બિહારના ભાગલપુર જિલ્લાના નવગછિયાનો રહેવાશી અભિષેક ભગતે એક એવો રોબોટ બનાવ્યો છે, જેને ઓર્ડર આપતાની સાથે જ તે તમને ભાવતું ભોજન બનાવી આપશે.
અભિષેકે પોતાના ‘રોબોકુક’ની ડિઝાઈને વર્ષ 2006માં જ તૈયાર કરી લીધી હતી. આ વખતે તેની ઉંમર ફક્ત 14 વર્ષ હતી. આ માટે ‘નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (National Innovation Foundation) તરફથી અભિષેકનું સન્માન કરવામાં આવ્યું હતું.
‘રોબોકુક’ એક એવું કુકર છે જેમાં તમે ચા-નાસ્તાથી લઈને સેવ, ખીર, વેજ બિરયાની જેવા વ્યંજનો બનાવી શકો છો.

રમત-રમતમાં થઈ શરૂઆત
આ કુકર બનાવવાનું કામ રમત રમતમાં શરૂ થયું હતું. આ અંગે 27 વર્ષીય અભિષેક કહે છે કે, “હું ભણવામાં સારો ન હતો. ચોથા ધોરણમાં આવવા સુધી હું ત્રણ વખત નાપાસ થયો હતો. આ કારણે મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આનું એક મોટું કારણ એ પણ હતું કે મેં બજારમાં મળતા ફટાકડાઓમાંથી ‘ટાઇમ બોમ્બ’ બનાવ્યો હતો. જમાં એલાર્મ સેટ કર્યું હતું. જેનાથી ફટાકડા ચોક્કસ સમયે ફૂટી જતા હતા.”
અભિષેક વધુમાં કહે છે કે, “આને જોઈને લોકો મને બિન લાદેન કહેતા હતા. સ્કૂલમાંથી પણ મને કાઢી મૂકવામાં આવ્યો હતો. મારા માતાપિતા પણ મારાથી ખૂબ પરેશાન હતા. જોકે, નજીકના સંબંધીઓની સમજાવટ બાદ મને અભ્યાસ માટે પટનાની એક બોર્ડિંગ સ્કૂલમાં મૂકવામાં આવ્યો હતો.”
અભિષેક કહે છે કે, તેઓ પોતાના માતાપિતા માટે હંમેશ ચા બનાવતા હતા. આનાથી તેને કંઈક એવું બનાવવાની પ્રેરણા મળી કે ચા જાતે જ બની જાય અને વધારે મહેનત કરવાની જરૂર પણ ન પડે.

અભિષેક કહે છે કે, “બાળપણમાં મેં જોયું કે ચા બનાવવા માટે મારે દરરોજ એક જ કામ કરવું પડે છે. આનાથી મને કંઈક એવું કરવાની પ્રેરણા મળી કે વાસણમાં યોગ્ય સમયે ખાંડ અને ચા જાતે જ પડી જાય અને મારે વધારે સમય સુધી ઊભા પણ ન રહેવું પડે.”
જે બાદમાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા અભિષેકે એક બોક્સ બનાવ્યું હતું. જેમાં નીચે એક ઢાકણું લાગેલું હતું. તેની દીવાલ પર તેણે ઇલેક્ટ્રોમેગ્નેટ અને ઢાકણ પર પરમેનેન્ટ મેગ્નેટ લગાવ્યું હતું. આની ખાસિયત એવી હતી કે તેમાં જ્યારે કરંટ પાસ કરતા હતા ત્યારે તે અલગ થઈ જતા હતા અને જ્યારે જ્યારે કરંટ પસાર થતો ન હતો ત્યારે બંને ચીપકીને રહેતા હતા.
આમાં ટાઇમિંગ સેટ કરવા માટે અભિષેકે ચાર એલર્ટ સેટ કર્યા હતા. જેનાથી તે વાસણમાં દૂધ, પાણી, ચા અને ખાંડ યોગ્ય સમયે ઉમેરી શકે.

એપીજે અબ્દુલ કલામને પત્ર
અભિષેક કહે છે કે તેઓ આ શોધને આગળ લઈ જવા માંગતા હતા. જોકે, તેના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ સારી ન હતી. એવામાં તેણે દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને પત્ર લખ્યો હતો. આ પત્રએ અભિષેકની જિંદગી બદલી નાખી હતી.
અભિષેક કહે છે કે, “આ વર્ષ 2006નું હતું. હું મારી શોધને આગળ વધારવા માંગતો હતો. પરંતુ સ્કૂલમાં કોઈ જરા હટકે વિચારી જ રહ્યા ન હતા. હું ખૂબ નિરાશ હતો. આથી જ મેં, અબ્દુલ કલામ સરને પત્ર લખવાનું વિચાર્યું હતું. મને એ વાતની જાણ હતી કે તેઓ બાળકોને ખૂબ માનતા હતા.”
અભિષેક વધુમાં કહે છે કે, “જે બાદમાં મેં મારા પિતાને પૂછ્યું કે કલામ સાહેબ ક્યાં રહે છે. તેમણે કહ્યુ કે તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે રહે છે. આથી મેં કોઈ ટિકિટ વગર જ એક પત્ર લખી નાખ્યો હતો. મને ખબર ન હતી કે મારા પત્રનો જવાબ પણ આવશે. પરંતુ થોડા દિવસ પછી મને રાષ્ટ્રપતિ ભવનમાંથી એક પત્ર આવ્યો હતો. આ પત્રએ મારી જિંદગી બદલી નાખી હતી.”
એ પત્રમાં મારી શોધને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન, અમદાવાદને મોકલવાની વાત લખવામાં આવી હતી. જે બાદમાં અભિષેકે એવું જ કર્યું હતું પરંતુ અનેક મહિનાઓ સુધી કોઈ જવાબ આવ્યો ન હતો. આથી અભિષેક નિરાશ થઈ ગયો હતો.

જોકે, આશરે બે વર્ષ પછી તેના ફોનની ઘંટડી વાગ હતી. જે બાદથી અભિષેકે પાછું વળીને જોયું નથી.
તે કહે છે કે, “NIFમાંથી ફોન આવતા આશરે બે વર્ષ લાગ્યા. આ દરમિયાન મને પૂછવામાં આવ્યું કે શું હતું કુકિંગ મશીન બનાવી શકું? મેં કહ્યું કે હું ચોક્કસ બનાવીશ, પરંતુ આના માટે મને મદદની જરૂર છે. જે બાદમાં મને ત્યાં ઇન્નાઇટ એવોર્ડ સમારંભમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં મેં કલામ સરને રૂબરૂ જોયા હતા. જે બાદમાં મેં મનમાં નક્કી કરી લીધું હતું કે આગામી વર્ષે આ એવોર્ડ હું જ જીતીશ.” અભિષેકે આ વાત સાબિત પણ કરી બતાવી હતી. અનોખું રોબોટિક કુકર બનાવવા માટે NIF તરફથી અભિષેકનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ કુકરમાં શું ખાસ છે?
અભિષેક કહે છે કે, “જ્યારે મારી માતા ખાવાનું બનાવતા હતા ત્યારે હું જોતો હતો કે તેણી કેટલા સમય પછી કઈ વસ્તુ નાખે છે. મેં આ અંગે ટાઇમિંગ સેટ કરી દીધું હતું. જેમાં નવ બોક્સ હોય છે. જેમાં લખેલું હોય છે કે શેમાં કઈ સામગ્રી મૂકવાની હોય છે. આ કુકરમાં બનેલું જમવાનું હાથથી બનાવેલા ખોરાક જેવું જો હોય છે.”
આ કુકરમાં વસ્તુઓનું પ્રમાણ જાતે નક્કી કરવાનું હતું. જેનાથી તેની સામે કલાકો સુધી ઊભું રહેવું પડતું ન હતું.
જોકે, પછીથી અભિષેકે NIF અને દેસમાનિયા ડિઝાઈન ની મદદથી એક એવું કુકર બનાવ્યું જેમાં વસ્તુનું પ્રમાણ પણ જાતે નક્કી થઈ જતું હતું. આ રીતે આ પહેલી એવી શોધ હતો જેમાં ખાવાનું બનાવવા માટે તમામ મગજમારીમાંથી છૂટકારો મેળવી શકતા હતો. આ શોધને વર્ષ 2012માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ તરપથી સન્માનિત કરવામાં આવી હતી.
બાદમાં દિલ્હીની એક સંસ્થામાંથી એનિમેશનનો અભ્યાસ પર્ણ કર્યા બાદ અભિષેકે રોબોટિક્સમાં જ પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું.

અક્ષય કુમાર તરફથી સન્માન
વર્ષ 2018માં અક્ષય કુમારે પોતાની ફિલ્મ પેડમેન સંદર્ભે અનેક સંશોધકોને સન્માનિત કર્યા હતા. જેમાં અભિષેકનું નામ પણ શામેલ હતું. આ સન્માન બદલ તેને પાંચ લાખ રૂપિયા મળ્યા હતા.
આ રકમથી અભિષેકે પોતાની કંપની ‘રોબોથિંગ ગેજેટ પ્રાઇવેટ લિમિટેડ ‘ શરૂ કરી હતી. સાથે જ તે દસમાનિયા ડિઝાઈન સાથે ભાગીદાર તરીકે કામ ચાલું રાખ્યું હતું. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં આયોજિત બ્રિક્સ માં અભિષેકે યુવા વૈજ્ઞાનિક તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ભવિષ્યની યોજના
અભિષેક પોતાના ‘રોબોકુક’માં ઝડપથી એક એવું ફીચર ઉમેરવા જઈ રહ્યા છે જેનાથી એક એપ્લીકેશન કુકરને આદેશ આપશે અને તે પ્રમાણે જમવાનું તૈયાર થશે. આ ‘રોબોકુક’ તમને ગાઈડ પણ કરે છે કે કયા બોક્સમાં શું રાખવાનું છે. જે બાદમાં એક બટન દબાવીને તમારે નિશ્ચિત થઈને બેસી જવાનું હોય છે. તમે જે બોક્સમાં જે સામગ્રી રાખી હશે તે તેના સમયે જાતે જ અંદર પડી જશે.
અભિષેક કહે છે કે ટેસ્ટિંગ માટે તેઓ હાલ 15 યુનિટ વેચી ચૂક્યા છે. આ કુકરને રિટેલ માર્કેટમાં બહુ ઝડપથી ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. આજે અભિષેકના કુકરની કિંમત 15 હજાર રૂપિયા છે. પરંતુ જેમ જેમ ઉત્પાદન અને માંગ વધશે તેમ તેમ કિંમતમાં ઘટાડો થશે.
અભિષેકની કંપનીને હાલ NIF ઇનક્યૂબેટ કરી રહી છે. આથી કુકર ખરીદવા માટે તમારે NIFનો અહીં ઇ-મેલ દ્વારા સંપર્ક કરવો પડશે. સીધો સંપર્ક કરવા માટે akbhagat4u@gmail.com પર ઇ-મેલ મોકલી શકો છો. અભિષેકની આવી જ રોચક શોધ માટે તમે તને વેબસાઇટ ની મુલાકાત લઈ શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આજ સુધી શાળાનું પગથિયું નથી ચડ્યા પરંતુ બનાવી દીધાં માટીનાં નોનસ્ટિક વાસણો આ ગુજરાતીએ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.