Search Icon
Nav Arrow
Mitti ke rang
Mitti ke rang

અમદાવાદની આ 100% પ્રાકૃતિક રેસ્ટોરેન્ટ બનાવવામાં આવી છે હળદર, માટી & ફરીથી ઉપયોગમાં લેવાયેલ શણથી

એકદમ સસ્તામાં બનેલ આ રેસ્ટોરેન્ટમાં પગ મૂકતાં જ ગ્રાહકો થઈ જાય છે અભિભુત

અમદાવાદના ભવ્ય વારસાને સંભાળતાં મિલન પ્રજાપતિની પાંચમી પેઢી અત્યારે પણ કુંભારી કામ કરે છે. જેઓ તેમની કળાની મદદથી માટીમાંથી સુંદર કામ કરે છે.

સ્વદેશી કળા રૂપે આ કામ તેમને સદીઓથી આજીવિકા રળી આપે છે. તો મિલનને માટીમાંથી ભાતિગળ અંદાજમાં અવનવું બનાવવાનો બહુ શોખ છે, જેનો પુરાવો છે, તેમની 7 મહિના પહેલાં જ બનેલ રેસ્ટોરેન્ટ, મિટ્ટી કે રંગ (એટલે કે, માટીના રંગ) જે ખરેખર તેને ચરિતાર્થ પણ કરે છે.

Sustainable architecture

આ આખી રેસ્ટોરેન્ટમાં માટી કેન્દ્રસ્થાને છે. જે કુંભારની કળાનું પ્રદર્ષન કરે છે, જે ઈકોલૉજીકલ, ઓછા ખર્ચ અને સાંસ્કૃતિક પ્રતિક સાથે જોડાયેલ છે. તો તેના ટકાઉપણાની વાત કરવામાં આવે તો, પ્લાસ્ટર હળદર અને માટીને મિક્સ કરી કરવામાં આવ્યું છે અને તેમાં શણ, લાકડું અને બીજી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં મિલન જણાવે છે, “માટી જ્યારે હવે આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની ગઈ છે ત્યારે, હૂંફ અને વિશિષ્ટ દેખાવ પ્રદાન કરતી આ સામગ્રીમાંથી મને આજ સુધી ક્યારેય પૂરતી આવક મળી નથી. ત્યારબાદ 2020 માં અમે રિસાઇકલ કરેલ વસ્તુઓ અને સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરતી આર્કિટેક્ટ ફર્મ ધ ગ્રીડ (tHE gRID) ના આર્કિટેક્ટ્સનો સંપર્ક કર્યો. તેમણે અમારી ભાવનાને માન આપ્યું અને આપણા મૂલ્યોને આદર આપી જોતાં જ ગમી જાય એવું અને ઓછા ખર્ચમાં અદભુત રેસ્ટોરેન્ટ બનાવ્યું.”

Mitti ke Rang

ધ ગ્રીડના આર્કિટેક્ટ્સ ભાદ્રી અને સ્નેહલ સુથારને માટી સાથે રેસ્ટોરેન્ટને જોડવાનો વિચાર ગમ્યો. આ બંને આધુનિક અને રિસાયકલ સામગ્રીના ઉપયોગ અને તેનાથી સુશોભન કરવા માટે જાણીતા છે. ‘ગોલ્ડન પ્લાસ્ટર’ નામના અનોખા પેલેટનો ઉપયોગ કરતી વખતે પણ તેમણે આ સિદ્ધાંતનો જ અમલ કર્યો છે.

ઈકો ફ્રેન્ડલી અને સસ્તા બજેટમાં રેસ્ટોરેન્ટ બનાવવા અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં સ્નેહલે કહ્યું, “તેમની પાસે પૈસાની અછત હોવાના કારણે, આધુનિક અને ઐતિહાસિક વારસાને ધ્યાનમાં લીધો. અમે અમારા ગ્રાહકને કહ્યું કે, જેઓ હજી પણ આ હસ્તકળાનો ઉપયોગ કરી રહ્યા છે તેમને તેમની પ્રતિભાનો ઉપયોગ કરવા દો અને તેના બદલામાં અમે રેસ્ટોરેન્ટમાં પરંપરાગત અને સ્થાનિક વસ્તુઓનો અલગ-અલગ રીતે ઉપયોગ કરશું. મૂળભૂત સામગ્રી તરીકે માટીને જાળવી રાખતાં અમે હળદર અને કેસૂડાના અર્ક જેવી પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કર્યો. જેની સૌથી રસપ્રદ વાત તો એ છે કે, આમાં રંગ કે કાર્બન ફૂટપ્રિન્ટ ઊભી કરતી કોઈપણ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.”

Sustainable architecture

આમાં આર્કિટેક્ટ દંપતિએ બાંધકામ ખર્ચમાં 50% જેટલો ઘટાડો કર્યો. આ બાબતે વાત કરતાં ભદ્રીએ કહ્યું, “અમે એવી ઈમારત બનાવવા ઈચ્છતા હતા, જે પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે-સાથે ઓછી કિંમતે બને અને તેનો દેખાવ વૈભવી લાગે અને ટકાઉ પણ હોય. અમે સામગ્રી અને મજૂરી ખર્ચમાં બચત કરી છે અને 3,250 ચોરસફૂટની આ રેસ્ટોરેન્ટ 25 લાખ કરતાં પણ ઓછા ખર્ચમાં બનાવી દીધી છે.”

પ્રવેશદ્વાર ગ્રાહકના વારસા અને રેસ્ટોરેન્ટના થીમનું પ્રતિક છે – કુંભારનું એક પૈડું અને માટીનાં વિવિધ પ્રકારનાં વાસણો અને તેમાં પ્રકાશ ફેલાવી રહેલ શણના શેડવાળા લેમ્પ. વેઈટિંગ એરિયા, પ્રવેશદ્વારમાં ગ્રાહકના પૂર્વજો દ્વારા બનાવેલ વિવિધ સામગ્રીનું પ્રદર્ષન કરી સાંસ્કૃતિક વારસો બતાવવામાં આવ્યો છે – જેમાં ખાસ કરીને સફેદ અને લીલાં ટપકાંવાળી ખાંડણી-દસ્તો/વલોણી આકર્ષણનું સ્વરૂપ બને છે.

Ahmedabad

સોનેરી પ્લાસ્ટર અને અન્ય રિસાઇકલ કરેલ વસ્તુઓ
ઘણા બધા ટ્રાયલ અને અખતરા બાદ ભાદ્રી અને સ્નેહલ સોનેરી પ્લાસ્ટર સુધી પહોંચ્યા. અંતિમ પરિણામ જે મળ્યું તેનાથી દિવાલો ખડતલ બનવાની સાથે-સાથે તેમાં પ્રકૃતિની સુગંધ પણ ભળી. તેનો રંગ અને આવરણ થીમ અને અંદરની ડિઝાઇન સાથે આબેહુબ રીતે ભળી જાય છે. તો બહારના આવરણની વાત કરીએ તો, વિશ્વાસ ન થાય પરંતુ ભદ્રી અને સ્નેહલે આ વખતે પહેલીવાર સોનેરી પ્લાસ્ટરનો ઉપયોગ કર્યો છે.

Gujarat

આ અંગે સમજાવતાં ભાદ્રી જણાવે છે, “અમે માટીનો અલગ-અલગ રીતે ઉપયોગ કર્યો. અમે તેમાં કેસૂડાના ઝાડ પરથી મળતાં ફૂલનો અર્ક, હળદર અને અન્ય ઓર્ગેનિક વસ્તુઓ મિક્સ કરી, જેના પરિણામ સ્વરૂપે આ ભવ્ય સોનેરી પ્લાસ્ટર બની શક્યું. જે ભારતીય પરંપરામાં શુભ પ્રસંગો અને ઉત્સવોનું પ્રતિક બને છે. પ્લાસ્ટરની ઉપરની સપાટી હાથથી વલયઆકારે ડિઝાઈન કરવામાં આવી છે, જે તરંગો જેવી અનુભૂતિ કરાવે છે. જેમાં ઘાસ તેને મજબૂત બનાવવાનું કામ કરે છે પેસ્ટને જકડી રાખે છે અને તિરાડો પડતી અટકાવે છે. તો કેસૂડો મૂળ સોનેરી રંગને ઊડતો અટકાવે છે. “

Save environment

મિલન અને તેના માણસોની કળા પણ અહીં જોવા મળે છે, જ્યાં તેમણે અંદરની તરફ પ્લાસ્ટર કર્યું છે અને મજૂરોનો ખર્ચ પણ બચાવ્યો છે.

રિસાઈકલ કરેલ લાકડું, ફરીથી ઉપયોગમાં લેવાયેલ શણ, માટીનાં વાસણો અને છૂટાં-છવાયાં ટેરાકોટા ટેબલવેર કુદરતી સભ્યતાને ચરિતાર્થ કરે છે.

છત અને ફર્નિચર માટેનું લાકડું પણ રિસાઈકલ કરેલું જ છે. છતની કુલ સામગ્રીમાં લગભાગ 30% લાકડાનો સમાવેલ થયો છે. તો લેમ્પ્સને ડિઝાઇન કરવા માટે તેમણે લગ્ન મંડપોમાંથી શણની દોરીઓ (કાથી) ખરીદી છે. જેનો ઉપયોગ ડ્રેનેજ પાઈપો અને વતાનુકુલિત સ્ક્રીન માટે ઈન્સ્યુલેશન તરીકે પણ કરવામાં આવ્યો છે. જમીનને સ્થાનિક સિરામિક ટાઈલ્સની સજાવવામાં આવી છે.

રેસ્ટોરેન્ટનો ભાવ દર્શાવતાં સ્નેહલ કહે છે, “તેનો દેખાવ એકદમ સરળ છે અને રસ્તાની તરફ ભરપૂર બારીઓ છે, જે રેસ્ટોરેન્ટમાં પૂરતો સૂર્યપ્રકાશ લાવે છે. સૂર્યના પ્રકાશના કારણે અહીંનો રંગ ઝળહળી ઊઠે છે અને સ્ફૂર્તિનો સંચાર થાય છે. સામુહિક ભોજન માટે ખુરશીઓવાળી બેઠક વ્યવસ્થા અને આરામદાયક માટે સોફાની વ્યવસ્થા ખુલ્લામાં હોવા છતાં પૂરતી પ્રાઈવસીનો અવકાશ આપે છે.”

Bhadri and Snehal Suthar
Bhadri and Snehal Suthar

અહીં આવતા ગ્રાહકોને પણ આ લુક ખૂબજ ગમે છે. આજના આ આધુનિક જમાનામાં ભાતિગળ લુક સાથેની સોનેરી દિવાલોવાળી આ રેસ્ટોરેન્ટ તેમને અભિભુત કરી દે છે. જો તમે પણ આ રેસ્ટોરેન્ટની મુલાકાત લેવા ઈચ્છતા હોય તો, તે અમદાવાવાદમાં એસપી રીંગ રોડ પર ઝુંડાલ સર્કલ પાસે આવેલ છે.

સસ્ટેનેબલ આર્કિટેક્ચર હવે આપણા ભારતીય વારસા તરફ ફરી રહ્યું છે. જેમાં ભાતિગણ બાંધકામને નવી ઈમારતોમાં અજમાવવામાં આવે છે, જેનું એક ઉદાહરણ છે – મિટ્ટી કે રંગ

તમે અહીં tHE gRID architects નો સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: GOPI KARELIA

આ પણ વાંચો: અમદાવાદનું આ કપલ બનાવે છે રીસાઈકલ્ડ મટિરિયલમાંથી બિલ્ડીંગ, જે પર્યાવરણ માટે છે ફાયદાકારક અને સસ્તું

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon