આ ઘરમાં ફ્રિજ, વૉશિંગ મશીન અને AC નથી, વીજળી માટે સૌરઉર્જાનો કરે છે ઉપયોગ અને વરસાદનું પાણી કરે છે એકત્ર
શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે શહેરના જીવનની ધમાલ છોડી પર્વતોમાં અથવા કોઈ ફાર્મમાં રહેવા જવું જોઈએ? ઘણા લોકો કહેશે કે આ કરવાનું શક્ય નથી. પરંતુ આજે અમે તમને એક એવા પરિવાર સાથે પરિચય કરાવી રહ્યા છીએ જેમણે ફક્ત આ વિચાર્યું જ નહીં પરંતુ હવે બેંગ્લોર જેવા શહેર છોડીને મેંગ્લોર નજીકના ગામમાં શાંતિપૂર્ણ જીવન જીવે છે.
અમે જ્વેન લોબો અને અવિન પાઈસ વિશે વાત કરી રહ્યા છીએ. આ દંપતીનું મોટાભાગનુ જીવન શહેરોમાં વિત્યુ છે. જ્વેન કન્ટેન્ટ રાઇટર તરીકે ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો, ત્યારે અવિન આઈટી કન્સલ્ટન્ટ છે. બંનેએ ઘણા વર્ષો સુધી મોટા શહેરોમાં રહીને ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. તે મેંગ્લોર આવતા પહેલા લગભગ 10 વર્ષ બેંગ્લોરમાં રહ્યો હતો. જ્વેન કહે છે કે નાનપણથી જ તે ગામમાં રહેવા માંગતો હતો. તે હરિયાળીની વચ્ચે પોતાનું ઘર બનાવવા માંગતો હતો. સારી વાત એ છે કે અવિન પણ તેના વિચાર સાથે સંમત છે.
તેથી જેવી આ બંનેને તક મળી, તેઓએ આ વિચારને સાકાર કરવાનો નિર્ણય કર્યો. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે તેમની યાત્રા વિશે જણાવ્યું.
રહેવા માટે બનાવ્યું Mud House
જ્વેન અને અવિન જણાવે છે કે ઘણા વર્ષો પહેલા તેઓએ આ સપનું સાકાર કરવા માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. નોકરી દરમિયાન તેમની રજાઓ દરમિયાન, તે બેંગ્લોરની આસપાસ ખેતરો, તળાવો અથવા બગીચાઓમાં ફરવા જતા. પહેલાથી જ આ પ્રકારની જીવનશૈલી જીવી રહેલા લોકોને મળતા હતા.
“સાથે જ, શહેરના ભાગદોડ ભર્યા જીવનથી કંટાળ્યા હતા. કારણ કે તેમનો મોટાભાગનો સમય ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે ટ્રાવેલ કરવામાં જતો હતો. પછી મને આશ્ચર્ય થયું કે આપણે કેવું જીવન જીવી રહ્યા છીએ. વળી, સાથે જ અમે અમારા બાળકો માટે આવું જીવન ઈચ્છતા ન હતા, જ્યાં તેઓ હંમેશા કોઈ ભાગદોડમાં ફસાયેલા રહે. તેમને બધી જ વસ્તુઓ માટે બીજાની સાથે આંકવામાં આવે.અમે ઇચ્છીએ છીએ કે તેઓ જીવનની કુશળતા શીખે જેથી તેઓ તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી શકે.”

પછી એક દિવસ જ્વેને અવિને પૂછ્યું કે આપણે 60 વર્ષની વય સુધી જીવીશું તેની ગેરેંટી શું છે? જો આપણે જીવીએ તો પણ તેની ખાતરી શું છે કે તેના પછી આપણે આપણા બધા સપના પૂરા કરી શકશું? તો આપણે કંઈ વાતની રાહ જોઈ રહ્યા છીએ? અવિન કહે છે, “અમે બંનેએ તેના વિશે વિચાર્યું અને નક્કી કર્યું કે હવે નહીં તો કદી નહીં. પરંતુ અચાનક કોઈ ગામમાં સ્થળાંતર કરતા પહેલા, અમે એક વર્ષ માટે ટ્રાય કરવાનું વિચાર્યું, જેથી આ એક વર્ષના અનુભવને આધારે અમે અંતિમ નિર્ણય લઈ શકીએ.”
વર્ષ 2018માં જ્વેન અને અવિન એક વર્ષ માટે મંગ્લોરમાં તેમના મિત્રના ફાર્મમાં ગયા. અહીં તેણે શિપિંગ કન્ટેનરને પોતાનું ઘર બનાવ્યું, જેમાં 24 કલાક પાણી પુરવઠો ન હતો કે વીજળી ન હતી. તેણે ચૂલા પર રાંધવાનું શીખી લીધું હતું અને ખેતીની કેટલીક ટ્રિક્સ પણ. પરંતુ એક વર્ષ પછી તેને જાણવા મળ્યું કે તે ફાર્મમાં ઓછામાં ઓછી વસ્તુઓ સાથે જીવી શકે છે. આ પછી તેણે મૂડબીદ્રી તાલુકાના એક ગામમાં ફાર્મહાઉસ બનાવ્યું. રસપ્રદ વાત એ છે કે તેનું આ ઘર માટીનું બનેલું છે.
તે કહે છે, “અમે ઘર ફક્ત 550 ચોરસ ફૂટમાં બનાવ્યું છે. લેટરસાઇટ પથ્થરનો ઉપયોગ ઘરના પાયા માટે અને કાદવની ઇંટોનો ઉપયોગ દિવાલો માટે કર્યો છે. ચણતર માટે સિમેન્ટનો ઉપયોગ કર્યો હોવા છતાં, ઘરમાં કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટર નથી. આરસીસીને બદલે જીઆઈ ફ્રેમ અને સેકન્ડ હેન્ડ મંગ્લોર ટાઇલ્સનો ઉપયોગ છત માટે કરવામાં આવ્યો છે.”
તેમના ઘરમાં બેડરૂમ, રસોડું, બાથરૂમ અને શૌચાલય છે. તેમણે જરૂરિયાત મુજબ જ ઘરનું ફર્નિશિંગ કર્યું છે. તેમના જૂના ફર્નિચરને ફરીથી ઉપયોગ કરીને, દંપતીએ તિજોરી, ટેબલ, સોફા અને પલંગ બનાવ્યા. આ વિશે તે કહે છે કે તેમનો હેતુ ઓછામાં ઓછા સાધનોમાં વધુ સારી રીતે જીવન જીવવાનો છે.

જ્વેન અને અવિને તેમના ઘર માટે વીજળી કનેક્શન લીધું નથી. તેમણે ઘર બનાવ્યું ત્યારથી જ સોલાર એનર્જીનો ઉપયોગ વીજળી માટે કરવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાના ઘર માટે 300 વોટની સોલર સિસ્ટમ લગાવી છે. તેઓ ફક્ત બલ્બ, પંખો, મિક્સર, સીવણ મશીનો અને મોબાઇલ અથવા લેપટોપ ચાર્જ કરવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે.
તેમણે કહ્યું કે તેમના ઘરની અંદરનું તાપમાન હંમેશાં બહારના તાપમાન કરતા ત્રણ-ચાર ડિગ્રી ઓછું હોય છે. તેથી તેઓ ક્યારેય AC અથવા કુલરની જરૂરિયાત અનુભવતા નથી. “સીલાઈ મશીનનો ઉપયોગ ફક્ત ક્યારેક-ક્યારેક કરવામાં આવે છે, જેમ કે કાપડને ઠીક કરવા અથવા જૂના કપડાનો ઉપયોગ કરીને કંઈક નવું બનાવવા માટે. અમે નવા કપડાં ખરીદવા કરતાં જૂની વસ્તુઓનો વધુ ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ,”તેમણે કહ્યું.
બીજી બાજુ, જો આપણે પાણી બચાવવા વિશે વાત કરીએ, તો જ્વેન અને અવિન દર વર્ષે લગભગ 6000 લિટર વરસાદનું પાણી એકત્ર કરે છે. આ ઉપરાંત, તેમના રસોડામાં વપરાતા પાણીનો ઉપયોગ ફરીથી બાગકામ માટે થાય છે. તેઓ કચરાના સંચાલન અંગે પણ ખૂબ સજાગ છે. તેઓ ઘરમાંથી પેદા થતા તમામ જૈવિક કચરાનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરે છે.
જ્વેન અને અવિનની પાસે બે એકર જમીન છે જેના પર તેઓ ફળો અને શાકભાજી ઉગાડતા હોય છે. “અમે અત્યારે પોતાને ખેડુત નથી માનતા કારણ કે અમે ખૂબ નાના પાયે કંઈક વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારે હજી ઘણું શીખવાનું બાકી છે અને અમે જે ઉગાડી રહ્યા છીએ તે મોટાભાગે હાલમાં અમારા પોતાના ઘર માટે છે. અહીં અમે કેટલાક ફળના ઝાડ વાવ્યા છે અને મોસમી શાકભાજી પણ ઉગાવી રહ્યા છીએ. આ સાથે અમારી પાસે અમારા ખેતરોમાં કેટલાક નાળિયેર, સોપારી, કાળા મરી અને કોકાના ઝાડ છે.”તેમણે કહ્યું.

ડૉક્ટરો અને દવાઓ ઉપર નિર્ભર નથી
જ્વેન અને અવિનની જીવનશૈલી વિશેની સૌથી રસપ્રદ બાબત એ છે કે તેઓ છેલ્લા સાત વર્ષથી કોઈ પણ પ્રકારના ડોકટરો અથવા એલોપથી દવાઓ પર આધારિત નથી. આ અંગે તેમણે કહ્યું, “અમારી આ યાત્રા બેંગ્લોરમાં જ જ્વેનની ગર્ભાવસ્થા દરમિયાન શરૂ થઈ હતી. કારણ કે જ્વેનને લાગ્યું કે જો તે ટેબ્લેટ લેશે, તો તેનાથી બાળક ઉપર અસર થશે અને તે પછી તેણીએ તેના વિશે રિસર્ચ શરૂ કર્યું. અમે એલોપેથિક દવાઓ લીધા વિના પોતાને સ્વસ્થ કેવી રીતે રાખવા તે સમજવા માંગતા હતા. આ જ કારણ છે કે અમે બાળકોના જન્મ પછી લગભગ દોઢ વર્ષ સુધી હોસ્પિટલ, ક્લિનિક જવાનું છોડી દીધુ.”
જો કે, એવું નથી કે તે તરત જ શક્ય બન્યું છે. કારણકે વચ્ચે-વચ્ચે ઘણી વાર તેઓ બિમાર પડ્યા. પરંતુ ડોક્ટર પાસે દોડી જવાને બદલે તેણે ઘરેલું ઉપાય અજમાવ્યાં. હવે આ દંપતી કહે છે કે તેમની જીવનશૈલી અને ખાવાની ટેવમાં યોગ્ય પરિવર્તનને લીધે, તે ખૂબ જ દુર્લભ છે કે તેઓ છેલ્લા બે-ત્રણ વર્ષમાં બીમાર થઈ ગયા છે. તેથી જ તેઓ કહે છે કે તમારે તમારી જીવનશૈલીને તમારા શરીરની જરૂરિયાતો અનુસાર સ્વીકારવી જોઈએ જેથી દવાઓ પર ઓછી નિર્ભરતા રહે.
અંતે, આ દંપતી દરેકને તેમના જીવનને શક્ય તેટલું સમજવાનો પ્રયાસ કરવાની સલાહ આપે છે. દરેકનું જીવન અલગ છે, તેથી તમારા વાતાવરણ અને જવાબદારીઓ અનુસાર, તમે શું કરી શકો અને શું ન કરી શકો તે નક્કી કરો. પરંતુ તમે જ્યાં પણ હોવ અને જેવા પણ છો, હંમેશાં પ્રકૃતિ માટે નજીક અને મૈત્રીપૂર્ણ જીવન જીવવાનો પ્રયાસ કરો.
જો તમને જ્વેન અને અવિનની કહાની ગમી હોય અને તેમની સાથે સંપર્ક કરવા માંગતા હોય, તો તેમનું ફેસબુક પેજ અથવા ઇન્સ્ટાગ્રામ પેજ જોઈ શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: અમદાવાદના આ ઘરમાં 8 એસી અને 3 ફ્રિજ, છતાં લાઈટબિલ ‘0’, 150+ ઝાડ છોડની અદભુત હરિયાળી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.