જો તમે સમાજ માટે કોઈ ઉમદા કાર્ય કરવા માંગતા હો, તો પછી તમારે કોઈ સામાજિક સંગઠન શરૂ કરવું જરૂરી નથી. તમે તમારા સ્તરે પણ નાના પગલા લઈને લોકોનું ભલું કરી શકો છો. જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જઇને પોતાને ખવડાવી શકતા નથી, તો આવા લોકોને ટેકો આપો, જે આવા કામ કરી રહ્યા છે. તેવી જ રીતે, જો તમે ગરીબ બાળકોના શિક્ષણ માટે કંઈક કરવા માંગતા હો, તો તમે બાળકના શિક્ષણની જવાબદારી લઈ શકો છો અથવા સરકાર અથવા ટ્રસ્ટ સંચાલિત શાળાને મદદ કરી શકો છો. આવી જ એક કહાની છે આંધ્રપ્રદેશના બસ કંડકટર થોટા શ્રીધરની.
આંધ્રપ્રદેશના કાદિરીમાં આરટીસી બસ ડેપોમાં કંડક્ટર તરીકે નિયુક્ત થોટા શ્રીધર દર વર્ષે ગરીબ ઘરના બાળકોના શિક્ષણ માટે આવકનો કેટલોક ભાગ આપે છે. તેમણે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “હું મૂળ ચિત્તૂર જિલ્લાના મૂળકાલેચેરુવુનો રહેવાસી છું. મેં મારું બાળપણ ત્યાં જ વિતાવ્યું અને તે જ સરકારી શાળામાંથી દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. મારા પિતા ખેતીવાડી કરી પરિવારનું પાલન પોષણ કરતા હતા. તેથી મે મારા જીવનમાં પણ ઘણી આર્થિક તંગી સહન કરી છે.
તેમના દસમા ધોરણ પછી, તે અનંતપુરના તનાકલ્લુ રહેવા આવી ગયા અને અહીંથી આગળ અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી, 1991માં, તેમને ‘આંધ્ર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ’ (એપીએસઆરટીસી) માં બસ કંડક્ટરની નોકરી મળી. આ નોકરીથી, તેમના ઘરની આર્થિક સ્થિતિ ઘણી હદ સુધી સુધરી ગઈ અને તે પોતાના પરિવાર સાથે કાદિરીમાં રહેવા લાગ્યા. જો કે, તેઓ ક્યારેય તેમના જન્મ સ્થળને અને ત્યાંના લોકો ભૂલ્યા નથી. તે કહે છે, “હું મારા સમાજના લોકોને બને તેટલી મદદ કરું છું. જ્યાં હું મોટો થયો છું અને જેની સાથે હું આગળ વધ્યો છું તે કેવી રીતે પાછળ છોડી શકાય.”

મુલાકલચેરુવુની ‘જિલ્લા પરિષદ હાઇસ્કૂલ’માં દર વર્ષે પ્રજાસત્તાક દિવસે વિદ્યાર્થીઓને મદદ કરવા 20 થી 25 હજાર રૂપિયા આપે છે. આ ભંડોળ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા શાળાના હોશિયાર વિદ્યાર્થીઓના પુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ અને પગરખાં વગેરે ખરીદવામાં મદદ કરે છે. 2015 થી તે દર વર્ષે ફાળો આપી રહ્યા છે. તેમના યોગદાનથી અત્યાર સુધીમાં 100 થી વધુ વિદ્યાર્થીઓને મદદ મળી છે.
હાઇસ્કૂલમાં ભણાવતા એક શિક્ષક પ્રભાકર રેડ્ડી કહે છે, “મેં આ સ્કૂલમાં 2017 થી ભણાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેના બે વર્ષ પહેલાથી જ શ્રીધરજી વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યા છે. તે પોતે પણ આ શાળાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને 2014 માં તેમની માતાના અવસાન પછી, તેમણે આ પહેલ તેમના નામે શરૂ કરી હતી. તેમની પહેલ માત્ર પ્રશંસનીય જ નહીં પણ પ્રેરણાદાયક પણ છે. દર વર્ષે 26 જાન્યુઆરીએ તે શાળાએ આવે છે અને બાળકોને ઇનામની રકમ આપે છે. આ વર્ષે પણ તેમણે દસમા ધોરણના વિદ્યાર્થીઓને મદદ કરી છે. “
શાળાના અન્ય શિક્ષક, રઘુનાથ જણાવે છે, “અમારી શાળામાં લગભગ 700 વિદ્યાર્થીઓ છે અને મોટે ભાગે આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવે છે. તેમના માતાપિતા કાં તો ખેતીવાડી કરે છે અથવા બીજાના ખેતરમાં કામ કરે છે. ઘણા એવા વિદ્યાર્થીઓ પણ છે જે અનાથ છે. આ વિદ્યાર્થીઓ માટે થોડી મદદ પણ બહુ મહત્વની બની રહે છે. “
તેઓ વધુમાં કહે છે કે શ્રીધર દર વર્ષે 26 જાન્યુઆરીએ અહીં આવે છે અને બાળકોને પ્રોત્સાહિત કરે છે. તેમજ દસમા ધોરણના બાળકોને પુસ્તકોનું વિતરણ કરે છે. આનાથી બાળકોના આત્મ વિશ્વાસમાં વધારો થાય છે. શ્રીધર જેવા લોકોની મદદથી, ઘણા બાળકો તેમનો અભ્યાસ ચાલુ રાખવામાં સક્ષમ રહે છે.

શિક્ષક પાસેથી સારું કામ કરવાની પ્રેરણા
તેમને આ પહેલ શરૂ કરવાની પ્રેરણા તેમની શાળાના એક શિક્ષકથી મળી હતી. તે કહે છે, “જ્યારે હું શાળામાં હતો ત્યારે એક શિક્ષક ઘણીવાર અખબારમાં છપાયેલ ગુના સંબંધિત સમાચારો બતાવીને કહેતા હતા કે, જો આપણે સારી રીતે નહીં ભણીએ અને ખોટી આદતોમાં સપડાઈ જઈશું તો એક દિવસ આપણું નામ પણ આ જ ગુનેગારોની જેમ અખબારમાં છપાશે. તેમની આ વાતો મારા મનમાં બેસી ગઈ અને મેં શાળામાં જ નક્કી કરી દીધું કે, જો મારું નામ ક્યારેય પણ અખબારમાં છપાશે તો, કોઈ સારા કામ માટે જ. શાળાના દિવસોમાં જ મારા મનમાં સેવાનાં કાર્યો અને સમાજ કલ્યાણની ભાવના વધવા લાગી હતી.”
પરંતુ તેમને આ વિચારસરણી પર ઘણા વર્ષો પછી કામ કરવાની તક મળી. તેઓ કહે છે કે અગાઉ પણ તે લોકોની મદદ કરતા હતા પરંતુ 2014 માં, જ્યારે તેની માતાનું અવસાન થયું, ત્યારે તેમણે તેમની યાદમાં પહેલ શરૂ કરવાનું વિચાર્યું. તેમણે શાળામાં આર્થિક ફાળો આપવાનું શરૂ કર્યું, જેનું નામ તેમની માતા ‘લક્ષ્મીદેવમ્મા’ રાખ્યું. તેમનું કહેવું છે કે તેઓ આ કામ તેમના અંતિમ શ્વાસ સુધી ચાલુ રાખશે. તેમના આ કામમાં તેમનો પુરો પરિવાર તેમનો સાથ આપે છે.
તે કહે છે, “દર મહિને 1500-2000 રૂપિયા બચાવવા એ મોટી વાત નથી. આ માટે, આપણે આપણા અન્ય કોઈપણ ખર્ચને ઘટાડી શકીએ છીએ. આપડે અન્ય લોકોને મદદ કરીશું, તો તેઓ આગળ કોઈ બીજાને મદદ કરી શકશે. આ ક્રમ ક્યારેય અટકવો જોઈએ નહીં અને માત્ર ત્યારે જ આપણે ખરેખર આગળ વધી શકીશું.”
અમને આશા છે કે બાકીનો સમાજ પણ આ ઉમદા હેતુથી પ્રેરણા લેશે. શ્રીધરની ઉદારતાને ધ બેટર ઇન્ડિયાની સલામ
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 400 સેક્સ વર્કર્સ માટે મસીહા બન્યા 70 વર્ષના અરૂપ દા, કોઈ ભૂખ્યુ ન સૂવે તેનું રાખે છે ધ્યાન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.