એ વાત સાચી છે કે, ખેડૂત જો ઈચ્છે તો છાણમાંથી પણ સારી કમાણી કરી શકે છે, પરંતુ સમસ્યા એ છે કે, છાણને ઉપાડવા અને તેમાંથી કોઈ કામ કરવામાં લોકોને ઘણી શરમ આવે છે. આમ તો એ પણ સત્ય છે કે, કોઈપણ કામ નાનુ અથવા મોટુ હોતુ નથી, પરંતુ વાત જ્યારે છાણ ઉપાડવાની અને તેના સંચાલનની આવે તો સાફ-સફાઈનો મુદ્દો જોડાઈ જાય છે.
આ કારણે ડેરી ફાર્મ શરુ કરનાર ખેડૂતોને ઘણી વખત મજૂર મળવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ગૌશાળામાં પણ સાફ-સફાઈ સારી રીતે રહેતી નથી. આ બધી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્રના એક ખેડૂતે એક અનોખું મશીન બનાવ્યુ છે. બેટરીથી ચાલનારી આ મશીનમાંથી કોઈપણ સરળતાથી પોતાના હાથ ગંદા કર્યા વગર છાણને એકઠું કરી શકે છે.
આ મશીનને બનાવનાર બીડ વિસ્તારના ખેડૂત મોહન લાંબને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન તરફથી પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. હાલમાં મોહન આ મશીનને પોતાના સ્ટાર્ટઅપ થકી ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાતચીત કરતા 48 વર્ષીય મોહને જણાવ્યું કે, મેં માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ હું ખેતીકામમાં લાગી ગયો હતો. અમારા વિસ્તારમાં કપાસ અને મગફળી જેવા પાક વધારે ઉગાડવામાં આવે છે. છાણ ઉઠાવવાની મશીન બનાવતા પહેલા મેં એક સ્પ્રે બનાવ્યો હતો, જેનાથી ખેડૂત સરળતાથી પોતાના ખેતરોમાં સ્પ્રે કરી શકતા હતા. જોકે, હવે બજારમાં બેટરીથી ચાલનાર સ્પ્રેયર હાજર છે તો મેં સ્પ્રે બનાવવાના બંધ કરી દીધા છે. સ્પ્રે બાદ મેં છાણ ઉઠાવવાની મશીન બનાવી, જે માટે મને લોકો પાસેથી ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

સ્ત્રીઓની તકલીફ ઓછી કરવા માટે કર્યો આવિષ્કાર
હંમેશા કંઈક ને કંઈક ખોલવા-બનાવવામાં રસ ધરાવનાર મોહન જણાવે છે કે, તેમના મગજમાં ક્યારેય છાણ ઉપાડવાના મશીનનો વિચાર પણ આવ્યો ન હતો, પરંતુ વર્ષ 2014માં મેં આવી મશીન વિશે વિચાર્યુ અને કામ પણ શરૂ કર્યુ. તેનુ મોટુ કારણ મારા પરિવારમાં એક ઘટના ઘટી હતી તે હતું. ખરેખર મારી એક ભત્રીજીને લગ્ન બાદ સાસરીયામાં ઘણી મુશ્કેલીઓ થવા લાગી હતી. તેનુ મુખ્ય કારણ હતુ કે, સાસરાવાળા ગાય-ભેંસ રાખતા હતા અને તેમના ઘરની મહિલાઓને તેમનુ બધુ કામ કરવું પડતુ હતુ, પરંતુ અમારી દિકરીને છાણ ઉપાડવામાં ઘણી તકલીફ પડતી હતી અને તેના કારણે મુશ્કેલી એટલી વધી ગઈ કે, કોર્ટના ધક્કા પણ ખાવા પડ્યા. ત્યારે મને લાગ્યુ કે, છાણ ઉપાડવું પણ એક મોટી સમસ્યા છે અને તેના માટે કોઈ મશીન હોવું જોઈએ.
મશીન પર કામ કરતા પહેલા મોહન ઘણાબધા ડેરી ખેડૂતોને પણ મળ્યા હતા. તેમની સાથે વાત કરતા તેમને જાણવા મળ્યું કે, માત્ર છાણ ઉપાડવા માટે તેમને અલગથી મજૂર રાખવા પડે છે અને દરેક લોકો તેના માટે તૈયાર પણ હોતા નથી.

મોહને કહ્યું કે, મને સ્પ્રે માટે પહેલા જ નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન પાસેથી પુરસ્કાર મળ્યા હતા. તેથી આ વખતે પણ પોતાનું રિસર્ચ કર્યા બાદ નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનને ગોબર ઉઠાવનારી મશીનનો આઈડિયા મોકલ્યો. તેમણે મને આ મશીન પર કામ કરવા માટે ગ્રાંટ પણ આપી દીધી. આ મશીનને તૈયાર કરવામાં સમય અને મહેનત બંને ઘણા વધારે લાગ્યા, પરંતુ આજે અમે આ મશીનથી ત્રણ લાખ રૂપિયા સુધીની કમાણી કરી ચૂક્યા છીએ.
છાણ ઉઠાવનારી મશીન
પોતાની મશીનના પ્રોટોટાઈપ તૈયાર કર્યા બાદ, તેમણે ઘણી જગ્યાએ તેનું ટ્રાયલ કર્યું. આ ટ્રાયલમાં જ્યારે મશીન સફળ રહી તો તેમણે આ મશીનને માર્કેટમાં લાવવા માટે પોતાના ખુદનું સ્ટાર્ટઅપ ‘કલ્પિક એગ્રોટેક’ શરુ કર્યુ છે.
બેટરીથી ચાલે છે આ મશીન
મોહને મશીન વિશે જણાવ્યુ કે, આ એસી અને ડીસી બંને મોટરની સાથે કામ કરી શકે છે. બેટરી લગાવ્યા બાદ મશીનનું વજન 60 કિલો થઈ જાય છે અને બેટરી વગર 50 કિલો છે. તેમનો દાવો છે કે, આ મશીન એક મિનિટમાં 40 કિલો છાણને એકઠું કરે છે. મશીનમાં પ્લાસ્ટિક ક્રેટ રાખવાની જગ્યા છે. જેમાં છાણ એકઠું થતુ રહે છે.
ડેરી ફાર્મ, વધારે પશુ રાખનાર ઘરમાં અને ગૌશાળામાં આ મશીન સફળ છે. કારણ કે, તેની મદદથી કોઈપણ છાણને કોઈપણ પ્રકારની પરેશાની વગર એકઠુ કરી શકે છે. આ મશીનથી છાણને એકઠું કર્યા બાદ ક્રેટને ઉઠાવવા માટે પણ તેમણે એક ટ્રોલી બનાવી છે. આ પ્રકારે હવે લોકોને છાણને અડવાની પણ જરૂરિયાત પડતી નથી અને તેને એકઠુ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે.
મોહને જણાવ્યુ છે કે, અત્યાર સુધી તેઓ 25થી વધારે મશીન વહેંચી ચૂક્યા છે અને તેમણે સતત ઓર્ડર મળી રહ્યા છે. લગભગ 450 ગાયોની ગૌશાળાનું સંચાલન કરી રહેલ અજય જૈન કહે છે કે, તેમણે આપાતકાલીન પરિસ્થિતિઓ માટે આ મશીન મોહન પાસેથી ખરીદી છે.

મળ્યા છે સમ્માન
એ વાતમાં કોઈ શંકા નથી કે, મશીન ઘણી ઉપયોગી છે, પરંતુ તેની સાર-સંભાળ સારી રીતે પણ રાખવી પડે છે. મશીનનો વપરાશ કર્યા બાદ તેને સારી રીતે ધોઈને રાખવી પડે છે. મને લાગે છે કે, નાના ખેડૂતો અને નાની ગૌ-શાળાઓ માટે આ મશીન એક સારો વિકલ્પ છે.
મોહન કહે છે કે, તેઓ હવે માત્ર એક ખેડૂત નથી, પરંતુ ધીરે-ધીરે તેઓ એક આવિષ્કારક અને બિઝનેસમેને પણ બની રહ્યા છે. જોકે, તેમની રાહ એટલી સરળ પણ હતી નહી. તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે લોકો મારી મજાક ઉડાવતા હતા. ઘરવાળાને પણ લાગતુ હતુ કે, હું સમય અને સાધન બંને બરબાદ કરુ છુ, પરંતુ આજે મજાક ઉડાવનાર લોકો ઘરે ચા પીવા માટે બોલાવે છે. પરિવારના સભ્ય પણ મારી મદદ કરે છે.
મોહન કહે છે કે, ગ્રામીણ વિસ્તારો માટે તેઓ પણ ઘણા ઈનોવેટિવ આઈડિયા પર કામ કરી રહ્યા છે. તેમને આશા છે કે, આગામી સમયમાં તેઓ હજુ વધુ મશીન લોકોને આપી શકશે. હાલમાં તેમનુ ધ્યાન પોતાનું છાણ ઉઠાવનારી મશીનને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા પર છે.
જો તમે પણ આ મશીનની કિંમત અને વધુ અન્ય જાણકારી મેળવવા માગો છો તો, 8788315880 પર વોટ્સએપ મેસેજ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 300 રૂપિયાની ભંગાર સાયકલને બદલી સોલર સાયકલમાં, ચલાવવામાં નથી આવતો એક પૈસાનો પણ ખર્ચ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.