Search Icon
Nav Arrow
Ahmedabadi Biryani
Ahmedabadi Biryani

‘અહેમદાબાદી બિરયાની’ એક બ્રાન્ડ બને તે માટે શિહાબ શેખ અને ફલકનાઝ શેખે રાત-દિવસ જોયા વિના કામ કર્યું છે

હૈદરાબાદી અને લખનવી બિરયાની તો ખાધી જ હશે, પરંતુ આ દંપતિએ લોકોને દિવાના કર્યા અહેમદાબાદી બિરયાનીના

શિહાબ શેખ એડવર્ટાઈઝીંગ અને બ્રાન્ડ કમ્યુનિકેશનના માણસ છે અને એક એન્ટરપ્રેન્યોર છે. તેઓ મૂળ હિંમતનગરના છે અને હાલ અમદાવાદમાં રહે છે. તેમણે ગ્રેજ્યુએશન કર્યા બાદ બેંગ્લોરમાં માર્કેટિંગ વિષય સાથે પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમાનો કોર્સ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક જાપાનીઝ એજન્સીમાં ટ્રેઈની તરીકે કાર્યાનુભવ લીધો. ત્યારબાદ મુંબઈમાં કોર્પોરેટ ફિલ્ડમાં કામ કર્યું ત્યાંથી તક મળતા દુબઈ ગયા અને ત્યાંની એજન્સીમાં એક વર્ષ સુધી કામ કર્યું. વર્ષ 2008માં વૈશ્વિક મંદી આવતા તેઓ ભારત પરત ફર્યા અને અહીં આવીને તેમણે રીફલેક્ટ મીડિયા નામે એજન્સીની શરૂઆત કરી. આ એજન્સીના માધ્યમથી તેઓ આઉટડોર અને ડિજીટલ એમ બન્ને પ્રકારનાં બ્રાન્ડિંગનું કામ કરતા.

Shekh Couple
Shekh Couple

શિહાબ શેખ અને તેમના પત્ની ફલકનાઝ શેખ ફૂડને લગતું સ્ટાર્ટઅપ કરવા માંગતા હતા. તેઓ અમદાવાદમાં રહેતા હોવાથી ત્યાં જે ભટીયારા કમ્યૂનિટી વર્ષોથી પરંપરાગત બિરીયાની બનાવતી હતી તે વિશે જાણતા હતા. ભટીયારા કમ્યૂનિટીના લોકો શુભપ્રસંગોમાં ખાસ પ્રકારની બિરીયાની બનાવતા જેને તેઓ દમ બિરયાની કહે છે. જે એક મોટી દેગમાં બનાવવામાં આવે છે અને તે બનાવતા ત્રણ ચાર કલાક ઓછામાં ઓછા થાય છે. હૈદરાબાદી બિરયાની અને લખનવી બિરયાની આપણા દેશમાં જાણીતી છે. શેખ દંપતીને લાગ્યું કે અમદાવાદમાં ભટિયારા કમ્યુનિટી પરંપરાગત રીતે વર્ષોથી જે બિરયાની બનાવે છે તે અન્ય બિરયાનીઓ કરતાં અલગ અને સ્વાદિષ્ટ છે. પણ તે અન્ય બિરયાનીઓ જેટલી જાણીતી નથી. તેમને લાગ્યું કે, દમ બિરયાનીને અમદાવાદની બ્રાન્ડ તરીકે પ્રમોટ કરવાની જરૂર છે. વળી અમદાવાદની જ ભટિયારા કમ્યૂનિટી દમ બિરયાની બનાવતી હોવા છતાં સૌ કોઈ તેનાથી પરિચિત નહોતું. આ બિરયાની અમદાવાદમાં બનતી હોવાથી તેનો ‘અહેમદાબાદી બિરયાની’ તરીકે પ્રચાર-પ્રસાર કરવાનું શિહાબ શેખ અને ફલકનાઝે નક્કી કર્યું.

Ahmedabadi Biryani

વર્ષ 2017માં સ્ટાર્ટઅપ વિશે વિચારવાનું શરૂ કર્યું. વર્ષ 2018માં અમદાવાદમાં ‘રોલિન્ગ પ્લેટ્સ’ નામે સ્ટાર્ટઅપની શરૂઆત કરી. જેમાં શિહાબ સબ્બિર શેખ તથા તેમના પત્ની ફલકનાઝ શિહાબ શેખ કો-ફાઉન્ડર છે. તેઓ બન્ને દમ બિરયાની જાતે બનાવતા શીખ્યા અને તેની રેસીપીનું રજીસ્ટ્રેશન કરાવીને ‘અહેમદાબાદી બિરયાની’ નામ આપ્યું. શરૂઆતમાં બિરયાનીનું નાનુ આઉટલેટ શરૂ કર્યું. ઘરેથી બિરયાની બનાવતા અને આઉટલેટ પરથી ડિલીવરી બોય પાર્સલ લઈ જતા. સમય જતાં એક કિચન લઈ લીધું. ત્યાંથી બિરયાની બનીને આઉટલેટ પર આવી જાય અને ત્યાંથી સ્વીગી અને ઝોમેટો દ્વારા ગ્રાહકો સુધી પહોંચતી. તે સમયે ‘સ્વીગી’ અને ‘ઝોમેટો’ અમદાવાદમાં નવા હતા અને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ હતો. અમુક સમય બાદ અમદાવાદની ઓનલાઈન ફૂડ ડિલીવરી માર્કેટમાં ‘ઉબર ઈટ્સ’નો પ્રવેશ થયો. વીસ બિરયાનીના ઓર્ડરથી જે સ્ટાર્ટઅપ શરૂ થયું હતું તેણે વેજલપુર (અમદાવાદનો એક વિસ્તાર)માં આઉટલેટ શરૂ કર્યાના ત્રણ મહિનામાં વર્ષ 2019ના માર્ચમાં એક દિવસે 300 બિરયાનીનું વેચાણ કર્યું હતું. જેને શિહાબ અને ફલકનાઝ તેમની સ્ટાર્ટઅપ જર્નીનો માઈલસ્ટોન ગણે છે. શિહાબ શેખ કહે છે કે,‘ઉબર ઈટ્સમાં તે સમયે બિરયાની સેગમેન્ટમાં ‘અહેમદાબાદી બિરયાની’ નંબર વન પર હતી. પેઈડ પ્રમોશનના નામે ફૂડ પ્રોવાઈડર પાસેથી પૈસા લેવાની પ્રથા ‘ઉબર ઈટ્સ’માં નહોતી, જે એક ખૂબ સારી બાબત હતી. દિવસની સો-સવાસો બિરયાની ફક્ત વીકડેય્ઝમાં ‘ઉબર ઈટ્સ’ પર વેચાવા લાગી હતી. રેસ્ટોરન્ટ તરફથી પણ બિરયાનીના જથ્થાબંધ ઓર્ડર આવવા લાગ્યા હતા. શરૂઆતમાં ચિકન બિરયાની અને વેજ બિરયાની બનાવતા. પછી અમે એગ બિરયાની તથા અન્ય અલગ અલગ વેરીઅન્ટ એડ કર્યા. ‘ઝોમેટો’ના ડેસ્કબોર્ડ પર અમુક લોકો એવા હતા જેમણે ચોવીસ વખત અમારી બિરયાની ઓર્ડર કરી હોય. બહુ સારો રીસ્પોન્સ મળવા લાગ્યો હતો.’

Rolling plates

આ દરેક તબક્કે ફલકનાઝ શેખનો ઉલ્લેખનીય ફાળો રહ્યો છે. શિહાબભાઈનું માનવું છે કે, તેઓ આજે જે કરી શક્યા છે તે તેમના પત્ની વિના શક્ય નહોતું. સ્ટાર્ટઅપ શરૂ કર્યા બાદ પણ શિહાબભાઈની કોર્પોરેટ જોબ ચાલુ હતી, એટલે તેઓ સવારે નવ વાગ્યે જાય અને ઘરે આવતા સાત-આઠ વાગી જતા. ઓફિસેથી આવીને ફ્રેશ થઈને શિહાબભાઈ આઉટલેટ પર પહોંચી જતા. શનિ-રવિની રજાઓમાં ઓર્ડર વધુ આવે એટલે ત્યારેપણ સતત કામમાં વ્યસ્ત રહેતા. ઘરની જવાબદારી, દિકરાની જવાબદારી અને સાથે બિરયાની બનાવવી અને શિહાબભાઈ આવે ત્યાં સુધી આઉટલેટ પરથી ઓપરેટ કરવા જેવી જવાબદારી ફલકનાઝ શેખ નિભાવતા રહ્યા. દરેક તબક્કે પતિ શિહાબ શેખ સાથે ખભેખભો મિલાવીને ફલકનાઝ શેખ ઉભા રહ્યા છે.

છ મહિના સુધી ન તો તેઓ ક્યાંય ફરવા ગયા કે ન તેમના પુત્રને ક્યાંય ફરવા લઈ જઈ શક્યા. વ્યક્તિ આટલો ભોગ ત્યારે જ આપી શકે જ્યારે પોતાના કાર્યમાં શ્રદ્ધા હોય. બાકી કોર્પોરેટ સેક્ટરમાં જોબ કરીને શનિ-રવિની રજામાં તેઓ પણ હરીફરી શક્યા હોત અને આરામથી રહી શક્યા હોત પરંતુ તેમણે સાહસ ખેડીને સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો. પેઈડ પ્રમોશન, પીઆર કે એડવર્ટાઈઝમેન્ટ માટે ફંડ નહોતું પરંતુ ઓર્ગેનિકલી ગ્રાહકો તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો હતો. ટ્રીપોટો નામના સોશિઅલ ટ્રાવેલ પ્લેટફોર્મે ભારતની ટોપ સેવન બિરયાનીમાં અહેમદાબાદી બિરયાનીને સ્થાન આપ્યું હતું. સોશિઅલ મીડિયા અને લિન્ક્ડઈન પર ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હોવાનું શિહાબભાઈ જણાવે છે.

Ahmedabadi Biryani

ધીમેધીમે લોકો જાણવા લાગ્યા હતા. જેમ જેમ ઓર્ડર વધવા લાગ્યા. બીજું એક આઉટલેટ લોગાર્ડનમાં શરૂ કર્યું. આ સિવાય મકરબામાં એક કિચન શરૂ કર્યું. જેઓ અમદાવાદની ભૂગોળથી પરિચિત નથી તેમને જણાવી દઈએ કે લોગાર્ડન અને મકરબા અમદાવાદના અલગ-અલગ વિસ્તારોના નામ છે. શેખ દંપતીને લાગ્યું કે, હવે સંઘર્ષના દિવસો ઓછા થતા જશે પણ ત્યાં જ 2020માં કોરોનાનો રોગચાળો ફાટી નીકળ્યો. પરીણામે લોકડાઉન લાદવામાં આવ્યું. પરીણામે ત્રણેય જગ્યાઓ ખાલી કરવી પડી કારણ કે ત્રણેય જગ્યાઓ ભાડે હતી. લોકડાઉનમાં ધંધો બંધ હતો એટલે ભાડાની રકમ નીકળે નહીં. તેઓ જે કંઈ કરી રહ્યા હતા તે પોતાના આર્થિક જોખમે કરી રહ્યા હતા. લોકડાઉન ખૂલ્યા બાદ વિવિધ રોકાણકારો સાથે ફંડિગ મામલે ચર્ચાઓ ચાલતી પણ કશુંક નક્કર ગોઠવાતુ નહીં.

બિરયાનીની રેસીપી રજીસ્ટર્ડ છે. હંમેશા એકસરખો ચોક્કસ પ્રકારનો ટેસ્ટ જળવાઈ રહે તે જરૂરી હોવાનું શિહાબભાઈ માને છે. અને એટલે જ તેઓ ફ્રેન્ચાઈઝી આપવા માંગતા નહોતા. કારણ કે તેમાં ચોક્કસ સ્વાદ ન આવે તો સરવાળે બ્રાન્ડને નુકશાન પહોંચે. શિહાબભાઈ જણાવે છે કે,‘આપણા અમદાવાદની બિરયાનીનું બ્રાન્ડિગ થાય તેની સાથે ઈમોશનલ કનેક્શન છે એટલે ધીમા છતાં સતત અને મક્કમ પ્રયત્નો કર્યા છે. વિષમ સંજોગોમાં પણ હાર માની નથી. ક્યારેક સંજોગો એટલા વિકટ થઈ જતા કે એમ થતું કે, છોડી દઈએ પણ મન માનતું નહીં.’ શિહાબભાઈ જાતે બિરયાની ડિલીવર કરવા ગયા હોય તેવા કિસ્સા પાર વિનાના છે. એક દિવસમાં ત્રણસો બિરયાનીના ઓર્ડર અને કોરોનાકાળ પછીના સમયમાં અઠવાડિયાની દોઢસોથી બસ્સો બિરયાનીના ઓર્ડર, આ સરખામણી જોઈને અંદાજો આવી જશે કે કેટલી અનિશ્ચિતતા છે. શિહાબ શેખનો જે અભ્યાસ અને અનુભવ છે તેને પરીણામે તેઓ એડવર્ટાઈઝિંગ કમ્યૂનિકેશન સ્કીલનો પ્રાયોગિક ધોરણે અમલ કરી શક્યા છે. આઈઆઈએમ, (અમદાવાદ)માં સેન્ટર ફોર ઈન્ટરપ્રેન્યોરશીપ એન્ડ ઈનોવેશન સેન્ટર ચાલે છે જે ‘ઇનોસિટી સ્ટાર્ટઅપ સ્કૂલ’ કરીને એક માર્ગદર્શક કાર્યક્રમ ચલાવે છે. જેમાં દર વર્ષે સ્ટાર્ટઅપ કરનારા 18થી 20 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે છે. આ વખતે તેમાં કોરાનાને કારણે 60 ઉદ્યોગસાહસિકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયિક સાહસ (સ્ટાર્ટઅપ)માં કઈ રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન આપવામાં આવે છે. તેની ફી પચીસ હજાર રૂપિયા હોય છે. આ માટે દેશભરમાંથી ઉદ્યોગસાહસિકો એપ્લાય કરતા હોય છે. જેમાં શિહાબ શેખની પસંદગી થઈ છે, ઉપરાંત તેઓને 90 ટકા શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. આ દસ વીકનો પ્રોગ્રામ હોય છે.

Ahmedabad

આ આખી વાતચીત અંત તરફ જઈ રહી હતી ત્યારે શિહાબભાઈએ જણાવ્યું કે, મકરબામાં 500 સ્કવેરફૂટનું કિચન લેવાનું વિચારી રહ્યા છીએ. સ્ટોરી સબમીટ થવાની તૈયારી હતી ત્યાં શિહાબભાઈનો ફોન આવે છે કે, એકાદ-બે દિવસમાં કશુંક નક્કર થાય તેવી શક્યતા છે. આ વાત થયાના બે દિવસમાં આઈ-હબ (ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ઈનિશિએટીવ) દ્વારા ‘રોલિંગ પ્લેટ્સ’ને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આઈ-હબ ઈન્ક્યુબેશન સેન્ટર દ્વારા ચાલતા ‘સ્ટાર્ટઅપ સૃજન પ્રોગ્રામ’ હેઠળ 300માંથી 38 ઉદ્યોગસાહસિકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં શિહાબ શેખનો સમાવેશ થાય છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ આઈ-હબ સાથે જોડાયેલ છે તેમના દ્વારા સ્ટાર્ટઅપ કરનારને દરેક પ્રકારની મદદ કરવામાં આવે છે. જેમાં સર્ટીફિકેશન, નિકાસ, ફોરેન એક્ઝીબિશન, લાયસન્સિંગ, ટ્રેડમાર્ક, ઈન્વેસ્ટર સાથે મિટિંગથી લઈને દરેક પ્રકારની મદદ ઉદ્યોગસાહસિકોને કરવામાં આવે છે. આ રીતે સ્ટાર્ટઅપ કરનારને ગુજરાત સરકાર પ્લેટફોર્મ પૂરૂ પાડી રહી છે. આઈ-હબનો મૂળ આશય છે, યુવા ઉદ્યોગસાહસિકોને દરેક પ્રકારે સહાય કરવી. જેથી તેઓ આત્મનિર્ભર બને અને યુવા સાહસિકોની પ્રતિભા ખીલે અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી શકે.

આ સ્ટોરી તમે વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં શિહાબ શેખ અને ફલકનાઝ શેખનું મકરબામાં કિચન ખૂલી ગયું હશે. વેબસાઈટ પર પણ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો, તો સ્વાદના શોખીનો રાહ શેની જોઈ રહ્યા છો?

આ પણ વાંચો: ડાંગની આદિવાસી મહિલાઓએ ભેગી થઈ શરૂ કર્યું નાહરી રેસ્ટોરેન્ટ, અહીં મળશે નાગલીના રોટલા સહિત અનેક પરંપરાગત વાનગીઓ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon