નારિયેળનો ઉપયોગ તો લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. કાચા નારિયેળનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે. તો પાકા નારિયેળના કોપરાનો ઉપયોગ ખાવા અને વિવિધ વાનગીઓ બનાવવા માટે થાય છે, પરંતુ નારિયેળ ખાધા બાદ મોટાભાગના લોકો તેની કાછલીને ફેંકી દેતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક એવા સુંદર ક્રાફ્ટ્સ વિશે, જેની મદદથી તમે દિવાળીમાં ઘરને સુંદર રીતે શણઘારી શકો છો.
આજે અમે તમને જણાવી રહ્યા છીએ નારિયેળની કાછલીમાંથી બનતા આવા જ કેટલાક #DIY ક્રાફ્ટ વિશે. હવે નવરાત્રી નજીક છે અને તેના પછી દિવાળી પણ, તો સજાવટની આ ટિપ્સ તામારા માટે બહુ કામની રહેશે. ઓછા ખર્ચે તમારું ઘર દીપી ઉઠશે.
સૌપ્રથમ તો નારિયેળની કાછલી તૂટે નહીં એ રીતે અંદરથી કોપરું કાઢી લો અંદરથી. આ માટે સૌપ્રથમ તો અંદરથી પાણી કાઢી લો. ત્યારબાદ ધારવાળા ચપ્પાથી નિશાન કરી વ્યવસ્થિત કાપી લો.
કાપ્યા બાદ ચમચીની મદદથી ધીરે-ધીરે અંદરનું કોપરું કાઢી લો. ત્યારબાદ કાછલીને સાફ કરી તેનો ઉપયોગ તમે સજાવટની વસ્તુઓ માટે કરી શકો છો.
1. કુંડાં બનાવો (Coconut shell Planters)

નારિયેળનો ઉપયોગ છોડના કુંડા સ્વરૂપે કરી શકાય છે. તમે કાચા નારિયેળમાં છોડ ઉગાડી શકો છો, તો સૂકા નારિયેળની કાછલી પણ સારા પ્લાન્ટર તરીકે કામ આવી શકે છે. જેમાં તમે નાના-નાના છોડ વાવી શકો છો, જે ઘરની શોભામાં ચાર ચાંદ લગાવી દેશે.
તમે ઈચ્છો તો હેન્ગિંગ પ્લાન્ટર પણ બનાવી શકો છો. ટેબલ કે બાલ્કનીમાં પણ મૂકી શકો છો. સૌથી પહેલાં તો કાછલીને બરાબર સાફ કરી બહારથી રંગી દો.
- જો તમે હેન્ગિંગ પ્લાન્ટર બનાવવા ઇચ્છતા હોય તો ત્રણ મજબૂત દોરી લઈ ભેગી કરી ગાંઠ વાળી દો.
- હવે એ ત્રણ દોરીઓની વચ્ચે કાછલીને ગોઠવો જેથી તે નીચે પડે નહીં.
- હવે તેમાં તમે કોઇપણ ફૂલનો છોડ વાવી શકો છો.
- જો તમે હેંગિંગ પ્લાન્ટર બનાવવા ન ઇચ્છતા હોય તો, તેને લટકાવવાની જગ્યાએ કોઇ સ્ટેન્ડ પર પણ મૂકી શકો છો અને તેમાં કોઇ નાનકડો છોડ વાવી શકો છો.

2. બનાવી શકો છો સુંદર વાટકી (Coconut Shell Bowl)

તમે નારિયેળની કાછલીમાંથી કેન્ડી, ચોકલેટ વગેરે મૂકવા માટે સુંદર વાટકી બનાવી શકો છો.
- આ માટે તેને અંદર અને બહાર બંને બાજુથી શણગારો.
- સૌપ્રથમ નારિયેળની કાછલીને બરાબર સાફ કરી લો.
- ત્યારબાદ અંદર-બહાર તમારો ગમતો રંગ કરી લો.
- ત્યારબાદ તેને શણઘારવા માટે બહારની તરફ તમે કાચ, ટીક્કી, મોતી વગેરે લગાવી શકો છો.
- અંદરની તરફ રંગોથી સરસ ડિઝાઇન બનાવી શકો છો.
- આ રીતે તમે સુંદર અને આકર્ષક વાટકીઓ બનાવી શકો છો.
4. મીણબત્તી સ્ટેન્ડ (Coconut Shell Candle)

નારિયેળની કાછલીમાંથી તમે મીણબત્તીનું સ્ટેન્ડ પણ બનાવી શકો છો.
- આ માટે કાછલીને બે ભાગમાં કાપો.
- એક ભાગને સાફ કરી બહારથી રંગી દો.
- બીજા નાના હિસ્સાને કાપી કાછલીનું સ્ટેન્ડ બનાવો.
- હવે એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં વાટકી મૂકી મીણને ઓગાળી દો.
- પહેલાંવાળી કાછલીમાં આ ઓગાળેલું મીણ ભરી દો અને વચ્ચે એક જાડી દોરી મૂકો.
- મીણને સેટલ થવા દો. તૈયાર છે તમારી #DIY મીણબત્તી.
4. બર્ડ ફીડર (Bird Feeder)

તમે તમારા ગાર્ડન માટે નારિયેળની કાછલીમાંથી બર્ડ ફીડર બનાવી શકો છો.
- આ માટે જરૂર છે નારિયેળની બે કાછલીની. તેને બરાબર સાફ કરી કોઇ અણીદાર વસ્તુથી બંનેમાં 3-3 કાણાં કરો.
- હવે દોરીઓની મદદથી આ બંને કાછલીઓ એકબીજા સાથે બાંધી લો.
- ઉપરવાળી કાછલીમાં બીજું એક કાણું પાડો.
- એક કાણામાં દોરી પરોવી એક ગાંઠ મારો અને હવે તેને તામારા ગાર્ડનમાં લટકાવી દો.
- નીચે વાળી કાછલીમાં નિયમિત દાણા ભરતા રહો.
- તૈયાર છે તમારું #DIY બર્ડ ફીડર.
5. બર્ડ હાઉસ (Bird House):

- નારિયેળની કાછલીમાંથી એક બર્ડ હાઉસ બનાવી શકાય છે, તેના બે ટુકડા ન કરો.
- તેને ધીરે-ધીરે કાપી વચ્ચેથી એક ટુકડો કાપી લો.
- ત્યારબાદ અંદરથી બરાબર સાફ કરી લો.
- તમે ઇચ્છો તો તેને બહારથી રંગી શકો છો.
- હવે ઉપર એક કાણું પાડી તેને એક દોરી બાંધી દો.
- ત્યારબાદ તેને બગીચામાં કે છત પર લટાકાવી દો, જેથી તેમાં કોઇ પંખી માળો બનાવી શકે.
- 6. જ્વેલરી બોક્સ (Jewellery Box)

- નારિયેળને એ રીતે કાપો કે એક કાછલી મોટી અને એક કાછલી નાની બને.
- બંને કાછલીને બરાબર સાફ કરી લો.
- ત્યારબાદ તેને બહારની તરફથી રંગીને અલગ-અલગ વસ્તુઓ ચોંટાડી શણગારી લો.
- નીચેના મોટાભાગની નીચે કોઇ ઢાંકણ કે સમથળ વસ્તુ ચોંટાડી દો.
- ઢાંકણ બનાવવાના ભાગને શણગારી થોડાં મોતી લગાવી દો, જેથી સરળતાથી ખોલી શકાય.
- તૈયાર છે તમારું જ્વેલરી બોક્સ, જેમાં તમે કોઇપણ જ્વેલરી મૂકી શકો છો.
7. સજાવટ માટે (For Decor):

- નારિયેળની કાછલીનો ઉપયોગ તમે સજાવટ માટે પણ કરી શકો છો.
- આ માટે જરૂર છે કાછલીને સજાવાની. તેમાં નાનાં-નાનાં કાણાં કરી તેને હેંગિંગ લુક પણ આપી શકો છો.
- તમે નાનાં-નાનાં કાણાં પાડી તેમાં લેમ્પ કે મીણબત્તી પણ લગાવી શકો છો. અંધારામાં તેને લગાવશો તો ખૂબજ સુંદર લાગશે.
વીડિયો જુઓ:
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: લખનઉની વિદ્યાએ પોતાના ઘરને જ બગીચો બનાવી દીધું, બાલ્કની તો એવી કે રસ્તે જતા લોકો પણ ઊભા રહી જાય