આજે પણ ઘણાં ગામડાંમાં મહિલાઓને ચૂલા પર ભોજન બનાવવું પડે છે, જેના કારણે મહિલાઓનું સ્વાસ્થ્ય પણ બગડે છે. તો બીજી તરફ ચૂલા માટે લાકડાંનો ઉપયોગ થતો હોવાથી જંગલો પણ કપતાં જાય છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે. તો બીજી તરફ ચૂલા માટે બળતણ ભેગુ કરવામાં પણ મહિલાઓનો બહુ સમય બગડે છે. જેનાથી બચવા માટે બાયોગેસ પ્લાન્ટ ખૂબજ ઉપયોગી નીવડી શકે છે.
પશુપાલન સાથે જોડાયેલ ખેડૂત પરિવારો માટે તો બાયોગેસ પ્લાન્ટ આશીર્વાદરૂપ નીવડી શકે છે. આજે દેશનાં ઘણાં ગામડાંમાં સામુદાયિક કે વ્યક્તિગત રૂપે બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે.
મોટાભાગે ગામડાંમાં ગામની બહાર કે ઘરથી થોડે દૂર છાણના ઉકરડા બનાવવામાં આવે છે, જેના કારણે દુર્ગંધ તો ફેલાય જ છે, સાથે-સાથે ઘરની મહિલાઓને રોજ છાણાં થાપવાની પણ મહેનત કરવી પડે છે. તો બાયોગેસ પ્લાન્ટ એટલે કે ગોબર ગેસ પ્લાન્ટ કરાવવાથી ઉકરડાની દુર્ગંધથી તો છૂટકારો મળે જ છે, સાથે-સાથે મહિલાઓનો સમય પણ બચે છે. આ ઉપરાંત બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા ગેસના કારણે ચૂલાના ધૂમાડાથી છૂટકારો મળે છે અને રાંધણ ગેસના ખર્ચમાંથી પણ છૂટકારો મળે છે.
જો તમે ઘરમાં દૂધાળાં પશુઓ રાખતા હોવ અને ઘરની આસપાસ ખુલ્લી જગ્યા હોય તો બાયોગેસ પ્લાન્ટ ચોક્કસથી બનાવડાવવો જોઈએ.
આ પણ વાંચો: છોડમાં હોય ઈયળ કે જીવાતની સમસ્યા તો કરો આ કુદરતી ઉપાય, ઉકેલ છે તમારા રસોડામાં જ

બાયોગેસ પ્લાન્ટ બનાવતાં પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
- પ્લાન્ટની નજીક પાણીનો કુવો હોવો જોઈએ નહીં.
- પ્લાન્ટની નજીકમાં કોઈ ઝાડ હોવું ન જોઈએ.
- પ્લાન્ટની નજીક જાજરૂનો શોષકુવો ન હોવો જોઈએ.
- પ્લાન્ટ એવી જગ્યાએ ન બનાવવો જ્યાં ચોમાસામાં પાણી ભરાતું હોય.
- દિવસે પ્લાન્ટ પર સૂર્યનો તડકો પડતો હોય તો વધારે સારું.
- ગોબર ગેસ પ્લાન્ટમાં નાખવામાં આવતો રગડો એકરસ હોવો જોઈએ. (જેટલું છાણ હોય એટલું જ પાણી નાખી એકરસ કરવું અને અંદર કાંકરા હોય તો કાઢી લેવા. આ રગડો રોજ પ્લાન્ટમાં નાખવો.)
- પ્લાન્ટ સાથેની પાઈપનું ફીટિંગ બરાબર હોવું જોઈએ, જેથી રસોડા સુધી બરાબર ગેસ પહોંચી શકે.

બાયોગેસ પ્લાન્ટના ફાયદા:
- ઉકરડાની ઉર્ગંધથી છુટકારો મળે.
- છાણાં થાપવાની મહેનત બચે.
- ધૂમાડાના અને લાકડાં બાળવાના કારણે પર્યાવરણને થતા નુકસાનને અટકાવી શકાય.
- રાંધણ ગેસનો ખર્ચ બચે.
- ખેતર અને બગીચા માટે નિયમિત ખાતર મળતું રહે.
આ પણ વાંચો: આ બાયોગેસ પ્લાન્ટને કારણે 5000 પરિવારને LPGની નથી પડતી જરૂર

બાયોગેસ ખાતરના ફાયદા:
- છાણિયા ખાતર કરતાં બાયોગેસ રબડીનું ખાતર વધારે ગુણવત્તાયુક્ત હોય છે.
- આ ખાતરમાં દુર્ગંધ કે જીવાત નથી હોતી.
- આ ખાતર જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અને ફળદ્રુપતા ટકાવી રાખે છે.
- બાયોગેસ પ્લાન્ટથી મળતું ખાતર 2 થી 2.5 માસમાં તૈયાર થઈ જાય છે, જ્યારે છાણિયું ખાતર બનતાં ઓછામાં ઓછો 3-4 માસનો સમય લાગે છે.
- આ ખાતરના ઉપયોગથી છોડ તંદુરસ્ત બને છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
- આ ખાતરના ઉપયોગથી અનાજ, શાકભાજી, ફળ વગેરેના ઉત્પાદનમાં 30-40% ટકાનો વધારો થાય છે.
- છાણમાં રહેલ નિંદામણ બાયોગેસ પ્લાન્ટમાં નાશ પામે છે, જેથી ખેતરમાં નિંદામણ નથી ઉગતું.
- રાસાયણિક ખાતરોનો ખર્ચ પણ બચે છે.
- પોતાના ખેતરમાં ઉપયોગ બાદ વધેલા ખાતરમાંથી ખેડૂતો કમાણી પણ કરી શકે છે.

સામાન્ય રીતે ઘણી ગૌશાળાઓમાં છાણમાંથી ગાયનાં લાકડાં બનાવવામાં આવે છે, પરંતુ તેનાથી છાણના બીજા ફાયદા આપણે ગુમાવીએ છીએ. તેની જગ્યાએ આ છાણમાંથી ગોબર ગેસ ઉત્પન્ન કરવામાં આવે, તો તેનાથી ગેસ તો મળે જ છે, સાથે-સાથે તેમાંથી મળતી સ્લરીનો ઉપયોગ ખેતરમાં ખાતર તરીકે થાય છે અને છેલ્લા આઉટકમમાંથી આ ગોબર ડંડા બનાવી શકાય છે. જેનો ઉપયોગ આજકાલ ઘણાં સ્મશાનમાં કરવામાં આવે છે. જેથી એટલાં જંગલો કપાતાં પા અટકાવી શકાય છે.
સરકાર ઘરમાં કે સામુદાયિક સ્તર પર બાયોગેસ પ્લાન્ટ લગાવવા માટે ખાસ સબ્સિડી પણ આપે છે. આ અંગે વધુ જાણવા અહીં ક્લિક કરો.
આ પણ વાંચો: જમીન, પાણી અને હવાના પ્રદૂષણથી બચવા ઘરે જ બનાવો ઈકો બ્રિક્સ, બનશે સુંદર-સુંદર વસ્તુઓ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.