રિક્ષામાંથી ઉતરતાં મીટર જોઈ પૈસા કહેવાની જગ્યાએ ઉદયભાઈએ એક બોક્સ આપ્યું અને કહ્યું, “ખુશી-ખુશી તમારા પછી આવનાર ગ્રાહક માટે જે પણ આપવું હોય તે આમાં મૂકો.”
સાંભળી ખૂબજ આશ્ચર્ય થયું. પછી આ અંગે વાત કરતાં ‘અમદાવાદનો રિક્ષાવાળો’ તરીકે ઓળખાતા ઉદયભાઈએ કહ્યું, “મેં 2010 થી ‘અતિથિ દેવો ભવ:’ ની ભાવના અંતર્ગત આ કામ શરૂ કર્યું છે. પોતાના માટે તો બધાં જ જીવે છે, પરંતુ બીજાં માટે પરોપકારી જીવન જીવવું જોઈએ. જેના કારણે લોકો આપણી પાસેથી સારી ભાવના લઈને જાય.”

શરૂઆતમાં તકલીફ પણ પડી, પરંતુ કહેવાય છે ને કે, કઈંક સારું કરવાની ઇચ્છા હોય તો, રસ્તો પણ ચોક્કસથી મળી રહે છે. વધુમાં ઉમેરતાં ઉદયભાઈએ કહ્યું, “મારે ત્રણ બાળકો છે અને અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. આમ અમારા કુટુંબમાં કુલ 10 સભ્યો છે. એટલે આ રીતે પહેલ શરૂ કરવાથી સૌથી પહેલાં તો મારા ઘરનાં લોકોને ચિંતા હતી કે, કેવી રીતે ઘર ચાલશે. શરૂઆતમાં સંઘર્ષ પણ રહ્યો અને ગ્રાહકો પણ કહેતા કે, આ શું ગાંડા જેવો ધંધો શરૂ કર્યો છે? તમારે ઘરબાર છે કે નહીં?”

‘પે ફ્રોમ યૉર હાર્ટ’ પહેલ અંતર્ગત ગ્રાહક ઉતરે એટલે ઉદયભાઈ એક બોક્સ આપે છે અને ગ્રાહક તેમાં જે પણ પૈસા મૂકે તેની સામે જોયા પણ વગર ઉદયભાઈ ત્યાંથી નીકળી જાય છે. તો એક જૂનો અનુભવ વાગોળતાં ઉદયભાઈએ કહ્યું, “એકવાર એક ભાઈ મારી પાસે લૉ ગાર્ડન જવા માટે આવ્યા. મેં તેમને લૉ ગાર્ડન ઉતાર્યા અને બોક્સ આપ્યું. તો તેમણે આ અંગે પૂછતાં મેં મારી પહેલ અંગે પૂછ્યું તો સાંભળીને તેઓ બહુ ખુશ થઈ ગયા. પછી હું મારું બોક્સ લઈને ત્યાંથી નીકળી ગયો. ક્યારેય ગ્રાહક સામે હું બોક્સ નથી જોતો, કારણકે કોઈ તેમાં 5 રૂપિયા મૂકે તો કોઈ 50 મૂકે, તો કોઈ 500 મૂકે તો કોઈ ન પણ મૂકે, એટલે તેમની લાગણી ન દુભાય એટલે તે સમયે ક્યારેય બોક્સ નથી જોતો. હું ત્યાંથી નીકળીને પાલડી સુધી પહોંચી ગયો ત્યાં તે ગ્રાહકનો ફોન આવ્યો અને મને પાછા લૉ ગાર્ડન બોલાવ્યો. પહેલાં તો મને લાગ્યું કે, તેમનો કોઈ સામાન રહી ગયો હશે, પરંતુ તપાસતાં રિક્ષામાં કોઈજ સામાન નહોંતો. પરંતુ તેમણે બોલાવ્યો એટલે હું પાલડીથી પાછો લૉ ગાર્ડન ગયો. ત્યાં તેમણે કહ્યું કે, ઉદયભાઈ તમારું બોક્સ લાવો, તમે તેને જોયું? મારે પૈસા ચૂકવવાના બાકી છે. તો મેં કહ્યું, કઈં વાંધો નહીં સાહેબ. એટલે તેમણે કહ્યું કે, હું તો જોવા માંગતો હતો કે, તમારા ચહેરા પર કેવી લાગણી દેખાય છે. તો મેં કહ્યું કે, બસ ભગવાનના વિશ્વાસે કામ ચાલે રાખે છે. તો તેમણે કહ્યું, ખરેખર બહુ સારું કામ કરો છો. આજના જમાનામાં ઘણા લોકો એવા પણ હોય છે, જેમની પાસે ભાડું ન હોય, તેવા લોકો માટે આ બહુ સારું કહેવાય.”

ઉદયભાઈ વૃદ્ધો હોય, ગરીબ હોય તેમજ દિવ્યાંગ હોય તેવા પેસેન્જર પાસેથી પૈસા નથી લેતા. ગાંધી વિચારસરણી પર ચાલતા ઉદયભાઈ ખાદીનો ઝભ્ભો પહેરે છે હંમેશાં અને ગાંધી ટોપી પહેરે છે. તેમની રિક્ષામાં આગળ લખે છે, ‘Love All, સૌને પ્રેમ’ જેમાં તેમની સર્વધર્મ સમભાવની લાગણી દર્શાય છે. આ અંગે વધુમાં તેમણે જણાવ્યું, ” મારી રિક્ષામાં પેસેન્જર્સને અગવડ ન પડે એટલે પંખો પણ છે. ગ્રાહકોને પ્રેમ મળી રહે એ માટે, રિક્ષામાં ‘અક્ષયપાત્ર બોટલ’ છે, જેમાં હું મારી કમાણીમાંથી પણ કેટલોક હિસ્સો મૂકું છું અને કેટલાક ગ્રાહકો પણ અંદર મૂકે છે. જેમાંથી હું નાનાં બાળકોને ચોકલેટ આપું છું, બહુ નાનાં બાળકો હોય તો રમકડાં આપું છું રમવા. પછી તરસ્યા માટે પાણીની બોટલ્સ પણ રાખું છું. પહેલાં આ બોટલ્સ હું બઝારમાંથી પૈસાથી ખરીદતો હતો, પરંતુ બહેરામભાઈ મહેતા હમે આ બોટલ્સ આપે છે અને કહ્યું છે કે, હું જ્યાં સુધી આ સેવા ચાલું રાખીશ ત્યાં સુધી તેઓ પાણીની બોટલ્સ પણ આપશે. તો થોડો ઘણો નાસ્તો પણ રાખું છું. શરૂઆતમાં આ નાસ્તો બહારથી ખરીદીને રાખતો, પરંતુ હવે મારી પત્ની ઘરેથી જ નાસ્તો બનાવીને આપે છે. અંદર લાઈટ છે, સફાઈ અંગે લોકો જાગૄત થાય એ માટે અંદર સૂત્રો છે, રિક્ષાની પાછળ ટ્રાફિક અવેરનેસ અંગે સૂત્રો લખેલાં છે. રિક્ષામાં બેસતા પેસેન્જર્સનો સમય પસાર થાય એ માટે મિનિ લાઈબ્રેરી પણ છે અંદર જેમાં તેમને મેગેઝીન વગેરે વાંચવા મળી રહે. ઉદયભાઈની આ રિક્ષામાં તો એક કચરાપેટી પણ છે, જેથી રિક્ષામાં સ્વચ્છતા જળવાઈ રહે.”


અમદાવાદના પ્રવાસે આવતા વિદેશી મહેમાનો કે અન્ય મહેમાનોને ઉદયભાઈ ગાઈડની જેમ આખુ શહેર ફેરવે છે અને આપણા દેશના આતિથ્ય સંસ્કારની સંસ્કૃતિની ઝલક બતાવે છે.
આ સિવાય હું મારા વિસ્તારના ઘરડાઘરમાં, કાલુપુર રામરોટીમાં પણ સેવા આપું છું. જ્યાંથી મને સેવાની પ્રેરણા મળી. આજે જોતજોતામાં 10 વર્ષ થઈ ગયાં, અને તેમનું આ અભિયાન સતત ચાલું જ રહ્યું છે.

ભવિષ્યમાં ઉદયભાઈ આવી ગાડી પણ ચાલું કરવા ઇચ્છે છે. કોરોનાના આ કાળમાં તો અત્યારે ઉદયભાઈ પણ સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં ચોક્કસથી ચાલું કરશે.
ઉદયભાઈની રિક્ષામાં બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન પણ મુસાફરી કરી ચૂક્યા છે અને તેમના બ્લોગમાં તેમનાં વખાણ પણ કરી ચૂક્યા છે.
આ સિવાય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ગવર્નર શ્રી ઓપી કોહલી, કાજોલ, મોરારી બાપુ, આશા પારેખ, પરેશ રાવલ, રત્ન સુંદર મહારાજ સાહેબ, મથુરાના કૃષ્ણકથાકાર, ત્રીમૂર્તિના સંચાલક દિપકભાઈ સહિત ઘણી મોટી-મોટી હસ્તીઓ તેમની રિક્ષામાં સફર કરી ચૂક્યા છે. તાજેતરમાં જ રત્ન સુંદર મહારાજ સાહેબે તો દિલ્હીમાં તેમની કથામાં તેમનો ઉલ્લેખ પણ કર્યો હતો.
ઉદયભાઈની આ રિક્ષાને કોઈ ભાવના રથ કહે છે તો કોઈ હોન્ડા સીટી, તો કોઈ રામ રહિમ કહે છે. તેઓ ‘સર્વ ધર્મ સમભાવ’ ની લાગણી સાથે આગળ વધતા રહે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તેમનો સંપર્ક કરવા ઇચ્છતા હોય તો અહીં ક્લિક કરો, અથવા તેમને આ 94280 17326 પર કૉલ કરી શકો છો.
આ પણ વાંચો: અમદાવાદનાં 80 વર્ષનાં હોશિલાં ગુજરાતી દાદીએ ઊભું કર્યું પોતાનું ફૂડ એમ્પાયર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.