‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ આપણા સમાજમાં એવી માન્યતા છે કે, લગ્ન બાદ સ્ત્રીઓનું જીવન ચાર દિવાલની વચ્ચે જ રહી જાય છે પણ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રહેતા હિરબેન રાવલ એક પરફેક્ટ વુમન તરીકે નિખરી આવ્યા છે. કારણ કે, તેઓ વર્ષોથી ઘર અને બાળકો સંભાળવાની સાથે-સાથે પોતાની પ્રોફેશનલ લાઈફને પણ ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી રહ્યા છે અને સફળતા પણ મેળવી છે. તેઓ અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં પણ નેચર સાથે જોડાયેલ રહે તે માટે પોતાના ઘરની છત પર નાનું ગાર્ડન બનાવી દીધું છે અને દરરોજ તેની સાર-સંભાળ પણ રાખી રહ્યા છે. જોકે, આ કામમા તેમના પતિ પણ તેમને ઘણી બધી મદદ કરે છે.

હિરબેન જણાવે છે કે, તેમને નાનપણથી જ પ્રકૃતિ સાથે રહેવુ ખૂબ જ ગમતુ હતુ. જેથી તેઓ હંમેશા ફળ-ફુલ વિશે વિવિધ માહિતી એકઠી કરતા રહેતા હતા. લગ્ન બાદ પણ તેમનું નેચર સાથેનું અટેચમેન્ટ જોડાઈ રહ્યુ અને તેમણે પોતાના ઘરના ધાબા પર જ કિચન ગાર્ડનિંગ કરવાનો વિચાર આવ્યો બાદમાં તેમણે ધીરે-ધીરે શાકભાજી, ફૂલ, તુલસી, બારમાસી, નાગરવેલ જેવા વગેરે પ્લાન્ટ લાવી તેને ઉછેરવાની શરૂઆત કરી દીધી. આજે તેમની પાસે લગભગ 100થી વધારે પ્લાન્ટ છે. જે તેમના ઘરને એક અલગ જ લુક આપે છે.
હિરબેન અને પ્રણવભાઈ પોતાના વ્યસ્ત સમયમાંથી દરરોજ ગાર્ડન માટે 2 થી 3 કલાકનો સમય કાઢી ધ્યાન રાખે છે. તેઓ દરેક પ્લાન્ટ્સને દરરોજ ચેક કરે છે. જો છોડમાં કંઈ ખામી જણાય તો તરત જ ઉપાય કરે છે અને કાપણી પણ જાતે જ કરે છે. સવાર સાંજ છોડને પાણી પીવડાવે છે.

વિજળી બિલ આવે છે ઝીરો
પર્યાવરણ બચાવ માટે સતત પ્રયત્નશીલ રહેતાં હિરબેને તેમની જરૂરિયાત અનુસાર ઘરના ધાબામાં સોલર પેનલ લગાવી છે. આ સોલર પેનલ તેમણે ધાબામાં એવી રીતે લગાવી છે કે, ધાબામાં બધા જ છોડ-વેલને પૂરતો છાંયડો પણ મળી રહે અને ઉનાળામાં વધારે પડતા તડકામાં છોડ બળી ન જાય.
તો બીજા ફાયદાની વાત કરીએ તો ઘરમાં એસી, ફ્રિજ, ટીવી સહિતની બધી જ સુવિધાઓ હોવા છતાં તેમને લાઈટબિલ ભરવાની પણ જરૂર નથી પડતી.
હિરબેને પોતાના ઘરની છત પર વિવિધ કુંડા, પ્લાસ્ટીકના બકેટ, માટલા અને વેસ્ટ પ્લાસ્ટીકનો પણ સારો ઉપયોગ કરી તેમાં પોતાના છોડને ઉછે્યા છે. તેઓ પોતાના બાળકોની જેમ જ આ છોડનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે. જોકે, આ કામમાં તેમના હસબન્ડ પ્રણવભાઈ પણ તેમની ખૂબ જ મદદ કરે છે. તેઓ પોતાના છોડ માટે વિવિધ પ્રકારની માટી અને દેશી ખાતરનો પણ ઉપયોગ કરે છે. ઘરમાં ગાર્ડન હોવાથી મોટાભાગના શાકભાજી લેવા પડતા નથી જેથી બજારના દવાવાળા શાકભાજીની ખૂબ જ ઓછી જરૂરિયાત પડે છે અને હેલ્થ પણ સારી રહે છે.

અમદાવાદમાં હિરબેનની પાસે પોતાની 2 ઈગ્લિંશ મિડિયમ સ્કુલ છે અને ટુરીઝમનો બિઝનેસ સંભાળી રહ્યા છે. આટલા વ્યસ્ત હોવા છતા હિરબેન સમય કાઢીને કિચન ગાર્ડનિંગ પણ કરે છે. તેમણે પોતાના ઘરની છત પર એક સરસ ગાર્ડન બનાવ્યુ છે અને તેમની સારી રીતે સંભાળ પણ રાખી રહ્યા છે. સાથે જ ઘરમાં પણ તેમણે પોતાની ક્રિએટીવીટીથી અવનવી ડિઝાઈન પણ બનાવી ઘરને એક અલગ જ લુક આપ્યો છે. હિરબેનના ગાર્ડનમાં લગભગ 200ની આસપાસ વિવિધ છોડ ઉગાડવામાં આવ્યા છે. જેમાં શાકભાજી, ફુલ વગેરેનો સમાવેશ થાય છે.

દરેક ઋતુનાં શાકભાજી હિરબેન તેમના ટેરેસ ગાર્ડનમાં વાવે છે. ઋતુ પૂરી થતાં જ તેઓ આગળની સિઝનનાં શાકભાજીના છોડ કાઢી આગામી સિઝનનાં શાકભાજી વાવવાની તૈયારી શરૂ કરી દે છે. કુંડામાં માટીની સાથે દેશી ખાતર અને કોકોપીટનું પોટિંગ મિક્સ બનાવી ભરે છે. જેથી ધાબામાં આ કુંડાંનું વજન પણ ન વધે અને છોડનો વિકાસ પણ સારો થાય છે. એક વાર વાવ્યા બાદ, દર 15-20 દિવસે તેઓ અંદર દેશી ખાતર ઉમેરતા રહે છે. જેથી આખા વર્ષ દરમિયાન તેઓ તેમની નજર સામે ઉગેલ ઑર્ગેનિક શાકભાજી ખાઈ શકે છે.

સામાન્ય રીતે જે નકામા ડબ્બા, ગાડી-સ્કૂટરનાં ટાયર વગેરે આપણે ફેંકી દેતા હોઈએ છીએ, તે બધાનો પણ તેમના ગાર્ડનિંગ માટે બહુ સરસ ઉપયોગ કર્યો છે હિનબેને. બીઝી શિડ્યૂલમાંથી પણ ટાઈમ કાઢી તેઓ આ બધી નકામી વસ્તુઓ પર કલર કરી તેને સુંદર રીતે સજાવે છે અને પછી તેમાં વિવિધ છોડ વાવે છે. એટલું જ નહીં, તેમણે ધાબાની દિવાલોને પણ એટલી સુંદર રીતે સજાવી છે કે, સાંજની એક ચા પણ જો અહીં બેસીને માણીએ તો આખા દિવસનો થાક ઉતરી જાય.

હિરબેન એક ન્યુઝ એન્કર પર રહી ચૂક્યા છે અને હજુ પણ મીડિયા સાથે ફ્રિલાન્સર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે મીડિયામાં પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2000 માં દૂરદર્શન ચેનલ અને રોજગાર સમાચાર સાથે કરી હતી. સાથે જ પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી, ચાઈલ્ડ સાઈકોલોજી અને ન્યૂરો લેગ્વેન્સ્ટિક પ્રોગ્રામીંગનો કોર્સ કર્યો પણ કર્યો છે. તેઓ છેલ્લા 9 વર્ષથી સ્કુલ ચલાવે છે.

આટલા વ્યસ્ત શિડ્યૂલ બાદ પણ જો હિરબેન આટલો સરસ ગાર્ડન બનાવી શકતા હોય તો, એટલું તો માનવું જ રહ્યું કે, જેને ખરેખર કરવાની ઇચ્છા છે, તે ગમેત્યાંથી સમય કાઢી જ લે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સોલર ફ્રિઝથી વીજળીનું બિલ થયુ ઓછુ, મહિને15 હજાર વધી કમાણી, 80 ટકા સુધી મળે છે સબસિડી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.