કોરોના રોગચાળાને કારણે, ભારતમાં કરોડો લોકોએ પોતાની નોકરી ગુમાવી, જેના કારણે તેમને ઘણા આર્થિક અને માનસિક પડકારોનો સામનો કરવો પડ્યો. પરંતુ, કેટલાક લોકોએ હિંમત હારી ન હતી અને સમય સાથે લડીને કંઈક અલગ કરવાનું નક્કી કર્યું હતું. કંઈક આવી જ કહાની કુમાર અભિષેકની છે. અભિષેક મૂળ બિહારના ભાગલપુરનો છે. તે છેલ્લા છ વર્ષથી બેંગ્લોરમાં મર્સિડીઝ બેન્ઝમાં જર્મન ટ્રાન્સલેટર તરીકે સેવા આપી રહ્યો હતો, પરંતુ ચાર મહિના પહેલા તેની નોકરી જતી રહી હતી. પરંતુ, અભિષેક પહેલાથી જ જોખમને સમજી ગયો હતો અને તેણે કોરોના રોગચાળો શરૂ થયાના થોડા સમય પછી પોતાનો ફૂડ બિઝનેસ શરૂ કર્યો હતો. આ ફૂડ બિઝનેસ દ્વારા આજે તે દર મહિને માત્ર લાખો રૂપિયાની કમાણી જ નથી કરી રહ્યો, પરંતુ તેણે પાંચ લોકોને આવકનો સ્ત્રોત પણ આપ્યો છે.
કેવી રીતે થઈ શરૂઆત
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં અભિષેકે કહ્યું, “હું હંમેશાથી મારું પોતાનું કંઈક શરૂ કરવા ઈચ્છતો હતો. આ હેતુથી, લગભગ દોઢ વર્ષ પહેલાં મેં બેંગ્લોરમાં 3 લાખ રૂપિયાથી મારો ફૂડ બિઝનેસ શરૂ કર્યો હતો. મેં થોડો સમય નોકરી અને ધંધો એક સાથે કર્યો, પરંતુ ચાર મહિના પહેલા કંપનીનો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો અને મારી ફુલ ટાઈમ જોબ જતી રહી. પરંતુ તેનાથી મને બહુ ફરક ન પડ્યો અને મેં મારું સંપૂર્ણ ધ્યાન મારા વ્યવસાયને આગળ વધારવા માટે સમર્પિત કર્યું.”
અભિષેકે પોતાના Food Businessનું નામ ‘સાઈ ચાટ સેન્ટર’ રાખ્યું છે. જ્યારે તે બેંગ્લોરમાં ચાટ સેન્ટર ચલાવી રહ્યો હતો, ત્યારે તેણે કોલકાતામાં ‘સાઈ ટી પોઈન્ટ’ની શરૂઆત કરી હતી.
તે તેના ફૂડ બિઝનેસમાંથી દરરોજ લગભગ 7000 થી 9000 રૂપિયા કમાય છે. તેઓ કહે છે, “એવી અપેક્ષા છે કે જાન્યુઆરીમાં કોરોના રોગચાળાની અસર ઓછી થઈ જશે અને ધીમે ધીમે કર્મચારીઓ ઓફિસ આવવા લાગશે. બેંગ્લોરમાં, અમે એવી જગ્યાએ દુકાન ચલાવી રહ્યા છીએ જ્યાં ઓછામાં ઓછા 12000 કર્મચારીઓ કામ કરે છે. જેમ જેમ કોરોનાને લઈને પરિસ્થિતિ સામાન્ય થઈ જશે, અમને ગ્રાહકની કોઈ સમસ્યા નહીં થાય. હાલમાં અમે દરરોજ 4000-5000 રૂપિયા કમાઈએ છીએ. જો સ્થિતિ સામાન્ય થઈ જશે, તો દરરોજ 10000-12000 રૂપિયાથી વધુની કમાણી થશે.”

આ પણ વાંચો: બેન્ક મેનેજરની નોકરી છોડી ખેતી કરનાર યુવાન મૂલ્યવર્ધન & માર્કેટિંગ દ્વારા કમાય છે સારો નફો
શું ખાસ છે
અભિષેક જણાવે છે, “અમારી બેંગ્લોરની દુકાનમાં ચાટ, સમોસા, રોલ, પરોઠા, મોમોસ જેવી ઘણી બધી ખાવાની વસ્તુઓ ઉપલબ્ધ છે. તો, કોલકાતામાં ચા-કોફી, મેગી, બ્રેડ ઓમલેટ, પકોડા જેવી વસ્તુઓ મળે છે.”
તેમની પાસે 15 રૂપિયામાં સમોસા, 30 રૂપિયામાં ચાટ, 30-40 રૂપિયામાં પરોઠા મળે છે. આ ઉપરાંત તે સ્વચ્છતાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે.
તેઓ કહે છે, “બેંગ્લોરમાં મોટા ભાગના સ્થળોએ માત્ર દક્ષિણ ભારતીય નાસ્તો જ આપવામાં આવે છે, પરંતુ અમારી પાસે દક્ષિણ ભારતીય અને ઉત્તર ભારતીય બંને વાનગીઓ છે. અમારી દુકાનમાં સમોસા સૌથી વધારે વેચાય છે. તેનું કારણ એ છે કે અન્ય તમામ જગ્યાએ સમોસા સાથે માત્ર ચટણી પીરસવામાં આવે છે. પરંતુ અમે સમોસા તોડીને, તેમાં લીલી અને મીઠી ચટણી, સેવ અને ડુંગળી પણ નાખીએ છીએ, જે તેનો સ્વાદ વધારે છે.”
તે આગળ કહે છે, “અમે ગરીબ શાળાના બાળકો, મજૂરો, દિવ્યાંગો અને સૈન્ય કર્મચારીઓને અડધા ખર્ચે ખવડાવીએ છીએ. આ રીતે અહીં કોઈપણ વ્યક્તિ સરળતાથી ભોજન કરી શકે છે. આ સિવાય અહીં દરેક માટે પાણી હંમેશા મફત છે એટલે કે જરૂરિયાતમંદોને પાણી લેવા માટે અન્ય દુકાનોની જેમ સામાન ખરીદવાની જરૂર નથી.”
કેવી રીતે કરે છે કામ
અભિષેક જણાવે છે, “અમે ગ્રાહકોને હોમ ડિલિવરીની સુવિધા પણ આપીએ છીએ. આ માટે તેઓ અમને સીધો ફોન કરી શકે છે. Swiggy અને Zomato દ્વારા પણ અમારો સામાન ગ્રાહકો સુધી પહોંચે છે. આ ઉપરાંત, અમે ઓર્ડર પર ખોરાક તૈયાર કરવા માટે ગ્રાહકોના સ્થળે પણ જઈએ છીએ.”
આ ઉપરાંત તેઓ કહે છે કે તે ખાવા માટે થર્મોકોલની પ્લેટને બદલે સોપારીના પાનમાંથી બનેલી પ્લેટનો ઉપયોગ કરે છે. જેના કારણે પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી.

આ પણ વાંચો: 3 વીઘામાં શિયાળામાં પાપડીથી લાખોની કમાણી કરે છે સુરતની મહિલા, દૂર-દૂરથી આવે છે લોકો
દરેક કામને આપે છે સમ્માન
33 વર્ષીય અભિષેક કહે છે, “મારા પિતા ITCમાં સ્ટોરકીપર હતા અને માતા ઘરના કામકાજ સંભાળતી હતી. અમે ચાર ભાઈ-બહેન છીએ. હું બીજા ધોરણ સુધી ખાનગી શાળામાં ભણ્યો હતો, પરંતુ ઘરની નબળી આર્થિક સ્થિતિને કારણે મારે શાળા છોડી દેવી પડી હતી. બાદમાં મેં સરકારી શાળામાંથી અભ્યાસ પૂરો કર્યો.”
તેઓ આગળ કહે છે, “હું શરૂઆતથી જ અભ્યાસમાં સારો હતો અને 2008માં મને EFL યુનિવર્સિટી, હૈદરાબાદમાં પ્રવેશ મળ્યો. 2011માં અહીંથી મારો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, મેં કોલકાતામાં MSR IT કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. લગભગ દોઢ વર્ષ સુધી અહીં IT હેલ્પ ડેસ્ક પર કામ કર્યું.”
પોતાના જૂના દિવસોને યાદ કરતાં અભિષેક કહે છે, “હું માત્ર 500 રૂપિયા અને બે જોડી કપડાં લઈને કોલકાતા આવ્યો હતો. ઘણી IT કંપનીઓમાં કામ કર્યા પછી, 2013માં મારી પસંદગી કેન્દ્રીય વિદ્યાલય, કોલકાતામાં જર્મન શિક્ષક તરીકે થઈ. જ્યાં મેં બે વર્ષ કામ કર્યું.”
પરંતુ, આ પછી કેન્દ્રીય વિદ્યાલયોમાં જર્મન શિક્ષકોની પોસ્ટ સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે અભિષેકનું જીવન સ્થગિત થઈ ગયું હતું અને તેને આગળ શું કરવું તે કોઈ રસ્તો દેખાતો ન હતો.
તે કહે છે, “મારી નોકરી છૂટી ગયા પછી હું ખાલી હાથે ઘરે પરત ફરવા માંગતો ન હતો. પછી મેં માછલી બજારમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. હું આખો દિવસ કામ કરતો અને રાત્રે નોકરીની તૈયારી કરતો. પછી, એક મહિના પછી મારી પસંદગી મર્સિડીઝ બેન્ઝમાં થઈ. અહીં મેં લગભગ 6 વર્ષ કામ કર્યું.”
તે કહે છે, “મેં ફિશ માર્કેટથી લઈને કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું છે અને હાલમાં ખાવાની દુકાન ચલાવું છું. મારી દૃષ્ટિએ કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. હું સમય સાથે આગળ વધવામાં માનું છું.”
મહામારીને કારણે ત્રણ મહિના સુધી બંધ રહ્યો Food Business
અભિષેક જણાવે છે કે, “કોરોના મહામારીની બીજી લહેરને કારણે ત્રણ મહિના સુધી તેનો ફૂડ બિઝનેસ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. આ દરમિયાન તેની રોજની કમાણી 100-200 રૂપિયાની પણ ન હતી.”
તે જણાવે છે, “ચાટ-સમોસાનો ફૂડ બિઝનેસ સાંજે ચાર વાગ્યા પછી જ ચાલે છે. પરંતુ આ સમય દરમિયાન અમે અમારી દુકાન માત્ર 7 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી જ ચલાવી શકતા હતા. જેના કારણે અમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ, હું મારા સહયોગીઓને મુશ્કેલીથી દૂર રાખવા માંગતો હતો અને મારી અંગત બચતમાંથી તેમને પગાર ચૂકવતો રહ્યો. આ મુશ્કેલ સમયમાં મને મારી પત્નીનો પૂરો સાથ મળ્યો અને તેણે ઘરની સંભાળ ખૂબ સારી રીતે લીધી. તે એક કંપનીમાં HR મેનેજર છે.”

આ પણ વાંચો: ઓછા પગારની નોકરીથી કંટાળી નવસારીના યુવાને શરૂ કર્યું પશુપાલન અને ખેતી, મહિને કમાય છે દોઢ લાખ
ભાવિ યોજના શું છે
અભિષેક કહે છે, “મારો હેતુ ફૂડ બિઝનેસમાં જ આગળ વધવાનો છે. અમે ટૂંક સમયમાં બેંગ્લોરથી લગભગ 100 કિલોમીટર દૂર કનકપુરા ખાતે યોગાશ્રમમાં અમારી કેન્ટીન શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ કામ માર્ચ સુધીમાં શરૂ થશે. આ સિવાય અમે બિહારની પૂર્ણિયા યુનિવર્સિટીમાં પણ અમારી કેન્ટીન ખોલવા જઈ રહ્યા છીએ.”
તેઓ અંતમાં કહે છે, “હું એવી જગ્યાએથી આવ્યો છું જ્યાં દરેક વસ્તુ માટે અલગ સંઘર્ષ હોય છે. હું મારી મહેનતથી એટલી ઊંચાઈ હાંસલ કરવા માંગુ છું કે હું વધુને વધુ લોકોને કામ આપી શકું અને તેમનું જીવન સારું બનાવી શકું.”
તમે 9901419767 પર અભિષેકનો સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 16 વર્ષે લગ્ન, 30 બાદ ગ્રેજ્યુએશન અને હવે હેન્ડબેગની ઓનલાઈન દુકાનથી કરે છે કરોડોની કમાણી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.