ગુજરાતીઓને ‘ચા’ના રસિયા કહેવાય છે. સમગ્ર દેશમાં પાણી પછી સૌથી વધુ પીવાતુ પ્રવાહી હોય તો તે ‘ચા’ છે. રાજકોટના મૂળ રિઅલ એેસ્ટેટ સાથે સંકળાયેલા અને ટી પોસ્ટના ફાઉન્ડર દર્શનભાઇ દાશાનીને ‘ચા’ના અનઓર્ગેનાઇઝ સેક્ટરને ઓર્ગેનાઇઝ કરવાનો વિચાર આવ્યો. આ વિચારને તેમણે 2013માં ટી પોસ્ટના નામથી ટી કાફે રૂપે અમલમાં મૂક્યો અને તેમની મહેનત રંગ લાવી અને આજે ટી પોસ્ટ ચાર રાજ્યમાં 185થી વધુ આઉટલેટ ધરાવતું ફ્રેન્ચાઇઝી સેગમેન્ટ છે. દર્શનભાઇના નાના ભાઇ સમીર દાશાની તેમાં કો-ફાઉન્ડરની જવાબદારી સંભાળે છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા ટી પોસ્ટના ફાઉન્ડર દર્શનભાઇ દાશાની જણાવે છેકે, હું રાજકોટમાં વ્યવસાયે રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલો હતો. વર્ષ 2006માં અમારી ટી પોસ્ટની ખરી જર્નીની શરૂઆત થઇ હતી તેમ કહી શકાય. અમે પશ્ચિમ બંગાળમાં ચાનો બગીચો લેવાનો વિચાર કર્યો અને એક હજાર એકરનો ચાનો બગીચો લીધો હતો. જોકે સંજોગોવસાત આ વેન્ચર નિષ્ફળ ગયું અને તેમાં ખૂબ નુકસાન ભોગવવાનો વારો આવ્યો.

જે પૈસા ‘ચા’માં ગુમાવ્યા છે, તેને ‘ચા’માંથી કમાવવા… તે વિચાર સાથે વર્ષ 2013માં ટી પોસ્ટ શરૂ કરવાનો વિચાર આવ્યો. વર્ષ 2006માં ચાનો બગીચો લીધો ત્યારથી મગજમાં પ્લાન હતો કે આપણે જ પ્લાન્ટર, સેલર અને કન્ઝ્યૂમર આ ત્રણેય ઇન્ડસ્ટ્રી પોતાના હાથમાં રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાની છે.
વર્ષ 2011-12માં એકવાર એવું બન્યું કે, સામાન્ય રીતે અમે કિટલીએ જ ભેગા થતા હતા. તે સમયે ત્યાં નજીકમાં એક પાંઉભાજીની દુકાન હતી અને કારણોસર તે વેચવાની હતી. માલિકે પાંચથી છ કરોડ રૂપિયા વેચાણ ભાવ મૂક્યો હતો. અમે અમસ્તા જ અમારા ચા વાળાને કહ્યું કે, ભાઇ અહીંયા ઉભા રહેવાની અગવડતા પડે છે તું દુકાન લઇ લે ને તો થોડી સગવડતા રહે. ત્યારે ચા વાળાએ જવાબ આપ્યો કે, જો તમે બેસીને ડીલ કરાવતા હોવ તો 4.80 કરોડ સુધી તો આપવા હું તૈયાર છું. આ વાતથી મને આ ધંધામાં જવાની પ્રેરણા મળી કે જો સામાન્ય કિટલીવાળો પાંચ કરોડની દુકાન ખરીદવાની તૈયારી દર્શાવતો હોય તો આ સેક્ટરને ઓર્ગેનાઇઝ કરીને બિઝનેસ કરાય તે કેટલો સફળ થઇ શકે. આ વિચાર સાથે વર્ષ 2013માં ટી પોસ્ટનો પ્રારંભ થયો.

શરૂઆત કેવી રહી…
દર્શનભાઇ જણાવે છેકે, લો ઇનવેસ્ટમેન્ટ અને હાઇ રિટર્ન સાથે બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. મોટું કાફે બનાવવાનો કોઇ વિચાર હતો નહીં પરંતુ ફ્રેન્ચાઇઝ સેગમેન્ટનો વિચાર હતો. રાજકોટમાં કાલાવાડ રોડ પર પ્રથમ કાફે 8થી 10 લાખમાં બનાવ્યું. જ્યારે કાફે શરૂ કર્યું ત્યારે ચા પીવા સિવાય કાંઇ આવડતું નહોતું. કાફે શરૂ કરતા અગાઉ મેં છ માસ ટ્રાયલ કરી અનુભવ મેળવ્યો હતો. ચા પીવા આવનારા મોટાભાગના ઓળખીતા હોવાથી કોની પાસેથી ચાના રૂપિયા લેવા તે જ અવઢવમાં પ્રથમ પંદર દિવસ તો પૈસા લીધા વિના ચાની દુકાન ચલાવી હતી. શરૂઆતના સમયમાં તો હું પોતે જ દુકાન પર બેસતો હતો. જોકે ત્યારબાદ આઇટી સેક્ટરની મદદ લઇ બિલીંગ પ્રોસેસ તૈયાર કરી. જનસહકાર સાંપડતા પ્રથમ મહિને જ અમને 79 હજાર રુપિયાનો નફો થયો હતો. આ પ્રકારની 100 દુકાન કરવી અને રોજ એક લાખ કપ ચા વેચવી અને એક કપમાંથી એક રુપિયો કમાવવાના વિચાર સાથે ફ્રેન્ચાઇઝ સેક્ટરમાં ઝંપલાવ્યું હતું.
લોકો લારી-ગલ્લા પર ચા પીવા ટેવાયેલા હતા, જેથી તેમને કાફે કલ્ચર તરફ વાળવા તે પણ એક ટાસ્ક હતો. ટી પોસ્ટમાં પણ મોંઘુ જ મળતું હશે તેવી લોકોની ધારણા હતી. જે તે સમયે ઇન્ટરનેટ ખૂબ મોંઘુ મળતું હતું ત્યારે અમે ફ્રી વાઇ-ફાઇનો કન્સેપ્ટ લઇને આવ્યા હતા. જેથી કોઇ ચા પીવે કે ન પીવે પરંતુ લોકોના ટોળા જામવા લાગ્યા અને તેના બહાને અન્ય ગ્રાહકો મેળવવામાં સરળતા થઇ ગઇ હતી.

ચાર રાજ્યમાં 185 આઉટલેટ
પ્રથમ બે વર્ષમાં જ ટી પોસ્ટના 57 આઉટલેટ તૈયાર થઇ ગયા હતા. અમે ફ્રેન્ચાઇઝી આપવાનો નિર્ધાર પહેલેથી જ કર્યો હતો અને તેમાં સફળતા મળી રહી હતી. હાલમાં ટી પોસ્ટના ચાર રાજ્યમાં 185 આઉટલેટ છે. અમે છેલ્લા આઠ મહિનામાં નવા 20 આઉટલેટ શરૂ કર્યા છે. ટી પોસ્ટ પ્રથમ દિવસથી બાયો ડિગ્રડેબલ કપનો ઉપયોગ કરી રહ્યું છે. ટી પોસ્ટ IIM અમદાવાદ, IIM ઉદેપુર, IIM ઇન્દોર, IIT ગાંધીનગર, IIT ઇન્દોર અને પારૂલ યુનિવર્સિટી જેવી રેપ્યુટેડ એજ્યુકેશ ઇન્સ્ટિટ્યૂટમાં પણ આઉટલેટ ધરાવે છે. અમારો મોટાભાગનો ફોકસ કોર્પોરેટ એરિયા, હાઇવે, હોસ્પિટલ્સ અને સ્ટુડન્ટ્સ એરિયા છે. આવનારા વર્ષોમાં નોર્થ અને સાઉથ ઇન્ડિયામાં પણ એક્સાપાન્સનનું વિચારી રહ્યા છે. હાઇજીન, પોકેટ ફ્રેન્ડલી અને સારુ વાતાવરણ તે અમારી યુએસપી છે.

તમામ આઉટલેટ ‘નો સ્માકિંગ ઝોન’
સામાન્ય રીતે લોકો ચા સાથે સિગરેટ પીવાનો શોખ રાખતા હોય છે પરંતુ અમે અમારા એથિક્સને વળગી રહ્યા છે. ઘણાં લોકોએ સલાહ આપી કે આઉટલેટમાં સિગરેટ રાખો તેમાં સારુ માર્જિન મળી શકે છે પરંતુ અમે અમારા વિચારો પર મક્કમ રહ્યા છે. આજની તારીખમાં પણ અમારા તમામ આઉટલેટ ‘નો સ્મોકિંગ ઝોન’ છે.
અમારી સાથે મોટીસંખ્યામાં મહિલાઓ અને દિવ્યાંગજનો જોડાયેલા છે
આ ટીમ વર્કની સફળતા છે. અમે અમારી કંપનીમાં મૂકબધિરોને કામ આપીએ છે. ઘણા આઉટલેટ તેઓ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે અને તેઓ ખૂબ લોયલ છે. અમારી સાથે 50થી વધુ દિવ્યાંગ લોકો જોડાયેલા છે. અમારી સાથે વર્કફોર્સથી લઇ ફ્રેન્ચાઇઝી માલિક સુધીમાં મોટીસંખ્યામાં મહિલાઓ પણ જોડાયેલી છે.
હવે આવનારા સમયમાં અમે સેમી અર્બન અને અર્બન એરિયા પર ફોકસ કરી રહ્યા છે, જેના માટે 125 જેટલાં ગામડાં અને વિસ્તારોને પણ શોધી રાખ્યા છે. ટી પોસ્ટ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કેરી રસિયાઓને આખુ વર્ષ કેસરનો રસ અને 10 પ્રકારના આમ પાપડ ખવડાવી આવકમાં વધારો કર્યો કચ્છી ખેડૂતે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.