આજે આપણે વાત કરી રહ્યા છીએ બોટાદના એક એક એવા રિટાયર્ડ ગવર્નમેન્ટ ઑફિસરની, જેઓ ઘરમાં ઓછો અને સ્મશાનમાં વધારે સમય પસાર કરે છે. તેમના આ કાર્ય પાછળનું કારણ પણ એટલું જ રસપ્રદ છે. પ્રકૃતિ માટેની નિસ્વાર્થ ભાવનાના કારણે ચંદુભાઈએ એક સમયે જ્યાં લોકો આવતા ડરતા હતા, તેવા સ્મશાનને આજે ફરવાલાયક સ્થળ બનાવી દીધું છે. આ આખા કામમાં તેમના પરિવારનો પણ એટલો જ સહયોગ રહ્યો છે. ઘરમાં ઓછો સમય આપી શકતા હોવા છતાં ક્યારેય કોઈએ ફરિયાદ ન કરી અને તેમને સહયોગ આપ્યો, જેનું સરસ પરિણામ આજે આખુ બોટાદ મેળવી રહ્યું છે.
નોકરી ચાલું હતી ત્યારથી જ ચંદુભાઇએ આ સ્મશાનની સાફ-સફાઈ કરી અંદર અલગ-અલગ વૄક્ષો વાવવાનાં શરૂ કરી દીધાં હતાં. જવાબદારી માત્ર વૄક્ષો વાવવાથી તો પૂરી થતી નથી. તેઓ આ બધાં વૃક્ષો મોટાં થાય ત્યાં સુધી તેની સંભાળ પણ રાખે છે અને નિયમિત પાણી પણ પાય છે.

નિવૃત ફૂડ સેફ્ટી ઓફિસર ચંદુભાઈ ભિકડીયા ( સી.એલ.ભીકડીયા) માનવસેવાનું એક જીવતુ જાગતુ ઉદાહરણ છે. નોકરીની સાથે બોટાદમાં તેમણે વર્ષ 1996માં ચંદુભાઈએ સ્મશાનની અંદર વૃક્ષો વાવવાની શરૂઆત કરી હતી. જેથી આજે સ્મશાનમાં કુલ 1200 વૃક્ષો, છોડ અને વેલાઓ ઉગી આવ્યા છે. રાશીવન, ધન્વંતરિ ઔષધીય ઉપવન અને કારગિલ શહીદ જવાન ઉપવનનું નિર્માણ પણ કર્યુ છે. સાથે જ સ્મશાનની અંદર રહેલા દેવી-દેવતાઓની આરસની પ્રતિમાઓ પણ રાખી છે. સાથે જ તેમણે પોતાની સોસાયટીમાં પણ વૃક્ષો વાવ્યા છે. છેલ્લા 12 વર્ષથી ચંદુભાઈના માર્ગદર્શન હેઠળ દર રવિવારે 5 મણ ઘઉંના લાડવા અને દરરોજ 30 કિલો ઘઉંના રોટલા બનાવી ખેતરમાં વસવાટ કરતા કુતરાઓને ખવડાવે છે.
ચંદુભાઈનું મૂળ વતન ગઢડા તાલુકાનું ઉગામેડી ગામ છે પણ કર્મભૂમિ બોટાદ બનાવી છે. અને તેમને બે દિકરા અને એક દિકરી છે. જેમાMથી એક દિકરો અને એક દિકરી ડૉક્ટર છે અને એક દિકરો ટેક્સટાઈલ સાથે જોડાયેલ છે. ચંદુભાઈએ વર્ષ 1984 થી 2017 દરમિયાન ફૂડ ઈન્સ્પેકટર અને ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે બોટાદ નગરપાલિકા સેવા આપેલ છે. 30/10/17 ના રોજ નિવૃત થયા. બોટાદ નગર કવિવર બોટાદકરની જન્મભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ જી કર્મભૂમિ. આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ ઈન્ટરનેશનલ સંલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ની વર્ષ 1994 સ્થાપના માં ફાઉન્ડર વાઇસ- પ્રેસિડેન્ટ તરીકે જોડાયેલ જે સંસ્થા અનેકવિધ સામાજિક, ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ, રાષ્ટ્રીય જન જાગૃતિ, વ્યસનમુક્તિ, પર્યાવરણ જાગૃતિ, વૃક્ષા રોપણ, જળસંચય, સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ, માનવાસેવકીય, જીવદયા વગેરે પ્રવૃત્તિ કરે છે. જેમાં સક્રિય સેવા સાથે આજ પર્યન્ત વિવિધ સ્થાનિક તથા ફેડરેશન (રાજયકક્ષા) માં વિવિધ હોદા પર સેવા બજાવેલ.

તેમના સતત પ્રયત્નોથી જ મુક્તિધામ સંકુલમાં ધન્વંતરિ ઔષધીય ઉપવનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમાં 100 જેટલા દિવ્ય ઔષધીય વૃક્ષ, છોડ, લતાઓ છે. જેમાં ખેર , પારસ પીપળો, બોરસલી, બહેડો, બીલી, કોઠમડી, રૂખડો, અર્જુન, મહુડો, અશોક, સાલ, કદમ, લક્ષ્મીતરું, કાંચનાર, ગોરસ આંબલી, સેવન, ગૂગળ, ખાખરો, બોટલ બ્રશ, ગરમાળો, ગુંદો, શેતુર, સાદડ, કમર કાકડી, બદામ, રક્તચંદન, નગોડ, ઉંબરો, સિસમ, ચિત્રક, લસણ વેલ, દમવેલ, સમુદ્રશોષ, અમૃતા, દોડી, ભદ્રાક્ષ, આંબળો, અરડૂસી, બાવળ, કરમદા, સરગવો, બીજોરું, મધુકામિની, બારમાસી, પારિજાત, વાંસ, ચમ્પો, કેળ, મધુનાસી, વડ, પીપર, પીપળો, શતાવરી, મધુમાલતી, બોર, દાડમ, સીતાફળી, ગુલમહોર, કાસીદ, શિરીષ વગેરે જેવા વૃક્ષ, છોડ અને વેલ આવેલ છે. સાથે જ નગરપાલિકાના સહકારથી સુંદર રાશિવનનું પણ નિર્માણ કર્યું છે જેમાં 5000 ઈંટની કુંડળી બનાવી રાશિ મુજબના વૃક્ષોનો પણ ઉછેર કરવામાં આવ્યો છે. તેમજ વન વિભાગ બોટાદના સહયોગથી 1 લાખથી પણ વધુ વિનામુલ્યે છોડનું વિતરણ કરવામાં આવેલ છે. ઉલ્લેખનિય છે કે, આ મુક્તિધામમાં બે વખત ભવ્ય રામાયણ અને શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યુ હતુ, જેથી લોકો અહીં આવતા થાય અને તેમની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા થાય.

તેમજ છેલ્લા 12 વર્ષથી દરરોજ શ્વાન માટે 30 કિલો ઘઉંના રોટલા તેમજ દર રવિવારે 100 કિલો લાડવા બનાવીને કુતરાઓને ખવડાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ સેવા કાર્ય માટે પગારદાર રાખ્યા વગર માત્ર સેવાભાવી ભાઈઓ દ્વારા જ કરવામાં આવે છે. મુક્તિધામ સંકુલમાં બે માળના ચબૂતરામાં પંખીઓને નિયમિત ચણ પણ નાખવામાં આવે છે. સાથે જ દર વર્ષે મુક્તિધામમાં મહિલા કોલેજની બહેનો N.S.S.નો વન ડે કેમ્પ તથા પર્યાવરણની શિબિરનું આયોજન પણ કરે છે. મુક્તિધામમાં દરેક દેવી દેવતાઓની આરસની પ્રતિમાઓ, રામદરબાર, અશોક સ્થંભ, સંસાર ચક્ર, ગીતાસાર-વિરાટ કૃષ્ણ અર્જુન ફ્લોટ, ભક્તરાજ ગોરા કુંભાર, વિરાટ ગંગા અવતરણ ફ્લોટ, નિલકંઠ દર્શનનો ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર છે. એક રસપ્રદ વાત એ છે કે, આ મુક્તિધામમાં પ્રવેશતા મેલડી માતાજીનું સુંદર મંદિર આવેલ છે. જે મસાણી મેલડી માતાજી કહેવાય છે.
પ્રેરણા ક્યાંથી મળી?
ચંદુભાઈ જણાવે છે કે, તેઓ વર્ષ 1994- 95ની આસપાસ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય આબુ શિબિરમાં ગયા હતા. જ્યાં તેમણે જોયુ કે, કોઈ પણ જગ્યાએ દાનપેટી ન હતી, કોઈ દાનની તકતી નહિ. અહીંયા સમગ્ર વહીવટ બહેનો દ્વારા ચલાવવામાં આવે છે. તે જોતા ચંદુભાઈને પણ વિચાર આવ્યો કે, બોટાદમાં આવુ કંઈક કરવું જોઈએ. જોકે, તે સમયે સ્મશાનની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી.
વધુમાં ચંદુભાઈ કહે છે કે, મુક્તિધામ નવ નિર્માણ સમયે નોકરી પણ ચાલુ હતી પણ તેઓ નિયમિત સવારે બપોરે સાંજે ત્રણ ટાઈમ પૂરો સમય ફાળવતો. ઘરેથી પણ સારો સપોર્ટ હતો. ઘરે મહેમાન આવે તો પૂછે ક્યાં ગયા, તો જવાબ એક જ હોય કે, સ્મશાન ગયા છે! લોકોએ આ કામમાં ખૂબ જ સહકાર આપ્યો છે. તેથી બોટાદમાં હાજર હોય એટલે દરરોજ બે ટાઈમ મુક્તિધામમાં જવાનું જ આવું વ્યસન થઈ ગયું છે.
સાથે જ ચંદુભાઈના નિવાસસ્થાને આવેલ બગીચામાં 13 ઉભા આસોપાલવ, 4 જમરૂખડી, 3 સીતાફળી, 1 ગુંદો, 2 આંબા , 1 કુસુમ, 1 ચીકુ , 1 અરડૂસી, 1 ડોડી, 1 પારિજાત, 1 અપરાજીતા, 1 એલચો, કુંવાર પાઠું, 1 મીઠો લીમડો, 1 શતાવરી, 1 અજમો, 1 જાસૂદ , 1 બોરડી, 1 દાડમ, 1 ચાઈનીઝ સંતરું, 1 નૉળવેલ, 1 લવિંગ, લેમન ગ્રાસ વગેરે વૃક્ષોનો ઉછેર કરેલ છે. તેમજ સોસાયટીના રસ્તા પર પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે.
ઘણી સેવાભાવી સંસ્થા, ટ્રસ્ટ, સમાજ, જ્ઞાતિઓએ પણ આ કાર્ય માટે સન્માન કરી બિરદાવ્યા છે.

તો પણ ચંદુભાઈનું કહેવુ છે કે, આ સમગ્ર કાર્ય ઈશ્વર જ કરે છે. આપણને તો માત્ર નિમિત બનાવે છે. જે આપણા પર ઈશ્વરની અતિ કૃપા કહેવાય. સમગ્ર શહેરીજનોને અભૂતપૂર્વ સહયોગ આપેલ જેથી આ સેવાનું કાર્ય જીવમાં વણાઈ ગયુ છે. બોટાદ શહેરનું એક માત્ર જોવાલાયક અને ફરવાલાયક સ્થળ મુક્તિધામ સૌના હૃદયમાં સ્થાન પામ્યું છે. જેનો હજુ પણ વધુ વિકાસ થાય તેવી ઈચ્છા છે.
મેલડી માતાની મંદિર આવકમાંથી મેનેજમેન્ટ કાર્ય પૂર્ણ થાય છે. બોટાદમાં ઘર દીઢ 10 રૂપિયા એકઠા કરી 10 લાખ ભેગા કર્યા. ઉલ્લેખનીય છે કે, બોટાદની વસ્તી 1 લાખ. એટલે 10 લાખ રૂપિયા થાય. ત્યારબાદ જ્ઞાતિ દીઠ વાત સમજાવી અને વાત રંગ પણ લાવી. પ્રથમ અમારી સંસ્થાએ સભ્યો પાસેથી 51000 રૂપિયા ઉઘરાવી શ્રી ગણેશ કર્યાં. બાદમાં બેંક, યાર્ડ, મહાજન તથા વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ વાઇઝ રકમ એકત્ર કરેલ. સમગ્ર બોટાદમાંથી નાની મોટી 32 જ્ઞાતિઓ દ્વારા અનુદાન મળેલ. તેમજ તત્કાલીન સાંસદ રતિલાલ વર્માએ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી. તેમજ બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તત્કાલીન ચેરમેન ડી.એમ.પટેલ દ્વારા પણ 11 લાખ રૂપિયા ઉપરાંત રકમ ફાળવવામાં આવ્યું છે. વધુ માં ચંદુભાઈ એ આજ સુધી મુક્તિધામ સંકુલ માં અંદર પાણી ન પીવાની ટેક પણ લીધી છે જેથી ઈશ્વર ની ઉર્જા મળી રહે કૃપા કાયમ રહે ! બોટાદ મુક્તિધામ દ્વારા છેલ્લા 6 વર્ષથી દાતાના સહયોગથી હાથ ,પગ ,કમર, વા તથા સાઈટરીકાના દુખાવાનું આર્યુવેદીક પદ્ધતિથી તેલ બનાવી વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
આજે પ્રકૄતિનું જતન આવા નિસ્વાર્થ પ્રકૄતિપ્રેમીઓ જ કરી રહ્યા છે, એમ કહીશું તો પણ ખોટું નહીં ગણાય.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: મિસાલ છે આ રિટાયર્ડ આર્મી મેન, 7 ગ્રામ પંચાયતમાં વાવી ચૂક્યા છે 20 હજાર છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.