વર્ષોથી સુરતમાં રહેતા ગુણવંતભાઈ ઘાડીયા અને તેમના પત્ની લતાબેન ઘાડીયાએ એક એવું કામ આરંભ્યું છે કે જે તેમને અણમોલ ભારતીયોની શ્રેણીમાં મૂકે છે.
ગુણવંતભાઈ આમ તો વ્યાપારી અને હીરા ઘસવાના મશીનમાં જે પ્લેટ એટલે કે સારણ આવે તેને માંજવાનું કારખાનું ચલાવતા તો સાથે સાથે પોતાની પત્ની સાથે તેઓ અવારનવાર માનવતાવાદી કર્યો કરતી સંસ્થાની મુલાકાતે જતા અને યથાશક્તિ મદદ પણ કરતા. આ દરમિયાન ઘણીવાર દંપતી વૃદ્ધાશ્રમમાં પણ જતું અને વિચારતું કે કાશ ક્યાંય વૃદ્ધાશ્રમ જ ના હોત તો આ વડીલોને પોતાનું ઘર છોડવું ના પડત પરંતુ એક દિવસ તે બંનેને એક વડીલની આપવીતી સાંભળીને એ વાતનો અહેસાસ થયો કે સારું છે આવા વૃદ્ધાશ્રમો છે નહીંતર ઘરડા લોકો સ્વમાન ગુમાવેલી હડધૂત ભરી જિંદગી જીવવા માટે મજબુર રહેત.
આ એક જ વિચારે દંપતીની આખી જિંદગી બદલી નાખી. અને તેમણે 2018માં તાત્કાલિક મકાન ભાડે લઈ શરૂઆતમાં ચારની સંખ્યામાં જરૂરિયાત ધરાવતા વડીલોને આશ્રય આપ્યો. આ સમય દરમિયાન વડીલોને સાચવવાનો સંપૂર્ણ ખર્ચ તેઓ પોતાના ઘરમાંથી જ કાઢતા હતા. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે ધીરે ધીરે લોકોને અમારા કામની ખબર પડતા સંખ્યા ચાર માંથી વીસ સુધી પહોંચી ગઈ અને થોડા ઘણા હિતેછુઓની મદદ પણ મળવા લાગી. આજે તેઓ 30 લોકોને સાચવી રહ્યા છે તથા તે લોકોને સાચવવા માટે મહિનાના થતા 70 હજારના ખર્ચમાં દર મહિને 10 હજાર રૂપિયા પોતાના ઘરમાંથી જ કાઢે છે.

આ પણ વાંચો: માત્ર એક જ રૂપિયામાં કરાવો સારવાર, પાલનપુરનું આ દવાખાનું છે એકદમ હટકે
આગળ ગુણવંતભાઈ જણાવે છે કે,”હજી સેવાની શરૂઆત કરી જ હતી ત્યાં તો કોરોનાએ આપણા સૌના આંગણે દસ્તક દીધી અને તે કારણે મને કારખાનામાં નુકસાન આવતા તે બંધ કરવું પડ્યું. કારખાનું બંધ થવાના કારણે અને સેવાની કામગીરી નવી હોવાના કારણે વીસ લોકોને સાચવવાના દર મહિનાના થતા ખર્ચને પહોંચી વળવું પણ ખુબ મુશ્કેલ થયું અને તેથી જ એક સમયે એવું પણ વિચારી લીધું કે જે વડીલોને આશ્રય માટે લાવ્યા છીએ તેમની થોડા સમય પૂરતી ક્યાંક બીજે વ્યવસ્થા કરીએ. પરંતુ સદ્ભાગ્યે અમારા એક હિતેચ્છુ મિત્ર અરવિંદભાઈ ભંડેરીએ સામે ચાલીને મદદ કરી અને તે વખતની મુસીબતમાંથી અમને ઉગારી લીધા. ત્યારથી લઈને આજના દિવસ સુધી અમે ક્યારેય પાછીપાની કરી નથી. આજે પણ અરવિંદભાઈ તથા બીજા દાતાશ્રીઓ દ્વારા અવારનવાર અમારા આ કાર્યમાં સહયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદી મહિલા 21 વર્ષથી મહિનાના 20 હજાર ખર્ચી રાખે 300 કૂતરાંની સંભાળ
આજે લતાબેન તથા ગુણવંતભાઈએ પોતાની સમગ્ર જિંદગી આ સેવાકીય પ્રવૃત્તિમાં આપી છે. કારખાનું તો હજી પણ બંધ જ છે અને તેમના ઘરની જવાબદારી ભૂતકાળમાં ખરીદેલ દુકાનોના મહિને આવતા ભાડા અને બે દીકરાઓ દ્વારા કરવામાં આવતી પ્રાઇવેટ જોબના કારણે વહન થઇ રહી છે. આજે પણ તેઓ દર મહિને ઘરની કમાણીમાંથી આ સેવાકીય પ્રવૃત્તિ પાછળ પોતાનો સમગ્ર સમય ખર્ચવાની સાથે સાથે દર મહિને દસ હજાર રૂપિયા પણ ખર્ચી રહ્યા છે. અહીંયા સમયનો ઉલ્લેખ એટલા માટે કે વડીલોની સંપૂર્ણ જવબદારી આ દંપતી જ સાંભળે છે તથા મહત્વની બાબત એ છે કે તે દરેક વડીલ માટે રોજ બે ટાઈમનું ભોજન લતાબેન જાતે જ બનાવે છે. અત્યારે તેઓ સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા ગામમાં નેશનલ હાઇવે 8 પાસે આ સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે અને તેમને હજી પણ સેવાની આ પ્રવૃત્તિમાં મદદની ખુબ જ જરૂર છે. જો તમે આ દંપતીનો સંપર્ક કરી તેમને યથાશક્તિ મદદ કરવા ઈચ્છતા હોવ તો તેમને 9925899043 અથવા 9601550342 નંબર પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: મંદબુદ્ધિનાં બાળકોની સાર સંભાળ વિનામૂલ્યે રાખનાર આ મહિલા છે માનવતાનું જીવંત ઉદાહરણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.