ભારતમાં લગભગ તમામ ઘરોમાં વધુ કે ઓછા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે. થોડા લોકો આ કચરાને યોગ્ય રીતે નિકાલ કરે છે, પણ બીજા મોટાભાગના લોકો આ કચરો ક્યાં જાય છે તેની ચિંતા કરતા નથી. પરંતુ, સમાચારોમાં વધતા પ્રદૂષણ અને તાપમાનના અહેવાલો જોઈને, અમે વારંવાર કહીએ છીએ કે સરકાર કંઈ કરતી નથી. બીજી બાજુ આ બાબતે સરકાર કરતાં સામાન્ય લોકોની ભાગીદારી વધુ જરૂરી છે. જો દરેક પરિવાર સાથે મળીને આ સમસ્યા પર કામ કરે તો મોટા ફેરફારો લાવી શકાય છે. જો તમે જાતે સમય ન આપી શકો તો તમારા ઘરના બાળકોને પ્રોત્સાહિત કરો, કારણ કે જે કામ મોટા લોકો કરી શકતા નથી તે ઘણી વખત બાળકો કરી બતાવે છે.
આવું જ એક ખાસ કામ નવી મુંબઈના આ બાળકોએ કર્યું છે. માત્ર એક પહેલથી, તેમણે માત્ર પ્લાસ્ટિકના કચરાનું યોગ્ય રીતે નિકાલ નથી કર્યો, પરંતુ નિરાધાર અને બેઘર પ્રાણીઓ માટે એક નાનું આશ્રયસ્થાન પણ બનાવ્યું છે. આજે અમે તમને 18 વર્ષીય વસુંધરા ગુપ્તે અને તેમની ટીમ ‘ઉર્વરી‘ સાથે પરિચય કરાવીએ છીએ, જેમણે પ્લાસ્ટિકની બોટલ અને અન્ય કચરામાંથી 150 ઇકો ઇંટો બનાવી નિરાધાર પ્રાણીઓ માટે એક નાનું આશ્રયસ્થાન બનાવ્યું છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતી વખતે, વસુંધરા અને તેના સાથીઓએ તેમના સમગ્ર પ્રોજેક્ટ વિશે વાત કરી.

હંમેશા પર્યાવરણ પ્રત્યે સભાન રહેતી વસુંધરાએ તેની મિત્ર ખુશી શાહ સાથે મળીને 2019 માં ‘ઉર્વરી‘ નામની સંસ્થા શરૂ કરી. તેમણે કહ્યું, “જ્યારે 2019 માં એમેઝોનના જંગલોમાં આગ લાગવાના સમાચાર આવ્યા ત્યારે અમે બધા ખૂબ દુખી હતા. એટલા માટે અમે નક્કી કર્યું કે અમે પર્યાવરણ માટે અમારા સ્તરે ગમે તે કરીશું. તે જ સમયે, ખુશી અને મેં સાથે મળીને ‘ઉર્વરી’ શરૂ કરી. આ અંતર્ગત અગાઉ અમે દર અઠવાડિયે પાંચ છોડ રોપતા હતા. પછી તેમનું પણ ધ્યાન રાખતા”
ટૂંક સમયમાં તેની ટીમ વધવા લાગી અને અત્યારે તેની ટીમમાં કુલ આઠ લોકો છે. તેમાં સિયા ગુપ્તા, ઓમકાર શેનોય, ભાવિસ્ક મેન્ડોન્સા, શ્રાવણી જાધવ, બ્રેન્ડન જુડ, શ્લોકા સિંહ, રહિલ જેઠી, યશ બડાલા અને આયુષ રંગ્રાસનો સમાવેશ થાય છે. તે બધાએ તાજેતરમાં 12મુ ધોરણ પાસ કર્યું છે અને કોલેજ જગતમાં પ્રવેશ કરવાના છે.
લોકોને જાગૃત કર્યા
વર્ષ 2020 માં, કોરોના રોગચાળાને કારણે લોકડાઉનને કારણે તેમનું કામ અટકી ગયું. લોકડાઉન ખુલતાની સાથે જ ગયા વર્ષે જુલાઈમાં મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન અમે જોયું કે ઘણા નિરાધાર પ્રાણીઓ વરસાદમાં હેરાન થઇ રહ્યા હતા. ખાસ કરીને શ્વાન, કારણ કે આપણી સોસાયટીમાં કોઈ તેમને આવવા દેતું નથી. તેથી અમે તેમના માટે કંઈક કરવાનું વિચાર્યું, ”તેમણે કહ્યું. ઉર્વરી ટીમ પહેલેથી જ પ્લાસ્ટિકના કચરાના સંચાલન પર કામ કરી રહી હતી.
તેમણે કહ્યું કે તેઓ તેમના ઘરોમાંથી આવતા પ્લાસ્ટિકના કચરામાંથી ઇકો ઇંટો બનાવી રહ્યા છે. પરંતુ આ ઈકો ઈંટો સંસ્થાઓ સુધી લઈ જવી તેમના માટે એક પડકાર હતો. આવી સ્થિતિમાં, તેમણે વિચાર્યું કે શા માટે આ ઇકો ઇંટોમાંથી કૂતરાઓ માટે આશ્રયસ્થાન બનાવવામાં ન આવે?. તેમણે પોતાનું અભિયાન જુલાઈ 2020 થી શરૂ કર્યું હતું.

ટીમના સભ્ય સિયા ગુપ્તા કહે છે કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે ઇકો ઇંટો એક ઉત્તમ ઉપાય છે. વળી, ઈકો ઈંટ બનાવવી મુશ્કેલ કામ નથી. તમારે ફક્ત તમારા ઘરના પ્લાસ્ટિકના કચરાને પ્લાસ્ટિકની બોટલમાં ભરી દેવાનો છે અને તેમાં એટલો વેસ્ટ ભરવો કે જેથી પ્લાસ્ટિકની બોટલ મજબુત થઇ જાય. પરંતુ આશ્રય બનાવવા માટે તેમને એક અથવા બે નહીં, 150 ઇકો ઇંટોની જરૂર હતી. જો કોઈ ફેમિલી ઇકો ઇંટો બનાવે છે, તો પછી મહિનામાં ભાગ્યે જ એક અથવા બે ઇકો ઇંટો બનાવી શકાય છે. એટલા માટે ઉર્વરી ટીમે લોકોને મુંબઈની વિવિધ સોસાયટીઓમાં જઈ જાગૃત કર્યા.
તે કહે છે કે તેને આશા નહોતી કે તેને લોકો તરફથી આટલો સારો પ્રતિસાદ મળશે. મુંબઈની વિવિધ સમાજના લોકો તેમની મદદ માટે આગળ આવ્યા અને તેમના ઘરમાં પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાનું શરૂ કર્યું.
ઘણા લોકોએ તેમના માટે ઇકો ઇંટો પણ બનાવી હતી. પરંતુ શહેરમાં રોગચાળાની કડકતાને કારણે તેમને આ બધી વસ્તુઓ એકઠી કરવામાં થોડી મુશ્કેલી પડી હતી. તેમણે કહ્યું, “લોકો તેમના ઘરોમાંથી પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને સોસાયટીમાં નાખતા હતા. પછી અમે તેને લાવતા અને ઇકો ઇંટો બનાવતા.
નિરાધાર શ્વાન માટે આશ્રયસ્થાન
આશરે 10-11 મહિનાની મહેનત બાદ વસુંધરા અને તેના સાથીઓએ 45 કિલો કચરામાંથી ઇકો ઇંટો બનાવી. ત્યારબાદ તેમણે આશ્રયની રચના અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે તે પહેલી વાર આવું કંઈક કરી રહ્યા હતા. તેથી તેઓએ સારી ગુણવત્તાની દરેક સામગ્રી લીધી જેથી આ આશ્રય એક ઉદાહરણ બની શકે અને લોકો તેને અન્ય શહેરોમાં પણ અનુસરી શકે. તેમણે આશ્રય માટે લોખંડની ફ્રેમ બનાવી અને તેમાં ‘પોલીયુરેથીન ફોમ’ (polyurethane foam) નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે આશ્રયની અંદરનું તાપમાન સંતુલિત રાખે છે.

આ સંપૂર્ણ આશ્રયસ્થાન તૈયાર કરવા માટે લગભગ 7500 રૂપિયાનો ખર્ચ થયો. જેના માટે તમામ બાળકોએ તેમના પોકેટ મનીમાંથી પૈસા આપ્યા હતા. આશ્રયસ્થાન તૈયાર થયા પછી, તેને ક્યાં મૂકવો તે મોટી સમસ્યા હતી. કારણ કે કોઈ પણ સોસાયટી કે બિલ્ડિંગ તેને તેના કેમ્પસમાં રાખવા દેતી ન હતી. આવી સ્થિતિમાં વસુંધરા અને તેના સહયોગીઓને સેક્ટર 29, વાસીના કાઉન્સિલર શશિકાંત રાઉત પાસેથી મદદ મળી. આ બાળકોની મહેનત અને વિચારને જોઈને રાઉતે તેમને રાજીવ ગાંધી ઉદ્યાનમાં આ આશ્રય સ્થાપવાની મંજૂરી આપી.
આ આશ્રયસ્થાને ત્રણથી ચાર શ્વાન આરામથી બેસી શકે છે. આ કારણે તેમને ઉનાળા, શિયાળા કે વરસાદની ઋતુમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ બાળકોની આ પહેલની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. અન્ય શહેરોમાં પણ લોકો તેમના કામની પ્રશંસા કરી રહ્યા છે. તેથી જ સિયા ગુપ્તા કહે છે કે હવે તેનો પ્રયાસ વધુને વધુ લોકોને પ્લાસ્ટિકના અપસાઇકલિંગ અથવા રિસાયક્લિંગ સાથે જોડવાનો છે. જેથી અન્ય પ્રાણીઓ સાથે કંઈક સારું થઈ શકે. આ પ્રોજેક્ટ દરમિયાન, તેમણે લોકોને ઈકો ઈંટો કેવી રીતે બનાવવી તે શીખવવા માટે ઘણા ઓનલાઈન વેબિનાર પણ કર્યા. કારણ કે તે એવી વસ્તુ છે કે તમે બેઘર પ્રાણીઓ માટે આશ્રય, ઘર માટે ડસ્ટબીન અથવા અન્ય કોઈ વસ્તુ બનાવી શકો છો.
તેથી જો તમે પણ આવું કંઇક કરવા માંગતા હોવ કે પછી ઉર્વરી ટીમને મદદ કરવા માંગતા હોવ, તો તમે ઇન્સ્ટાગ્રામ પર તેમનો સંપર્ક કરી શકો છો.
અહીં વિડીયો જુઓ:
ઘણા સ્થળોએ, ઇકો ઇંટોનો ઉપયોગ ઘરો, કચેરીઓ અને શૌચાલય વગેરેના બાંધકામોમાં પણ થઈ રહ્યો છે. તેથી કોઈપણ પોતાના ઘર અથવા સમુદાય માટે ઈકો ઈંટથી કંઈક કરી શકે છે. ખુશી શાહ કહે છે, “તમારી ઉંમર શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી? તમે અત્યાર સુધી શું કર્યું છે અને શું નથી કર્યું? જો તમે વિશ્વને બદલવા માટે કંઈક કરવા માંગતા હો, તો તમે ગમે ત્યારે શરૂ કરી શકો છો.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: જમીન, પાણી અને હવાના પ્રદૂષણથી બચવા ઘરે જ બનાવો ઈકો બ્રિક્સ, બનશે સુંદર-સુંદર વસ્તુઓ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.