Search Icon
Nav Arrow
Subodh kumar sinh
Subodh kumar sinh

ગરીબીમાં વીત્યુ બાળપણ, સિગ્નલ ઉપર વેચ્યા સાબુ, ડૉક્ટર બની 37000 બાળકોની કરી ફ્રી સર્જરી

UPનાં વારાણસીમાં રહેતા ડૉ. સુબોધ કુમાર સિંહ અમેરિકાની NGO સ્માઈલ ટ્રેનની સાથે મળીને કપાયેલાં હોઠવાળા નવજાત બાળકોની ફ્રી સર્જરી કરે છે

ડૉ. સુબોધ કુમાર સિંહ  (Dr Subodh Kumar Singh)13 વર્ષના હતા ત્યારે તેમના પિતા જ્ઞાન સિંહને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું. ત્યારથી સુબોધનું જીવન સંઘર્ષમય બની ગયું હતું. ઘર ચલાવવા માટે, તે રસ્તાઓ ઉપર સામાન વેચતા હતા અને કેટલીકવાર દુકાનોમાં નાની નોકરીઓ પણ કરતા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેમના ભાઈઓને ઘર ચલાવવા માટે તેમનો અભ્યાસ છોડી દેવાની ફરજ પડી હતી. પરંતુ તેમણે સુબોધનો અભ્યાસ ચાલુ રાખવા અને ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવાના સંભવ તમામ પ્રયાસો કર્યા.

ડૉ. સુબોધ કહે છે, “હું મારા અભ્યાસ માટે ભાઈઓએ આપેલા બલિદાનનું મહત્વ સમજતો હતો. બલિદાન વ્યર્થ ન જાય તે માટે સતત મહેનત કરતો રહ્યો. મારી દસમા ધોરણની પરીક્ષા દરમિયાન પણ મેં એક જનરલ સ્ટોરમાં કામ કર્યું હતું. આ સાથે જ ભણવાની સાથે ઘરે ભોજન પણ બનાવતો હતો. અમારી માતા ખૂબ જ બીમાર રહેતી, તેથી ઘર ચલાવવાની જવાબદારી અમારા ચારેયના ખભા પર હતી.”

વારાણસી (ઉત્તર પ્રદેશ)ના વતની ડૉ. સુબોધ ચાર ભાઈઓમાં સૌથી નાના છે. આર્થિક તંગીના કારણે તેમનું બાળપણ ઘણી મુશ્કેલીઓમાં વીત્યું. તેમના કહેવા પ્રમાણે, “અમારા પિતાનું અકાળે મૃત્યુ કદાચ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળવાને કારણે થયું હતું.”

દેવું ચૂકવવામાં જતો રહેતો હતો પગાર
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “મારા પિતા રેલ્વેમાં ક્લાર્ક હતા અને તેમના મૃત્યુ પછી મોટા ભાઈને વળતર તરીકે નોકરી મળી. પરંતુ પિતાના અવસાન બાદ મળેલી ગ્રેચ્યુઇટી અને મોટા ભાઇનો પગાર બંને દેવું ચૂકવવામાં જતા રહેતા હતા. અમારા માટે ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું હતું, પછી અમે ઘરે બનાવેલી મીણબત્તીઓ, સાબુ અને કાળા ચશ્મા રસ્તા અને સ્થાનિક દુકાનો પર વેચવાનું શરૂ કર્યું.”

પરંતુ આટલી બધી પરેશાનીઓ છતાં સુબોધને મેડિકલનો અભ્યાસ પુરો કરવામાં પૈસાની તંગી ન રહે તેનું તેના ભાઈઓએ પૂરેપૂરું ધ્યાન રાખ્યું. સુબોધ કુમાર સિંહે પણ સખત મહેનત કરી, તેમણે 1983માં આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ (AFMC, પુણે), બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU-PMT) અને ઉત્તર પ્રદેશ સ્ટેટ કમ્બાઈન્ડ પ્રી મેડિકલ ટેસ્ટ (CPMT) પાસ કરી. તેમણે BHUમાંથી મેડિકલનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું જેથી તે તેની માતા સાથે રહી શકે અને તેની સંભાળ રાખી શકે. આ પછી તેમણે જનરલ સર્જરી અને પ્લાસ્ટિક સર્જરીમાં સ્પેશિયલાઈઝેશન કરી પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.

જો કે ડૉ. સુબોધ મેડિકલ કોલેજમાં પ્રોફેસર બનવા માંગતા હતા, પરંતુ ત્યાં કોઈ જગ્યા ખાલી ન હતી, જેના કારણે તેમણે પોતાનો ઈરાદો છોડવો પડ્યો. તેઓ કહે છે, “મેં વર્ષ 1993થી પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું અને પછી 2004માં મારા પિતાને શ્રદ્ધાંજલિ આપતા, તેમના નામ પર ‘જીએસ મેમોરિયલ’ નામની નાની હોસ્પિટલ ખોલી.”

Dr Subodh with Children

આ પણ વાંચો: છેલ્લાં 12 વર્ષથી ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવી બોટાદનો યુવાન બનાવે છે તેમનું ભવિષ્ય

મુશ્કેલીમાં વિતેલાં બાળપણે કર્યા પ્રેરિત
મુશ્કેલીઓમાં વિતાવેલ બાળપણે સુબોધને સામાજિક કાર્ય કરવાની પ્રેરણા આપી. તેઓ કહે છે, “મારા બાળપણે મને પરિસ્થિતિઓનો સામનો કરવાની અને મારા રોજિંદા જીવનમાં સંઘર્ષોમાંથી પસાર થતા લોકોની લાગણીઓને સમજવાની શક્તિ આપી. હું એવા લોકો માટે કંઈક કરવા માંગતો હતો જેઓ મુશ્કેલીમાં છે. ડૉક્ટર બન્યા પછી, હું એવા સ્થાને પહોંચ્યો જ્યાં હું લોકોને મદદ કરી શકું.”

જ્યારે ડો. સુબોધને કપાયેલાં હોઠવાળા બાળકોની સમસ્યાઓ વિશે જાણ થઈ, ત્યારે તેઓ તેમની મદદ માટે આગળ આવ્યા. તેમણે આવા દર્દીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, “કપાયેલાં હોઠવાળા બાળકો આર્થિક, સામાજિક અને શારીરિક રીતે તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે. પ્લાસ્ટિક સર્જન હોવાને કારણે હું તેમને મદદ કરી શકું છું.”

આવા બાળકોને સ્તનપાન કરવામાં મુશ્કેલી થાય છે. ડૉ. સુબોધ જણાવે છે, “આ બાળકો જરૂરિયાત મુજબ દૂધ પી શકતા નથી. જેના કારણે તેમાંના ઘણા કુપોષણને કારણે મૃત્યુ પામે છે અથવા તેમની વૃદ્ધિ અટકી જાય છે. બાળકોને યોગ્ય રીતે બોલવામાં મુશ્કેલી પડે છે. કેટલીકવાર તેના કારણે કાનમાં પણ  ચેપ થઈ જાય છે.

આવા બાળકોને અપશુકન માનવામાં આવે છે
સરળ શબ્દોમાં સમજાવતા, ડૉ. સુબોધ કુમાર સિંઘ કહે છે, “ગળા અને નાક વચ્ચેની પાઇપ હવાના દબાણને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે. તે ક્લેફ્ટ પ્લેટમાં ડિફેક્ટથી તે પ્રભાવિત થાય છે, જે કાનમાં ચેપ તરફ દોરી જાય છે. ઘણીવાર કાનમાં કાણું થવાની અથવા આંશિક બહેરાશની શક્યતા વધી જાય છે.”

તેમના મતે, ફાટેલા હોઠવાળા બાળકોને પણ સામાજિક સતામણીનો સામનો કરવો પડે છે. આ બાળકો ઘણીવાર અન્યના ભેદભાવપૂર્ણ વલણથી કંટાળીને શાળા છોડી દે છે. તેમને નોકરી શોધવામાં અને મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. ઘણી જગ્યાએ અંધશ્રદ્ધાને કારણે બાળકોની આ સ્થિતિ માટે માતાને જવાબદાર ગણવામાં આવે છે. તે અપશુકન માનવામાં આવે છે. માતાપિતા પર તેની માનસિક અસર પડે છે. પરંતુ સર્જરી દ્વારા આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

અત્યાર સુધીમાં 37 હજાર બાળકોની કરી મફત સર્જરી
ડૉ. સુબોધે વર્ષ 2004થી આવા બાળકોની ફ્રી સર્જરી કરવાનું શરૂ કર્યું. ત્યારથી, તેમણે 37,000 બાળકો અને 25,000 પરિવારોને આનો લાભ આપ્યો છે. તેમના કામથી પ્રભાવિત થઈને પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોના ડૉક્ટરોએ પણ આવું કરવાનું શરૂ કર્યું છે.

પશ્વિમ બંગાળમાં રહેતા અનુજ દાસનાં નાના ભાઈનો જન્મ વર્ષ 2010માં ફાટેલા હોઠ સાથે થયો હતો. ત્યારથી તે વિવિધ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો. અનુજ જણાવે છે કે, “મને ક્લેફ્ટ્સ માટે ફ્રી કેમ્પ વિશે ખબર પડી. અમે ત્યાં જઈને સારવાર લીધી. મારા ભાઈની નાક, તાળવું, હોઠ અને મોંના અન્ય ભાગો માટે સાત સર્જરી થઈ ચૂકી છે. તેના બોલવાની રીત અને ચહેરા પર ઘણી અસર પડી છે.”

ડૉ. સુબોધ કુમાર સિંહનું કામ જોઈને યુએસ સ્થિત એનજીઓ ‘સ્માઈલ ટ્રેને’ તેમની સાથે હાથ મિલાવ્યો. આ સંસ્થા ક્લેફ્ટ પ્લેટ સર્જરી કરવામાં મદદ કરે છે.

ડૉ. સુબોધ જણાવે છે, “હું અને અન્ય ડૉક્ટરો શસ્ત્રક્રિયા કરીએ છે જ્યારે એનજીઓ તેનો ખર્ચ ઉઠાવે છે. અમે સ્માઈલ ટ્રેનના સહયોગથી ઘણી હોસ્પિટલોમાં ફ્રી સર્જરી કરી છે. ભારતે અત્યાર સુધીમાં આવી 60 લાખથી વધુ સર્જરી કરી છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.”

Subodh with Kalam

આ પણ વાંચો: કચ્છના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ માટે મોબાઈલ શાળા અને હોસ્પિટલ શરૂ કરાવડાવી આ મહિલાએ

સર્જરી કેટલી મુશ્કેલ છે?
તેમના કામ કરવાની રીત વિશે વિગતવાર જણાવતા, ડૉ. સુબોધ કુમાર સિંઘ કહે છે, “પહેલાં બાળકોની ક્લેફ્ટ માટે તપાસ કરવામાં આવે છે અને પછી તેના આધારે સર્જરી કરવામાં આવે છે. દરમિયાન, ડાયેટીશિયન બાળક અને માતાને યોગ્ય ખાન-પાન વિશે સલાહ આપતા રહે છે. સારવાર દરમિયાન બે બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એક તો સર્જરી યોગ્ય રીતે થાય છે અને બીજું કે બાળકોને તેનાથી ફાયદો થઈ રહ્યો છે કે નહીં. આ માટે બાળકનું વજન અને ડાયટ ચાર્ટ બનાવવામાં આવે છે.”

બાળકને પાઉડર સ્વરૂપે પોષણયુક્ત ખોરાક આપવામાં આવે છે. તેમને કૃત્રિમ નિપલ્સ અથવા બાઉલથી ખવડાવવામાં આવે છે. તેમનો દાવો છે કે આ પ્રયાસો બાળકોના જીવનને બચાવી રહ્યા છે અને સુધારી રહ્યા છે. પડકારો વિશે વાત કરતાં, ડૉ. સુબોધ કહે છે, “શસ્ત્રક્રિયા એ મુશ્કેલ કાર્ય નથી કારણ કે સર્જન અનુભવ સાથે વધુ સારા બને છે. જો કે, સમસ્યાની જટિલતાઓને સમજવા અને તેને સુધારવા માટે કાળજી લેવી પડે છે.” તેમના મતે, આ સમય દરમિયાન સ્પીચ થેરાપી અને અન્ય તબીબી સહાય સાથે દરેક સમયે સારી સંભાળની જરૂર છે.

સુબોધ ક્લેફ્ટ લિપ સર્જરીના ઈલાજ માટે રાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપવાની યોજના ધરાવે છે. તે કહે છે, “ક્લેફ્ટ લિપ સર્જરી માટે વિશ્વનું શ્રેષ્ઠ કેન્દ્ર શરૂ કરવાનું લાંબા સમયથી મારું સપનું હતું.”

‘ગરીબ હોવું કોઈ ગુનો નથી’
ડૉ. સુબોધે કહ્યું, “હું મારી સાથે એવા ડૉક્ટરોને સામેલ કરવા માગું છું, જેમની પૃષ્ઠભૂમિ આર્થિક રીતે મજબૂત નથી. ઘણા વિદ્યાર્થીઓ નોકરી માટે મારો સંપર્ક કરે છે, જેઓ ગરીબ ખેડૂતો છે અથવા જેમના પિતા રિક્ષા ચલાવે છે અથવા મજૂર છે. હું તેમને કહું છું કે ગરીબ હોવું એ શરમની વાત નથી અને એ ગુનો પણ નથી. હું તેમની સાથે મારી સ્ટોરી શેર કરું છું અને તેમને ખાતરી આપું છું કે સખત મહેનત અને નિષ્ઠાવાન પ્રયત્નો તેમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે અને હું આ સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું, કારણ કે હું તે માર્ગ પરથી પસાર થઈ ચૂક્યો છું.”

ડૉ. સુબોધ કુમાર સિંહે કહ્યું, “ઘણા લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં સક્ષમ હોવાનો મને ગર્વ છે. ક્લેફ્ટ સર્જરી એક વ્યક્તિ અને તેના પરિવાર સિવાય ઘણા લોકોના જીવન પર સકારાત્મક અસર કરે છે. બાળકની સર્જરી પછી પુત્રવધૂને સ્વીકારવા, તેના પર દોષારોપણ ન કરવા અને પરિવારને ફરીથી એક કરવાથી વધુ આનંદ મને બીજું કંઈ આપી શકે નહીં.”

મૂળ લેખ:હિમાંશુ નિત્નાવરે

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: દીકરીને ભણાવો: આ છોકરીએ એકલા હાથે 34000 છોકરીઓના શિક્ષણ માટે 3 કરોડ એકઠા કર્યા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon