આજે અમે વાત કરી રહ્યા છીએ અમદાવાની વિશ્વા મોદીની. એમકૉમ બાદ કિચન મોડ્યૂલર ડિઝાઇનરનો કોર્સ કરનાર વિશ્વાએ બે વર્ષ સુધી નોકરી કરી. ત્યારબાદ લગ્ન બાદ વિશ્વા તેના પતિ પ્રિતેશ મોદી સાથે ગઈ. આ દરમિયાન એક એવો પણ સમય આવ્યો કે પતિની નોકરી જતી રહી અને તેમને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો.
આ સમયે વિશ્વા પણ નોકરી કરી શકે તેમ નહોંતી, કારણકે તે ગર્ભવતી હતી. એટલે તે તે એવું કઈંક વિચારતી હતી કે, કઈંક એવું કરે, જે તે ઘરે રહીને પણ કરી શકે. આ ઉપરાંત આ શરૂ કરવા પાછળનું બીજું એક કારણ પતિની નોકરી જતાં સહન કરવી પડેલ આર્થિક સંકડામણ પણ હતી. તે જ સમયે વિશ્વાએ પણ એવું વિચાર્યું કે, કઈંક એવું વિચારવું જોઈએ, જેથી કોઈના પણ પર નિર્ભર ન રહેવું પડે. આપણે જાતે કમાઈ શકીએ.
આ દરમિયાન અમદાવાદમાં જ્વેલરી ડિઝાઇનિંગનો કોર્સ ચાલી રહ્યો હતો. વિશ્વા ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં હોવાથી જઈ શકે તેમ નહોંતી એટલે તેમણે પ્રિતેશભાઈની બહેનને આ કોર્સ કરવા મોકલી અને પછી તેમની પાસેથી વિશ્વા જ્વેલરી બનાવતાં શીખી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વાએ તેનો પહેલો ઓર્ડર માત્ર 300 રૂપિયાની સામગ્રીમાંથી બનાવ્યો, જે એજ દિવસે 1200 રૂપિયામાં વેચાઈ પણ ગયો. એટલે માત્ર 300 રૂપિયાના રોકાણમાં વિશ્વાને 900 રૂપિયાનો નફો મળ્યો. જેનાથી વિશ્વાની હિંમત અને જુસ્સો બંને વધ્યો અને બસ એ દિવસથી ક્યારેય પાછા વળીને નથી જોયું વિશ્વાએ.
ધીરે-ધીરે તેમનો આ ઓનલાઈન વ્યવસાય વધવા લાગ્યો. શરૂઆતમાં તેઓ મંગળસૂત્ર બનાવતાં અને ઓનલાઈન માર્કેટિંગ કરતાં, તો તેમની બનાવેલ કેટલીક ડિઝાઇન્સ લોકોને ખૂબજ ગમવા લાગી. આ દરમિયાન કેટલાક ઓનલાઈન રિસેલર્સ પણ મળવા લાગ્યા. જેથી વ્યવસાય સતત વધવા લાગ્યો. ધીરે-ધીરે તેમના ઓર્ડર એટલા બધા વધી ગયા કે તેઓ બે બહેનોને રોજગારી પણ આપવા લાગ્યાં. વિશ્વા જે રીતે સમજાવે એ રીતે એ બહેનો બનાવે. હવે તેમણે મંગળસૂત્રની સાથે-સાથે અલગ-અલગ પ્રકારના નેકલેસ સહિત ઘણી જ્વેલરી બનાવવાની શરૂ કરી દીધી. તેમની આવક મહિને 80 હજારથી સવા લાખ સુધીની થઈ ગઈ.

એટલું જ નહીં, તેમના ઘરની પહેલી ફેમિલી કાર પણ વિશ્વાની આ કમાણીમાંથી જ આવી. વિશ્વાના પતિ પ્રિતેશ મોદી આઈઆઈટી ખડગપુરમાં એન્જિનિયરિંગનું ભણેલા છે. અને લગભગ 5 વર્ષ સુધી તેમણે પ્રોફેસર તરીકે નોકરી પણ કરી. તેમને પણ લાગ્યું કે, હું સવારથી સાંજ નોકરીમાં પણ જેટલું નથી કમાઈ શકતો એટલું વિશ્વા ઘરે બેઠાં કમાઈ લે છે. સાથે-સાથે વિશ્વાને અત્યારે 4 વર્ષનો પુત્ર પણ છે, તો વિશ્વા તેને પણ ઘરે સાચવી લે છે. એટલે પ્રિતેશભાઈએ પણ પોતાની નોકરી છોડી દીધી અને વિશ્વા સાથે તેનો વ્યવસાય સંભાળ્યો. વધુમાં-વધુ લોકો સુધી પહોંચવાની મહેનત શરૂ કરી.
આ દરમિયાન માર્ચ 2020 માં ભારતમાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું. આ દરમિયાન ટ્રાન્સપોર્ટેશન પણ અટકી પડતાં વિશ્વાનું કામ પણ બંધ થયું. આ દરમિયાન વિશ્વા અને પ્રિતેશે જોયું છે, આસપાસ એવા ઘણા લોકો છે, જેમની નોકરી છૂટી ગઈ છે, ઘણા લોકોનો પગાર કપાઈને આવે છે, તો આ લોકો માટે અત્યારે આ કામ બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે. એટલે તેમણે નક્કી કર્યું કે આપણે એક એવો ઓનલાઈન કોર્સ બહાર પાડીએ જેમાં,
- જ્વેલરી કેવી રીતે બનાવી
- જ્વેલરી ક્યાં વેચવી
- કેવી રીતે વેચવી

વગેરેની ટ્રેનિંગ આપીએ, જેથો તેઓ પણ આત્મનિર્ભર બની શકે. આપણા દેશમાં એવી ઘણી બધી મહિલાઓ છે, જે કાંતો અંતરિયાળ વિસ્તારમાં છે અથવા તો કોઈ કારણોસર નોકરી કરવા બહાર નીકળી શકતી નથી. તો આ વ્યવસાયથી તેઓ ઘરે બેઠાં કમાઈ શકે છે. વધુમાં આ એક એવો વ્યવસાય છે જેના માટે તમારે કોઈ મોટા રોકાણની જરૂર નથી, કોઈ મોટી મશીનરી ખરીદવાની જરૂર નથી, ખાસ જગ્યાની પણ જરૂર નથી. ઘરના એક ખૂણામાં કે કબાટમાં સામાન મૂકીને પણ શરૂ કરી શકાય છે આ વ્યવસાય.
આવું કઈંક કરવાનો વિચાર પ્રિતેશભાઈને છેલ્લા બે-ત્રણ વર્ષથી આવ્યો જ હતો, પરંતુ તેના પર ઠોસ કદમ લઈ શક્યા નહોંતા. આ દરમિયાન કોરોનાના કારણે લૉકડાઉન આવતાં તેમણે આ વિચાર પર કામ કરવાનું નક્કી કર્યું અને 4 જુલાઈ, 2020 ના રોજ તેમણે પોતાનો કોર્સ લૉન્ચ કર્યો.
જેમાં તેમની યુટ્યૂબ ચેનલ છે, જ્યાં લોકો તેમના વિડીયોને જુએ છે. આ જોઈને જેમને પણ એમ લાગે કે, તેમને આ કોર્સ કરવો છે, તેઓ તેમના વૉટ્સએપ ગૃપમાં આવે છે. ત્યારબાદ તેમને તેમના લાઈવ વેબિનારમાં ઈન્વાઈટ કરવામાં આવે છે. આ 90 મિનિટના વેબિનારમાં તેઓ 60 મિનિટ સુધી બધી સમજણ આપે છે, જેમાં આ વ્યવસાય તમારે શા માટે કરવો જોઈએ, તેમાં આવકના કેટલા સ્કોપ છે અને કેવી રીતે કરી શકાય. ત્યારબાદ તેમને કહેવામાં આવે છે કે, જો ખરેખર તમને એમ લાગતું હોય કે, આ તમારા માટે ફાયદાકારક છે, તો તમે અમારા કોર્સમાં જોડાઈ શકો છો.
આ અંગે વધુમાં વાત કરતાં પ્રિતેશભાઈએ કહ્યું, “અત્યારે અમારા બે કોર્સ છે. એક બેઝિક કોર્સ છે, જેની ફી 2000 રૂપિયા છે, અને એડવાન્સ કોર્સ છે, જેની ફી 5000 રૂપિયા છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પેમેન્ટ કરો કોર્સ શરૂ કરે એટલે તરત જ તેને કીટ મોકલવામાં આવે છે, આ કીટ વિશ્વા જાતે બનાવે છે. દરેક ગામમાં જ્વેલરીનું મટિરિયલ મળતું ન હોવાથી ઘણા લોકો આમાં અચકાતા હોય છે, એટલે આ કીટમાં અમે તેમને જ્વેલરીનું મટિરિયલ અને જરૂરી સાધનો મોકલીએ છીએ. આ ઉપરાંત તેમણે રેકોર્ડેડ વિડીયો લેક્ચર બનાવ્યાં છે. જેથી દેશના જે અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટની સુવિધા યોગ્ય ન એ લોકોને આ અગવડ ના પડે. આ ઉપરાંત અત્યારે તેમના સ્ટૂડન્ટ્સ ભારતના અંતરિયાળ ગામડાંથી લઈને યુએસ, ઈઝરાયેલ ઘણા દેશોના છે, એટલે બધાને જે પણ સમય અનુકૂળ લાગે ત્યારે તેઓ પોતાની રીતે શીખી શકે છે. જેમાં તેમને જ્વેલરી બનાવતાં શીખવાડવામાં આવે છે.”
આ વિડીયો જોઈને તેઓ કીટમાંથી મળેલ સામાનમાંથી તેઓ જ્વેલરી બનાવવાનું શરૂ કરી દે છે. ત્યારબાદ દર અઠવાડિયે 1 થી બે કલાકનો લાઈવ વેબિનાર યોજવામાં આવે છે, જેનું સંચાલન પ્રિતેશભાઈ કરે છે. તેઓ તેમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે માનસિક રીતે તૈયાર થવું વગેરે શીખવાડવામાં આવે છે. જેથી તેઓ ઘરે બેઠાં સોશિયલ મીડિયા મારફતે ગ્રાહકો મેળવી શકે અને તેમની જ્વેલરી વેચી શકે. આ સિવાય વિશ્વા પણ દર અઠવાડિયે 3 ઈંસ્ટાગ્રામ લાઈવ કરે છે. જેમાં જે સ્ટૂડન્ટનું કામ સારું હોય, તેમનું લાઈવ ઈન્ટર્વ્યૂ લેવામાં આવે છે, જેથી આ લાઈવ દરમિયાન જે-તે વ્યક્તિના ફોલોઅર્સ વધવા લાગે છે, જેથી તેમને ત્યાંથી ઓર્ડર્સ મળે. આ ઉપરાંત જેનો ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે તેનો આત્મવિશ્વાસ વધે છે અને જેનું પણ ઈન્ટર્વ્યૂ લેવામાં આવે છે, તેમના મનમાં પણ આશા જાગે છે કે, આ લોકો કરે છે તો અમે પણ કરી શકીએ.
જુલાઈ મહિનામાં આ કોર્સ શરૂ કર્યો હતો અને નવેમ્બર સુધીમાં સારી એવી આવક થવા લાગી. માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં તેમણે 400 લોકોને શીખવાડ્યું. આઠ મહિનાના આ સમય દરમિયાન તેમણે 750 લોકોને ફીવાળા કોર્સમાં પ્રશિક્ષણ આપ્યું છે. જેમાંથી તેમણે 30 લાખનું ટર્નઓવર પણ કરી લીધું છે.
આ બાબતે કેટલાક હ્રદયસ્પર્ષી અનુભવો શેર કરતાં પ્રિતેશભાઈ કહે છે, મધ્યપ્રદેશનાં આશાબેન કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે ડિપ્રેશનમાં સરી પડ્યાં હતાં. ત્યારબાદ તેમણે આ કોર્સ જોઈન કર્યો અને સંપૂર્ણ ધ્યાન આ વ્યવસાયમાં લાગી જતાં તેઓ સફળતાપૂર્વક ડિપ્રેશનમાંથી બહાર આવી ગયાં.

તો શ્રદ્ધા અડગીના પતિ આર્મીમાં છે, જેથી તેમની વારંવાર ટ્રાન્સફર થતી હોવાથી શ્રદ્ધાબેન કઈ કરી શકતાં નહોંતાં, પરંતુ હવે તેઓ ઘરે બેઠાં જ્વેલરી બનાવે છે, સારું એવું કમાય છે અને સાથે-સાથે પોતાની જાતને પ્રવૃત્ત પણ રાખે છે.

તો પૂજા ગર્ગ કોઈ શારીરિક કારણોસર 6 વર્ષ સુધી સતત બેડમાં રહ્યાં. જેના કારણે હતાશ થઈને તેમણે ચાર વાર સ્યુસાઈડનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ હવે તેઓ આ ક્ષેત્રે બહુ સારું કામ કરી રહ્યાં છે.
આ ઉપરાંત સુરત શહેરનાં આસિસ્ટન્સ્ટ સબ ઈન્સ્પેક્ટર શીતલ ચૌધરી પણ વિશ્વાની મદદથી મફતમાં વિધવાઓ અને ગરીબ મહિલાઓ માટે મફતમાં ટ્રેનિંગ ગોઠવે છે. જેમાં તેઓ તેમને જ્વેલરી બનાવતાં અને તેનું માર્કેટિંગ કરતાં શીખવાડે છે.

માત્ર 26 વર્ષની ઉંમરે વિશ્વા એક સફળ વ્યવસાય કરતી થઈ ગઈ છે અને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પણ બની છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે વિશ્વા અને પ્રિતેશનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો તેમના યુટ્યૂબ , ઈંસ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર ક્લિક કરો અથવા 9601543231 પર વૉટ્સએપ કરી શકો છો.
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.