એવું કહેવાય છે કે નિવૃતિ પછી જ અસલી પ્રવૃતિ શરુ થાય છે. 43 વર્ષમાં જ આર્મીમાંથી સેવાનિવૃતિ લઈ અને પછી ખેતી કરનાર અનુરાગ શુકલા આ ઉક્તીને યથાર્થ સાબિત કરી બતાવી છે. પ્રેરણાદાયક આ સ્ટોરી લેફ્ટનન્ટ કર્નલ અનુરાગ શુક્લાની છે. જે ગત 15 વર્ષથી જીવનને એક નવી જ દિશા આપવામાં લાગ્યા છે. ઈન્દોરથી થોડે જ દૂર મહુ ગામમાં તે એક ખેતરમાં જ ઘર બનાવીને રહે છે. જેનું જીવન પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યું છે.
અનુરાગ શુકલાએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, ‘2005માં 43 વર્ષની ઉંમરમાં સેવાનિવૃત્તિ લઈને ઈન્દોર પરત ફર્યો હતો. શહેરથી આશરે 30 કિલોમીટર દૂર મહુ છાવણી પાસે પોતાના દોઢ વિઘા ખેતરમાં પોતાનું ઘર બનાવી રહે છે. મેં પોતાના ખેતરને ‘આશ્રય’ નામ આપ્યું છે. અહીં અમે માત્ર મૂળભૂત સુવિધાઓનું જ ધ્યાન રાખ્યું છે.’
અનુરાગ શુકલાનો જન્મ ઝારખંડના ધનબાદમાં થયો. તેમના પિતા પીએસયુ સીઆઈએલમાં અધિકારી હતા. ખાણ અને દૂર દૂર સુધી જંગલો વચ્ચે રહેવાથી પ્રકૃતિ સાથે નીકટતા અને પ્રેમ શરુઆતથી જ રહી છે.
11મા ધોરણ પછી તેમને એનડીએ ખડકવાસલામાં એડમિશન મળ્યું હતું. અભ્યાસ પૂરો કર્યા પછી પહેલું પોસ્ટિંગ સૂરતગઢ, રાજસ્થાન અને છેલ્લું શિવપુરી, મધ્યપ્રદેશના NCC બટાલિયનમાં રહ્યું હતું. આ દરમિયાન સમસ્ત ભારત જોવાની તેમને તક મળી હતી. 21 વર્ષોની આ સેવામાં તેમને 19 મહિનાઓ સુધી શ્રીલંકા-ભારતીય શાંતિ રક્ષક દળના સૈનિક તરીકે સેવા આપી. જ્યાં ગોરિલ્લા યુદ્ધનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપલબ્ધિ માટે તેમને ‘મેન્શન ઈન ડિસ્પેચ’ વીરતા પુરસ્કાર પણ મળ્યો હતો. આ ઉપરાંત તેમણે મહૂના ઈન્ફેન્ટ્રી સ્કૂલમાં ટ્રેનર તરીકે સેવા આપી અને અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં પણ કામ કર્યું હતું.

અનુરાગે તેમને જણાવ્યું કે આર્મીના જીવન દરમિયાન તેમને પડકારનો સામનો કરવાની આદત પડી ગઈ હતી. જ્યારે એવું લાગ્યું કે હવે આગળ કશું જ પદમાં પ્રગતિ જેવું નથી અને પડકાર પણ નથી તો તેમણે વીઆરએસ લઈને પર્યાવરણ માટે કશુંક કરવાની નેમ લીધી અને ખેતીની શરુઆત કરી હતી.
હાલ તેઓ ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા છે. જેમને કૃષિ વાનિકી અથવા તો ‘ભોજન વન’ તરીકે ઓળખવામાં આવે છે. પોતાના ખેતર ‘આશ્રય’માં તેમણે 60 પ્રકારના ફળ અને લાકડીના ઝાડ લગાડ્યા છે. જેમની નીચે તેઓ ખેતી પણ કરી રહ્યા છે. જ્યાં 300થી વધારે ઝાડ છે. કોઈ રસાયણ વગર જ ખેતી કરે છે. જે પર્યાવરણ માટે હિતકારી છે. ખેતરથી મળેલી મોટાભાગની ઉપજ તેઓ ઘરમાં જ રાખે છે અને તેના ઉપયોગથી અથાણાં, જેમ, જેલી, પાપડ, ચિપ્સ વગેરે બનાવે છે. શાક અને ફળને સોલર ડ્રાઈ કરીને રાખે છે. આ ઉપરાંત શુકલા લોકોને છોડ પણ મફતમાં આપે છે. પછીથી ખેતીમાં જે ઉપજ થાય છે. તેનાથી તેને વર્ષમાં આશરે અઢી લાખ રુપિયાની આવક થાય છે.

સરળ નહોતું ‘આશ્રય’ બનાવવું
અનુરાગ શુકલા જણાવે છે કે, આજે જે જમીન પર તેમનું આશ્રય છે. ખેતરો છે તે એક સમયે સાવ વેરાન હતી. આ કારણે જ એક ખેડૂતે પોતાની મોટી જમીનના આ ભાગને વેચી દીધો હતો. સમગ્ર જમીન ‘કાંસલા’ નામના ઘાસથી જ ભરી હતી. જેના મૂળિયા એક ફૂટ જેટલા અંદર જાય છે. જમીનને સાફ કરવામાં જ બેથી ત્રણ વર્ષ લાગ્યા હતાં. પછી ઝાડ લગાવ્યા અને ઉપજ લેવાની શરુ થઈ. અહીં ભૂમિગત જળસ્તર નીચે હતું પરંતુ શુકલાના લગાવેલા ઝાડના કારણે જળસ્તરમાં પણ ઘણો જ સુધારો થયો છે.

કરી રહ્યા છે પર્યાવરણ સંરક્ષણ
શુકલાજીનું સમગ્ર ઘર ઉર્જામાં સ્વાવલંબી છે. સૌર ઉર્જાથી વીજળી, ભોજન બનાવવું અને ફળ તેમજ શાકભાજી સુકવવા જેવું કામ થાય છે. એક નાની કાર પણ છે. પરંતુ તે ત્યારે જ કામ આવે છે જ્યારે સમગ્ર પરિવાર એકસાથે ક્યાંય જતો હોય. 20 કિલોમીટર સુધી તો તેઓ સાઈકલનો જ ઉપયોગ કરે છે.
અનુરાગ શુકલાએ જણાવ્યું કે, ‘અમે લોકો બજારથી ખૂબ જ ઓછો સામાન ખરીદીને લાવીએ છીએ. જેના કારણે ઓછું પ્લાસ્ટિક અમારા ઘરમાં આવે છે. જે પણ આવે છે તેનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકના પેકેટમાં છોડ ઉગાડીએ છીએ. કાચની બોટલનો ઉપયોગ કરીને અમે લિક્વીડનો સંગ્રહ કરીએ છીએ. આ ઉપરાંત નાહવા, કપડા ધોવાનું તેમજ રસોઈના પાણીનો સંગ્રહ એક નાના તળાવમાં કરીએ છીએ. જેનો ઉપયોગ ઝાડની સિંચાઈ માટે પણ થાય છે. મળથી ઘરની પાસે જ રહેલા નિર્મિત સ્પેટિક ટેંકમાં ખાતર બને છે. જે સમયાંતરે બહાર કાઢીને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.’

શુકલાએ પોતાની દીકરીના લગ્નમાં પણ પર્યાવરણના મુદ્દાનું વિશેષ ધ્યાન રાખ્યુ હતું. તેમણે વૈવાહિક કાર્યક્રમમાં પોતાના ખેતરમાં જ સંપન્ન કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કર્યો નહોતો. ત્યાં સુધી કે નિમંત્રણ પણ વ્હોટ્સએપ અને ફોન દ્વારા જ આપવામાં આવ્યા હતાં. બેન્ડ-બાજા કે ફટાકડાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નહોતો. મહેમાનોને પણ પતરાળીમાં જ ભોજન પીરસવામાં આવ્યું હતું અને કુલ્હડ તેમજ લોટાનો ઉપયોગ થયો હતો.

રોજગારના વિકલ્પ શોધ્યા
પર્યાવરણ સંરક્ષણ સાથે જ શુકલા નાની નર્સરી પણ ચલાવે છે. તેમણે ગાયના છાણમાંથી કૂંડા બનાવ્યા છે. જેથી પરિવહનમાં સરળતા રહે. પાણી જો યોગ્ય પ્રમાણમાં નાખવામાં આવે તો આ કૂંડા વરસોવરસ ચાલે છે. જો વૃક્ષારોપણમાં ઉપયોગ કરવાનો હોય તો કૂંડાને સીધા જમીન પર જ રાખીને પાણી આપવાથી ત્યાં જ જડ વિકસીત કરી લે છે. ખાડો ખોદવાની પણ જરુરિયાત રહેતી નથી.
આ કૂંડા હાથથી ચાલતા એક મશીનમાંથી બને છે અને એક વ્યક્તિ દિવસમાં આશરે 30 કૂંડા બનાવી શકે છે અને એક કૂંડાની કિંમત 40 રુપિયા છે. મશીનથી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1000 કૂંડા બની ચૂક્યા છે અને 250 વેંચાઈ પણ ચૂક્યા છે. સ્થાનિક રોજગાર માટે આ એક સારો વિકલ્પ બની રહ્યો છે.
અનુરાગ શુકલાના કામ વિશે જાણવા અંગે તમે 07354130846 પર કોલ પણ કરી શકો છો અને anurag622003@yahoo.co.in પર મેઈલ પણ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સિમેન્ટ વગર બનાવ્યું ઘર, પીવે છે વરસાદનું પાણી, નાહ્યા-ધોયા બાદ એ પાણીથી ઉગાડે છે ફળ-શાકભાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.