ્ય છે. આશા છે કે, ઘણા લોકો તેમની પાસેથી પ્રેરણા લેશે અને આગળ વધશે.
જો તમે મિલિંદ રાજનો સંપર્ક કરવા માંગતા હોય તો તમે તેમને ટ્વિટર અથવા ફેસબુક પર ફોલો કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ના તો વીજળીનો ખર્ચ, ના તો પાક બગડવાની ચિંતા! આ છે સૌરઉર્જાથી ચાલતુ ફ્રિઝ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.