સોના ચાંદીના ધંધા સાથે સંકળાયેલા અને સમગ્ર જિંદગી અપરણિત રહીને બીજા લોકોની સુખાકારી માટે કામ કરવાના સંકલ્પ સાથે પોતાની જિંદગી ખપાવી દેનાર દાહોદ જિલ્લાના દેવગઢબારીયા નિકુંજદાદા સવારમાં મોર્નિંગ વોક કરવા નીકળે ત્યારે તેમને વારંવાર બારિયાના ઓકટ્રોય નાકા પાસેના ડુંગર પર કોઈ પુરુષના અવાજના મોટા હાકોટા સંભળાતા રહેતા પણ આછા અજવાળાને કારણે હાકોટા પાડનારને તેઓ જોઈ શકતા નહોતા, અને તેથી તેઓ મનમાં જ અંદાજ લગાવતા કે બારિયાના ડુંગરમાં અવારનવાર દીપડો કે વાઘ દેખાય છે, એટલે કોઈ જંગલી જનાવર જ હશે જેને જે તે વ્યક્તિ હાંકી કાઢવા માટે હાકોટા કરતો હશે. પણ એક દિવસ જયારે મોર્નિંગ વોકમાં તેમને થોડું મોડું થયું ત્યારે ફરી પાછા એ પુરુષના મોટા હાકોટા સંભળાયા. આછા અજવાળામાં તેમને ડુંગર પર નજર કરી તો દેખાયું કે આ તો કોઈ જંગલી જાનવર નથી પણ એક ફોરેસ્ટ ગાર્ડ હાથમાં ડંડો લઈને દસ-બાર છોકરા -છોકરીઓને ભગાડવા તેમની પાછળ દોડી રહ્યો છે, તેમને કઈ સમજાયું નહીં એટલે જાણવાની ઉત્સુકતા સાથે દોડી રહેલ છોકરા-છોકરીઓની પાછળ તેઓ પણ તે જ રસ્તે ગયા. આ નાની વયના છોકરા-છોકરીઓ નજીકના ઝુંપડાઓમાં ભરાઈ ગયા અને નિકુંજદાદા પણ પાછળ પાછળ તે જ ઝૂંપડામાં ગયા.
ઝૂંપડામાં આવેલ છોકરાઓ તથા તેમના વડીલોને દાદાએ સવાર સવારમાં નાના નાના છોકરા -છોકરીઓના ડુંગર પર જવાનું અને તેમની પાછળ કેમ ફોરેસ્ટ ગાર્ડ પડ્યો હતો તેનું કારણ પૂછ્યું, તો તેમના માં-બાપે જણાવ્યું કે, “શું કરીએ સાહેબ ,અમે ગરીબ છીએ અને અમને ઘઉં -ચોખા -દાળ તો ઘણા લોકો આપે છે પણ રસોઈ રાંધવા ગેસ કે કેરોસીન ક્યાંથી લાવીએ? માટે અમે છોકરાઓને બળતણના લાકડા લેવા વહેલી સવારે ડુંગર પર મોકલીએ છીએ. અને આ છોકરાઓ પણ ભણવાને બદલે આખો દિવસ નાની નાની ડાળખીઓ લાવી વેચીને વેફરનું પેકેટ લાવી તેનો નાસ્તો કરે છે અને પોતાનું પેટ ભરે છે. આથી દાદાને પણ લાગ્યું કે આપણા જેવા સામાન્ય માણસને પણ ગેસ કે કેરોસીન સહેલાઇથી મળતું નથી તો આ ગરીબોની તો વાત જ ક્યાં કરવી? તેમને જોયું કે તે ઝૂંપડામાં જ એક બાઈ બે ઈંટો વચ્ચે નાની નાની એક વેંત જેટલી લાકડાની ડાળખીઓ સળગાવીને એક તપેલીમાં એકલા પાણીની ચા બનાવી રહી હતી અને તે જ ક્ષણે તેમને વિચાર આવ્યો કે આ લોકોને જો રાંધેલું તૈયાર ભોજન મળે તો તેઓના છોકરાઓ ભણી શકે અને ધીમે ધીમે ગરીબાઈમાંથી બહાર નીકળી શકે.
આ પણ વાંચો: પત્નીની છેલ્લી ઇચ્છાને માન આપી વડોદરાના દિનેશભાઈ રોજ જમાડે છે 150 લોકોને
આ વિચાર લઈને ઘરે આવ્યા બાદ નિકુંજદાદાએ કાર્ય માટે થોડીક જગ્યાની અથવા નાના મકાનની ગામમાં તપાસ કરી, મોટા ભાગના લોકોએ અમારા ઘર આગળ ગરીબોની લાઈન લાગે તે અમને મંજુર નથી તેવું કહીને મકાન ભાડે આપ્યું નહીં. અંતે ગામમાં ચબુતરા પાસે એક નાનું પાકું મકાન પોતાના જ 12 લાખ રૂપિયાથી વેચાતું લઈને 2012 ના દશેરાના દિવસે વડોદરાના ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મોનાબહેન બહેન પટેલ અને મુંબઈના શ્રી ધવલભાઈ ગાંધીના વરદ હસ્તે ગ્રામજનોની હાજરીમાં એક દીપ પ્રગટાવીને “આહાર” નામ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટનના કાર્યક્રમમાં હાજર ગોધરા અન્નપૂર્ણા સંસ્થાએ તમામ રાંધવાના વાસણો તેમજ અન્ય દાતાઓએ મોટું અનુદાન આપવાનું જણાવ્યું. પરંતુ દાદાએ તેઓનો સૌનો આભાર માનીને જણાવ્યું કે આ યોજના હું મારા પોતાના પૈસાથી જ ચલાવવા માંગુ છું, મારે કોઈના ફાળાની જરૂર નથી.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા નિકુંજદાદાએ પોતાની સમગ્ર જિંદગીની એકદમ ખુલ્લા દિલે વાત કરી હતી અને તેમાંથી જ લીધેલ ‘આહાર’ નામના આ ભગીરથ કાર્યને દાદાએ કંઈ રીતે હાથમાં લીધું તે જાણ્યા પછી આગળની વાત હવે તેમના શબ્દોમાં જ માણીએ.

ટિફિન વ્યવસ્થાનો પ્રારંભ
2012 ના દશેરાના દિવસથી સર્વે કરેલ 27 ગરીબ લોકોને એક મોટર સાઈકલ ઉપર બે માણસ સાથે ચાર બરણીઓમાં અનુક્રમે દાળ -ભાત -શાક-રોટલી ભરીને ઘેર બેઠા રાંધેલું ભોજન આપવાનો અને તેમના બાળકોને ભણતા કરી ધીમે ધીમે ગરીબાઈમાંથી બહાર કાઢવાના પ્રયાસનો એક નાનકડો યજ્ઞ શરુ થયો. ચાર મહિનામાં જ લાભાર્થીઓની સંખ્યા વધીને 60 ને પાર થઇ ગઈ. પરિણામે જુદા જુદા એરિયામાં લાભાર્થીઓને ભોજન પહોંચાડવા માટે બાઇકના ત્રણ ફેરા કરવા પડતા હતા અને તેમાં સમય પણ વધુ જતો અને ઘણા લાભાર્થીઓને ભોજનના સમય વીતી ગયા પછી 3 વાગે ભોજન પહોંચાડાતું હતું તેટલું મોડું થઇ જતું. વળી કાચા રસ્તે ઝુંપડાઓમાં ભોજન આપવા જતા વારંવાર બાઇકને પંક્ચર પણ પડતું હતું. આ કારણે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે લોકો ઘરડા અને ચાલી ન શકતા હોય તેઓને જ ઘેર બેઠા ભોજન આપવામાં આવશે અને બાકીના જે લોકો ચાલી શકે છે તે લોકોએ ‘આહાર’ ના સ્થળે ભોજન લેવા આવવાનું રહેશે. ભોજન ‘આહાર’ ના સ્થળ ઉપર જ લેવાનું જણાવતા શરૂઆતમાં લાભાર્થીઓની સંખ્યા 60 થી ઘટીને 50 થઇ ગઈ, પણ બધાને નિયમિત પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળતા જરૂરિયાતવાળાઓ પોતાનો સંકોચ છોડીને લાભાર્થીઓની સંખ્યા એક વર્ષમાં 70 ને પાર કરી ગઈ. પછી અમારી નજરમાં આવ્યું કે, મોટાભાગના લાભાર્થીઓ પાસે ભોજન લેવા વાસણો ન હોઈ તેઓ પ્લાસ્ટિકની થેલીઓ લઈને આવતા હતા, તેમાં અમને ભોજન ભરવાની અને તેઓને લઇ જવાની તકલીફ પડતી હતી. ઘણી વખત તો ગરમ દાળ ભરતા પ્લાસ્ટિકની થેલી ફાટી જતી. પરિણામે અમને ભોજન ભરતા અનુકૂળતા રહે અને દરેક લાભાર્થી સલામત રીતે આપેલું ભોજન ઘરે લઇ જઈને જમી શકે તે માટે અમારા તરફથી દરેકને સ્ટેલનેસ સ્ટીલના ટિફિન મફત આપવામાં આવ્યા. ભોજનમાં દરરોજ પેટ ભરીને જમાય તે રીતે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચાર વસ્તુ જેવી કે દાળ-ભાત-શાક-રોટલી અપાતું અને દર રવિવારે પુરણપોળી કે કોઈ મીઠાઈ અપાતી. આમ 2012ના દશેરાથી 2014 ના જૂન મહિના એટલે કે 19 મહિના સુધીમાં અમે 21932 લાભાર્થીઓને મફત ટિફિન એક પણ પૈસો અનુદાનમ લીધા વગર આપવામાં આવ્યા. તે સિવાય મકાનના 12 લાખ ઉપરાંત બીજા 6,57,960/- રૂપિયા કરીને કુલ 18,57,960/- ખર્ચ્યા અને તે પણ કોઈનું પણ દાન લીધા વગર.
આ પણ વાંચો: 2 ફ્રી ટિફિનથી કરેલ શરૂઆત પહોંચી 1200 એ, જામનગરની સંસ્થા દરરોજ જમાડે છે જરૂરિતમંદોને
“આહાર રસોડામાં બનતા ભોજનની ગુણવત્તા અને સોડમ વાળી રસોઈ બનાવવનું તમામ શ્રેય અમારા રસોડામાં કામ કરતી બહેનોને જાય છે” તેમ કહેતા નીકુંજ દાદા આગળ કહે છે કે અહીંયા કામ કરતી મહિલાઓને પહેલેથી જ રસોઈ બનાવવા માટે જોઈએ તેટલું અનાજ -મસાલા વાપરવાની પુરેપુરી સ્વતંત્રતા આપેલ છે. રસોઈ બનાવવા માટે આહારના રસોડામાં શાક સમારવાનું, લોટ બાંધવાનું તથા રોટલી વણવાના મશીન છે. રોટલી શેકવાના મશીનમાં પુષ્કળ ગેસ વપરાતો હોઈ રોટલી શેકવાના મશીનનો ઉપયોગ કરતા નથી. રોજ 150 જેટલા લાભાર્થીઓને માટે દાળ, ભાત,શાક, રોટલીમાં સૌથી વધારે સમય રોટલીઓ અને પૂરીઓ બનાવવામાં જાય છે. મશીનમાં લોટ બંધાય પછી ગુલ્લા હાથે બનાવવા પડે છે. અને રોટલી મશીનમાં વણાયા પછી મોટી જાળી ઉપર શેકવાની અને બાદમાં ઘી ચોપડવાનું હોય છે. રસોઈ બનાવવા માટે આહારમાં 5 બહેનો તેમની સેવાઓ આપી રહી છે અને કોઈ બહેન રજા ઉપર જાય તો રસોઈમાં વિલંબ ના થાય તે માટે એક બહેન સ્પેરમાં રાખેલ છે. કુલ છ બહેનોમાં (1) લીલાબેન બારીયા (2) અનિતાબેન બારીયા (3) અરુણાબેન રાઠોડ (4) નિલેશ્વરીબેન વલવાઈ (5) નયનાબેન બારીયા અને (6) અંજનાબેન કડિયાનો સમાવેશ થાય છે.

ગામ લોકોની ટીકા અને ટ્રસ્ટનો પ્રારંભ
આટલા પૈસા ખર્ચ્યા પછી પણ ગામના કેટલાક લોકોની પહેલી ટીકા એ આવી કે આ સોની પોતાની દુકાનમાં ઘરાકોને છેતરીને પૈસા કમાય છે અને પછી તે જ લોકોને મફત જમાડે છે, તેમાં શુ ધાડ મારે છે? પરંતુ તેમણે દુનિયાની આ બાબતને દર વખતે હસી કાઢી.
“આ 19 મહિના દરમ્યાન ઘણા શુભેચ્છકો અમને અનુદાન આપવા આવેલ પણ અમે આ અમારી પોતાની જ યોજના છે તેમ જણાવી કોઈનું અનુદાન સ્વીકારેલ નહિ. અંતે ગામના પ્રતિષ્ઠિત માણસોનું એક મંડળ અમારી પાસે આવ્યું તેમનું અનુદાન બિનશરતી સ્વીકારવાનો મને ખુબ આગ્રહ કર્યો. તેઓના આગ્રહને વિનંતીને માન આપીને મેં જણાવ્યું કે આપણે પહેલા ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવી લઈએ પછીથી તમારું અનુદાન બિનશરતી સ્વીકારી શકીશું.”
આખરે ગામના અગ્રગણીઓની વિનંતી ને કારણે બિન શરતી અનુદાન સ્વીકારવા માટે 30 મી જૂન 2014 ના રોજ વિધિવત આહાર ચેરીટેબલ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવ્યું. ટ્રસ્ટીઓમાં સિંધરોટ શ્રમ મંદિરના સંચાલિકા ડૉક્ટર દેવીબેન નારીચાણીયા, વડોદરાના ઉદ્યોગપતિ અને સામાજિક સેવિકા મોનાબેન પટેલ, વડોદરાના ટેક્ષટાઈલ એન્જીનીયર અને સામાજિક કાર્યકર શ્રી જયેશભાઇ દવે, રંજીતનગરના સામાજિક કાર્યકર શ્રી હર્ષદભાઈ પંચાલ બધાજ બહારગામના છે. પણ એક જ ટ્રસ્ટી શ્રી રજનીકાંત શંકરલાલ પરીખએ દેવગઢ બારીયા ગામના.

એક રસપ્રદ કિસ્સો
ગામના એક જ ટ્રસ્ટી શ્રી રજનીકાંત પરીખને લેવાનું એક અનોખું કારણ છે. “આપણને સૌ ગ્રામવાસીઓને યાદ હશે કે આજથી દસ-પંદર વર્ષ પહેલા ગામમાં દેવીપૂજક કોમના લોકો એટલા બધા ગરીબ હતા કે રોજ સંધ્યાકાળે ગામની શેરીઓમાં ‘ આપો બા, આપો બા, નામની બૂમો પાડીને ભીખ માંગતા હતા, તે લોકોની આર્થિક સ્થિતિ એ વખતે એટલી બધી ખરાબ હતી કે ગામની વાડીમાં કોઈનું ભોજન હોય તો, તે લોકો બધાના જમી લીધેલા પતરાળા બહાર ફેંકાય તેની રાહ જોતા અને તેમાંથી વધેલો એઠવાડો ખાવા માટે વાડીની બહાર ટોળે ટોળા ઉભા રહેતા અને રીતસર એઠવાડો લેવા લૂંટમલુંટ કરતા હતા.આ દ્રશ્ય ગામના ઘણા લોકોએ નજરોનજર જોયેલું હશે અને આ દ્રશ્ય મેં જોતા મારા મનમાં કંપારી છૂટી ગયેલ અને મેં દેવગઢ બારિયામાં રહેતા 350 જેટલા આ કોમના લોકોને એક વખત વાડીમાં જ ભરપેટ ખવડાવવાનું નક્કી કરેલ. આ માટે તે જ સમાજના આગેવાનો સાથે મેં તેઓને જમાડવા માટે મિટિંગ કરી. શરૂઆતમાં તો તેઓએ મારી વાત હસવામાં કાઢી નાખી, અને મને કહ્યું કે રહેવાદોને સાહેબ આ રીતે અમને કોઈ જમાડતું હશે? મિટિંગમાં તેઓની મરજી મુજબ મિસ્ટાન અને ફરસાણ સાથેનું મેનુ અને જમણવારની તારીખ નક્કી કરી, ઉપરાંત જમણવારના દિવસે સૌ સ્નાન કરીને ચોખ્ખા થઈને આવે તે માટે જરૂરી સાબુ-પાવડર-વગેરે આપ્યા. અને કોઈ દારૂ પીને ના આવે તેની જવાબદારી તેઓને સોંપી. બધું જ નક્કી થઇ ગયું. પણ મને ગામમાં કોઈએ વાડી ભાડે ના આપી. દરેક વાડીવાળાઓએ કહ્યું કે જમાડવા માટે અમે વાડી નહીં આપી શકીએ. મેં ઘણી વિનંતી કરી કે મારે વાડીના વાસણો નથી જોઈતા ફક્ત વાડીનો હોલ -રૂમ જોઈએ છે. છતાં પણ મને સ્પષ્ટ જણાવાયું કે જમાડવા માટે વાડી નહીં મળે. આખરે મેં શ્રી રજનીભાઈ પરીખને મળીને વિનંતી કરી કે મારે આ દિવસે 350 લોકોને જમાડવા માટે તમારી વાડી ભાડે જોઈએ છે. શ્રી રજનીભાઈએ એક પળનો પણ વિલંબ કર્યા વગર કીધું કે મળી જશે. મેં એમને સામેથી કહયું કે મારે 350 દેવીપુજકને જમાડવા માટે વાડી ભાડે જોઈએ છે, માટે તમે તમારી જ્ઞાતિના માણસોને પૂછી જુઓ નહીતો મારે લીધે તમને ઠપકો મળશે . ત્યારે રજનીભાઇ મને કહ્યું કે નિકુંજભાઈ જમાડીને તમેં સારું કામ કરી રહ્યા છો, મારી જ્ઞાતિમાંથી કોઈ મને કહેશે તો હું રાજીનામુ આપી દઈશ. અને હા આ સારા કામ માટે હું બિલકુલ મફત વાડી આપું છું. મારે કોઈ ભાડું પણ જોઈતું નથી. અને એટલા માટે જ ગામના તે એક જ ટ્રસ્ટી રાખેલ છે.”

આહારનો સ્ટાફ કામગીરી અને પગાર
રસોઈની બહેનોનો રોજનો સમય સવારે 7 થી 12 સુધીનો છે, ઉપરાંત જયારે મીઠાઈ કે અન્ય વસ્તુ બનાવવાનું હોય તો બપોરે 2 થી 5 પણ ફરજ બજાવવી પડે છે. તેઓની કામગીરીમાં દરરોજ 150 માણસો માટે દાળ, ભાત, શાક,રોટલી, કોઈક વખત ફરસાણ તથા લાડવા કે મીઠાઈ બનાવવી, અનાજ-શાકભાજી -વાસણ સાફસૂફી- સૌ લાભાર્થીઓના ટિફિન ભરવાની તથા સંપૂર્ણં રસોડું ચોખ્ખું રાખવાની જવાબદારી છે. અને દરરોજ એક બીજાના કામ બદલવાની રોટેશન પદ્ધતિ રાખેલ છે, જેથી રસોડાના તમામ કામનો દરેકને અનુભવ થાય. આ દરેક બહેનોને હાલમાં રૂપિયા 5000/- માસિક માનદ વેતન આપવામાં આવે છે. ઉપરાંત આહારના લાભાર્થીને મળતા તમામ લાભ પણ આપવામાં આવે છે. આ 6 બહેનોમાંથી ચાર બહેનો વિધવા છે. અને સૌ બહેનો આહાર થકી રોજી મેળવી રહી છે.
આ પણ વાંચો: ઊંઝાની આ સંસ્થા અનોખી જ રીતે કરે છે સેવા, આત્મનિર્ભર બની મફત જમાડે છે રોજ 100 લોકોને
ઉંમરને કે અપંગતાને કારણે જે લોકો ટિફિન લેવા આવી ન શકતા હોય અને તેમના ઘરમાં બીજું કોઈ સભ્ય ન હોય તેવા હાલમાં 9 લાભાર્થીને દરરોજ સ્વ.હસમુખલાલ ગુલાબચંદ મોદી અને સ્વ.સરોજબેન હસમુખલાલ મોદી દેવગઢ બારીયા તરફથી આહારને ભેટમાં મળેલ ઇલેક્ટ્રિક રીક્ષામાં ટિફિન ઘેર બેઠા પહોંચાડવામાં આવે છે. ઉપરાંત લાભાર્થીના ઘરમાં કોઈનું અવસાન થયું હોય અને તેના કારણે અન્ય સભ્યોને ઘરની બહાર ના નીકળી શકાય તેવું હોય તો તેઓની મહિના સુધી ટિફિનની રજા પડે છે પણ આવા દુઃખદ સમયે તેમની મંજૂરી લઇ અમે સામેથી એક મહિના સુધી તેઓને પણ ઘેરબેઠા ટિફિન પહોંચાડીએ છીએ. આ ટિફિન પહોંચાડવા માટે બે વ્યક્તિઓનો સ્ટાફ છે.

બીજો એક રસપ્રદ કિસ્સો યાદ કરતાં તેઓ કહે છે,
“શ્રી શનાભાઈ નાયક, તેઓ દેવગઢ બારિયાના ઘાટી ફળિયામાં રહે છે, અને રક્તપિત્તના કારણે તેમના એક પગમાં ખુબજ સડો થઇ ગયેલો અને પોતે જરાય ચાલી સકતા ન હતા.અને ઘણા સમયથી કોહવાઈ ગયેલ પગને કારણે ઘરે જ બેસી રહેતા હતા. કોઈએ અમને જાણ કરતા અમે સામેથી તેમની ઘરે મુલાકાત લીધી. અને તાત્કાલિક વડોદરાના રક્તપિત્તના દવાખાને મોકલી તેઓના સડી ગયેલા પગને કપાવીને નવો આર્ટિફિશિયલ જયપુરી પગ એક પણ પૈસો લીધા વગર બેસાડી આપ્યો. ત્યારબાદ તેમને રીક્ષા ચલાવતા શીખવી રોજી રળતા કરી દીધા. વર્ષોથી પોતાની અપંગતાને લીધે ઘરમાં જ બેસી રહેતા શનાભાઇને બહારની દુનિયા જોવા મળતા તેઓ આજે પોતાની પત્ની અને બાળકો સાથે ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે. આહારની ઇલેક્ટ્રિક રિક્ષાની તમામ જવાબદારી જેવી કે રિક્ષાની સાફસૂફી, સમયે સમયે ચાર્જિંગ કરવી, બજારમાંથી રસોડાને લાગતો સમાન લાવવો તથા ટિફિન ઘરે ઘરે પહોંચાડવાનાં, તે બધી જ જવાબદારી તેઓ આજે ખુશી-ખુશી નિભાવે છે. તેઓના કામનો સમય સવારે 7 થી 1 વાગ્યા સુધીનો અને તેઓનું માસિક માનદ મહેનતાણું રૂપિયા 4000/- તથા આહારના લાભાર્થીને મળતા તમામ લાભો મેળવે છે. લોકડાઉનના સમયમાં તેઓએ સર્વે ગ્રામવાસીઓ ઘેર બેઠા દૂધ-દહીં પહોંચાડવા વધારાનું વેતન લીધા વગર સતત કામ કરેલ. આમ વૃધ્ધો અને અપંગોને ઘેર બેઠા ટિફિન પહોંચાડી એક અપંગ ‘આહાર’ દ્વારા રોજી મેળવીને ખુદદારીથી જીવન જીવી રહ્યો છે.
તો શ્રી ભરતભાઈ સુતરીયા, સુથારવાડામાં એકલા રહેતા શ્રી ભરતભાઈ સુતરીયા એ વર્ષોથી આહારના તમામ કાર્યોમાં કોઈપણ જાતની અપેક્ષા વગર સદાય રહેતા અને કોઈપણ જાતનું વેતન નહીં સ્વીકારતા કાર્યકર છે.
આ સિવાય તેમનાં ધર્મપત્ની મેઘાબેન સોની અને ભત્રીનો અનીશ પણ અહીં સેવા આપે છે. જેઓ નીચે મુજબની ફરજો હોંશે-હોંશે નિભાવે છે.
(1) આહારના સમગ્ર રસોડાનું સંચાલન જેવુ કે રસોઈ બનાવવા માટે રોજે રોજ મેનુ પ્રમાણે કાચું શાકભાજી, મીઠાઈ -ફ્રૂટ -ફરસાણ, ગેસના બોટલ વગેરે સમયસર લાવવું, રસોડાના બોર્ડ ઉપર દાતાનું નામ અને ભોજનનું મેન્યુ લખવું, સોડામાં ટિફિન ભરવા તથા રસોડાની સાફસૂફી પર ધ્યાન આપવું.
(2) આહાર મફત પ્રાથમિક કેન્દ્રમાં જરૂરિયાતની દવાઓ સમયસર મંગાવવી.
(3) આહારનો તમામ હિસાબ, જેમ કે દાતાએ નોંધાવેલ ભોજનની ડાયરીમાં નોંધ કરવી, અને તે મુજબ રસોડામાં વસ્તુઓ લાવવી, દાતાએ આપેલ દાનની કોમ્પ્યુટરમાં પહોંચ બનાવી આપવી, તથા આહારના તમામ આવક ખર્ચના હિસાબો રોજના રોજ કોમ્પ્યુટરમાં નોંધ કરવા, બેન્કના તમામ કામકાજ જેવા કે ચેક ભરવા, પેમેન્ટ કરવું ઉપરાંત રોજે રોજના ભોજન સંખ્યા, મેન્યુ સાથે ફેસબુકમાં અપલોડ કરવા. અને દર મહિનાના અંતે આહારના તેમજ ક્લિનિકના હિસાબો પણ નિયમિત ફેસબુકમાં અપલોડ કરવા. તેમને સવારે આહારના કામકાજમાં અને બપોરે કોમ્પ્યૂટરની કામગીરી કરવાની હોય છે, અને ત્યાર પછી પણ બહારથી આવતા અનાજ અને શાકભાજી માટે સાંજે ફરજ બજાવવી પડે.
આ પણ વાંચો: આ કૉલેજીયન યુવાન જન્મદિવસ ઉજવે છે ગરીબ બાળકો સાથે, મૂવી, પિકનિકથી લઈને પિઝા બધુ જ
આ તમામ કાર્ય માટે હાલમાં તેમને પણ રસોડાના સ્ટાફ જેટલું જ માસિક રૂપિયા 5000/- વેતન આપવામાં આવે છે. અને તેઓ બન્ને પોતાનું વેતન પણ આહારની ગરીબ છોકરીના લગ્ન પ્રસંગે તેણીને જોઈતા કપડાં-ચાંદીના ઝાંઝર કે અન્ય જરૂરી વસ્તુઓ રૂપે પાછું આપે છે. આમ આહારના રસોડાના – 6 લોકો, ટીફિન માટેના – 2 દવાખાનાના – 1 અને મેનેજમેન્ટમાં ઘરના 2 થઈને કુલ 11 જણનો સ્ટાફ છે, અને સૌનો મળીને કુલ 41,500/- નો માસિક પગાર ચૂકવાય છે.

આહાર મફત પ્રાથમિક સારવાર કેન્દ્ર
66 વર્ષની ઉંમરે પણ ખૂબજ એક્ટિવ એવા નિકુંજદાદા આગળ જણાવે છે કે, “ચોમાસા દરમ્યાન બે-ચાર-છ કરતા ધીમે ધીમે દશ જેટલા લાભાર્થીઓ ટિફિન લેવા આવતા ઓછા થતા મને ચિંતા થતા એક સાંજે તેઓની ઝુંપડાઓમાં રૂબરૂ મુલાકાત લીધી. ટિફિન લેવા નહીં આવવાનું કારણ પૂછતાં તેઓએ જણાવ્યું કે સાહેબ અમે બીમાર છીએ એટલે ટિફિન લેવા નથી આવતા. મેં કહ્યું કે બીમાર છો તો દવાખાને જઈને સારવાર કરાવો અને દવા લઇ આવો. તો તેઓના જવાબે ફરી મને વિચલિત કરી દીધો. તેઓએ મને કહ્યું કે સાહેબ દવાખાને જવા માટે ટાવર ઉપર રીક્ષા લેવા જવું પડે તેના 50/- રૂપિયા થાય અને દવાખાનાના પૈસા જુદા થાય. 200 થી 300 રૂપિયા હોય તો દવાખાને જવાય.અમે ગરીબ માણસો પૈસા ક્યાંથી લાવીએ માટે અમે અહીંના ઝૂંપડાંવાળાઓએ નક્કી કરેલ છે કે એક સાથે 10 થી 15 માણસો બીમાર પડે ત્યારે ભેગા થઈને છકડો બોલાવીને તેમાં બેસીને સારવાર માટે દવાખાને જઈએ છીએ.” લાગણીવશ થઇ દાદા કહે છે કે, કેટલી ગરીબાઈ અને મજબૂરી કે બીમાર પડે તો સારવાર કરાવા માટે પણ બીજાઓ બીમાર પડે તેની રાહ જોવી પડે.
આ વાત તેમને સોશિયલ મીડિયામાં અપલોડ કરતા મૂળ બારિયાના અને હાલમાં શિકાગો-અમેરિકામાં રહેતા શ્રી શૈલેષભાઇ શાહે વાંચી. તેમનું હૃદય વતનના ગરીબોની સ્થિતિ જાણી હચમચી ગયું. તેમનો તાત્કાલિક ફોન આવ્યો કે નિકુંજભાઈ તમે આ ગરીબ લોકો માટે તેમનાજ ઝુંપડાઓના વિસ્તારમાં એક મફત સારવાર કેદ્ર ચાલુ કરો. તે માટે સૌ પ્રથમ હું મારા એક લાખ રૂપિયા મોકલું છું અને એની પણ ખાતરી આપુ છું કે આ દવાખાનાનો તમામ ખર્ચો દર વર્ષે હું તમને મોકલી આપીશ.
શ્રી શૈલેષભાઇ એ તરત એક લાખ રૂપિયા અને સાથે દવાખાનામાં પ્રાથમિક સારવારમાં ઉપયોગી એવા નવી ટેક્નોલોજીના સાધનો જેવા કે-લાઈટ વેટ સ્ટેથેસકોપ -ફિંગર પલ્સ ઓક્સિમીટર અને થર્મોમીટર અમેરિકાથી મોકલી આપ્યા, નાયકવાડાના કાઉન્સિલર શ્રી દિલીપભાઈ નાયકે દવાખાનું શરુ કરવા માટે પોતાના ઘરનો એક પાકો -લાઈટ ફીટીંગ સાથેનો રૂમ વગર ભાડે ‘આહાર’ ને આપ્યો, અને બારીયાના હોમિયોપેથીક ડોક્ટર અરુણાબેન બારીયા એ પણ માનદ સેવા આપવાનું જણાવ્યું વળી બારીયાની પરફેક્ટ લેબોરેટરીના શ્રી નિમેંશભાઈ સોનીએ આહારના કોઈપણ બીમાર દરદીને કોઈપણ રિપોર્ટ બિલકુલ મફત કાઢી આપવાનું કહ્યું આમ સૌના સહયોગથી 11 મી જૂન 2017 ના રોજ દેવગઢ બારીયા નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચાર્મીબેન સોનીના વરદ નાયકવાડામાં “આહાર મફત પ્રાથમિક સારવાર કેન્દ્ર ” નું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સારવાર કેદ્રમાં કોઈની પણ પાસે એક પણ પૈસો લેવાતો ન હોઈ બધા માટે તે આશીર્વાદ સમાન છે. આ આહાર મફત પ્રાથમિક સારવાર કેન્દ્ર દેવગઢ બારીયા નગરપાલિકાની પાછળના ભાગમાં નાયકવાડામાં આવેલ છે અને રવિવાર સિવાય રોજ સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6 તમામ લોકો માટે ખુલ્લું રહે છે.
આહાર મફત પ્રાથમિક સારવાર કેન્દ્રના હોમિયોપેથીક ડૉક્ટર શ્રીમતી અરુણાબેન બારીયા હાલમાં બહાર હોઈ તેને બદલે રેણુકાબેન પટેલ, કે જેઓએ નર્સિંગનો કોર્સ કરેલ છે અને આઠ વરસનો અનુભવ ધરાવે છે, તેઓ હાલમાં તે દવાખાનું સંભાળી રહ્યા છે. તેમની કાર્યવહીમાં સમગ્ર દવાખાનાનો વહીવટ દર્દીની પ્રાથમિક સારવાર, તેઓનું નામ સાથેનું લિસ્ટ, જરૂરી રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલવા તથા ખૂટતી દવાઓ અમને જાણ કરી મંગાવવાની હોય છે. તેઓનો દવાખાનાનો સમય સવારે 9 થી 12 અને સાંજે 4 થીં 6 હોય છે, રવિવારે દવાખાનું બંધ હોય છે, આ માટે તેમને માસિક રૂપિયા 6000/- નું વેતન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 31,500 ગરીબ લોકો આહારના મફત પ્રાથમિક સારવાર કેન્દ્રનો લાભ લઇ ચુક્યા છે, જે ખુબ આનંદની વાત છે.

છેલ્લે દાદા કહે છે કે, પહેલા લાભાર્થીઓને બપોરે 12-30 કલાકે ટીફિન અપાતું હતું, તેમાં તેમના બાળકો જમ્યા વગર સ્કૂલે જતાં હતા અને જે તે સ્કૂલમાં મધ્યાહન ભોજન પર મદાર રાખતા હતા માટે આ તમામ રસોઈ બનાવતી બહેનોને સવારે 7 વાગે રસોઈ બનાવવા બોલાવવામાં આવે છે, અને લાભાર્થીઓને સવારે 10 કલાકે ટીફિન આપીએ છીએ જેથી તેમના બાળકો શુધ્ધ અને પૌષ્ટિક ભોજન સમયસર જમી સ્કૂલે જઈ શકે અને “આહાર” શરુ કરવાના મૂળ ઉદ્દેશને પણ સાચવી શકે.
આ સિવાય આહાર બીજા ઘણા વિવિધ સેવાકીય કર્યો પણ કરે છે જેમકે જરૂરિયાતમંદ લોકોને મકાન બનાવી એવું. જર્જરિત શાળાનું રીનોવેશન, મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે સિલાઈ મશીનોનું વિતરણ વગેરે.
જો તમે પણ આહારમાં તમારું યોગદાન આપવા ઈચ્છતા હોવ તો નિકુંજ દાદાનો સંપર્ક +919925501842 નંબર દ્વારા કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: Best Of 2021: 5 ગુજરાતીઓ, જેઓ આજના સમયમાં પણ મહેકાવે છે માનવતાની મહેક
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.