આ લેખ, ધ બેટર ઈન્ડિયા દ્વારા ‘કોવિડ-19’ કેર વિશે વેરિફાઈડ માહિતી શેર કરવાની સીરિઝનો ભાગ છે. આમ તો સોશિયલ મીડિયા અને વૉટ્સએપ પર, કોવિડ-19 સાથે સંકળાયેલ ઘણા પ્રકારની માહિતી આપવામાં આવી રહી છે. પરંતુ, અમારી તમને વિનંતિ છે કે, યોગ્ય તપાસ કે ખરાઈ કર્યા વગર કોઈપણ જાતની માહિતી પર વિશ્વાસ ન કરો. તમારા સુધી સાચાં તથ્યો પહોંચાડવા માટે અમે કેટલાક ડૉક્ટરો અને વિશેષકોના વિડીયો અને તેમના માધ્યમથી વૈજ્ઞાનિક સંશોધન આધારિત માહિતી તમારી સાથે શેર કરી રહ્યા છીએ.
ગત થોડા દિવસોમાં ભારતમાં એક દિવસમાં ત્રણ લાખ કેસ પણ જોવા મળ્યા છે, આ દરમિયાન, ઘરે જ ‘હોમ-આઈસોલેશન’ માં રહેતા કોવિડ-19 ના દર્દીઓ માટે, અજીબો ગરીબ ઘરેલું નૂસખા અને ઉપાયોની જાણે ભરમાર જ લાગી ગઈ છે. અત્યારે સોશિયલ મીડિયામાં સ્ટીમ લેતી વખતે અંદર કપૂર, નીલગિરીનુ તેલ અને લીમડાના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે છે.
આ બધી વાતોને હવા ન આપતાં અને તમારા સુધી સટીક માહિતી પહોંચાડવા માટે, ધ બેટર ઈન્ડિયા વિશેષકો સાથે વાત કરી તમારી સાથે સાચી માહિતી શેર કરી રહ્યું છે.
અફવા 1:
છેલ્લા કેટલાક દિવસોથી વૉટ્સએપ પર એક મેસેજ બહુ ફોરવર્ડ કરવામાં આવે છે કે, એક નાનકડી પોટલીમાં કપૂરની કેટલીક ગોળીઓ, થોડો અજમો અને થોડાં લવિંગ સાથે નીલગિરીના તેલનાં થોડાં ટપકાં છાંટી પોટલી બનાવી દેવી. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવે છે કે, આ પોટલીને સુંઘવાથી શરીરમાં ‘ઑક્સિજન સ્તરને વધારવા’ માં મદદ મળે છે.
પરંતુ ફોર્ટિસ હોસ્પિટલ, નોએડાના પલ્મનૉલૉજી વિભાગના નિર્દેશક અને પ્રમુખ, ડૉ. મૃણાલ સરકાર આ વાત સાથે સંપૂર્ણ રીતે અસહમત છે.

તેમનું કહેવું છે, “એવું બિલકુલ નથી. કૃપા કરીને એકબીજા સાથે યોગ્ય અંતર જાળવી રાખો. પોતાનું માસ્ક પહેરી રાખો અને સેનિટાઇઝ કરતા રહો. આવી કોઈ પણ અફવા પર ધ્યાન ન આપો. જો તમે સંક્રમિત હોવ તો, તમારા ડૉક્ટર દ્વારા જણાવેલ યોગ્ય ઉપચારનું પાલન કરો. અત્યારે સમય આ પ્રકારની અફવાને પ્રોત્સાહન આપવાનો નથી.”
યાદ રાખો, કપૂરના આ મિશ્રણને સુંઘવું તમારા માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. કારણકે, તેનાથી ‘પૉઈઝનિંગ’ થઈ શકે છે. જે લોકો કોવિડ-19 થી સંક્રમિત હોય, તેમનાં ફેફસાંમાં વાયરલ સંક્રમણ અને શ્વસન તંત્રમાં ખરાબીના કારણે, લોહીમાં ઑક્સિજનની માત્રા ઘટવા લાગે છે. તેની નાક બંધ થવા સાથે કઈં લેવા-દેવા નથી. અને જો આમ કરવાથી નાક ખુલી પણ જાય તો પણ તેનાથી ઑક્સિજન સ્તર માં કોઈ સુધારો નહીં થાય.

અફવા 2:
ઘણા ઑનલાઈન પ્લેટફોર્મ પર દાવો કરવામાં આવે છે કે, ‘સ્ટીમ થેરેપી કોરોના વાયરસને મારી શકે છે.’ સાથે સાથે એક વિડીયો પણ વાયરલ છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં લીમડાનાં પત્તાં અને આદુ નાખી સ્ટીમ લેવાથી શરદી, તાવ જેવાં કોરોનાનાં લક્ષણોમાં રાહત મળી શકે છે.
આ વિડીયો પર વાત કરતાં ફોર્ટિસ હોસ્પિટલ, શાલીમાર બાગના પલ્મનૉલી વિભાગના નિર્દેશક અને પ્રમુખ, ડૉ. વિકાસ મૌર્ય જણાવે છે, “આનાથી તમને આરામ મળી શકે છે, જેવો સ્ટીમ લેવાથી મળી શકે છે. પરંતુ આ કોવિડ-19 નો ‘ઈલાજ’ નથી.”

તે કહે છે, “જો કોઈ ઉપાયથી સારું લાગતું હોય તો, તેનાથી એમ ન વિચારવું જોઈએ કે, હવે તેમને કોવિડ નથી અને તે ઠીક થઈ ગયા છે.”
સ્ટીઅ લેવા માટે તમે જે ઈચ્છો તે પાણીનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જો તમારામાં કોવિડ-19 નાં લક્ષણો હોય કે તમે પોઝિટિવ હોવ તો, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. તેમણે કહ્યું, “પોતાની ઇચ્છા અનુસાર ઈલાજ ન કરો. આ નૂસખાથી તમને સારું તો લાગશે, પરંતુ તમને સંપૂર્ણ રીતે ઠીક નહીં કરી શકે.”

અફવા 3:
એક ભ્રમ એ પણ છે કે, જો તમે કોઈપણ જાતની અસુવિધા વગર 10 સેકન્ડ શ્વાસ રોકી શકો તો, તમે કોવિડ-19 પોઝિટિવ નથી.
આ અફવાને ખોટો પાડતાં ડૉ. વિકાસ કહે છે, “બિલકુલ નહીં! જો તમને લાગતું હોય કે તમારામાં કોવિડ-19 નાં લક્ષણ છે, તો કૃપા કરીને ટેસ્ટ કરાવો. જો તમને તાવ, ખાંસી, શ્વાસ ચઢવો, ગંધ ન અનુભવાવી અને સ્વાદ ન અનુભવાવો જેવાં લક્ષણો હોય તો, ચોક્કસથી તપાસ કરાવો.”
તેઓ વધુમાં કહે છે, “સૌથી પહેલાં આઈસોલેટ થઈ જાઓ. ખાસ ધ્યાન રાખો કે, તમારાથી બીજા કોઈને સંક્રમણ ન થાય. કોવિડ-19 વાયરસ હવામાં રહેલ કણોના માધ્યમથી, એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં જઈ શકે છે. આ રીતે, પોતાના શ્વાસ 10-15 મિનિટ કે 20 સેકન્ડ સુધી રોકવાથી કઈં સાબિત થઈ શકતું નથી.”
ડૉ. ફહીમ યૂનુસ, એમડી, પણ આ પ્રકારની અફવાને દૂર કરવા માટે ટ્વિટર પર સાચી માહિતી પાએ છે. પોતાના એક ટ્વિટમાં તેમનું કહેવું છે, “કોવિડ-19 થી સંક્રમિત ઘણા યુવાન દર્દી, પોતાના શ્વાસ 10 સેકન્ડ સુધી રોકી શકે છે. તો ઘણા સ્વસ્થ પણ બુઝુર્ગ લોકો નથી રોકી શકતા.”
તમે SARS-COV 2 વાયરસથી સંક્રમિત છો કે નહીં – આ વિશે જાણવાની એક જ રીત છે કે તમે ટેસ્ટ કરાવો અને આ પ્રકારની અફવાહોથી દૂર રહો.
આ પણ વાંચો: અમદાવાદના આ વ્યાપારી રોજના 1200 કોરોનાગ્રસ્ત લોકોને ઘરે જઈને પહોંચાડે છે નિશુલ્ક ટિફિન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.