ધ બેટર ઇન્ડિયા તમને હંમેશા એવી કહાની જણાવતું આવ્યું છે જે લોકોએ પોતાની ફરજ સારી રીતે નિભાવવાની સાથે સાથે સ્વચ્છતાના ક્ષેત્રમાં એક નવી જ મિશાલ કાયમ કરી હોય. છેલ્લા થોડા વર્ષમાં સ્વચ્છતા પ્રત્યે ફક્ત અધિકારીઓ જ નહીં પરંતુ ગામના સરપંચોની ચળવળ પણ તેજ બની છે. આજે અમે તમને એક એવા સામાન્ય નાગરિકની કહાની જણાવી રહ્યા છીએ, જેમણે ગંદકીથી ભરેલા એક વિસ્તારને સ્વચ્છ અને હરિયાળો બનાવી દીધો છે.
અમે દિલ્હીની 63 વર્ષીય રેણુ ગુપ્તાની વાત કરી રહ્યા છીએ. આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે બાળકોથી દૂર થયા બાદ માતાપિતા વૃદ્ધ અવસ્થામાં એકલાપણાનો શિકાર બનતા હોય છે. એવામાં અનેક લોકો તેમના અધૂરા રહી ગયેલા સપનાઓ પર કામ કરતા હોય છે. રેણુના બાળકો જ્યારે અભ્યાસ અને નોકરી માટે દૂર ગયા ત્યારે તેમણે પોતાના સમયનો ઉપયોગ લોકોની ભલાઈ માટે કરવાનું નક્કી કરી લીધું હતું.
છેલ્લા 15 વર્ષથી રેણુ કોઈ જ પ્રસિદ્ધિ વગર પોતાના આસપાસના ગંદકીથી ભરેલા વિસ્તારોને સ્વચ્છ બનાવવાના કામમાં લાગ્યા છે. તેમણે આ વિસ્તારોની હરિયાળીથી ભરી દીધા છે. જ્યારે પૂછ્યું કે તેઓ શા માટે આવું કરી રહ્યા છે ત્યારે જવાબ મળ્યો કે, “પોતાની આંખની સામે આવું પરિવર્તન આવતું જોઈને ખૂબ આનંદ મળે છે.”

બદલાવની ઇચ્છા:
રેણુ કહે છે કે, તેઓ જ્યારે ક્યાંક જઈ રહ્યા હોય અથવા કાર ચલાવી રહ્યા હોય છે ત્યારે આસપાસના વિસ્તાર પર ધ્યાન રાખે છે. તેમનો પ્રયાસ હોય છે કે કોઈ એવી જગ્યા શોધવી જેને તેઓ સ્વચ્છ બનાવી શકે. “સૌથી પહેલા હું એવી જગ્યા શોધુ છું જેને સ્વચ્છ કરવાની જરૂર હોય. જે બાદમાં હું ત્યાં કામ શરૂ કરી દઉં છું. મને જોઈને અન્ય લોકો પણ મદદ માટે આવતા હોય છે. આ રીતે હું આટલા વર્ષો સુધી કામ કરતી રહી છું,” તેમ રેણુએ જણાવ્યું હતું.
જોકે, રેણુ જેટલી સરળ ભાષામાં આ કહે છે એટલું સરળ આ કામ નથી. રેણુની નાની દીકરી રાશિ કહે છે કે, “માતાએ આ પ્રકારના કામ કરવા પર ખૂબ મહેનત કરવી પડે છે. જો તેણી કોઈ કામ કરવાનું મનમાં નક્કી કરી લે છે તો તે કામ પૂર્ણ કરીને જ જપે છે. એટલે સુધી કે કોરોના મહામારી વચ્ચે પણ તેણીએ પોતાનું કામ શરૂ રાખ્યું હતું. તમે તેણીને રોકી ન શકો. આ વાતને લઈને મારો તેમની સાથે ઝઘડો થાય છે. મને હંમેશા તેમના સ્વાસ્થ્યની ચિંતા રહે છે.”

ખાલી, ગંદી જગ્યાને સુંદર બનાવી:
રાશિએ જણાવ્યું કે, માતા મોટાભાગે નાનક પ્યાઉ સાહિબ ગુરુદ્વારા ખાતે માથું ટેકવવા જાય છે. આ ગુરુદ્વારા અંદરથી જેટલો શાંત અને સ્વચ્છ છે, તેની આસપાસ એટલી જ ગંદકી હતી. આ માટે ગુરુદ્વારાની સમિતિનો રેણુએ સંપર્ક કર્યો હતો. સાથે જ સમિતિને રેણુને પૂછ્યું કે શું તેણી આ જગ્યાને સ્વચ્છ કરી શકે છે? સમિતિએ હા કહ્યા બાદ રેણુએ આ જગ્યાને સ્વચ્છ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
જો તમે ક્યારેય રેણુની કાર જોશો તો તેની અંદર તમને સાફ-સફાઈના તમામ ટૂલ્સ જોવા મળશે. ગુરુદ્વારા સમિતિ તરફથી મંજૂરી મળ્યા બાદ રેણુએ પોતાના ડ્રાઇવર અને એક માળી સાથે મળીને કામ શરૂ કર્યું હતું. રેણુએ પાંચ જ મહિનામાં આ જગ્યાની તસવીર બદલી નાખી હતી. આ માટે તેણીએ અમુક લોકો તરફથી દાનમાં મળેલી વસ્તુઓનો પણ ઉપયોગ કર્યો હતો.
“એવું લાગે છે કે આ કામ પાછળ ખૂબ ખર્ચ કરવો પડ્યો હશે. પરંતુ તમામ વસ્તુઓ એક પછી એક આવી હતી,” તેમ રેણુએ જણાવ્યું હતું. અંતમાં રેણુ કહે છે કે તેણીને ક્યારેય ગઢપણ આવ્યું હોય કે પછી થાક લાગ્યો હોય તેવો અનુભવ નથી થતો. કારણ કે તેણી પાસે કરવા માટે ઘણું બધું છે.
રેણુનો પ્રયાસ ખરેખર પ્રશંસાને પાત્ર છે. આશા છે કે ઘણા લોકોને રેણુમાંથી પ્રેરણા મળશે.
આ પણ વાંચો: ‘એટલું જ થાળીમાં લો, જે વ્યર્થ ન જાય ગટરમાં’, આ એક સ્લોગને હજારો લોકોની ભૂખ મટાડી!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.