સવિનય અવજ્ઞા ચળવળ દરમિયાન જેલમાં બંધ સુભાષચંદ્ર બોઝની તબિયત ફેબ્રુઆરી, 1932માં બગડવા લાગી. આ પછી બ્રિટિશ સરકાર તેને સારવાર માટે યુરોપ મોકલવા માટે રાજી થઈ ગઈ. તેઓ સારવાર માટે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના પહોંચ્યા હતા. પરંતુ, તેમણે નક્કી કર્યું કે તેઓ યુરોપમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને સ્વતંત્રતા માટે લડવા માટે એક કરશે. આ સમય દરમિયાન, તેમને યુરોપિયન પ્રકાશક દ્વારા ‘ધ ઈન્ડિયન સ્ટ્રગલ’ પુસ્તક લખવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ પુસ્તકના સંબંધમાં તેઓ જૂન 1934માં પહેલીવાર એમિલી શેન્કલને મળ્યા હતા.
એમિલી એક ખુલ્લા મનની, ભણેલી-ગણેલી જર્મન છોકરી હતી જેને તેમણે તેનું પુસ્તક અંગ્રેજીમાં ટાઇપ કરવા માટે રાખી હતી.
તે જ વર્ષે નવેમ્બરમાં, નેતાજીને તેમના પિતાની માંદગીના સમાચાર મળ્યા અને તેઓ ભારત પાછા ફર્યા. જોકે, તે ભારત પહોંચ્યા ત્યાં સુધીમાં તેમના પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું. પરંતુ ભારત આવ્યા પછી જ તેમને એમિલી પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો. સુભાષ ભારતમાં નજરકેદ હતા અને દાર્જિલિંગમાં તેમના ભાઈના ઘરે રોકાયા હતા. આ એ સમય હતો જ્યારે સુભાષ અને એમિલી પત્રો દ્વારા એકબીજા સાથે જોડાવા લાગ્યા હતા. અને અહીંથી જ સુભાષ અને એમિલીની પ્રેમ કહાની શરૂ થાય છે.
જોકે, સુભાષ અને એમિલીએ એકબીજા સાથે બહુ ઓછો સમય વિતાવ્યો હતો. જૂન 1934 થી 1945 માં નેતાજીના મૃત્યુના સમાચાર સુધી, લગભગ 11 વર્ષ સુધી, સુભાષનું દિલ દેશને આઝાદી અપાવવા ઉપરાંત એમિલી માટે ધડકતું હતું. વાસ્તવમાં આ 11 વર્ષ નેતાજીના જીવનના સૌથી ખાસ વર્ષો હતા.
1936 માં તેઓ સારવાર માટે પાછા જર્મની ગયા અને ફરી એકવાર એમિલીને મળ્યા. 1937-38 દરમિયાન, તેઓ જર્મનીમાં સાથે રહેતા હતા અને આ સમય દરમિયાન લગ્ન કર્યા હોવાનું કહેવાય છે. એમિલીએ ક્યારેય સુભાષને સાથે રહેવાનું કે સાથ આપવાનું કોઈ વચન માંગ્યું નથી. લગ્ન પછી તરત જ જાન્યુઆરી 1939માં તેઓ ભારત પાછા ફર્યા. દેશમાં પાછા આવીને તેમણે આઝાદીના યુદ્ધમાં ઝંપલાવ્યું.
1941 અને 43 ની વચ્ચે સુભાષ અને એમિલીને થોડો સમય ઇટાલીમાં વિતાવવાનો મોકો મળ્યો. આ એ સમય હતો જ્યારે સુભાષ યુરોપમાં રહેતા ભારતીય મૂળના લોકોને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડવાનું કામ કરી રહ્યા હતા. વર્ષ 1942માં સુભાષ અને એમિલીની પુત્રી અનિતાનો જન્મ થયો હતો. પરંતુ દેશની ખાતર ફરી એકવાર 1943માં સુભાષ દક્ષિણપૂર્વ એશિયા જવા રવાના થયા. પણ આ વખતે તેઓ એવી રીતે ગયા કે પાછા ફર્યા નહિ.
આ પછી એમિલીએ ઘણી રાહ જોઈ, પરંતુ આ વખતે દર અઠવાડિયે પત્ર લખતા સુભાષનો એક પણ પત્ર આવ્યો નહીં.
અને પછી 18 ઓગસ્ટ 1945ના રોજ એમિલીને સુભાષના મૃત્યુના સમાચાર રેડિયો દ્વારા મળ્યા.

આ પણ વાંચો: જુનાગઢ અને હૈદરાબાદના ભારતમાં વિનિકરણ માટે આ ગુજરાતી લેખકે આપ્યો હતો સરદાર પટેલને સાથ
સુભાષ બાબુએ તેમના લગ્ન વિશે ક્યારેય ખુલીને વાત કરી નથી, પરંતુ તેમના મૃત્યુ પછીના તેમના ભત્રીજાની પત્ની કૃષ્ણા બોઝના પુસ્તક ‘એમિલી અને સુભાષ’માં તેમના પ્રેમ પત્રોની જાણકારી મળે છે.
5 માર્ચ, 1936ના રોજ, સુભાષે એક પત્રમાં લખ્યું – “મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. મારે મારું આખું જીવન જેલમાં વિતાવવું પડી શકે છે, મને ગોળી મારી શકાય છે અથવા મને ફાંસી આપવામાં આવી શકે છે. કદાચ હું તને ક્યારેય જોઉં નહીં, કદાચ ક્યારેય પત્ર લખી ન શકું – પણ મારા પર વિશ્વાસ કરજે, તું હંમેશા મારા હૃદયમાં રહીશ, મારા વિચારોમાં અને મારા સપનામાં રહીશ.”
નેતાજીના મૃત્યુ પછી, એમિલીએ હિંમતપૂર્વક પોતાની પુત્રી અનિતાને એકલા હાથે ઉછેરી. અનિતા, તેના પિતાની સાથે સાથે, તેની માતા પાસેથી દરરોજ ભારત વિશે સાંભળતી હતી.
1996 માં, એમિલીનું જર્મનીમાં અવસાન થયું. પરંતુ જેમ નેતાજીની શૌર્યગાથા અમર છે, તેવી જ રીતે તેમની અને એમિલીની પ્રેમકથા પણ અમર છે.
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: દીકરીને ભણાવો: આ છોકરીએ એકલા હાથે 34000 છોકરીઓના શિક્ષણ માટે 3 કરોડ એકઠા કર્યા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.