ગુજરાતનો પ્રખ્યાત નાસ્તો ફાફડા આજે દેશના લગભગ દરેક ભાગમાં ખાવામાં આવે છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં લોકો રવિવાર કે કોઈ ખાસ તહેવાર પર ખૂબ જ ઉત્સાહથી ફાફડા અને જલેબી ખાય છે. આ ફાફડા નાગપુરની કલાવંતી દોશી માટે પરિવાર ચલાવવાનું માધ્યમ બની ગયું છે. છેલ્લા 40 વર્ષથી તે લારી પર ફાફડા વેચવાનું કામ કરી રહી છે. 75 વર્ષની ઉંમરે પણ તે જે રીતે ફાફડા બનાવે છે, ઘણા લોકો તેમનો ઉત્સાહ જોવા પણ તેમની પાસે આવે છે.
તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, આજે તે નાગપુરમાં તેમજ દેશભરમાં પ્રખ્યાત બની ગયા છે. આ ઉંમરે પણ તે જે જોશ અને સ્મિત સાથે કામ કરે છે તે ઘણા યુવાનો માટે પ્રેરણા છે અને તેથી જ અમે તેમની સાથે તેના કામ અને જીવન વિશે વાત કરી.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તેઓ કહે છે, “40 વર્ષ પહેલા મારા પતિએ ફાફડા બનાવવાનું શરૂ કર્યું. તેમને એકલા મહેનત કરતા જોઈને મેં તેમને ટેકો આપવાનું શરૂ કર્યું. તેમને જોયા પછી જ મેં ફાફડા બનાવતા શીખ્યા. મારા આખા પરિવારનું ગુજરાન આની પર જ ચાલતુ હતું.”

કલાવંતી અને તેના પતિએ આ વ્યવસાયની મદદથી તેમના પાંચ બાળકોના શિક્ષણ, લગ્ન અને ઘરનો ખર્ચો સંભાળ્યો. આજે તે તેના નાના પુત્ર ભાવેશ સાથે મળીને કામ કરી રહ્યાં છે.
નવા શહેરમાં નવા કામની શરૂઆત
કલાવંતી કહે છે, “ગુજરાતથી અહીં આવ્યા પછી, મારા પતિએ થોડા સમય માટે નમકીનની દુકાનમાં કામ કર્યું. પરંતુ ત્યાંથી મળતા પગારથી ઘરનો ખર્ચ ભાગ્યે જ પૂરો થઈ શકતો હતો. ત્યારે જ અમે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું અને ‘રામમનુજ ફાફડાવાળા’ નામથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો.”
તે સમયે ગુજરાતના આ પ્રખ્યાત ફાફડા માત્ર નાગપુરમાં થોડી જ જગ્યાએ જોવા મળતા હતા. તેથી જ લોકો દૂર-દૂરથી તેમની પાસે આવવા લાગ્યા.
સવારના આઠથી સાંજના આઠ વાગ્યા સુધી બંને સાથે મળીને ફાફડા બનાવતા હતા.
લગભગ 11 વર્ષ પહેલા તેના પતિનું અવસાન થયા પછી, તેમણે બે વર્ષ સુધી એકલા હાથે કામ સંભાળી. જો કે, તેની ત્રણેય પુત્રીઓ પરણેલી હતી અને મોટો પુત્ર બહાર કામ કરતો હતો. આવી સ્થિતિમાં જો તે ઇચ્છે તો તે આ કામ બંધ કરી શકતાં હતાં. પરંતુ તેમણે આ કામ ચાલુ રાખવાનું નક્કી કર્યું.
ફાફડાવાળા દાદીએ કહ્યું, “40 વર્ષથી અમે એક જ જગ્યાએ અમારી લારી લગાવી રહ્યા છીએ અને અમારા ફફડાના સ્વાદને કારણે અમે આટલું નામ કમાયું છે.” કલાવંતી આ સ્વાદને કાયમ જાળવી રાખવા માંગે છે.
દીકરાએ નોકરી છોડી, માતાને સાથ આપ્યો
કલાવંતીના પતિના મૃત્યુ સમયે તેનો મોટો પુત્ર બહાર કામ કરતો હતો અને નાનો પુત્ર નાગપુરમાં કામ કરતો હતો. લગભગ બે વર્ષ સુધી, તેમણે લારી ઉપર એકલા કામ કર્યું. પરંતુ બાદમાં તેમનો નાનો પુત્ર ભાવેશ તેમની સાથે કામ કરવા લાગ્યો.
ભાવેશ કહે છે, “મેં મારા માતા -પિતાને બાળપણથી જ મહેનત કરતા જોયા છે. આજે પણ મારી મમ્મી જે રીતે ફાફડા બનાવે છે, લોકો તેમની કળાનાં કાયલ થઈ ગયા છે.”
તેણે કહ્યું કે ઘણા ફૂડ બ્લોગર્સ અને છાપાવાળા તેની પાસે ફાફડા ખાવા અને તેની માતાનો વીડિયો બનાવવા આવે છે. તે હવે ફફડા બનાવવા ઉપરાંત ખાંડવી અને નાળિયેરની પેટીસ પણ બનાવે છે. ” નાગપુરમાં, તમને આવી નાળિયેરની પેટીસઓ ફક્ત અમારી પાસે જ મળશે,” તે કહે છે.

આ નાસ્તામાં શુદ્ધ ગુજરાતી સ્વાદ લાવવા માટે, તમામ નાસ્તા સીંગતેલમાં તૈયાર કરવામાં આવે છે. આ જ કારણ છે કે નાગપુરમાં રહેતા ઘણા ગુજરાતીઓ તેમના દિવસની શરૂઆત દાદી દ્વારા બનાવેલા ફાફડાથી કરે છે.
ગયા વર્ષે કોરોનાને કારણે તેમનું કામ સંપૂર્ણપણે બંધ હતું. જેના કારણે તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પણ ભાવેશે કહ્યું કે હવે તેનું કામ ફરી પાટા પર આવ્યું છે. હવે તે દરરોજ લગભગ બે હજારનો બિઝનેસ કરે છે, જેમાં તેની માતા તેને પૂરો સહયોગ આપે છે. સાથે જ ભાવેશની પત્ની પણ તેને ઘરેથી મદદ કરે છે.
જેવા ખુશમિજાજ કલાવંતી છે, ભાવેશ પણ તેટલાં જ જીંદાદિલ છે. તે પોતાના મનપસંદ ટેલિવિઝન કલાકારના ફોટા સાથે ટી-શર્ટ પહેરીને રોજ કામ કરવા આવે છે. આમ તેમના સારા સ્વાદ અને અનોખા અંદાજ સાથે, તેઓએ ગ્રાહકોમાં પોતાના માટે વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.
કલાવંતી દોશીએ તેમનું આખું જીવન ભારે સંઘર્ષ સાથે વિતાવ્યું હોવા છતાં, તેમના ચહેરા પરનું સ્મિત તેમના ત્યાં ફાફડા ખાવા આવતા લોકોનો દિવસ સુધારી દે છે.
સંપાદન: નિશા જનસારી
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
આ પણ વાંચો: ગોબરમાંથી શરુ કર્યો બિઝનેસ, બનાવી રહ્યા છે 20 પ્રકારની ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટસ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.