તમે જો હાલ દિલ્હીની રોહિણી કોર્ટની આસ-પાસથી પસાર થતા હોય તો તમને ત્યાં એક મહિલા પોતાની કારમાં બિરયાનીના સ્ટોલ સાથે જોવા મળશે. પરંતુ આ સ્ટોલની પાછળ એક સંઘર્ષકથા છુપાયેલી છે.
કોરોના મહામારીએ દુનિયાભરમાં તમામ લોકોની કમરતોડી નાંખી છે, આ બીમારીને કારણે 10 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. તેની સાથે સાથે કરોડો લોકો બેરોજગાર પણ થઈ ગયા છે. જો કે આ તમામ નકારાત્મક ખબરો વચ્ચે ઘણા લોકો એવા છે, જેણે હાર માની નથી. આજે અમે તમને રજની સરદાના અને તેના પતિ રોહિત સરદાનાની સંઘર્ષમય કથા કહેવા જઈ રહ્યા છીએ. લોકડાઉનમાં પતિ રોહિતની નોકરી ગયા બાદ રજનીએ હાર સ્વીકારી લેવાને બદલે તેમાંથી નવો રસ્તો કાઢવાનો નિશ્ચર્ય કર્યો. તેમણે ઘરથી જ ફૂડ બિઝનેસની શરૂઆત કરી દીધી. હવે આ દંપતિને આ કામને જ પોતાની કરિયર બનાવી લીધી છે.
રજની અને તેમના પતિ દિલ્હીમાં રોહિણી કોર્ટ પાસે બિરયાનીનો સ્ટોલ લગાવે છે. વાસ્તવમાં આ એક રીતે આ પુરો સ્ટોલ પણ નથી. તેમણે પોતાની કારને સ્ટોલ બનાવી દીધો છે. આ કાર પર જ રજની બિરયાની વેચે છે અને પોતાના ઘરનો ખર્ચ પણ પુરો કરે છે. બિરયાનીનો ખ્યાલ રજનીના મનમાં પણ એટલે પણ આવ્યો કારણ કે તેની દીકરીને પણ રજનીના હાથની બિરયાની બેહદ પસંદ છે. આ ઉપરાંત એક વર્ષ પહેલા જ તે લોકો દ્વારા પોતાની બિરયાનીની પ્રશંસા મળી ચૂકી છે.

રજની જણાવે છે કે, એકવાર કોલોનીમાં દુર્ગા પૂજામાં બિરયાનીનો સ્ટોલ લગાવવાની તક મળી, ત્યાં લોકોને મારી બિરયાની ખૂબ જ પસંદ આવી હતી. આથી મેં બિરયાની વેચવા અંગે જ વિચાર્યું.
રજની જ્યારે આ કામ શરૂ કરવા જઈ રહી હતી ત્યારે તેના મનમાં સૌથી પહેલો સવાલ એ જ આવ્યો કે લોકો શું કહેશે. તેણી કહે છે કે, જ્યારે મેં શરૂ કર્યું ત્યારે તો મનમાં ડર હતો કે, હું મારી ગાડી લઈ જઈને સડક પર લગાવવાની છું તો સગા-સંબંધીઓ શું કહેશે? પરંતુ મારે મારા ઘરને સંભાળવાનું હતું. ઘરની મુશ્કેલીઓને દૂર કરવાનો હતો. મારે મારા પતિનો પણ સાથ આપવાનો હતો. તેમણે મને ખુશ રાખી છે. હું મનમાં દ્રઢ નિર્ણય કરીને આવી ગઈ, અને વિચાર્યું કે, ઓછામાં ઓછો ઘરનો ખર્ચ તો પુરો થશે અને આજીવિકા તો મળશે.

રજની સવારે 5 વાગ્યે ઉઠી જાય છે. બિરયાની તૈયાર કરવામાં ચારથી સાડા ચાર કલાક લાગી જાય છે. તે ગ્રાહકોને બિરયાની સાથે ચાપ અને વઘારેલું રાયતું પણ આપે છે. કોરોના સંક્રમણ બાદ સ્વચ્છતાને લઈ સૌ કોઈ જાગૃત થઈ ગયા છે. બિરયાની બનાવવાથી લઈ ગ્રાહકો સુધી પહોંચાડવામાં તે સ્વચ્છતાનું પુરું ધ્યાન રાખે છે. રજની 10 વાગ્યે પોતાની ગાડી લઈ પશ્ચિમ વિહારથી લગભગ 9 કિલોમીટર દૂર આવેલી રોહિણી કોર્ટ સુધી પહોંચી જાય છે. સડક કિનારે તેનો સ્ટોલ લાગી જાય છે. 3 વાગ્યા સુધીમાં તેની બધી બિરયાની વેચાઈ જાય છે. અહીં પણ સફાઈનો પુરતો ખ્યાલ રાખવામાં આવે છે. આ પુરા કામમાં રોહિત સંપૂર્ણ સાથ આપે છે. રોહિત પહેલા કોસ્મેટિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. નોકરી ગયા બાદ જ્યારે રજનીએ તેને આ આઈડિયા આપ્યો તો જલ્દીથી તૈયાર થઈ ગયા.

ત્યાર બાદ બન્નેએ મળીને કામ શરૂ કરી દીધું.
રોહિત કહે છે કે, હવે અમે ઓર્ડર્સ લેવાનું પણ શરૂ કરી દીધું છે. અમે બર્થ ડે પાર્ટી કે નાની મોટી પાર્ટી, કિટી પાર્ટી, ઓફિસ લંચ અને જ્યાં પણ જે પણ અમને બિરયાનીનો ઓર્ડર, તેના ઓર્ડર લઈએ છીએ. અમે તેને પુરો કરીએ છીએ. રોહિત કહે છે કે, તેનો એક વિડીયો વાઈરલ થયા બાદ ઘણાં લોકો મદદ માટે આગળ આવ્યા પરંતુ તેનું કહેવું છે કે, તેને મદદ નહીં કામ જોઈએ. રોહિતે કહ્યું કે, USA, સાઉથ આફ્રિકા, પોલેન્ડ, ઈઝરાયેલ અને સાઉદી અરેબિયાથી અમારી પાસે મદદ માટે કોલ આવવા લાગ્યા છે. પરંતુ અમારે મદદની નહીં કામની જરૂર છે જેથી અમે સર્વાઈવ કરી શકીએ.

જો કે હવે રજનીએ પોતાની જિંદગીને એક નવો વળાંક આપી દીધો છે, તો તેનું કહેવું છે કે સૌ કોઈ જો થોડી હિંમત બતાવે તો અમુક બાબતો શક્ય બની જાય છે. તેના મુજબ, જો કોઈને પણ કંઈક નવું કરવું હોય તો તે ક્ષેત્રમાં જ કરે જેને જેમાં મહારત હાંસલ હોય.
ખરેખર એવા લોકોની સંઘર્ષકથા પ્રેરિત કરે છે જે વિપરિત પરિસ્થિતિમાં પણ પોતાના પગ પર બીજીવાર ઊભા થઈ જાય છે. જો તમને પણ આ સ્ટોરીથી પ્રેરણા મળી હોય તો તમે આ દંપતીનો 9212365648 પર સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: રોહિત મૌર્ય
આ પણ વાંચો: 100% આદિવાસી વસ્તીવાળા ગુજરાતના આ વિસ્તારમાં હળદરની ખેતી કરી આ મહિલા બની સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ