કાર્ટૂન શોની જ્યારે પણ વાત આવે ત્યારે લોકો એમજ કહે છે કે, આ બાળકોની બાબત છે પરંતુ મારું માનવું છે કે, કોઈપણ ઉંમરની વ્યક્તિ તેને જોઈ શકે છે. માસ્ટર્સ કરી રહેલ મારો ભાઈ આજે પણ યૂટ્યૂબ પર છોટા ભીમ જેવા કાર્ટૂન શો જુએ છે. બાળપણમાં જ્યારે પણ કાર્ટૂન શો જોતા ત્યારે વિચારતા કે, આને બનાવે છે કોણ? આવી સુંદર-સુંદર રસપ્રદ વાર્તાઓ લખતું કોણ હશે? આજે અમે તમને મળાવી રહ્યા છીએ એક એવી લેખિકા સાથે જે ઘણા લાંબા સમયથી કાર્ટૂન શો માટે વાર્તાઓ લખે છે અને તેમને એમી અવોર્ડથી પણ નવાજવામાં આવ્યાં છે.
આ કહાની છે રાજસ્થાનના કરોલીમાં જન્મેલ અને જયપુરમાં જ ભણીને મોટી થયેલ સોનમ શેખાવતની. સોનમ લગભગ પાંચ વર્ષની હતી, ત્યારે તેના પિતા સાથે થિએટરમાં જુરાસિક પાર્ક ફિલ્મ જોવા ગઈ હતી. આ ફિલ્મની અસર એટલી બધી થઈ કે, તે વિચારવા લાગી કે તે પણ કિરદાર ઘડી શકે છે.
તેમને લખવાનો શોખ હતો. 11 વર્ષની નાનકડી ઉંમરથી તે કવિતાઓ લખવા લાગી હતી. જ્યારે તે 15 વર્ષની થઈ ત્યારે વાર્તાઓ લખવા લાગી.
બાળપણના દિવસો યાદ કરતાં સોનમે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “મેં 500 પાનાંનો એક ઉપન્યાસ પણ લખ્યો છે, પરંતુ તે છપાયો નથી. વાસ્તવમાં મેં ચાર ભાઈઓની વાર્તા લખી રહી હતી. આ રામાયણ જેવી હતી પરંતુ આધુનિક પુષ્ટભૂમિમાં. જ્યારે મેં તેને લખતાં-લખતાં સ્કૂલની બધી જ નોટબૂક્સ ભરી દીધી ત્યારે મને અહેસાસ થયો કે, હું કેટલું બધું લખી રહી છું. મારી મમ્મીને કહેવું પડ્યું કે, હવે મારી વધારે નોટબૂક્સની જરૂર છે. ઘરે બધાં આશ્ચર્યમાં હતાં કે, વર્ષની શરૂઆતમાં જ કેવી રીતે બધી નોટબૂક્સ ભરાઈ ગઈ.”
કર્યા છે ઘણા સારા-સારા પ્રોજેક્ટ્સ
સ્કૂલનું ભણતર પૂરુ કર્યા બાદ સોનમે બિરલા ઈસ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજીમાંથી એનીમેશન અને મલ્ટીમીડિયામાં ડિગ્રી મેળવી. કૉલેજ બાદ તેને રિલાયન્સ એનીમેશન સાથે 3ડી આર્ટિસ્ટ ઈન્ટર્ન તરીકે કામ કરવાની તક મળી. તેણે ત્યાં ત્રણ મહિના કામ કર્યું અને અહીં એક સીનિયર સાથી કર્મચારીએ તેને મેન્સા વિશે જણાવ્યું અને તેમની પાસે IQ ટેસ્ટ માટે બેસવાનું કહ્યું. પરિણામથી સોનમ પણ બહુ આશ્ચર્યચકિત હતી. તેનો IQ દુનિયાની માત્ર 2% જનતા સાથે મેળ ખાતો હતો. જેનાથી તેને તેજ યાદશક્તિ અને ક્રિએટિવિટી અંગે ખબર પડી.
ઈન્ટર્નશિપ દરમિયાન તેમને શક્તિમાન નામની એક સીરીઝમાં લખવાની તક મળી, જે સોનિક અને નિકેલોડિયન પર પ્રસારિત થતો હતો. તેમણે આ સીરીઝનું ટાઈટલ થીમ અને તેના સાઉન્ડટ્રેકના ઘણા ટ્રેક લખ્યા.
2012 માં, સોનમ ગ્રીન ગોલ્ડ એનિમેશન સાથે જોડાઈ, જે તે સમયે Disney સાથે કામ કરતી એકમાત્ર કંપની હતી. તેમણે લોકપ્રિય કાર્ટૂન માઈટી રાજૂ માટે એક શો લખ્યો. તેમણે છોટા ભીમ માટે 50-60 એપિસોડ લખ્યા, અને તેમની ફ્રેન્ચાઈઝીની ચાર-પાંચ ફિલ્મોની સ્ક્રિપ્ટ અને 20-30 ગીતો પણ લખ્યાં.
સોનમે લિટલ સિંઘમ, ગોલમાલ જૂનિયર અને ભૂત બંધુ જેવા શો પણ બનાવ્યા છે. અત્યાર સુધીમાં ભારતમાં નિર્મિત 17 શો તેમણે લખ્યા છે. યૂરોપ અને અમેરિકામાં પ્રસારિત ઘણા શો પણ તેમણે લખ્યા છે.
તે તેના શોના માધ્યમથી બાળકો સાથે જોડાય છે, આમ પૂછતાં સોનમ જણાવે છે, “હું શરીરથી એડલ્ટ છું પરંતુ મનથી બાળકી, એટલે હું મારી જાતને બાળકો સાથે સહેલાઈથી જોડી શકું છું. મને હંમેશથી એમજ લાગે છે કે, હું એનીમેશન ઈન્ડસ્ટ્રી માટે જ બનેલ છું.”
2015 માં પોતાના લેખનમાં થોડા બદલાવ કર્યા, સોનમ ડ્રીમવર્ક્સ એનીમેશન – ઑસ્સમનેસ ટીવી સાથે જોડાઈ. અહીં તેમણે ‘ઑલ હેલ કિંગ જુલિયન’ નામના એક શો માટે લખ્યું, જે અત્યારે નેટફ્લિક્સ પર છે. આ શોની બધી જ ત્રણ સીઝનને એમ્મી પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યો હતો. સોનમે પોતાની એનિમેટેડ સીરીઝની ત્રીજી સીઝન માટે ઉત્કૃષ્ટ લેખન માટે પણ એમી પુરસ્કાર જીત્યો. આ સાથે-સાથે તે એમી અવોર્ડ જીતનાર પહેલી ભારતીય બની.
વર્તમાનમાં, તે ન્યૂક્લિયસ મીડિયા, લંડનના ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ડિવીઝનની પ્રમુખ છે. તે તેના છ વર્ષિય દીકરાને તેની આ જીતમાં મહત્વની ભૂમિકા નિભાવનાર માને છે. તે કહે છે કે, તેનાથી જ તેને બાળકોને વધારે સારી રીતે સમજવામાં મદદ મળી છે.
સોનમે કહ્યું, “મારો દીકરો બહુ કાર્ટૂન શો જોવે છે અને તે પોતે પણ બહુ સારો સ્ટોરી ટેલર છે અને ખૂબજ ક્રિએટિવ પણ. તે મને હંમેશાં કામ કરવા માટે પ્રેરિત કરે છે. તે તેના મિત્રોને જણાવે છે કે, તેની માતા કાર્ટૂન બનાવે છે અને તે પણ મોટો થઈને એ જ કરશે.”
તેઓ જણાવે છે, “મને હંમેશાંથી ખબર હતી કે, મને બાળકો ગમે છે, પરંતુ જ્યારે મારા દીકરાનો જન્મ થયો ત્યારે મને અહેસાસ થયો કે, હું તેમને કેટલો પ્રેમ કરું છું. આ મારા જીવનનો સૌથી અદભુત પહેલુ છે. તેમના માધ્યમથી ખબર પડી કે, બાળકો જ્યારે ટીવી જુએ છે ત્યારે કેટલું નિરીક્ષણ કરે છે. તેઓ માત્ર કિરદાર જ નહીં, પરંતુ તેના બેકગ્રાઉન્ડમાં ઉપયોગમાં લેવાયેલ દરેક વસ્તુને પણ જુએ છે. મને બાળકોમાં બીજો પણ એક પહેલુ બહુ ગમ્યો કે, તેમનાં સમાધાન હંમેશાં અલગ અને રચનાત્મક હોય છે. જેનાથી મારા લેખનમાં પણ બદલાવ આવ્યો અને મેં એવાં પાત્ર બનાવવાનાં શરૂ કર્યાં જે તેમની ક્રિએટિવિટીથી સમસ્યાઓનાં સમાધાન શોધે.”
એનીમેશનની એનસાઈક્લોપેડિયા
સોનમ કહે છે, “હું માત્ર 20 વર્ષની હતી, જ્યારે મેં મારું કરિયર શરૂ કર્યું હતું, પરંતુ હું 16 વર્ષની લાગતી હતી. એ એટલા માટે નહીં કે હું નાની હતી, પરંતુ એટલા માટે કે, મારા સ્વભાવમાં બાળપણ જ છલકતું હતું. હું હંમેશાં ઉત્સુક રહેતી હતી અને ઉછળ-કૂદ કરતી રહેતી હતી. લોકો મને ગંભીરતાથી લેતા જ નહોંતા, પરંતુ પછી મેં મારી જાતમાં ઘણા બદલાવ કર્યા. ત્યારબાદ એક સમય બાદ લોકોએ મારું કામ અને રચનાત્મકતાને જોવાનું શરૂ કર્યું.”
તેમની ફોટોગ્રાફિક મેમરીના કારણે તેમને ‘એનસાઈક્લોપીડિયા ઑફ એનિમેશન’ નું ઉપનામ મળ્યું. પ્રોડક્શન દરમિયાન તે એપિસોડને ફ્રેમ ટુ ફ્રેમ યાદ રાખતી હતી અને એ પણ ફટાફટ યાદ કરી લેતી હતી કે, જૂના એપિસોડની ફ્રેમ કે શૉટને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ.
તે જણાવે છે કે, તેમને ઘણા પુરસ્કાર મળ્યા છે, તો એમી હંમેશાં તેમના માટે ખાસ રહેશે, કારણકે તેને જીતનાર તે પહેલી ભારતીય લેખિકા છે.

તેમણે વધુમાં જણાવ્યું, “પુરસ્કાર વિજેતા લેખિકા બનવું નિશ્ચિત રૂપે ગર્વની બાબત છે. ત્યારબાદ લોકોએ અચાનક જ મને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ઓળખવાનું શરૂ કર્યું. જેનાથી મારા કરિયરની આખી દિશા બદલાઈ ગઈ. મારે હવે એ ચિંતા કરવાની જરૂર નહોંતી કે, કોઈ સ્ટૂડિયો મને લેશે કે નહીં, પરંતુ હવે હું નક્કી કરું છું કે, મારે કયા સ્ટૂડિયો સાથે કામ કરવું છે.”
તેઓ કહે છે, “જ્યારે વિવિધ અખબારોમાં મારા વિશે છપાયું ત્યારે ઘણી મહિલાઓએ મારો સંપર્ક કર્યો અને કહ્યું કે, તેઓ મને જોઈ પોતાનું કરિયર બનાવવા પ્રેરાઈ છે. મારા હિસાબે મહિલાઓનું કરિયર અને પરિવાર, બંને સાથે થઈ શકે છે. હું એક લેખક છું, પરંતુ એક મા પણ છું. જો આપણે બધી મહિલાઓ માટે અવસર બનાવીશું તો તેઓ ચોક્કસથી આગળ વધશે.”
સોનમ કહે છે કે, લગ્ન બાદ તેણે પોતાની સાથે કામ કરતા લોકોને જણાવ્યું કે, હવે તેના પર પરિવારની જવાબદારીઓ પણ છે. વધુમાં તે જણાવે છે, “મને ક્યારેય પરિવાર અને કામ વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં નથી આવ્યું. આ બાબતે હું હંમેશાંથી બહુ સ્પષ્ટ હતી. ઘણા લોકોને એમ લાગે છે કે, તે પારિવારિક જવાબદારીઓની વાત કરશે તો, એમ લાગશે કે તે નિર્બળ છે. પરંતુ વાસ્તવમાં આ તેમની ભૂલ નથી, કારણકે પુરૂષોએ મહિલાઓ માટે દુનિયા બહુ મુશ્કેલ બનાવી દીધી છે અને તેને બદલવાની જરૂર છે.”
તેમના કરિયરની શરૂઆત જરા પણ સરળ નહોંતી. પહેલો પડકાર હતો કે, લોકોને સમજવું અને તેઓ તે કરી છે, એટલે કે જ તે લખી શકે છે. તે કહે છે, “પ્રોડ્યૂસરથી લઈને માર્કેટિંગ સાથે સંકળાયેલ લોકો અને ડિરેક્ટર સુધી દરેક પોતાને લેખક માને છે. એટલે સૌને સમજાવવા સરળ કામ નથી. “
વધુમાં સોનમ જણાવે છે, “મારા પતિ પોતાને ઈન્વેસ્ટમેન્ટ બેન્કર કે ભાઈ પોતાને આર્કિટેક્ટ કહે છે તો કોઈ તેમને એમ નથી કહેતું કે, તેઓ શોખ માટે કામ કરે છે. લેખકો માટે પણ આવું જ છે. નિર્દેશક, નિર્માતા અને કલાકારોથી ભરેલ ઓરડામાં બેસીને, દરેક વ્યક્તિને એ સમજાવવું મુશ્કેલ હતુ કે, તેઓ બધા આ શો નથી લખવાના, શો તો મારે લખવાનો છે.”
સોનમ સામે બીજો પણ એક પડકાર હતો કે રસપ્રદ અને આકર્ષિત કરતી કહાનીનો સંભળાવવી. આ વિશે તે કહે છે, “પોતાની વાર્તાઓ ટીવી પર સારી રીતે બતાવવા સક્ષમ થવા માટે ઘણો અનુભવ જોઈએ. તમારે તમારા વાર્તા સંભળાવવાના કૌશક્ય પર વિશ્વાસ કરવો પડશે. તમારે 50 લોકો સામે ઊભા રહેવા અને તેમને વાર્તા સંભળાવવા સક્ષમ બનવું પડશે, જેનાથી તેમને હસાવી શકો, રડાવી શકો અને તેમની ભાવનાઓને અનુભવી શકો, જેને તમે ચિત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો.”
સોનમે કહ્યું કે, તેણે રચનાત્મક ઉદ્યોગમાં કામ કરી ઘણું મેળવ્યું છે. તે કહે છે, “ઉદ્યોગના લોકોએ મને વાર્તા કહેવાના સિદ્ધાંત શીખવાડ્યા. ચરિત્રની આંટીઘુટીઓ સમજવી અને તેની વ્યવસ્થા કરવી, આ બધું હું કામ કરતાં-કરતાં શીખી.”
કેટલીક યાદગાર પળો
સોનમને પ્રશંસાના ઘણા ઈમેલ આવે છે. પરંતુ એક ઈમેલ તેના માટે સૌથી ખાસ છે, જેને એક ન્યૂઝ ચેનલ ચલાવતા સુશાંત એસ મોહને લખ્યો હતો. આ ઈમેલ કઈંક આ રીતે હતો, “હાઇ સોનમ, મેં છોટાભીમનો બાયોસ્કોપ એપિસોડ જોયો. કદાચ તમે જ તેની લેખિકા છો. હું આભાર માનવા ઈચ્છું છું, કારણકે આ એપિસોડે મને મારું બાળપણ યાદ કરાવી દીધું. હું મારા ગામમાં રાજા-રાણીઓની વાર્તાઓ જોવા માટે 10 પૈસા લઈને બાયોસ્કોપ જોવા જતો હતો.”
આ ઈમેલ બાબતે સોનમ કહે છે, “આ સંદેશ એક વયસ્કનો હતો, જેમણે થોડા સમય માટે પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી એક કાર્ટૂન શોનો એક એપિસોડ જોયો. તેમણે આ જોવા માટે સમય કાઢ્યો અને મને આ સંદેશ મોકલ્યો. આ મને મળેલ સૌથી ખાસ મેસેજ છે.”
આગળની યોજના
અત્યારે સોનમ ઘણી યોજનાઓ પર કામ કરી રહી છે. તે કેટલાક શો ભારતીય પૌરાણિક કથાઓ સંબંધિત પણ કરી રહી છે. આ વિશે તે કહે છે, “ભારતીય એનિમેશન ઉધ્યોગ સ્થાનિક દર્શકો માટે શો બનાવે છે અને અમને આંતરાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ પર થોડી લોકપ્રિયતા મળી છે ત્યારે હું એવું કઈંક બનાવવા ઇચ્છું છું, જેને ઘણી પેઢીઓ યાદ રાખી શકે.”
આ પણ વાંચો: 1971: જ્યારે ભુજની 300 મહિલાઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કરી હતી વાયુસેનાની મદદ!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.