‘સેવા પરમો ધર્મ’ આ વાક્યને સાર્થક કરી રહ્યા છે મૂળ હળદર ગામના 32 વર્ષીય વિપુલ વિરમભાઈ જમોડે. વિપુલભાઈએ MSE નો અભ્યાસ કર્યો છે અને સ્કુલ, કોલેજ, કંપની અને સોસાયટીમાં એક મોટીવેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામર છેલ્લા. તેઓ 25 વર્ષથી બોટાદમાં જ વસવાટ કરી રહ્યા અને માનવસેવાનું એક અનોખુ કાર્ય કરી રહ્યા છે જે આપણા સમાજ માટે એક ઉદાહરણ છે. બોટાદમાં તેઓ પ્રયાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્ર્સ્ટ નામની માનવસેવા સંસ્થા ચલાવે છે. વિપુલભાઈએ વર્ષ 2013-2014થી ઝુંપડપટ્ટીમાં જઈને બાળકોને શિક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે જે આજે પણ અવિરત ચાલુ છે. શરુઆતમાં તેમણે સતત 3 વર્ષ સુધી દરરોજ ઝુંપટપટ્ટીમાં જઈ ગરીબ બાળકોને ભણાવતા હતા. જોકે, હવે તેઓ પોતાના પૈસા ખર્ચી શિક્ષકોને અભ્યાસ કરાવવા મોકલી રહ્યા છે અને બાળકોને ઘરે ટ્રેનિંગ આપી રહ્યા છે. હાલમાં 110થી વધારે છોકરાઓ વિપુલભાઈની નીચે શિક્ષણ મેળવી રહ્યા છે.
સાથે જ છેલ્લા 2 વર્ષથી તેઓ શિક્ષણના સ્તરને ઉચ્ચુ લાવવા માટે કાઉન્સલિંગ પણ કરી રહ્યા છે. બોટાદની તુલખા રોડ પર આવેલી ઝુંપડપટ્ટીના બાળકોને મફતમાં શિક્ષણ આપી તેમના ભવિષ્યને સવાંરી રહ્યા છે. વિપુલભાઈએ છેલ્લા બે વર્ષથી કાઉન્સીલીંગ પણ શરૂ કર્યું છે અને સાથે 300 થી વધારે ગામડાઓમાં જનજાગૃતિના નાટકો પણ કરી રહ્યા છે. ગુજરાત,રાજસ્થાન, મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં ગ્રામપંચાયત કેમ ચલાવવી તે માટે 150થી વધારે ગામના સરપંચોને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. હવે તેમણે ગામડાઓ તરફ પણ પ્રયાણ કર્યુ છે, જેમાં અલગ-અલગ કેળવી કેન્દ્ર પણ ઊભા કર્યા છે.

આ પણ વાંચો: કચ્છના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ માટે મોબાઈલ શાળા અને હોસ્પિટલ શરૂ કરાવડાવી આ મહિલાએ
પ્રેરણા કેવી રીતે મળી?
વિપુલભાઈએ રાજકોટની વિશ્વ નિડમ માતૃસંસ્થામાંથી MSW નો અભ્યાસ કર્યો છે. તેઓ જણાવે છે કે, તે સમયે મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સંસ્થા તરફથી તેમણે ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને સંસ્થાએ તેમને રહેવાની વ્યવસ્થા કરી આપી અને એક સાયકલ પણ આપી હતી. બસ ત્યારથી જ વિપુલભાઈની સેવાકીય સફરની શરૂઆત થઈ છે અને અવિરત ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વનિડમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે છેલ્લા 14 વર્ષથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોના બાળકો માટે સંસ્કાર સાથે શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનિય કે, વર્ષ 2009-10માં તેઓ સંસ્થા વતી બાળકોને ભણાવવા જતા હતા. ત્યારબાદ વર્ષ 2013માં બોટાદમાં આ સેવાકિય પ્રવૃતિનું શરૂઆત કરી હતી. ત્યારે પણ વિશ્વ નિડમ સંસ્થાએ 1 વર્ષસુ ધી સપોર્ટ કર્યો હતો. બાદમાં મારી પાસે પૈસા ન હોવાથી હું બોટાદની ઝુંપડપટ્ટીમાં બાળકોને શિક્ષણ આપવા માટે જતો હતા. વિપુલભાઈ સતત વર્ષ 2014 થી 2017 સુધી ઝુપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપ્યુ છે. જોકે, હજુ પણ આ સેવાકિય પ્રવૃતિ ચાલુ છે પણ હવે વિપુલભાઈ દરરોજ જઈ શકતા ન હોવાથી તેઓ શિક્ષકોને પગાર આપી ઝુંપડપટ્ટીમાં બાળકોને ભણાવવા માટે મોકલે છે. પહેલા એક શિક્ષકને 3 હજાર રૂપિયા આપતા હતા અને તેમને દરરોજ 2 કલાક ભણાવવા જવાનું હતુ, પણ કોરોનાકાળ બાદ શિક્ષકને લેક્ચર પ્રમાણે પૈસા આપવામાં આવે છે. જેમાં એક લેક્ચરના 100 રૂપિયા અને 50 રૂપિયા પેટ્રોલના પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો: ભોજન માટે વલખાં મારતાં આદિવાસીઓને જોઈ આ દાદાએ શરૂ કર્યું ફ્રી ‘આહાર’ કેન્દ્ર
ફાયદો શું થયો?
વિપુલભાઈના આ શૈક્ષણિક કાર્યથી ઝુંપડપટ્ટીના ઘણા બાળકોનું ભવિષ્ય સુધર્યુ છે અને આજે ઘણાબધા છોકરા-છોકરીઓ 10, 12 અને કોલેજ સુધીનો અભ્યાસ પણ કરી રહ્યા છે અને સારા પગારમાં નોકરી પણ કરી રહ્યા છે. તેમણે ઝુંપટપટ્ટીમાં કચરો વીણતા, મજૂરી કરતા, ભીખ માગતા બાળકોને ભણાવી-ગણાવી આજે એક સારા માણસ બનાવ્યા છે અને કામ ધંધે લગાડ્યા છે. તેઓ જણાવે છે કે, આજે આ બાળકો જુગાર રમતા, દારુ પીતા પણ બંધ થઈ ગયા છે. જેનાથી તેમને સંતોષ મળ્યો છે કે, તેમની મહેનતનું આટલુ સરસ પરિણામ મળી રહ્યુ છે. ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો આજે તેમનો પરિવાર બની ગયો છે.
કેવી રીતે ચાલે છે શિક્ષણ સિસ્ટમ
ઝુંપડપટ્ટીમાં પણ વિદ્યાર્થીઓના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં ડ્રોપ આઉટ હોય અને મોટા થઈ ગયા છે તેવા બાળકોને પરીક્ષાલક્ષી શિક્ષણ આપવાનું હોય છે. બીજા વિભાગમાં 70 જેટલા બાળકોને શાળાઓ મોકલતા કર્યા છે અને ત્રીજા વિભાગમાં નાના બાળકો હોય છે તેમને એ પ્રમાણનું શિક્ષણ આપવાનું હોય છે. વિપુલભાઈ જણાવે છે કે, ઝુંપડપટ્ટીમાં શિક્ષણ મેળવતા બાળકોની સંખ્યામાં વધારો-ઘટાડો થતો રહે છે. કારણ કે, ત્યાં વસવાટ કરતા લોકો રોજગારી માટે સ્થળાંતરિત થતા રહે છે જેના કારણે બાળકો પણ તેમના પરિવાર સાથે ચાલ્યા જાય છે.
વિપુલ જણાવે છે કે, તેમને હવે તો સરકારની ગ્રાન્ટ, કોઈનું સીએસઆર ફંડ પણ મળશે કારણ કે, તેમને 12A(કરમુક્તિ સર્ટીફિકેટ) મળી ગયુ છે. આ સર્ટિફિકેટના કારણે ટેક્સ લાગતો નથી. જેથી કોઈપણ વ્યક્તિને દાન કરવું હોય તો તે આ માનવસેવા સંસ્થામાં દાન કરી શકે છે. વિપુલભાઈ પ્રયાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્ર્સ્ટ સંસ્થામાં ત્રણ લોકો ફિલ્ડમાં અને એક ઓફિસમાં એમ 4 લોકો કામ કરે છે. જો બોટાદમાં કોઈપણ વ્યક્તિ આવે તો તેમની ગાડી ફ્રીમાં જાય છે. હોસ્પિટલમાં ટિફિન પણ ફ્રીમાં પહોંચાડવામાં આવે છે. તે સિવાય જનજાગૃતિના કામમાં શિક્ષણની કિટ પણ વિતરણ કરવામાં આવે છે. ગામડાના બાળકોનું કાઉન્સલિંગ પણ કરવામાં આવે છે અને ઝુપડપટ્ટીમાં દર વર્ષે એક મેડિકલ કેમ્પ પણ કરવામાં આવે છે. તે સિવાય ઘણાબધા જનજાગૃતિના નાટકો પણ કરવામાં આવે છે. જનજાગૃતિના નાટકોની વાત કરીએ તો અત્યાર સુધી 47 જેટલા ગામમાં નાટકો પૂર્ણ કર્યા છે. દર વર્ષે 16 ગામ લેવામાં આવે છે જેમાં આરોગ્ય, ખેડૂત બચાવો, બાળ મજૂરી અટકાવવી, બેટી બચાવો બેટી પઢાઓ વગેરે વિષયો પર કામ કરવામાં આવે છે અને લોકોને જાગૃતિ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Best Of 2021: 5 ગુજરાતીઓ, જેઓ આજના સમયમાં પણ મહેકાવે છે માનવતાની મહેક
પરિવારનો કેવો સપોર્ટ રહ્યો?
પહેલા જ્યારે આ કામની શરૂઆત કરી ત્યારે પરિવાર, મિત્રો અને સમાજે ખૂબ જ વિરોધ નોંધાવ્યો હતો કારણ કે, વિપુલભાઈએ વર્ષ 2011 થી 2014 સુધી ધોળકા તાલુકા પંચાયતમાં સરકારી નોકરી કરતા હતા અને મહિલા સશક્તિકરણ માટે 70 ગામડા સંભાળતા હતા. આ બધુ છોડીને તેમને માનવસેવાનું કામ ચાલુ કર્યુ હતું. જેથી પરિવારે વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં સાઈડમાં શાળાઓમાં કેળવણીના ટ્રેનિંગ કરતા હતા. બધાનો વિરોધ હોવા છતા વિપુલભાઈએ આ કામ સતત ચાલુ રાખ્યું કારણ કે, તેમને દિલમાંથી અવાજ આવતો હતો કે, સમાજ માટે કંઈક કરવું જોઈએ. જેના કારણે આજે તેમને આટલી સફળતા મળી છે. જોકે, આજે તો પરિવારને પણ તેમના આ કામથી ગર્વ થાય છે અને સપોર્ટ પણ કરે છે.
ઘણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું સન્માન
વિપુલભાઈને જાયન્ટ્સ ગૃપ, એમ.જે. ટ્યુશન ક્લાસીસ તરફથી સમ્માનિત કરવામાં આવ્યા છેય બોટાદમાં વિસરતિ જાતિના પ્રમુખ તરીકેનું સમ્માન પણ મળેલુ છે. બોટાદ કોલેજ તરફથી ‘હિરો ઓફ બોટાદ’ તરીકે સમ્માન કરવામાં આવ્યુ છે. આ બધા માટે સર્ટિફિકેટ અને શિલ્ડ પણ મળ્યા છે.
હવે આગળ શું વિચાર છે?
વિપુલભાઈ જણાવે છે કે, હવે તેમને નાટકો અને ગ્રામસભાઓ દ્વારા ગામડે-ગામડે જનજાગૃતિ લાવવી છે. ગામડામાં પણ કેળવણીસભર શિક્ષણની જરૂરિયાત છે. કારણ કે, હવે ગામડાઓ પણ અપગ્રેડ થતા જાય છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ બાદ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો ગેપ વધતો જાય છે. શિક્ષણમાં મોટીવેશન મળે કારણ કે, આધુનિક જીવનમાં લોકો માનસિક રીતે ખાલી થવા લાગ્યા છે. જો લોકો યોગ અને સાધના તરફ વળશે મોટીવેશન અંદરથી જ મળશે, તેમને કોઈ ડૉક્ટર કે કેમ્પ કરવાની જરૂર પડશે નહી. જેટલા-જેટલા લોકો જાગૃત થતા જશે તે રીતે માનસિક રીતે સક્ષમ થતા જશે.
21મી સદીમાં મા-બાપ અને બાળકો વચ્ચે જનરેશન ગેપ છે. લોકો પૈસા કમાવવાની દોડમાં એટલા લાગી ગયા છે કે, કોઈની પણ પાસે પોતાના પરિવાર અને બાળકો માટે સમય જ નથી. જેનાથી વિચારોના મતભેદ ખૂબ જ ઊભા થઈ રહ્યા છે. તેના માટે તેમણે એક સિસ્ટમેટીક વર્ક પણ બનાવ્યું છે અને સરકારને પણ મોકલ્યુ છે. જો લોકોમાં બધા વિષયોમાં જાગૃતિ આવશે તો આપોઆપ સમાજ પણ આગળ વધશે. આજના સમયમાં બાળકોમાં જે રીતે મોબાઈલનું દુષણ વધી રહ્યુ છે તેને પણ છોડાવવાનો વિચાર છે.

આ પણ વાંચો: ઊંઝાની આ સંસ્થા અનોખી જ રીતે કરે છે સેવા, આત્મનિર્ભર બની મફત જમાડે છે રોજ 100 લોકોને
નિરંતર અવનવા પ્રયોગો કરવામાં આવે છે…
વિપુલભાઈની સંસ્થા દ્વારા અઠવાડિયામાં એક-બે સહ પ્રવૃત્તિના પ્રોગ્રામ પણ કરવામાં આવે છે. શિક્ષણની સાથે રહીને બાળકોને પોતાની ગમતી પ્રવૃતિમા વિકાસ થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. તે સાથે જ બાળકોને યોગ-સાધના પણ કરાવવામાં આવે છે. જેથી તેમનો માનસિક અને શારિરિક વિકાસ પણ સારી રીતે થઈ શકે અને આજની દોડભાગવાળી જિંદગીમાં તેઓ શાંતિનો અનુભવ પણ કરી શકે છે.
વિપુલભાઈ સોશિયલ મીડિયા પર પણ ખૂબજ એક્ટીવ રહે છે. તેઓ પોતાની આ બધી પ્રવૃતિની પોસ્ટ, વીડિયો અને ફોટો પણ અપલોડ કરતા રહે છે. જો તમે પણ તેમના સેવાના આ કાર્ય વિશે જાણવા માટે ફોટો અને વીડિયો જોવા માગો છો તો ફેસબુક અને યુટ્યુબ પર Vipul Jamode ના આઈડી પર વિઝિટ કરી શકો છો અને વધુ માહિતી પણ મેળવી શકો છો. તે સાથે પ્રયાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્ર્સ્ટ સાથે નબળા વર્ગ માટે સારુ કામ અથવા સમાજમાં જાગૃતિ આવે તે માટે દાન કરવા માગો છો તો 9824898807 નંબર પર સંપર્ક કરી શકો છો અને બોટાદમાં આવેલી સંસ્થાની ઓફિસ પર પણ વિઝિટ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ઘરેથી ભાગ્યા, કચરો વીણ્યો, નશો કર્યો, જેલમાં ગયા! આજે 800+ ગરીબ બાળકોને આપે છે શિક્ષણ અને ભોજન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.