Search Icon
Nav Arrow
Sustainable Home
Sustainable Home

નશીલા છોડ ભાંગમાંથી બનેલું દેશનું પહેલું ઘર, આર્કિટેક્ટ કપલે બનાવ્યુ છે ઈકો-ફ્રેન્ડલી હોમસ્ટે

દેવભૂમિ ૠષિકેશ પાસે આર્કિટેક્ટ કપલ, નમ્રતા કંડવાલ અને ગૌરવ દીક્ષિતે ભાંગના ફાઈબરમાંથી બનાવ્યું ઈકો ફ્રેન્ડલી હોમ સ્ટે.

શું તમે હેમ્પ(એક પ્રકારનો નશીલો છોડ)માંથી બનેલા ઘર વિશે સાંભળ્યું છે? આશ્ચર્ય પામશો નહીં! ઉત્તરાખંડમાં એક આર્કિટેક્ટ કપલે આ કારનામું કરી દેખાડ્યુ છે. આર્કિટેક્ટ નમ્રતા કંડવાલ અને ગૌરવ દીક્ષિતે પૌડી ગઢવાલ જિલ્લામાં બે વર્ષની મહેનત પછી આ ઇકો-ફ્રેન્ડલી હોમ સ્ટે (Hemp Eco-Stay)તૈયાર કર્યુ છે. આ અનોખું ઘર ઋષિકેશથી 35 કિલોમીટર દૂર છે.

નમ્રતા અને ગૌરવે પૌડી ગઢવાલ જિલ્લાના ફલદાકોટ મલ્લા ગામમાં આ હોમ સ્ટે તૈયાર કર્યો છે. લોકો આ નાનકડા ગામમાં શહેરી જીવનની ધમાલથી દૂર સમય પસાર કરવા આવે છે. પહાડો પર આવેલા આ ગામમાં પહોંચવા માટે પ્રવાસીઓને 40 મિનિટ સુધી ટ્રેકિંગ કરવું પડે છે.

ગૌરવ અને નમ્રતાએ આ અનોખા હોમસ્ટેની રચના મુખ્યત્વે હેમ્પ આધારિત વસ્તુઓની મદદથી કરી છે. આ ‘હિમાલયન હેમ્પ ઇકો સ્ટે’ માં, હેમ્પના છોડનો ઉપયોગ ફક્ત ફ્લોર અને દિવાલ બનાવવા માટે જ નથી થયો, પરંતુ તેની છત અને ઘણી અંદરની વસ્તુઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નમ્રતા કહે છે, “અમે પરંપરાગત સિમેન્ટમાંથી ઘર બનાવી રહ્યા હતા. પરંતુ અમે બંને જાણતા હતા કે તે ઇકો-ફ્રેન્ડલી નથી. અમે કંઈક અલગ કરવા માગતા હતા. સામાન્ય રીતે, અમે ક્લાયંટના પ્રોજેક્ટ્સમાં ઇનોવેશન કરી શકતા નથી, તેથી વર્ષ 2020માં, અમને અમારી પોતાની જમીન પર ઇકો-ફ્રેન્ડલી ઘર બનાવવાનો વિચાર આવ્યો.”

હેમ્પક્રીટ શું હોય છે?

નમ્રતા અને ગૌરવ ઘર (Hemp Eco-Stay)બનાવવા માટે માટી અને વાંસ સિવાય અન્ય વિકલ્પો શોધી રહ્યા હતા, ત્યારે તેમને હેમ્પક્રીટ વિશે ખબર પડી. વાસ્તવમાં, હેમ્પ(ભાંગ)ના છોડમાંથી હેમ્પ ફાઇબર તૈયાર થાય છે અને તેમાંથી ‘હેમ્પ બાયો એગ્રીગેટ લાઇમ કોન્ક્રીટ’ તૈયાર કરવામાં આવે છે. જે સામાન્ય રીતે હેમ્પક્રીટ તરીકે ઓળખાય છે. તેના બ્લોક્સ ભાંગના છોડની ડાળીની છાલ, ચૂનો અને ફ્લાય એશના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. હેમ્પક્રીટ તેની કુદરતી રચના સાથે ભૂકંપ, પૂર અને જંગલની આગ જેવી કુદરતી આફતો સામે લડવામાં પણ સક્ષમ છે.

વર્ષ 2018થી કરી રહ્યા હતા રિસર્ચ

નમ્રતાએ જણાવ્યું કે, તે બંને 2018થી હેમ્પક્રીટ પર સંશોધન કરી રહ્યા હતા. તેણે આ જ હેતુ માટે Gohemp Agroventures નામનું સ્ટાર્ટઅપ પણ શરૂ કર્યું. નમ્રતાએ આ ઘર તેના પિતાની પૈતૃક જમીન પર બનાવ્યું છે. દંપતીએ તેમની કમાણીમાંથી લગભગ 30 લાખ ખર્ચીને આ પ્રોજેક્ટ પૂરો કર્યો છે.

આ ‘હિમાલયન હેમ્પ ઇકો-સ્ટે(Himalyana Hemp Eco-Stay)’ કુલ 800 ચોરસ ફૂટની જગ્યામાં બનાવવામાં આવ્યું છે. ઘરમાં વીજળી માટે એક 3-kW રૂફટોપ સોલર પેનલ લગાવેલી છે. સાથે જ પાણી માટે 4,000 લિટરની ટાંકી બનાવવામાં આવી છે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે અને હેન્ડપંપની મદદથી પાણી કાઢવામાં આવે છે. ઉપરાંત, અહીં વપરાતા પાણીનો છોડ ઉગાડવા માટે ફરીથી ઉપયોગ થાય છે.

તેમણે જાન્યુઆરી 2020માં હોમસ્ટે બનાવવાનું કામ શરૂ કર્યું હતું, જેને બનાવવામાં લગભગ દોઢ વર્ષનો સમય લાગ્યો હતો. આ હોમસ્ટેનું ઉદ્ઘાટન 24 નવેમ્બર 2021ના રોજ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કર્યું હતું. નમ્રતા કહે છે, “આ હોમસ્ટે એક સમયે ચાર મહેમાનોને આરામથી સમાવી શકે છે. તેમને અહીં એક દિવસ રહેવા માટે 2400 રૂપિયા ચૂકવવા પડે છે.”

Hemp Fiber Uses

આ પણ વાંચો: Best Of 2021: આ 5 સસ્ટેનેબલ ઘર રહ્યાં છે ટૉપ પર, જે લોકોને ગમ્યાં છે ખૂબજ

કેવી રીતે બન્યુ દેશનું પહેલું હેમ્પ ઘર?

નમ્રતા કહે છે, “મહિનાના રિસર્ચ પછી, અમે કેટલાક કારીગરોને જોડ્યા છે જેઓ આ પ્રકારના કામમાં અમને ટેકો આપી શકે છે. અમે લગભગ સાતથી આઠ લોકોને આ કામ શીખવ્યું, તેમને કહ્યું કે આ ઈમારત ઈકો-ફ્રેન્ડલી તેમજ એન્ટી બેક્ટેરિયલ પણ છે. પરંપરાગત કોંક્રિટને બદલે, અમે પાયો બાંધવા માટે પથ્થર અને માટીનો ઉપયોગ કર્યો. જ્યારે શૌચાલય હેમ્પક્રીટના બનેલા છે, ત્યારે અમે હેમ્પક્રીટની મોનોલિથિક દિવાલ પણ બનાવી છે. આખા ઘરમાં  (Hemp Eco-Stay) પ્લાસ્ટર માટે હેમ્પનો ઉપયોગ થયો છે. પરંતુ કેટલીક જગ્યાએ અમે માટી અને હેમ્પના ફાઇબરનો એકસાથે મિક્સ કરીને ઉપયોગ કર્યો છે.”

આર્કિટેક્ટ દંપતીએ હેમ્પ-લાઈમનો ઉપયોગ કરીને છતની ઇન્સ્યુલેશન સિસ્ટમ પણ ડિઝાઇન કરી છે, જે શિયાળા દરમિયાન અંદરનાં ભાગને ગરમ અને ઉનાળામાં ઠંડી રાખવામાં મદદ કરે છે. આ ઇન્સ્યુલેશન સિસ્ટમ હવાને કુદરતી રીતે સાફ કરવાનું પણ કામ કરે છે. નમ્રતાએ સમજાવ્યું કે ઘરની બહારની પેનલમાં લાગેલો ચૂનો, કેલ્શિયમ કાર્બોનેટ બનાવવા માટે સતત હવામાંથી કાર્બન ડાયોક્સાઈડને અવશોષિત કરે છે. આનાથી આ ઘર સમયની સાથે મજબૂત બનશે.

નમ્રતા કહે છે કે આ હેમ્પ બ્લોક્સની રચના એવી છે કે આગની દુર્ઘટનામાં પણ તે સુરક્ષિત રહી શકે છે. તેણે તેના માટે એક પરિક્ષણ પણ કર્યુ હતુ. આ હેમ્પક્રીટ બ્લોક્સના આગ પ્રતિકારને ચકાસવા માટે, તેમને લગભગ 40 મિનિટ સુધી બ્યુટેન ટોર્ચની સામે રાખવામાં આવ્યુ હતુ. પરંતુ તેમાં બિલકુલ આગ લાગી ન હતી.

Eco Friendly Home Stay

આ પણ વાંચો: એક જીન્સ બનાવવામાં વપરાય છે 10000 લીટર પાણી, સુરતનું આ સ્ટાર્ટઅપ બનાવે છે માત્ર 10 લીટરમાં

પડદાથી લઈને બેડશીટ સુધી, બધુ છે હેમ્પ ફેબ્રિકમાંથી બનેલું

માત્ર ઘરની રચના જ નહીં, પણ ઘર(Hemp Eco-Stay)ની અંદરની વસ્તુઓ પણ ઇકો-ફ્રેન્ડલી બનાવવા માટે ઘણી જગ્યાએ હેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નમ્રતાએ કહ્યું, “અમે હોમસ્ટેની અંદર બેડશીટ, ઓશીકાના કવર અને પડદા માટે હેમ્પના ફેબ્રિકનો ઉપયોગ કર્યો છે, જ્યારે તેના દરવાજા અને બારીઓ ઉપર પણ હેમ્પના બીજના તેલથી પોલિશ કરવામાં આવી છે.”

નમ્રતાએ જણાવ્યું કે તેણે સ્થાનિક અને લાઇસન્સ ધરાવતા ખેડૂતો પાસેથી હેમ્પના વૃક્ષો ખરીદ્યા હતા. હેમ્પ ફાઇબરનો ઉપયોગ કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, કાગળ, બાયોફ્યુઅલ અને વ્યક્તિગત સંભાળ ઉત્પાદનોમાં થાય છે. Food Safety and Standards (Food Products Standards and Food Additives) Regulationsએ પણ તાજેતરના સુધારાને પગલે હેમ્પના બીજ અને તેના ઉત્પાદનોને ખાદ્ય પદાર્થ તરીકે માન્યતા આપી છે.

વર્ષ 2018માં, ઉત્તરાખંડ દેશનું પહેલું એવું રાજ્ય બન્યુ, જ્યાં ભાંગની વ્યાવસાયિક ખેતીને મંજૂરી આપવામાં આવી છે.  નમ્રતા કહે છે કે ઉત્તરાખંડના ખેડૂતોએ પણ હેમ્પની ખેતી માટે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી લાયસન્સ લેવું પડશે.

હેમ્પ ફાઇબર તૈયાર કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે. આ એક લાંબી પ્રક્રિયા છે, મોટાભાગના ખેડૂતો પાસે આ સુવિધા નથી. તેથી તેઓ હેમ્પના દાણા કાઢીને ફેંકી દે છે. પરંતુ નમ્રતા અને ગૌરવે આ જ કચરાનો ઉપયોગ કરીને ફાઈબર બનાવ્યું. તેમણે ફાઈબર બનાવવા માટે એક નાનું પ્રોસેસિંગ યુનિટ પણ બનાવ્યું છે.

Hemp Fiber Products

આ પણ વાંચો: પ્લાસ્ટિકના કચરામાંથી લોકોને ઉપયોગી વસ્તુઓ બનાવી આપે છે વડોદરાના ભાઈઓ, કચરો આપો વસ્તુ લઈ જાઓ

પાણીનો ઉપયોગ કર્યા વિના ફાઇબર બનાવ્યુ

નમ્રતા કહે છે, “અમે એક એવું મશીન બનાવ્યું છે જે પાણીનો ઉપયોગ કર્યા વિના ફાઇબર બનાવે છે. આમાં, અમે હેમ્પના છોડને મશીનમાં મૂકીએ છીએ, પછી તેના રોલર્સ છોડની છાલને તોડી નાખે છે અને ફાઇબરને અલગ કરે છે. અમે આ મશીનનો ઉપયોગ હોમસ્ટે બનાવવા માટે લગભગ 3 ટન હેમ્પ ફાઇબર તૈયાર કરવા માટે કર્યો હતો.”

વર્ષ 2019માં, Gohemp Agroventuresએ ‘ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ’ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે દેશભરમાંથી 70 સ્પર્ધકોને પાછળ છોડીને ટોપ પાંચમાં સ્થાન મેળવ્યુ હતુ, જેમાં તેમને રૂ.2.5 લાખની ઈનામી રકમ પણ જીતી. આ ઉપરાંત, તેમને 2020માં નેપાળમાં Asian Hemp Summitમાં બેસ્ટ એન્ટરપ્રેન્યોરનો એવોર્ડ પણ મળ્યો છે.

જો તમે Gohemp Agroventures વિશે વિગતવાર જાણવા માંગતા હો, તો અહીં ક્લિક કરો. બીજી તરફ, હેમ્પમાંથી બનેલા તેમના બેસ્ટ ઈકો-સ્ટે (Hemp Eco-Stay)વિશે જાણવા માટે તમે તેમને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: પાટણના સિદ્ધપુરમાં આવેલ દાઉદી વોરાનાં 200 વર્ષ ઘરોનું આર્કિટેક્ચર આજે પણ છે આકર્ષણરૂપ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon