Search Icon
Nav Arrow
Prakruti Bandhu
Prakruti Bandhu

મિસાલ છે આ રિટાયર્ડ આર્મી મેન, 7 ગ્રામ પંચાયતમાં વાવી ચૂક્યા છે 20 હજાર છોડ

નિવૃત્તિ બાદ જ્યારે ગામમાં પાછા આવ્યા ત્યારે ગામની હાલત જોઈને ચોંકી ગયા, છેલાં 16 વર્ષમાં વાવી દીધા છે 20 હજારથી વધુ વૃક્ષો, એટલું જ નહીં, આ બધા ઝાડ-છોડની બરાબર સંભાળ પણ રાખે છે અને ફળાઉ વૃક્ષોમાંથી ગરીબ પરિવારોને રોજી પણ મળે છે.

ઓડિશાના ખિરોદ જેના છેલ્લા 16 વર્ષથી પોતાના ગામ અને આસપાસના વિસ્તારોમાં છોડ રોપી રહ્યા છે. તે માત્ર છોડ રોપતા નથી પણ તેની સંભાળ પણ રાખે છે. અત્યાર સુધી તેમણે લગભગ 20 હજાર વૃક્ષો અને છોડ વાવ્યા છે. જ્યાં પણ ખિરોદ ખાલી જગ્યા જુએ છે, તે તેને હરિયાળીથી ભરવાનું શરૂ કરે છે. તેમના પ્રયત્નોને કારણે આજે ઘણા ગામોના બાળકો તાજા ફળો ખાઈ રહ્યા છે, જ્યારે ઘણા ગરીબ પરિવારો ફળો એકત્ર કરીને અને બજારમાં પહોંચાડીને થોડી આવક મેળવી રહ્યા છે.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા, ખિરોદે તેમના અભિયાન વિશે વાત કરી.
“હું મૂળ જાજપુરના કલાશ્રી ગામનો છું. એક ખેડૂત પરિવારમાં ઉછરેલો અને 12મા પછી હું ભારતીય સેનામાં પસંદગી પામ્યો. ઘણા વર્ષો સુધી સેનામાં સેવા આપ્યા પછી, જ્યારે મને લાગ્યું કે મારે હવે પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ, ત્યારે મેં 42 વર્ષની વયે નિવૃત્તિ લીધી. પરંતુ જ્યારે નિવૃત્તિ પછી ગામ પહોંચ્યો ત્યારે જોયું કે સમસ્યાઓ તો જેમની તેમ જ છે. પરંતુ આ સમસ્યાઓ સાથે, ગામમાંથી હરિયાળી પણ ઓછી થવા લાગી છે. રસ્તાની બાજુમાં વૃક્ષો નથી અને જંગલો પણ ઘટી ગયા છે,”તે કહે છે.

ખિરોદે વિચાર્યું કે પોતાના ગામ અને આસપાસના વિસ્તારો માટે કામ કરીને તેઓ દેશની પ્રગતિમાં યોગદાન આપશે. તેથી 2005થી તેમણે પોતાના ગામથી વૃક્ષારોપણ શરૂ કર્યું. ટૂંક સમયમાં, તેમનું કાર્ય આસપાસના ગામોમાં ફેલાયું અને આજે લોકો આ કાર્ય માટે તેમની પ્રશંસા કરે છે એટલું જ નહીં પણ તેમનાથી પ્રેરિત પણ થાય છે.

Tree Man

આંબા અને જાંબુ જેવા ફળોનાં 20 હજાર વૃક્ષો લગાવ્યા
ખિરોદનું કહેવું છે કે તેણે પહેલા પોતાના ગામથી કામ શરૂ કર્યું હતું. તેમણે ગામમાં રસ્તાની બંને બાજુ કેરી, જાંબુ અને બોરનાં છોડ લગાવ્યા અને તેમની સંભાળ લેવાનું ચાલુ રાખ્યું. “વરસાદની ઋતુ શરૂ થતાં જ તેઓ વૃક્ષો રોપવાનું શરૂ કરતા હતા. ઘણી જગ્યાએ રોપાઓ રોપ્યા અને ઘણી જગ્યાએ બીજ વાવ્યા. શરૂઆતમાં લોકો ઘણી બધી મજાક ઉડાવતા હતા. તેઓ કહેતા હતા કે તે સેનામાંથી નિવૃત્ત થયા પછી આવ્યા છે, છતાં તે પાગલ થઈ ગયા છે. તે આખો દિવસ વૃક્ષો અને છોડમાં વ્યસ્ત રહે છે અને તેના માટે કોઈ કામ નથી. પરંતુ ત્રણ-ચાર વર્ષમાં જ્યારે મેં રોપેલા છોડો વૃક્ષ બની ગયા અને ફળો આપવાનું શરૂ કર્યું, ત્યારે તે જ લોકો પ્રશંસાના પુલો બાંધી રહ્યા હતા,”તેમણે કહ્યું.

ત્રણથી ચાર વર્ષમાં ખિરોદની મહેનત રંગ લાવવા લાગી અને તેમનું ગામ હરિયાળીથી ભરાઈ ગયું. તેમના દ્વારા વાવેલા છોડ વૃક્ષો બની ગયા અને લોકોને છાંયડો, શુદ્ધ હવા અને તાજા ફળો આપવાનું શરૂ કર્યું. જ્યારે આસપાસના લોકો તેના કામ વિશે જાણતા થયા, ત્યારે દરેક વ્યક્તિ તેને મળવા આવતા હતા. જેમ જેમ ખિરોદ લોકો સાથે જોડાયા તેમ તેમ તેમને સમજાયું કે તેમણે વધુ ગામોમાં કામ કરવું જોઈએ. તો કલાશ્રી પછી તેમણે ગજેન્દ્રપુર, રાયપુર, પાર્થાપુર, ફકીરમીયા પાટના, સૌદીયા, બારપારા, કંપાગઢ, હલધરપુર, અને તલુઆ જેવા ગામોમાં પણ કામ કર્યું.

તેમનો દાવો છે કે તેમણે સાત ગ્રામ પંચાયતોના 11 ગામોમાં કેરી, જાંબુ, જામફળ અને જેકફ્રૂટ જેવા ફળના વૃક્ષો સહિત 20,000 વૃક્ષો વાવ્યા છે. આ સિવાય તેમણે ઘણા વર્ષોથી ઉજ્જડ રહેલી ટેકરી પર વૃક્ષો અને છોડ રોપીને તેને લીલોછમ બનાવી છે.

કલાશ્રી ગામના શિક્ષક દેવાશિષ કહે છે, “ખિરોદજીના કાર્યથી માત્ર હરિયાળી જ વધી નથી પણ લોકોમાં પર્યાવરણ અને આસપાસના વિસ્તારમાં જાગૃતિ પણ આવી છે. જ્યારે તે ગમે ત્યાં ખાલી જગ્યા જુએ છે, ત્યારે તે વૃક્ષો રોપવાનું શરૂ કરે છે. તેમને જોઈને અમને પણ પ્રેરણા મળી કે પર્યાવરણનું રક્ષણ કરવું આપણી ફરજ છે. જેઓ પહેલા તેમને ટોણા મારતા હતા, હવે તે જ ઘરોના બાળકો તાજા ફળો ખાઈ રહ્યા છે. ગામડાઓમાં ગરીબ લોકોને રોજગારી પણ મળી રહી છે.”

Tree Plantation

પોતાના પેન્શનમાંથી કરે છે બધા કામ
તે આગળ જણાવે છે કે અત્યાર સુધી તેમણે તેના પેન્શનમાંથી મોટાભાગનું કામ કર્યું છે. દર મહિને તે પોતાના પેન્શનમાંથી અમુક પૈસા માત્ર છોડ વાવવામાં, છોડની સંભાળમાં, ટ્રી ગાર્ડ જેવી વસ્તુઓ માટે ખર્ચ કરે છે. “ઉપરાંત, વિશ્વમાં ઘણા સારા લોકો છે. જો તમે એક સારું પગલું આગળ વધારશો, તો ઘણા વધુ નિષ્ઠાવાન લોકો તમારી સાથે જોડાશે અને આ સારા કાર્યને વધારવાનું ચાલુ રાખશે. હું મારા પેન્શનમાંથી કેટલાક પૈસા આપું છું અને કેટલીકવાર અન્ય લોકોને પણ મદદ મળે છે,”તેમણે કહ્યું.

શરૂઆતમાં, તેમને 285 મીડિયમ રેજિમેન્ટના તે્મના કેટલાક સાથીઓએ પણ મદદ કરી હતી. તે કહે છે કે રેજિમેન્ટમાંથી કર્નલ એન.એ. કદમ અને બ્રિગેડિયર એમ.કે. ઉપ્રેતીએ તેમને તેમની તરફથી કેટલીક આર્થિક મદદ મોકલી. આ પછી, ગામોમાં સારી આવક મેળવનારા લોકો પણ આ ઉમદા હેતુ માટે આગળ આવી રહ્યા છે.

ખિરોદ દર વર્ષે વિવિધ ફળોના બીજ જેવા કે કેરીની ગોટલી, જાંબુનાં ઠળિયા અથવા જેકફ્રૂટના બીજ એકત્રિત કરે છે. તે આમાંથી કેટલાક પોતાના ઘરમાં તૈયાર કરે છે. જૂનમાં વરસાદ શરૂ થાય તે પહેલાં, તે સ્થળ પસંદ કરે છે અને પછી વરસાદ શરૂ થતાં જ તે વાવેતર અને બીજ રોપવાનું શરૂ કરે છે.

Tree Man

ત્યારબાદ, તે મહિનામાં 10 દિવસ છોડની સંભાળ લેવા જાય છે. તેમણે કહ્યું કે તેમણે એક કર્મચારીને દર મહિને પાંચ હજાર રૂપિયાના પગાર પર રાખ્યો છે. જેની સાથે, તે પોતે ગામડે ગામડે જાય છે, વૃક્ષો અને છોડને ખાતર આપે છે, કાપણી કર્યા પછી આવે છે. બાકીના સમયમાં કામદાર છોડની સંભાળ રાખે છે.

પહેલા ગામના લોકો તેમની મજાક ઉડાવતા હતા. પરંતુ હવે ગામના લોકો વૃક્ષો અને છોડની સંભાળ લઈ રહ્યા છે. તેઓ ગામના સાક્ષર લોકો સાથે જોડાયા અને તેમને તેમના અભિયાન વિશે જણાવ્યું. તેઓ તેમનો મુદ્દો પણ સમજી ગયા અને પર્યાવરણના હિતમાં બધા સાથે મળીને કામ કરી રહ્યા છે. ખિરોદનો ઉદ્દેશ એક લાખ રોપાઓ રોપવાનો અને તેમની સંભાળ રાખવાનો અને તેમને વૃક્ષો બનાવવાનો છે જેથી તેમના ગયા પછી પણ આવનારી પેઢીઓને શુદ્ધ હવા મળી શકે. આ કાર્ય માટે, તેમને ‘આત્મા એવોર્ડ,’ ‘ગ્રીન સોલ્જર સન્માન’ અને ‘પ્રકૃતિ બંધુ’ જેવા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

ખરેખર, ખિરોદ જેના આજે આપણા બધા માટે પ્રેરણા છે. અમે આશા રાખીએ છીએ કે વધુને વધુ લોકો તેમની સાથે મળીને આ અભિયાનને પૂર્ણ કરવામાં મદદ કરશે.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: કોણ છે પદ્મશ્રીથી સન્માનિત મહિલા, પગમાં ચપ્પલ નહીં, માત્ર સાડીમાં લપેટાયેલ અમૂલ્ય નારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

close-icon
_tbi-social-media__share-icon