આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા ડેરી ફાર્મ વિશે કે જેને ગુજરાત સરકાર તરફથી તાલુકા કક્ષાએ પ્રથમ પદ પ્રાપ્ત થયેલ છે અને સાથે-સાથે તે ડેરી ફાર્મની પ્રોડક્ટ્સ ગુણવત્તાની બાબતમાં પણ એકદમ ચડતી કક્ષાની છે.
પાલીતાણાની નજીક આવેલ ગુઢાના ગામ ખાતે હરીબા ડેરી ફાર્મ બનાવવામાં આવેલ છે. 30 વીઘામાં બનાવેલ આ ડેરી ફાર્મ જે લોકો આ ક્ષેત્રમાં આગળ વધવા માટે છે તેના માટે એક સરસ અભ્યાસનો વિષય પણ છે.
હરીબા ડેરી ફાર્મના મલિક મેહુલભાઈ સાથે ધ બેટર ઇન્ડિયાએ વાત કરી તો તેમને વિસ્તારપૂર્વક તેમના આ ડેરી ફાર્મ વિશે જણાવ્યું. તો ચાલો આપણે તેમની સાથે થયેલ સંવાદને આગળ શાબ્દિક રૂપમાં માણીએ.

બસ એક સાત્વિક આશય તથા પિતાજીની નિવૃત જીવન ગાળવાની ઈચ્છા ખાતર કરી ડેરી ફાર્મની શરૂઆત
મેહુલભાઈ જણાવે છે કે, “ઈ.સ. 2018 માં અમે આ ડેરી ફાર્મની સ્થાપના કરી. ડેરી ફાર્મની સ્થાપના કોઈ વ્યાપારિક ધોરણના આધારે કે પછી કોઈ બીજા કારણસર ન કરતા ફક્ત પિતાજીની નિવૃત જીવન ગળાવની ઈચ્છા તેમ જ આપણા શાસ્ત્રમાં સૂચવ્યું છે તે મુજબ કે જો તમારી ક્ષમતા દસ ગાયો પાળવાની હોય તો તમે એક ગાયથી શરૂઆત કરો અને તેથી જ એક સારા આશયને અમલમાં મુકવા માટે અમે આ ડેરી ફાર્મની શરૂઆત અમારા ગામ ખાતે આવેલ અમારી પોતાની જગ્યા પર કરી.”
તેઓ આગળ જણાવે છે કે “ડેરી ફાર્મની શરૂઆત કરતા પહેલા મેં ગીર આસપાસના નેસડામાં ફરીને ગીરની સારી એવી ગાયો પસંદ કરી. તે સિવાય ગાયને પ્રાકૃતિક રીતે એકદમ નૈસર્ગીક ધોરણે કંઈ રીતે પાળવી જોઈએ તે વિશે પણ અન્ય જાણકાર લોકો તથા પોતે ખુદ થોડું સંશોધન કરીને માહિતી પણ મેળવી. ને છેવટે તે બધી જ પ્રક્રિયાના એક વર્ષ બાદ 2018 માં આ ડેરી ફાર્મની વિધિવત શરૂઆત કરી.”
ગાયોની સારસંભાળની રીત
આગળ જણાવ્યું તે પ્રમાણે મેહુલભાઈએ ગાયોને જ્યાં બાંધવામાં આવે છે તે જગ્યાનું સિમેન્ટ ફ્લોરિંગ ન કરાવીને ટાસ કે જે ના માટી ના પથ્થર જેવી સંરચના ધરાવે છે અને તેમના વિસ્તારમાં જમીનને થોડી ખોદવાથી મળી રહે છે તેનાથી કર્યું. ગાયોને દોહવા માટે મશીન ન વસાવીને ત્યાં અમુક કાયમી તથા બીજા ગામમાંથી ભાડા પેટે માણસો રાખવામાં આવ્યા. ગાયના વાડામાં દર વર્ષે ત્રણ વખત માટીને પાથરવાની ક્રિયા પણ શરુ કરવામાં આવી. તથા ગાયને સાત્વિક, જૈવિક રીતે ઉત્પાદિત કરેલો ચારો મળી રહે તે માટે ત્યાંની 30 વીઘા જમીનમાં જ જૈવિક રીતે ચારા ઉત્પાદન શરુ કરવામાં આવ્યું. તે સિવાય તેઓ એ પણ જણાવે છે ગાયોના વાછરડાને દૂધ માટે પહેલા પ્રાધાન્યતા આપવામાં આવે છે અને તે પછી જ બીજા હેતુ માટે દૂધ દોહવાની શરૂઆત કરવામાં આવે છે. આ માટે એવી રીતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે, બે આંચળ વાછરડા અને બે આંચળ દૂધને દોહવા માટે વર્ગીકૃત કરેલા છે.

કંઈ કંઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે હરીબા ડેરી ફાર્મ
મેહુલભાઈને ડેરી ફાર્મમાં કંઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે તે પૂછતાં તેઓ જણાવે છે કે, “શરૂઆમાં એવો કોઈ આશય હતો નહીં કે અમે કોઈ વેચાણના હેતુ માટે કે પછી બીજી કોઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીશું. પણ આગળ જતા ધીરે ધીરે દૂધમાંથી ઘી બનાવવાની શરૂઆત કરવામાં આવી. અને તે પછી એક હિતેચ્છુએ તેમની પોતાની કંપનીના કર્મચારીઓને દિવાળી માટે એક ગિફ્ટ હેમ્પર આપવા માટે ઘીની સાથે સાથે મીઠાઈની પણ માંગણી કરી તો ડેરી ફાર્મમાં એક સ્વાસ્થ્ય વર્ધક મીઠાઈ કે જેમાં ખાંડ કે માવાને કે પછી બીજા કોઈ દ્રવ્ય ઉમેર્યા વગર ફક્ત કાજુ – બદામને ઘી માં શેકી મધ તથા ખજુર સાથે તૈયાર કરી પિસ્તાના કોટિંગ સાથે બનાવીને આપવાનું શરુ કરવામાં આવ્યું. ધીરે ધીરે અડદિયા પાક, મોહનથાળ તેમજ બીજી થોડી ઘણી મીઠાઈઓ બનાવીને પણ વેચવાની શરૂઆત કરવામાં આવી.

તેમનાં ઉત્પાદનો અંગે જણાવતાં તેમના ગ્રાહક રમેશ સવાણી જણાવે છે, “હરીબાનાં ઉત્પાદનો વાપરવાનાં શરૂ કર્યાં એ પહેલાં અમે બીજી અનેક કંપનીઓનાં ઉત્પાદનો વાપર્યાં છે, પરંતુ પહેલી વાર જ્યારે અમે હરિબાનાં ઉત્પાદનો ચાખ્યાં તો અમને ખૂબજ ગમ્યાં. તેનો સ્વાદ અને ગુણવત્તા બંને ઉત્તમ હોય છે. મેં તેમના ફાર્મની જાતે મુલાકાત પણ લીધી અને ત્યાં ગાયોની કેવી રીતે સંભાળ રાખવામાં આવે છે તે પણ જોયું. અહીંની ગાયો ખૂબજ સ્વસ્થ હોય છે અને એટલે જ તેમના દૂધમાંથી બનેલ ઉત્પાદનો પણ એટલાં જ સાત્વિક હોય છે.”
અન્ય એક ગ્રાહક ખ્યાતિ ત્રિવેદી જણાવે છે, “મને હરીબા ફાર્મનું ઘી ખૂબજ ગમે છે. તે ગ્રાહકો સુધી શુદ્ધ ગુણવત્તાનાં ઉત્તમ ઉત્પાદનો તો પહોંચાડે જ છે, સાથે-સાથે સમયસર આપણા સુધી ડિલિવરી પણ પહોંચી જાય છે.”

અત્યારે તો તેમણે પોતાની આ થોડી માત્રામાં પણ ખુબ જ ઉચ્ચ ગુણવત્તામાં તૈયાર થતી પ્રોડક્ટ્સને વેચવા માટે વેબસાઇટ ની પણ શરૂઆત કરી છે. આ બધું કહ્યા પછી તેમને એ પણ જણાવ્યું કે આ રીતે વેચાણ કરવાથી તેમની આવકમાં કંઈ જ ફેરફાર નથી થતો કેમ કે તેમનો મુખ્ય વ્યવસાય ટેક્સટાઇલ્સ સાથે સંકળાયેલ છે તથા તેમની પોતાની કંપની સુરત તેમજ સિંગાપુર ખાતે આવેલી છે અને હવે તો તેઓ કેનેડા ખાતે પણ પોતાનો બિઝનેસ વિસ્તારવા માટે વિચારી રહ્યા છીએ એટલે એવું કહી શકાય કે હરીબા ડેરી ફાર્મનો મુખ્ય આશય દેશી ગાય દ્વારા પશુપાલન કરતા ખેડૂતો તથા પશુપાલકોને ગાડરિયા પ્રવાહથી છૂટવા અને પોતાની આજીવિકા રળવાની ક્રિયામાં નવીનતા લાવી શકવા પ્રોત્સાહિત કરવાનો હોઈ શકે.

મુખ્ય સમસ્યા છે વીજળીની
હરિબા ડેરી ફાર્મ ગામની વીજ સીમાનો જ્યાં અંત થાય છે તેનાથી ફક્ત 300 મીટરના અંતરે જ છે પરંતુ હજી સુધી તેમને ગ્રામજયોતિ અંતર્ગત વીજ જોડાણ મળ્યું નથી અને તેઓ તેમને ખેતરમાં અપાતું વીજ જોડાણ કે જે ફક્ત અમુક સમય પૂરતું જ કાર્યરત રહેતું હોય છે તેના પર નભે છે. તાઉતે વાવાઝોડા વખતે આ બાબતે ખુબ સમસ્યા સર્જાઈ હતી કેમકે ગ્રામજયોતિના વીજ જોડાણ તરત જ ઠીક થઇ ગયા હતા પરંતુ ખેડૂતના ખેતરમાં થતા વીજ જોડાણને સરખા થતા 45 દિવસ નીકળી ગયા હતા અને આ 45 દિવસમાં તેમને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
ડેરી ફાર્મના બોરમાંથી ગામના 80 ટકા ઘરોને મળે છે મીઠું પાણી
આગળ મેહુલભાઈ જણાવે છે કે, તેમના ગામમાં પીવાના પાણીની ખુબ સમસ્યા છે તેથી જયારે ડેરી ફાર્મની સ્થાપના વખતે તેમણે બોર બનાવ્યો જેમાં મીઠું પાણી આવતું થયું અને તે પછી ગામ લોકોને આ બાબતની જાણ થતા તેઓ ધીરે ધીરે આ બોર દ્વારા પોતાની પાણીની જરૂરિયાતને પોસવા માટે આવવા લાગ્યા. લોકોનો ધસારો જોતા મેહુલ ભાઈએ પોતાના ખર્ચે 25000 લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી બનાવી તથા તેમાંથી પાણીનું જોડાણ ડેરી ફાર્મની બહાર નળ નાખી કરી આપ્યું જ્યાંથી ગામના લોકો સરળતાથી પાણી ભરીને લઇ જઈ શકે.
પરંપરાગત રીતે બનાવે છે ઘી
તેમના ડેરી ફાર્મમાં ઘી બનાવવાની રીત એવી છે કે દૂધને દોહયા પછી તેને ગરમ કર્યા વગર જ સીધું મેળવી દેવામાં આવે છે. ત્યારબાદ છાસ બનાવી તેમાંથી માખણ અલગ તારવી તેને સ્ટીલના પાત્રમાં જેનું તળિયું તાંબાનું હોય તેમાં ગાયના છાણાં અથવા લાકડાની મદદથી ગરમ કરી ઘી બનાવવામાં આવે છે.

આગળ જતા પશુપાલકો માટે એક સહકારી સંસ્થા જેવું મોડલ બનાવવાની ઈચ્છા
મેહુલભાઈ બસ આટલેથી ન અટકતાં કહે છે કે તેઓ ખેડૂતો અને પશુપાલકો માટે કંઈક નક્કર કરવા માંગે છે અને તેમની આવકને વધારવા માટે અમુલ મોડલ પર જ પોતાની અને મિત્રોની મદદથી પ્રોડક્શનથી લઈને વેચાણ સુધીની એક વ્યવસ્થિત ચેઇન તૈયાર કરવા માંગે છે જે ટૂંક સમયમાં અમલમાં મુકશે.
અત્યારે તેમના ડેરી ફાર્મમાં બનતા ઘીની કિંમત 1800 રૂપિયા પ્રતિ કિલો છે અને શિયાળામાં જે અડદિયાપાક વેચે છે તે 700-800 રૂપિયા પ્રતિ કિલો એ વેચે છે. જો તમે આ તથા બીજી કોઈ પ્રોડક્ટ ખરીદવા ઇચ્છતા હોવ તો તેમની વેબસાઈટ પરથી સરળતાથી ખરીદી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ગાય આધારિત ખેતી & પ્રોસેસિંગ કરી કમાણી દોઢ ગણી અને ખર્ચ અડધો કર્યો જામનગરના આ ખેડૂતે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.