કોરોનાની મહામારીને લીધે મોટી સંખ્યામાં લોકોએ નોકરી ગુમાવવી પડી છે. આને કારણે દુનિયાભરમાં લોકો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમણે આપદાને અવસરમાં બદલી નાખી છે અને પોતાનો ધંધો શરૂ કરવાનું જોખમ લીધું છે. લખનઉમાં રહેતા ઓમ પ્રકાશ પ્રજાપતિ આમાંના એક છે.
ઓમ પ્રકાશ હંમેશા પોતાનું કામ કરવા માંગતા હતા અને એક આઇડિયા પર ઘણા સમયથી કામ કરી રહ્યા હતા. પરંતુ કોઈને કોઈ કારણસર તે નોકરી છોડીને કામ શરૂ કરવાની હિમ્મત કરી શક્યા નહોતા. તેમણે ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું “મે સિવિલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમાં કરેલું છે. ડિપ્લોમાં પુરૂ કર્યા બાદ કેટલાક સમય સુધી લખનઉમાં એક કંપનીમાં કામ કર્યુ અને પછી બનારસમાં એક કંપનીમાં જોડાયો. પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલાં, હું બનારસમાં કામ કરતો હતો ત્યા મને મહિને 30000 રૂપિયા મળતા હતા.”
ગયા વર્ષે દેશમાં લોકડાઉન શરૂ થયા પહેલાં, ઓમ પ્રકાશ રજાઓ લઈને ઘરે આવ્યો હતો. તેમણે ખબર નહોતી કે કેટલાક દિવસની રજાઓ મહિનાઓમાં બદલાઈ જશે. તે કહે છે, લોકડાઉન સમયે તેમનુ બનારસ જવાનુ ન થયું. આ તે જ સમય હતો જ્યારે તેમને લાગ્યું કે હવે તેમણે પોતાનો ધંધો શરૂ કરી દેવો જોઇએ. તેમણે પોતાના પરિવાર સાથે વાત કરીને પોતાની જાતને એક તક આપવાનું નક્કી કર્યું. જુન 2020 માં તેમણે પોતાનું સ્ટાર્ટઅપ ‘લખનઉ કબાડીવાલા‘ શરૂ કર્યુ.

નોકરી કરતી વખતે આવ્યો વિચાર:
ઓમ પ્રકાશ કહે છે કે આ કામનો વિચાર તેમને નોકરી કરતા સમયે આવ્યો હતો. નોકરી દરમિયાન તેમણે પોતાના કામના ભાગ રૂપે અલગ-અલગ જગ્યા પર જઈને ‘સ્ક્રેપ મેનેજમેન્ટ’ (ભંગાર/કચરાનું સંચાલન) કરવું પડતું હતું. ત્યાં જે ભંગારવાળા આવતા તે મનફાવે તેવા ભાવ આપી માલ લઈ જતા. ઓમ પ્રકાશ હંમેશા વિચારતા કે જો આ કામ એક સાચી રીતે કરવામાં આવે તો એક સારો ધંધો બની શકે એમ છે. તેમને વિચાર મળી ચુક્યો હતો બસ હવે આના પર કામ કરવાનું બાકી હતું. એટલે જ તેમણે 2019 માં જ પોતાના ધંધાનું નામ વિચારીને પોતાની વેબસાઇટ પર બનાવી લીધી હતી.
ઓમ પ્રકાશ આગળ જણાવે છે કે “મને લાગ્યુ જો હું વેબસાઇટ બનાવી લઉ તો આને શરૂ કરવાની મારી ઇચ્છા બની રહે. એટલે લોકડાઉનમાં જ્યારે મને લાગ્યું કે કદાચ આ સમય જ આ ઘંધાને શરૂ કરવા માટે યોગ્ય છે પછી મે બીજી વાર વિચાર ન કર્યો. પરિવારના લોકોએ પણ કહ્યું ધંધો કરવા માંગતા હોય તો એક વાર ટ્રાઇ કરી લો. પરિવારનો સાથ મળતા મારી હિમ્મત વધી. એટલે મે નોકરીમાંથી રાજીનામુ આપી દીધું.”
જોકે ઓમ પ્રકાશની આસપાસ પણ એવા ઘણા લોકો હતા જેમને તેમનો આ નિર્ણય યોગ્ય લાગ્યો નહીં. કેટલાક લોકોએ કહ્યું આ સમયે નોકરી છોડવી યોગ્ય વાત નથી. પણ ઓમ પ્રકાશે નક્કી કર્યું હતુ કે તે અસફળતાની ચિંતા કર્યા વગર માત્ર પોતાના કામ પર ધ્યાન આપશે. જો તેમણે અસફળ જ થવુ હોય તો કેમ એક વાર પ્રયાસ કરીને જ ન થાય! જુન 2020 માં ઓમ પ્રકાશે પોતાનુ કામ શરૂ કર્યું. ફંડિગ માટે તેમણે પોતાની બચતનો ઉપયોગ કર્યો અને પરિવારના લોકો પાસેથી મદદ મેળવી.
કેવી રીતે કરે છે કામ:
ઓમ પ્રકાશે લગભગ 33 ભંગાર-સામાનનો ભાવ (પ્રાઇસ લિસ્ટ) પોતાની વેબસાઇટ પર રાખ્યો છે જેમાં છાપા, એલ્યુમીનિયમ, તાંબુ, ચોપડા, બેટરી, કૂલર, કેબલ, ફાઇબર અને ઇલેક્ટ્રોનિક્સ જેવો સામાન છે. જો કોઈએ પોતાનો કોઈ ભંગાર-સામાન વેચવો હોય તો આ વેબસાઇટ તેના માટે એક સારો વિકલ્પ છે. લોકો આ વેબાસઇટ પર જઈને કે ફોન કરીને પોતાના સામાન વિશે માહિતી આપી શકે છે. તેની સાથે વાતચીત કર્યા બાદ, ઓમ પ્રકાશની ટીમ તેમના ઘરે જાય છે અને ઇલેક્ટ્રોનિક વાજન કાંટાથી વજન કરીને ભંગાર ખરીદી લે છે.

સાથે જ રેકડી પર ઘરે-ઘરે જઇને ભંગાર લેનાર લોકો પાસેથી પણ ઓમ પ્રકાશ ભંગાર ખરીદી લે છે. તે કહે છે આ કામમાં સોશિયલ મીડિયા તરફથી તેમને ઘણી મદદ મળી છે. તેમણે પોતાનું એક ગોદામ બનાવી લીધુ છે, જેમા તે ખરીદેલો ભંગાર રાખે છે. ઓમ પ્રકાશ ભંગારનો સામાન ખરીદીને આ ક્ષેત્રમાં કામ કરતા મોટા ડિલર્સ કે રિસાઇકલર્સને વેંચે છે. જે હાલમાં ફક્ત લખનઉ સુધી જ સિમિત છે. શહેરમાં લગભગ પાંચ હજાર જેટલા તેમના ગ્રાહક બની ચુક્યા છે.
તેમના આ કામમાં ત્રણ લોકોને રોજગાર પણ મળ્યો છે. વર્તમાનમાં, ઓમ પ્રકાશની કમાણી મહિને લગભગ 70 હજાર છે. તેમને એ સંતોષ છે કે તે જે કામ કરવા માંગતા હતા તે કરી રહ્યા છે. આ સુધીની સફર તેમની મુશ્કેલીભરી રહી પણ પરિવારે તેમનો ભરપુર સાથ આપ્યો.
તેમણે કહ્યું, ”મને ઘણીવાર વિચાર આવે છે કે આ કામ બંધ કરી દેવું જોઇએ? પણ પરિવારના લોકોએ મારો જુસ્સો હંમેશા ટકાવી રાખ્યો અને કહ્યુ કે એક-બે વારમાં જ હાર માની લેશો તો કામ કરવાનો ફાયદો શું. આજે મને ખુશી થાય છે કે મારો ધંધો ખૂબ આગળ વધવા લાગ્યો છે.”
આગળની યોજના:
હાલમાં ઓમ પ્રકાશ અને તેમની ટીમ માત્ર લખનઉમાં જ કામ કરી રહી છે અને તે એક સપ્તાહમાં ત્રણ દિવસ જ ભંગાર ભેગો કરે છે અને પછી તેને અલગ કરીને ડીલર્સ સુધી પહોંચાડે છે. ઓમ પ્રકાશ કહે છે આગળ તેમની યોજના છે કે તે પુરા અઠવાડિયા સુધી આ કામ કરશે અને આના સિવાય તે વધુ ગ્રાહકો અને સાથે સાથે નવા ડિલર્સને પણ જોડશે.
તેમની યોજના પહેલાં ઉત્તર પ્રદેશમાં અન્ય શહેરોમાં પોતાનો ધંધો વધારવાનો અને ત્યારબાદ બીજા રાજ્યમાં પણ ધંધો કરવાનો છે. તે કહે છે તે પારદર્શિતા સાથે કામ કરે છે એટલે ભલે ધીરે-ધીરે પણ તેમને ચોક્કસથી સફળતા મળે છે. પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાની ઇચ્છા રાખતા લોકોને તે સલાહ આપે છે કે, જો તમે જેટલો સમય ધંધાની રણનિતિ બનાવવામાં લગાડશો તેટલી જ તમારી ઇચ્છાશક્તિ ઓછી થતી જશે. દરેક બાબત તમે ધંધો શીખ્યા પહેલાં શીખી નહી શકો. ધંધાના નિયમ અને તે સેક્ટર સાથે જોડાયેલ અમૂક વાત તમે ધંધો શરૂ કર્યા બાદ જ શીખી શકશો. માટે વધુ વિચારો નહીં અને પોતાનો ધંધો શરૂ કરી દો.
જો તમે લખનઉમાં રહો છો અને ઘરનો કોઈ સામન કે ભંગાર માટે તેમની સેવા મેળવવા માંગો છો તો તેમની વેબસાઇટ જોઈ શકો છો.
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.