જો તમારા ઘરમાં કોઈ વસ્તુ બગડી જાય તો તમે તેનું શું કરો છો? તેને ઘરના કોઈ ખૂણામાં મૂકીને ભૂલી જાઓ છો કે પછી તેને ભંગારમાં આપી દો છો? પરંતુ શું તમે ક્યારેય તમારા વ્યસ્ત જીવનમાંથી કેટલોક સમય કાઢી, આ જૂની વસ્તુઓનો ઉપયોગ કરવા તેને નવું રૂપ આપી શકો છો? ક્યારેય તેને રિસાયકલ કરવાનો પ્રયત્ન કર્યો છે? જો ના તો, વાંચો મહારાષ્ટ્રના સિદ્ધાર્થ ભાટવડેકર છેલ્લા ઘણા સમયથી પોતાના જીવનને સસ્ટેનેબલ રીતોમાં ઢાળવાનો પ્રયત્ન કરે છે.
આ બાબતે તેમની પહેલ બહુ સારી છે – અપસાયક્લિંગ પ્રોજેક્ટ્સ
સિદ્ધાર્થ પોતાના ઘરમાં પડેલ જૂની અને નકામી વસ્તુઓને નવાં રંગ-રૂપ આપીને ઉપયોગી વસ્તુઓ બનાવે છે. જે રીતે થોડા સમય પહેલાં, તેમણે 23 વર્ષ જૂના વૉશિંગ મશીનને બગડી ગયા બાદ, તેને ભંગારમાં વેચવાની જગ્યાએ જાતે જ અપસાયકલ કર્યું. આ બાબતે તેઓ કહે છે, “જ્યારે મેં નવું વૉશિંગ મશીન લીધું ત્યારે મેં દુકાનદારને પૂછ્યું હતું કે, શું તમે જૂનું વૉશિંગ મશીન લઈ શકો છો, તો તેમણે ના પાડી દીધી. ત્યારબાદ મેં એક ભંગારવાળાનો સંપર્ક કર્યો તો તેણે કહ્યું કે, તે મશીનના બદલામાં માત્ર 300 રૂપિયા જ આપશે. મને આ લોકોની વાત ન ગમી અને મેં આ જૂના મશીનમાંથી કઈંક બનાવવાનું વિચાર્યું.”

સિદ્ધાર્થ કહે છે કે, જૂની વસ્તુઓને નવું રૂપ આપી, તેમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવાની કળા તેમને વારસામાં મળી છે. તેમના દાદા અને પિતા પણ આવું બધુ કરતા. તેઓ જણાવે છે, “મેં ભણતી વખતે પણ ઘણા વર્કશોપ્સમાં ભાગ લિધો હતો. જ્યાં મેં મશીન ખોલવા અને બનાવવામાં દરેક પ્રકારના ઉપકરણનો ઉપયોગ શીખ્યો. એટલે મને વૉશિંગ મશીનને ખોલવામાં પણ કોઈ તકલીફ ન નડી.”
આ માટે તેમણે સૌથી પહેલાં મશીનની મોટરને કાઢી, જેનો ઉપયોગ તેઓ બીજા કોઈ કામમાં કરી શકે છે. તેની બધી જ પાઈપોની સ્થિતિ પણ સારી હતી એટલે તેમને પણ કાઢીને એકબાજુ મૂકી દીધી. તેઓ જણાવે છે કે, મશીનમાંથી સૌથી સારી સ્થિતિમાં તેનું ડ્રમ અને બેરલ મળ્યું. આ બંને વસ્તુઓ કંપોસ્ટિંગ બીન (જેમાં ખાતર બનાવી શકાય છે) બનાવવા માટે એકદમ યોગ્ય છે.
તેઓ જણાવે છે, “અપાણા ઘરના બગીચામાં ઘણાં સૂકાં પાન, ડાળીઓ અને રસોડામાં ભીનો કચરો નીકળે છે. જેમાંથી ખાતર બનાવવા માટે આપણે મોટી કંપોસ્ટિંગ બીનની જરૂર હોય છે. હવે આ માટે બઝારમાંથી કંપોસ્ટિંગ બીન પણ નહીં ખરીદવી પડે અને ખાતર પણ નહીં ખરીદવું પડે.”

બનાવી છે બીજી પણ ઉપયોગી વસ્તુઓ
આ પહેલાં પણ તેમણે જૂની વસ્તુઓમાંથી ઘણી અવનવી વસ્તુઓ બનાવી છે. જેમ કે, તેમના ઘરમાં ઘણા સમયથી પડેલ કારનાં ટાયરમાંથી તેમણે બગીચામાં આવતાં પક્ષીઓ માટે નહાવા અને ખાવાની વ્યવસ્થા કરી. તેમણે આ ટાયરને કાપી, તેમાંથી ‘બર્ડ બાથ’ (પક્ષીઓની નહાવાની વ્યવસ્થા) અને ‘ફીડર’ (પક્ષીઓ માટે દાણા-પાણીની વ્યવસ્થા) બનાવ્યાં અને તેમને બગીચામાં બે અલગ-અલગ જગ્યાઓએ મૂક્યાં.
સિદ્ધાર્થ કહે છે, “અમે તેને તેની પહોળાઈ પ્રમાણે કાપ્યાં છે. આમ તો ટાયરને કાપવાં સરળ નથી. એટલે જો તમે ક્યારેય ટાયર સંબંધિત કોઈ વસ્તુ બનાવો તો, ચોક્કસથી બધુ ધ્યાન રાખજો. તેને બે ભાગમાં કાપ્યા બાદ, અમે તેની વચ્ચે એક પ્લાસ્ટિકનું એક જૂનું ઢાંકણ મૂકી દીધું, જેમાં પક્ષીઓ માટે દાણા મૂકવામાં આવે છે અને ચારેય તરફ ટાયરવાળા ભાગમાં તેમના માટે પાણી ભરવામાં આવે છે.”

આ જ રીતે તેમણે ઘરમાં પડેલ જૂની અને તૂટેલી ખુરશીમાંથી તેમના કૂતરા માટે સુંદર જગ્યા (કેનલ) બનાવી છે. તેમણે જણાવ્યું કે, આ તૂટેલી ખુરશી, લગભગ 15 વર્ષ જૂની હતી. તેમણે કેનલ બનાવવા માટે કેટલાક જૂના ડિશ કેબલ તાર, ભંગારમાં પડેલ જૂની ફ્લેક્સ શીટ અને એક પ્લાયવૂડના ટુકડાનો ઉપયોગ કર્યો. તેમણે જણાવ્યું, “અમે અલગ-અલગ રીતે તેને બનાવવાનો પ્રયત્ન કર્યો અને અંતે તેને બનાવવાનો એક ઉપાય મળી ગયો. તેને બનાવવામાં થોડો સમય લાગ્યો પરંતુ જ્યારે બનીને તૈયાર થયું તો બહુ ખુશી મળી.”
સિદ્ધાર્થ અને તેમનાં ઘરવાળાં વારંવાર આવી કોઈને કોઈ વસ્તુઓ બનાવતાં રહે છે. તેઓ કહે છે, “મેં છેલ્લા થોડા સમયથી જૂની વસ્તુઓને ફરીથી ઉપયોગમાં લેવા બાબતે વધારે ધ્યાન આપ્યું છે. પહેલાં હું ઘણું બધુ કરવાનું વિચારતો હતો, પરંતુ પરંતુ તેમાં ખાસ કઈં કર્યું નથી. હવે હું મારો ઘણો સમય આ DIY (ડૂ ઈટ યોરસેલ્ફ) અને સપસાયકલ પ્રોજેક્ટ્સમાં આપું છું. તેનાથી ખુશી તો મળે જ છે અને ઘણી વસ્તુઓ બઝારમાંથી ખરીદવી પણ નથી પડતી.”

તેઓ કહે છે કે, જ્યારે પણ તેઓ બઝાર જાય છે ત્યારે મોટાભાગે સામાન ખરીદતાં પહેલાં એક વિચાર ચોક્કસથી કરે છે કે, શું તેને ખરીદવો જરૂરી છે? શું તેઓ તેના વગર પણ ચલાવી શકે છે અથવા તેનો કોઈ બીજો વિકલ્પ મળી શકે છે. આ પ્રકારની બાબતો પર વિચાર કર્યા બાદ જ તેઓ ખરીદી કરે છે. તેમની આ આદતના કારણે જ તેઓ ઘરની જૂની વસ્તુઓમાંથી નવી-નવી અને ઉપયોગી વસ્તુઓ પણ બનાવી શકે છે.
અંતે તેઓ બીજા લોકોને એ પણ સલાહ આપે છે, “તમે જે પણ વસ્તુથી ઈચ્છો તેનાથી શરૂઆત કરી શકો છો. દરેક વ્યક્તિ માટે સસ્ટેનેબિલિટીની રીતો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ ઉદ્દેશ્ય હોવો જરૂરી છે. આપણે આપણા ઘરમાં, ઓછામાં ઓછી વસ્તુઓને કચરામાં કાઢીતેનો અલગ-અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ.”
જો તમે સિદ્ધાર્થનો સંપર્ક કરવા ઇચ્છતા હોય તો તેમને mailsiddharthb@gmail.com ઈમેલ કરી શકો છો.
આ પણ વાંચો: 400 સેક્સ વર્કર્સ માટે મસીહા બન્યા 70 વર્ષના અરૂપ દા, કોઈ ભૂખ્યુ ન સૂવે તેનું રાખે છે ધ્યાન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.