Search Icon
Nav Arrow
Edible Spoon
Edible Spoon

બાય બાય પ્લાસ્ટિક: ગુજરાતનો આ યુવાન બનાવે છે ખાઈ શકાય તેવી 8 ફ્લેવરની ચમચીઓ!

તમારા ગમતા સ્વાદ, આકાર અને સાઈઝ પ્રમાણે મળશે ચમચી, વડોદરાના આ યુવાનની ચમચીઓની નિકાસ થાય છે વિદેશોમાં પણ

કોઈને સર ડેવિડ અટેનબર્ગનું પ્લેનેટ અર્થ II વાંચવાની જરૂર નથી કે નેશનલ જિયોગ્રાફિકનું સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે ઊભી થતી સમસ્યાઓ આધારિત મેગઝિન વાંચવાની જરૂર નથી.

તેના પુરાવા આપણી સામે જ છે – શેરી મહોલ્લાઓથી લઈને બગીચાઓ અને જંગલો તેમજ મહાસાગરો સુધી.

અત્યારે પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે, ઘણાં પ્રાણી-પક્ષીઓ અને દરિયાઈ જીવો તેમના ખોરાકની સાથે પ્લાસ્ટિકને પણ ભૂલથી ખાઈ લે છે અને તેનાથી તેમનું મૃત્યુ પણ થાય છે. આ બધાનું માઠું પરિણામ માનવજાતને ભોગવવું પડી શકે છે.

Stop Pollution
Source: Facebook.

પ્લાસ્ટિકની કટલરી પણ આમાંની જ એક છે, જેને ઉપયોગમાં લીધા બાદ લેન્ડફીલમાં નાખવામાં આવે છે અથવા જળાશયોમાં ફેંકી દેવામાં આવે છે.

જોકે અત્યારે ઘણા લોકો પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે માટે ઘણા લોકો સ્ટીકનાં વાસણો અને બાયોગ્રેડિબલ કટલરીને ધીરે-ધીરે મહત્વ આપવા લાગ્યા છે.

તાજેતરનું આ ખાઈ શકાય તેવી કટલરીનું સંશોધન – લોકોના ભોજનને સંપૂર્ણ કરી શકે છે. ઘણા લોકોની ચિંતા હળવી કરી શકે તેવું આ સંશોધન ગુજરાતના એક યુવાને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા કર્યું છે. ભલે શરૂઆત ખાઈ શકાય તેવી ચમચીથી કરી હોય, પરંતુ અભિગમ બહુ સારો છે, અને મહત્વની વાત તો એ છે કે, તમને 8 અગલ-અલગ સ્વાદવાળી ચમચી મળશે.

Edible Cutlery
Credits: Trishula.

26 વર્ષના કૃવિલ પટેલ વડોદરાના એન્જિનિયર છે, જેમના ખાઈ શકાય તેવી કટલરીમાં ખાસ રસના કારણે જ શરૂ થઈ તેમનું ‘ત્રિશુલા’ સ્ટાર્ટઅપ.

આ બાબતે એનડીટીવી સાથે વાત કરતાં કૃવિલે કહ્યું, “જ્યારે હું એન્જિનિયરિંગ કરતો હતો ત્યારે મેં સાંભળ્યું હતું કે, ખાઈ શકાય તેવી કટલરી પ્લાસ્ટિકની સિંગલ યૂઝ કટલરીનો સારો વિકલ્પ બની શકે છે અને તે સારી ટ્રીટ પણ બની શકે છે. મેં હૈદરાબાદથી કેટલીક ખાઈ શકાય તેવી ચમચીઓ મંગાવી. મારો ઓર્ડર મળતાં, મને ખબર પડી કે, તેમનો સ્વાદ અને ગુણવત્તા એટલી સારી નહોંતી, લોકોને એટલી જલદી આકર્ષી શકે તેમા નહોંતી. અને બસ ત્યાંથી જ મને સારા સ્વાદવાળી ચમચીઓ બનાવવાનો વિચાર આવ્યો.”

Say no to plastic
Credits: Trishula.

કૉલેજ પૂરી થતાં જ કૃવિલે તેના આ વિચાર અંગે પરિવાર સાથે ચર્ચા કરી. તેઓ ઈચ્છતા હતા કે, કૃવિલ પારિવારિક વ્યવસાયમાં જોડાય અને તેના આ ખાઈ શકાય તેવી કટલરી બનાવવાના વિચારને બહુ સમર્થન ન આપ્યું, પરંતુ આ યુવાન એમ હારે એમ નહોંતો. થોડા મહિનાની સખત મહેનત અને રિસર્ચ બાદ નવેમ્બર 2017 માં શરૂઆત થઈ ત્રિશુલાની.

અહીં તમને બીટરૂટ, પાલક, ચોકલેટ, મસાલા, કાળામરી, ફૂદીનો, અજમો અને પ્લેન એમ કુલ આઠમાંથી એક ફ્લેવર પસંદ કરવાની તક મળશે. કૃવિલનું માનવું છે કે, લોકોને તેમની પસંદ પ્રમાણે સ્વાદ આપવામાં આવે તો, વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય છે.

Say no to plastic
Credits: Trishula.

વિવિધ આટા, ભારતીય મસાલા અને ફ્લેવરના મિશ્રણને ખૂબજ ઊંચા તાપમાને બેક કરવામાં આવે છે, જેથી તેમાંથી બધો જ ભેજ શોષાઈ જાય.

બનીને તૈયાર થયેલ ઉત્પાદનો 100% કુદરતી છે જ, સાથે-સાથે તેમાં કોઈપણ જાતનાં પ્રિઝર્વેટિવ્સ કે આર્ટિફિશિયલ ફ્લેવરનો ઉપયોગ નથી થયો, પરંતુ આ સ્પૂનને તેના ઉત્પાદનના છ મહિના સુધી સાચવી પણ શકાય છે. આ સ્ટાર્ટઅપ દ્વારા તમારી ગમતી સાઈઝ, આકાર અને સ્વાદ અનુસાર ચમચીઓ પણ બનાવી આપવામાં આવે છે.

Gujarat Young Man
Credits: Trishula.

એક ચમચીની કિંમત 3 થી 6 રૂપિયાની આસપાસ તહે છે, જેનો આધાર તેનો ફ્લેવર અને ગુણવત્તા પર રહે છે. પ્લેન ફ્લેવરની ચમચી જો 5000 કરતાં વધુ ઓર્ડર કરવામાં આવે તો એક નંગ 3 રૂપિયામાં પડે છે, તો ચોકલેટ ચમચી 4.5 રૂપિયાની પડે છે.

અત્યારે તેમની આ ચમચી માત્ર ગુજરાત પૂરતી સિમિત નથી રહી. વિદેશોમાં પણ તેની નિકાસ થાય છે. કેટલીક ઈન્ટરનેશનલ રેસ્ટોરેન્ટમાં જોવા મળે છે.

આમ તો અત્યારે આ ખાઈ શકાય તેવી ચમચીઓનું માર્કેટિંગ મુંબઈના એક ડ્રિસ્ટ્રિબ્યૂટર દ્વારા કરવામાં આવે છે પરંતુ તમે ઈચ્છો તો તેમના ફેસબુક પેજ દ્વારા પણ ત્રિશુલા સુધી પહોંચી શકો છો.

મૂળ લેખ: લક્ષ્મી પ્રિયા એસ.

આ પણ વાંચો: ઉપયોગ બાદ માટીમાં દાટવાથી ખાતરમાં ફેરવાઈ જાય છે આ ઈકો-ફ્રેન્ડલી સેનેટરી નેપ્કિન!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon